હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/ભારે થયેલા શ્વાસ હવામાં ઉછાળીએ



ભારે થયેલાં શ્વાસ હવામાં ઉછાળીએ
આંખોમાં ભરીએ આભ તણખલાઓ ચાવીએ.

ખળખળ વહી જતી પળો કાલે ન પણ મળે
થઈએ ભીના ફરીથી ફરીથી સૂકાઈયે.

ઊગતા સૂરજનો રંગ છે અત્યારે હાથમાં
મુઠ્ઠી ભરી ભરી બધે તડકો ઉડાવીએ.

વાતાવરણમાં ધુમ્મસી ભીનાશ ઓસની
ટીપાંઓ એકઠાં કરી દૃશ્યો તરાવીએ.

આંગળીઓ એકમેકની ગણીએ ધીમે ધીમે
અંતર ક્ષિતિજ સુધી હજી પગલાંથી માપીએ.

છંદવિધાન
ગાગાલ ગાલગાલ લગાગાલ ગાલગા