૩૩ કાવ્યો/મેદાનમાં

મેદાનમાં

અહીં આ જ મેદાનમાં કાલ સાંજે
(કહે છે કે જે ન આવ્યા તે અક્કરમી!)
માનવોની મેદની શી ગજાવી,
તે હવામાં છે હજુ એની ગરમી;
ને તાલીઓ શી બજાવી,
તે પડઘા તો હજુ ગાજે!
અહીં એ જ મેદાનમાં આજ હવે
(કાલ સાંજે દરમાં જે ભાગી ગઈ)
અસંખ્ય આ કીડીઓ
(કે જેના ઉદ્યમને કવિજન ઉમંગથી સ્તવે!)
દરમાંથી બ્હાર બધે ઊભરાતી,
કોણ જાણે કેમ પણ ખૂબ રાતી,
ચૂપચાપ જાણે કૈં ન બન્યું એમ કામે કેવી લાગી ગઈ!

૧૯૫૭