– અને ભૌમિતિકા/ગામ તરફ (ગાડીમાં)


ગામ તરફ (ગાડીમાં)

ગોફણથી છૂટ્યા પથ્થર જેમ છૂટ્યો છું અહીંથી
મારે તારા લીલાછમ ખેતરમાં પડવું...
સાંજની સોનેરી નાવ પણે દૂ...ર ક્ષિતિજમાં
ચકરાતી ચકરાતી ઊતરે પેલી પાર.
બ્હાર...ઝાડ હરણની જેમ
બ્હાવરાં થઈ દોડે...
સામેના સોનલવર્ણા ખેતર પર
અને આઘે બેઠેલાં ઊંટ જેવી ટેકરીઓ પર
મારી મોર-પીચ્છ જેવી આંખ ચીતરું
તું...પ્રિય, અત્યારે કદાચ
ગવરીને લીલોછમ વગડો નીરતી હશે...
અથવા તો અલપઝલપ સૂરજને
તુલસી-ક્યારે ઘી નીતરતી આંખે સ્થાપતી હશે
ને અહીંયાં બેઠો તારાં કંકણ જેવો
કલબલ કલબલ મનમાં મલકી ઊઠું છું
પણ સાંપડેલી આ ક્ષણને અહીંયાં
ક્યાં...કોની વચ્ચે વ્હેંચી વળું?
...ડબ્બામાં તો આસપાસ હજી ય
સતત બીડી ફૂંકતું શહેર...
ઇચ્છું છું, પ્રિય :
આવું ત્યારે આંખનાં ભમ્મરિયાં ઊંડાણ લઈ
તું કલુખડે ઊભી હો...
કે માળા તરફ વળતા કોઈ પરદેશી પંખીને
સોનેરી નજરોથી પોંખતી પાદરમાં ઊભી હો,
અથવા ખેતર-શેઢે
રમતિયાળ પવનમાં તું
તારા કેશ વ્હેતી વન-કન્યા જેમ ઊભી હો...
ગોફણથી છૂટ્યા પથ્થર જેમ છૂટ્યો આવું છું
...મારે તારા લીલાછમ ખેતરમાં પડવું...

૧૫-૩-૧૯૭૨