હેમેન શાહનાં ચૂંટેલાં કાવ્યો/મળશે આસાની

મળશે આસાની

મળશે આસાનીથી વૃક્ષનો જન્મ પણ
ફૂલને પામવા રાહ જોવી પડે,
દરિયો થઈને વિતાવો ભલે આયખું
આભને આંબવા રાહ જોવી પડે.

લાવાને ટીપાં ટીપાંથી ભેગો કરી
ફાટતો છેવટે એક જ્વાળામુખી,
ક્ષણ મહાયુદ્ધની રોજ આવે નહીં
શંખને ફૂંકવા રાહ જોવી પડે.

કેટલી વાર જોઈશ હું પંખીઓ
પારધીથી સતત બાણે ઘાયલ થતાં?
કેટલી છટપટાહટ છે બાકી હજી?
મંત્ર ઉચ્ચારવા રાહ જોવી પડે.

હોય ભાષા બીજું શું કે બસ મૂળમાં
માત્ર વર્ષોથી સ્થિર એક બારાખડી,
રામ જાણે કદી સ્પર્શ કોનો થશે?
કાવ્યપંક્તિ થવા રાહ જોવી પડે.

આખરે ૩૧