હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/સીરી રોડ


સીરી રોડ


નરીમાન પોઇન્ટથી પાછળ
રાતે
દરિયાના ગળે હીરાદાર હાર જેવો રસ્તો
અર્ધગોળાકારે જતો જતો રસ્તો
રેતમાં સરતા સરતા અટકી ગયેલા સાપ જેવા સર્પાકારે જતો જતો રસ્તો
દિવસે
જતા જતા ચોપાટી સુધી સરે, સરતો જાય, જાય
આગળ જમણે પડે વિલ્સન કૉલેજ
વટાવતાક થોડેક આગળક સામે ત્રિભેટે પડે બૅન્ડ સ્ટૅન્ડ
ડાબે મલબાર હિલ ઊંચે ઊંચે
ઊંચે ઊંચે જમણે બાબુલનાથ
વચવચાળે પડે એ સીરી રોડ

હવા લીલેરું વહેતી હોય
હળવે શ્વાસમાં કોળે કળી ખીલખીલતી
કૂંપળ કૂણી ફૂટું ફૂટું થાતી થાતી
ફૂટી નીકળે ઘેરા ઘાસમાં આઘે ને પાસેપાસ
પિગળ છાંટણાં કંઈ સાથસાથે
જાંબલી કંઈ છાંટણાં ખીલે અડાબીડા
પીરોજી આભમાં લેલૂંટ લીરા આમ લીરા તેમ કરતી કેટલી
કથ્થાઈ ડાળીઓની વચવચ્ચે કતારે ઊડતી દૂરે દૂરે ડાળી ત્રુટકતી નાની
મોટેરી લીટીઓ હારહારોહાર
સાથોસાથ અહીંયા ત્યાંય
મટમટિયાળા પગ પગલાં તળેથી આભલા ચોડેલ
કંઈ રસ્તા ફૂટી નીકળે

એ ચાલે છે
ચાલે છે ત્યારે ત્યારે એ સીરી રોડ પર ચાલે છે