૩૩ કાવ્યો/વિદાયવેળા

વિદાયવેળા

વિદાયવેળા નવ કો વ્યથા હો!
નિ:શ્વાસ ના, નીર ન હોય નેણમાં;
ના મ્લાન એકે મુખરેખ, વેણમાં
કૃતઘ્નતાની નવ કો કથા હો!
બે માનવીનું મળવું – અનન્ય!
એમાં ય જો આદરસ્નેહ સાંપડે,
ના સ્વર્ગ અન્યત્ર, સદાય ત્યાં જડે;
કૃતાર્થ આ જીવન, પર્વ ધન્ય!
અહીં મળે માનવ જે ગમી જતું
જોતાં જ, તો બે ક્ષણ ચાહી લેવું!
અને પછી સંગ ઉરે રમી જતું
જો ગીત, તો બે ક્ષણ ગાઈ લેવું!
હો ધન્ય સૌ માનવલોકમેળા,
કૃતજ્ઞતા માત્ર વિદાયવેળા!

૧૯૫૭