૮૬મે/કવિ! તમે ક્યાં છો?

કવિ! તમે ક્યાં છો?

કવિ! તમે ક્યાં છો?
ના, તમે જોડાસાંકોમાં નથી,
નથી તમે સદર સ્ટ્રીટમાં,
કે નથી તમે શાંતિનિકેતનમાં,
ના, તમે પતિસરમાં નથી,
નથી તમે શાજાદપુરમાં,
કે નથી તમે શિલાઈદહમાં ય.
તો ક્હો કવિ! તમે ક્યાં છો?

જ્યાં પ્રભાતના સોનેરી પ્રકાશમાં
શિશુઓ ફૂલની જેમ ખૂલતા-ખીલતા હોય,
જ્યાં કૈંક ચારુલતાઓનાં છાનાં આંસુથી
એમની સાડીનો પાલવ ભીંજાતો હોય,
જ્યાં મનુષ્ય ભયશૂન્ય ચિત્તે
ઉચ્ચ શિરે વિચરતા—વિહરતા હોય,
‘સબાર પિછે, સબાર નીચે
સબહારાદેર માઝે’ જ્યાં પરમેશ્વર ધૂળમાં વસતા હોય,
ને ખેડૂતો ‘જેથાય માટિ ભેંગે કરે છે ચાષા-ચાષ’,
મજૂરો ‘પાથર ભેંગે કાટછે જેથાય પથ’,
ને જ્યાં ‘સામ્રાજ્યેર ભગ્નશેષ પરે
ઓરા કાજ કરે’,
જ્યાં આકાશ આષાઢના મેઘથી છવાયું હોય,
જ્યાં પદ્મા શાન્ત ગભીર ગતિથી વહેતી હોય,
જ્યાં વાયુ ખુલ્લાં ખેતરો વચ્ચે લહેરાતો હોય,
જ્યાં વર્ષાની સહસ્ર ધારથી ધરાની માટી મ્હોરતી હોય,
જ્યાં વસંત પણ રુદન કરતી હોય,
જ્યાં શાન્ત મૂગાં વૃક્ષો એક ચિત્તે ધ્યાન ધરતાં હોય,
જ્યાં બલાકાની પાંખની ‘હેથા નય અન્ય કોથા’
વ્યાકુલ વાણીની સાથે સમગ્ર વિશ્વ ઊડતું હોય,
કવિ! કહો, તમે ત્યાં ત્યાં નથી?
હા, કવિ! તમે ત્યાં ત્યાં છો.
હવે નહિ પૂછું, ‘કવિ! તમે ક્યાં છો?’

શાન્તિનિકેતન
૩ માર્ચ, ૨૦૦૬