હેમેન શાહનાં ચૂંટેલાં કાવ્યો/વીશી ચલાવતી

વીશી ચલાવતી

વીશી ચલાવતી’તી એ બાઈ ભલી હતી,
આંખોમાં એની વેદનાયે જાંબલી હતી.

અવસાન પ્રિયનું થતાં ત્યાં સળ પડી ગયા,
નહિ તો ત્વચા સવાર જેવી મખમલી હતી.

પૈસાની આપલે કરે છે જે હથેળી બસ,
ક્યારેક પતંગિયાની ત્યાં વંશાવલી હતી.

આજે ન જાણે કેમ મન ખાટું થઈ ગયું,
વર્ષો અગાઉ મોંમાં કાચી આંબલી હતી.

સાદા પ્રયત્નથી ન એ પાછું મળી શકે,
જ્યાં હાસ્યને મૂક્યું, એ ઊંચી છાજલી હતી.

એ ગોઠવાઈ સભ્ય રીતે ફૂલદાનીમાં,
અમથી ફૂટેલી ડાળખી જે જંગલી હતી.
 
દોસ્ત, ૮૦