– અને ભૌમિતિકા/૧૦-૦૮-૧૯૬૮


૧૦-૮-૧૯૬૮*[1]


હું રુગ્ણાલયથી
આજ અચાનક ઢળ્યે ઢોલિયે
થયો ચાલતો!
લીલી પીળી ઝાંય સીમની
બીડીને પાંપણમાં તેં ક્યાંં...
ક્યાં જઈને પાડ્યાં આડાં દ્વાર?
ક્યાંક ઝૂલતાં ડૂંડાં કેરા અધપાક્યા ને
દૂધ ભરેલા દાણે
કૂણા શબ્દો થઈ ફૂટ્યો’તો
તે આજ અજાણી ઝંઝાની ઝાપટમાં આવી
ઢળી પડ્યો તું...
હવે પણે તો ચાંદ આવીને
પરસાળે સૂનકાર સૂંઘશે,
ને ઝગડું કન્યાની સામે
વઢશે તારું મૌન!
અંગત તારા તારીખિયાનાં પાનાંને
તેં એકસામટાં ફાડ્યાં
એ તે કેમ કરી પામીશું?
ભલે રાવજી!
દોણીમાં તે દડ્યું એટલું ઝાઝું માની
જાળવશું એ પ્રથમ શેડનો રણકો...
સદા કોસની ગરગડીઓમાં
ગીત બનીને
રહે ઊ...ક...લ...તો.

૫-૯-૧૯૬૮

  1. * (રાવજી પટેલ : પૃણ્યતિથિ),