– અને ભૌમિતિકા/તીડ


તીડ

તીડોનું અંધારું ટોળાતું ઘેરાતું દૂરથી
આવતું જોઉં છું મારા લીલેવાન ખેતર પર.
નીરવ છે બધું ય
નીરવ.
અવાજ નથી લડાયક વિમાનો જેવો.
મારી આંખોનાં ઊંડાણમાં
આજ સુધી ઊડાઉડ કરતાં
કબૂતરો જોતજોતામાં તો ભૂખરું વાદળ થઈ
તીડમાં ભળી જતાં જોઉં છું
અહીંની ચૂપકીદી પર.
હવા સૂમસામ ધીરે ધીરે
ઘટ્ટ થતી જાય છે,
આગિયાનો તો ટમકાર
ક્યાંથી દેખાય!
વીત્યા સમયની લ્હેરખી ઢૂકે નહિ ક્યાંય.
હજી હમણાં જ
દાદીની બાળવાતો સુણી
બાળકો જેમ ડોલતાં કણસલાં ઉપર
બાઝતા જાય છે પળેપળ
તીડના થર ઉપર થર હવે.
મારી નસેનસમાં રક્ત જેમ નીકનું
કલબલતું નથી જલ :
અસીમ આળોટતું આભ જ્યાં—
ત્યાં હવે તીડ ઊડ્યા કરે...
તીડ બૂડ્યા કરે...
પાંપણે ફરકતા લીલા ખેતરને
ગુમાવતો જાઉં છું
ચાડિયો છે ભલો નીરવ,
નીરવ માત્ર.

૧૬-૬-૧૯૭૦