– અને ભૌમિતિકા/વાત વાયરાની


વાત વાયરાની

કોરા કાગળમાં હું તો ખાબક્યો રે લોલ
શાહીઝાણ લેખણનો વાગ્યો હડદોલ રે...
કોરા કાગળમાં હું તો ખાબક્યો રે લોલ.
ભૂરા કાગળ ભૂરી કીડીઓ રે લોલ,
ચરે ભૂરાં અંકાશ એનાં ધણ રે...
પૂતળી પાળી રે એક મીણની રે લોલ
બાઈ, પૂતળી પાતાળે એક મીણની રે લોલ
એનાં પીગળ્યાનાં રૂપગોકળગાય રે.. કોરા.
ગોકળગાય મામાની ગાય,
કોરો કાગળ ચરવા જાય.
એ તો મટક મટક ચાલે,
પીળા દરિયા પીતી ચાલે.
દરિયે લખાય વાત વાયરાની લોલ,
બાઈ, દરિયે વંચાય વાત વાયરાની લોલ
કેમ બાંધી બંધાય ગોકળગાય રે...!
...લેખણના શાહીઝાણ શાપ રે!
કોરો કાગળ કોરું આભલું રે લોલ,
કોરા કાગળમાં હું તો ખાબક્યો રે લોલ.

૨૫-૧૨-૧૯૭૪