હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/મારું ધીમા સ્મરણ વહનમાં ધીમું બળવું



મારું ધીમા સ્મરણ વહનમાં ધીમું બળવું
નામ કોડિયે પ્રગટાવીને તરતું મૂકવું.

માટી પર ઝિલમિલ સરતો શોષાતો રેલો
એક કૂંપળનું ત્વચા તળે હળવેથી ફૂટવું.

વૃક્ષનું ઊપસી આવવું આભલે મઢ્યા તિમિરમાં
છાતી જેવું મર્મરનું ત્રૂટક ખળખળવું.

રાતનું ઊઘડી ઊઘડી પડવું વનવગડામાં
ઢળતા ઢાળે છોડ વચાળે ઝબકી ઉઠવું.

ઝાકળના દડતા ટીપામાં આછા અણસાર
ઝરમર ઝરમર જેવું ઝીણું અલપ ઝલપવું.