‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/‘ચારેક સમીક્ષા લેખો વિશે’ : પ્રવીણ કુકડિયા

૨૯
પ્રવીણ કુકડિયા

[સંદર્ભ : ‘રિયાલિટી શો’ સમીક્ષા કિરીટ દૂઘાત તેમજ અન્ય]

પ્રિય રમણભાઈ, ‘પ્રત્યક્ષ’ સામયિક બધી જ દૃષ્ટિએ પહેલેથી જ નમૂનારૂપ છે. દરેક અંકની પરિકલ્પના દૃષ્ટિપૂર્વકની અને વિશિષ્ટ હોય છે. તેમાં પ્રસિદ્ધ થતો દરેક અભ્યાસલેખ નેત્રદીપક હોય છે. પરંતુ, ભાવકના મનમાં ઉદ્‌ભવતા બધા જ પ્રશ્નોનું નિરાકરણ લેખમાંથી મળી જાય તેવી ખેવના અને નિસબત અંકમાંથી પસાર થનાર સૌ કોઈને સહેજે થાય. અંક-૯૩માં સાવ સામાન્ય પ્રકારની ભૂલો (જો કે ભૂલો ન કહેવાય) નજરે ચઢી તો એમ થયું કે પત્ર લખું. અહીં પ્રસિદ્ધ થયેલ ચારેક સમીક્ષાલેખો વિશે વાત કરવાનો ઉપક્રમ છે. સૌ પ્રથમ કિરીટ દૂધાત દ્વારા નવનીત જાનીના વાર્તાસંગ્રહ ‘રિયાલિટી શો’ની સમીક્ષા વિશે... સામાન્ય રીતે આપણે લેખનમાં ‘શીર્ષક’ને અવતરણમાં મૂકવાની વ્યાવહારિક શિસ્ત સ્વીકારેલ છે. નવનીત જાનીની મોટા ભાગની વાર્તાઓનાં શીર્ષકો નામપદવાળાં હોવાથી તેને અવતરણની ખાસ જરૂર પડવાની. સમીક્ષકે સંગ્રહ કે વાર્તાના એકેય શીર્ષકને અવતરણમાં નથી મૂક્યું તેથી ગૂંચવાડા ઊભા થાય છે. વાંચો આ વિધાનાંશ... ‘ચોથી વાર્તા અર્થાત્‌ (આતંકવાદી)માં નોકરીથી છૂટેલા...’ અહીં વાર્તાનું શીર્ષક ‘અર્થાત્‌ છે કે ‘આતંકવાદી’ એ સ્પષ્ટ થતું નથી.૧ હવે આ વિધાન વાંચો. ‘...પિતાના અપમાનને ધીરતાથી સહી લઈને એમની સેવામાં ખૂંપી ગયેલો શંભુ જ વાચકની નજરોમાં બન્ને ભાઈઓ અને મિત્રોમાં મોટો બની રહે છે તે સંકેત વાર્તાના અંતે સ્પષ્ટ થાય છે.’ અહીં ખરેખર સમીક્ષકે વાર્તાના શીર્ષકનો નિર્દેશ નથી કર્યો. પણ શીર્ષકને અવતરણમાં ન મૂકવાના કારણે વાર્તાનું શીર્ષક ‘સંકેત’ છે કે ‘મોટો’ એ બન્ને વચ્ચે ભાવક અટવાય છે.૨ તો ‘પતિ પત્ની અને એ’ વાર્તાના વિવરણમાં સમીક્ષકે પોતે બનાવેલા સંવાદનો ઉપયોગ ગુજરાતી સ્ત્રીની તાસીર વ્યક્ત કરતાના સાધન તરીકે કર્યો છે તે સમીક્ષામાં યોગ્ય નથી. ‘રાન્ડું તમારે ધણી નથી કે અમારા ધણીને ભરમાવવા નીકળીઓ છો? ના રહેવાતું હોય તો બજારે બેસોને!’ આ સંવાદને અવતરણ મૂક્યો છે તેથી ભાવકને એમ થાય કે આ સંવાદ વાર્તાનો હશે? અથવા બીજી કોઈ કૃતિનો સંવાદ હશે? ખરેખર તો આવા વાયવ્ય કાલ્પનિક સંવાદના બદલે સમીક્ષકે ભાવને અભિવ્યક્ત કરતી વિવેચનને અનુરૂપ પરિભાષા રચવી જોઈએ. આ ઉપરાંત આ અંકમાં ‘ભદ્રંભદ્ર અમર છે’ અને ‘તમે યાદ આવ્યાં’ની સમીક્ષા છે. બન્નેમાં કૃતિના પૃષ્ઠક્રમાંક અને કૌંસનું સાતત્ય જળવાયું નથી.૩ તો ‘ઈલેક્ટ્રીક ટ્રેઈન’ની સમીક્ષામાં ક્યાંક ‘ટ્રેઈન’ અને ક્યાંક ‘ટ્રેન’, ક્યાંક પાના નં. ક્યાંક પૃ., ક્યાંક વિધાનમાં અવતરણ મૂક્યાં હોય પણ પૂર્ણ ન કર્યાં હોય. તાજેતરની સ્થિતિ જોતાં આ ભૂલો સાવ નગણ્ય ગણાય. પરંતુ ગુજરાતી સાહિત્યિક સામયિક જગતમાં ‘પ્રત્યક્ષ’ જેવા એક માત્ર સામયિકે ‘રોલ મૉડેલ’ની ભૂમિકા ભજવી છે અને હજુ પણ ભજવવાની છે, એનું શું?

ઉમરાળા, જૂન-૨૦૧૫

– પ્રવીણ કુકડિયા

નોંધ :

૧. વાર્તાશીર્ષકો અવતરણચિહ્નો વચ્ચે નહીં પણ ઈટાલિક્સ (વક્રાક્ષરો)માં લખેલાં છે એ તમારા ધ્યાનમાં આવ્યું હોત તો આ પ્રશ્ન ન થયો હોત. (અલબત્ત, આ ગુજરાતી બીબાંમાં વક્રાક્ષર-બીબાં અંગ્રેજી ઈટાલિક્સ જેટલાં સ્પષ્ટ રીતે જુદાં તરી આવે એવાં નથી, એ પણ એક કારણ છે જ.) ૨. અહીં પણ, ‘મોટો’ એવું વાર્તાશીર્ષક વક્રાક્ષરમાં છે એથી, લાંબા ફકરામાં મૂકેલી વાત પકડતાં તમને અવધાન રહ્યું નથી. ૩. કૌંસમાં પૃષ્ઠક્રમાંક લખ્યા હોય છે તે ક્યારેક પહેલીવાર ‘પૃ.’ એવા નિર્દેશથી હોય, પછી વારંવાર ‘પૃ.’ ન લખ્યું હોય તો પણ એ આંકડો પૃષ્ઠક્રમ બતાવે છે એ સમજાઈ જાય એમ હોય છે. તમારી બીજી વાતો સ્વીકાર્ય છે. તમે ખૂબ જ કાળજી ને ઝીણવટથી જોયું ને પત્ર લખ્યો એ માટે આભાર. – સંપાદક

[એપ્રિલ-જૂન, ૨૦૧૫, પૃ. ૪૦]