– અને ભૌમિતિકા/મ્હેંક


મ્હેંક

હું તો સપનાની મ્હેંક પીતી.
નીંદર નહિ, કામળી ઠેલું દૂર
તો મૂંગી રાત મને જાય જીતી... હું.

શ્વાસને તાણી રાખું
હૂંફાળ સોડમાં હું અકબંધ,
નેણમાં ભીની વાત ને
આડશ પાંપણ કેરા બંધ;
હોઠ તો બીડ્યા એમ કે છાને
અમથી નહિ કો’ક ઝરી જાય ગીતિ... હું.

રાતરાણીની ગંધ કે
બાહુબંધમાં લીધું વ્યોમ,
ઘરમાં પાડી પગલી ને
લઘુ, સૂંઘતો કશુંક, સોમ;
કેવડિયાની ટશરોમહીં સરતા
સરપ જેમ પળો જાય વીતી... હું.

ઑગસ્ટ ૧૯૬૯