૩૩ કાવ્યો/સદ્‌ભાગ્ય

સદ્‌ભાગ્ય


સદ્ભાગ્ય શું હોય મનુષ્ય હોવું?
ક્ષણેક આનંદ, સદાય રોવું;
ક્ષણેકનું યૌવન, વૃદ્ધ થૈ જવું;
ક્ષણેકનો પ્રેમ, સદાય ઝૂરવું;
ક્ષણેક જે પ્રાપ્ત, સદાય ખોવું;
સદ્ભાગ્ય શું હોય મનુષ્ય હોવું?
સદ્ભાગ્ય શું ન્હોય મનુષ્ય હોવું?
સૌંદર્ય જ્યાં નિત્ય નવીન જોવું,
જ્યાં કાવ્યમાં પ્રેમ ન મૃત્યુયુક્ત
ને શિલ્પમાં યૌવન કાલમુક્ત,
ધરા અહો ધન્ય, ન સ્વર્ગ મ્હોવું;
સદ્ભાગ્ય શું ન્હોય મનુષ્ય હોવું?

૧૯૫૭