‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/‘તાણાવાણા’ની સમીક્ષા વિશે : ચિનુ મોદી
ચિનુ મોદી
[સંદર્ભ : જાન્યુ.-માર્ચ, ૨૦૦૭, ‘તાણાવાણા’ની સમીક્ષા, ધ્વનિલ પારેખ]
પ્રિય રમણભાઈ, ધ્વનિલ પારેખનો હેમંત ધોરડાના પુસ્તક ‘તાણાવાણા’ વિશેનો અવલોકનલેખ વાંચ્યો. હજી જેમને ‘ઇર્શાદ’ અને ‘ઇર્ષાદ’ વચ્ચે ભેદ નથી એવા ગઝલ-વિવેચક ધોરડા છે, તો, એનાથી ય વિશેષ ઉત્સાહી ધ્વનિલ છે. બન્નેએ કવિતા પાસે કઈ રીતે જવાય એ જાણવું રહ્યું. શાસ્ત્ર, થયેલી રચનાઓને આધારે રચાતું હોય છે. શાસ્ત્રને પડકારે એ જ ગતાનુગતિક કવિટોળાંથી વિખૂટો પડી, પોતાનું અલગ કાવ્યશાસ્ત્ર પોતાની રચનાને આધારે ઊભું કરાવે. હેમંત અને ધ્વનિલને આ સમજવાની આવશ્યકતા છે. સૉનેટનું કાવ્યસ્વરૂપ ઇટાલીનું, ગઝલનું કાવ્યસ્વરૂપ ઈરાનનું. સૉનેટ ઇટાલીથી અંગ્રેજીમાં અને અંગ્રેજીમાંથી ભારતમાં માઇકેલ મધુસૂદન અને બ. ક. ઠાકોર દ્વારા પ્રવેશ્યું. માઇકેલ મધુસૂદન પયારમાં સૉનેટ્સ લખે છે, બ. ક. ઠાકોર આપણા અક્ષરમેળ છંદોમાં સૉનેટની મૂળગત લાક્ષણિકતાઓને અવતારે છે. સૉનેટને તપાસતી વખતે આપણે મૂળ ઇટાલિયન છંદશાસ્ત્ર પાસે ગયા નહીં. કારણ, આપણને સૉનેટના સ્વરૂપની અ-પૂર્વ લાક્ષણિકતાઓ સાથે સંબંધ હતો અને આમેય છંદ એ તો ભાષાના ઉચ્ચારણ સાથે જોડાયેલું સુસંવાદી આયોજન હોય છે. ઇટાલીની ભાષા ન બ. ક. ઠાકોરે જાણવાની દરકાર રાખી, ન મધુસૂદને. અને સદ્ભાગ્યે આપણા વિવેચકોએ પણ સાચી સમજદારી રાખી અને ઇટાલિયન છંદોમાપ અનુસારનાં સૉનેટ્સની અપેક્ષા ન રાખી. કોઈ પણ સ્વરૂપ એના છંદોવિધાન સાથે ક્યારેય આયાત ન કરી શકાય. પણ, આપણા કહેવાતા ગઝલવિદોને એ સમજાતું જ નથી કે અરબી અરુઝ ગુજરાતી ગઝલમાં સાચવવાનો આગ્રહ એ ગઝલકારો – ગુજરાતી ગઝલકારો પાસે શું કામ રાખે છે? એમને ભાષાવિજ્ઞાને માન્ય ગણેલ ભાષાકુળની પણ પ્રાથમિક જાણ નથી. આપણા મરીઝ કક્ષાના ગઝલકારો અરુઝ મુજબ ગઝલો લખવા જતાં ઘણીવાર કેવા કઢંગા બન્યા એનાં ઉદાહરણ મેં શૂન્ય, મરીઝ, સૈફ, બેફામ ઇત્યાદિની હાજરીમાં મુંબઈના આઈ. એન. ટી. એ યોજેલા ગઝલ-પરિસંવાદમાં આપેલાં. અરુઝનું પૂંછડું પકડવાથી ગુજરાતી ગઝલ, કવિતાની વૈતરણી પાર કરી શકે નહીં, એમ ત્યારે મેં દર્શાવેલું. ‘મારી તમામ ગઝલોને દલપતપિંગળ મુજબ તપાસવી’ એવું ફરમાન છેવટે મારા નવા ગઝલસંગ્રહ ‘આઘા પાછા શ્વાસ’માં બહાર પાડવું પડ્યું. ગઝલ એ રદીફ-કાફિયાની છાંદસ લીલા છે, જીવનના પ્રત્યેક સંવેદનને ઝીલવાની અને બે પંક્તિના એક શેરમાં, એને તરત સમજાય એ રીતે રજૂ કરનાર સ્વરૂપ છે, આટલી જ ગઝલ પાસે અપેક્ષા હોય. પણ, ગઝલનો છંદ અરબી કે ફારસીના ગઝલભાવકો ન નક્કી કરી શકે; એને ગુજરાતી બોલતો-સાંભળતો શખ્સ જ નક્કી કરે. ઉછીની બોલાશ અને ઉછીના કાનની ગુજરાતી ગઝલને કે ગઝલકારને આવશ્યકતા નથી જ નથી. અને રહી અમુક કે તમુક શબ્દની આસપાસ ગઝલો રચાયાની ફરિયાદ. મારા ભાઈ, હું એક શબ્દ, એક પ્રતીક, એક રૂપકને એના અનેક સંદર્ભોથી તપાસું છું. ‘બારી’ શબ્દ એક જ સંદર્ભમાં મારી કોઈ ગઝલમાં પુનરાવર્તિત નહીં થાય. સારું છે, હેમંત ધોરડા ‘ઘોડા’ જ દોરતા હુસેનના વિવેચક નથી. અને રહી આદિલને મૂલવવાની વાત. આદિલના પેંગડામાં પગ નાંખે એવો એકેય ગઝલકાર હજી મુંબઈએ પેદા કર્યો નથી અને ધ્વનિલ, સૂરતે પણ. અસ્તુ. બહુ વખતે આવું આકરું લખવા પ્રેરવા બદલ એ બન્ને મિત્રોનો, અને તમારો આભાર માનું છું.
એ જ લિ. ચિનુ મોદીના જય ગઝલ
[અપ્રિલ-જૂન, ૨૦૦૭, પૃ. ૪૦]