હેમેન શાહનાં ચૂંટેલાં કાવ્યો/ના મળે
ના મળે
ના મળે જીવંત પડઘો તો મળે જડ, કમ સે કમ,
ભીંત પરની યક્ષકન્યા તો હો અલ્લડ કમ સે કમ!
ક્યાંય પણ, તપખીરી એકલતાનું ઓસડ કમ સે કમ,
હોય છે હમ્મેશ પડછાયો અડોઅડ કમ સે કમ.
માર્ગના આડા જવા પર કોઈ પાબંદી નથી,
પણ પથિકમાં એ સમજવાની હો ત્રેવડ કમ સે કમ.
એમનું આ ચૂપ થઈ મોં ફેરવીને સૂઈ જવું,
મેં ગુજારી રાતભરમાં લાખ પતઝડ કમ સે કમ.
પાથરો કસ્બા ઉપર છો કેફ મોડી રાતનો,
રાખજો એકાદ પ્હો ફૂટવાની સગવડ કમ સે કમ.
અંધ સંસ્કૃતિને કોઈ પુત્ર એવો તો મળે,
ઊંચકી ચાલી શકે જે એની કાવડ કમ સે કમ.
દોસ્ત, ૪૯