‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/‘માહિમની ખાડી’ની સમીક્ષા વિશે : અમૃત ખત્રી

૧૫
અમૃત ખત્રી

[સંદર્ભ : જાન્યુ.-માર્ચ, ૨૦૦૪, ‘માહિમની ખાડી’ની સમીક્ષા, ભરત મહેતા]

સંપાદકશ્રી પ્રત્યક્ષ(જાન્યુ.-માર્ચ ૨૦૦૪)ના ‘વાચનવિશેષ’માં પ્રસિદ્ધ થયેલ ‘માહિમની ખાડી’ પરનો અભ્યાસનિબંધ વાંચી લખવા પ્રેરાયો છું. શ્રી ભરત મહેતાએ કૃતિનું મૂલ્યાંકન કરતાં અવતરણોનો પ્રચુર ઉપયોગ કર્યો છે. આથી તેમણે કૃતિને અનેકવિધ આયામોથી મૂલવવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ તેઓ કદાચ આ કૃતિની રચનાના સમય અને સ્થાનનો સંદર્ભ લેવાનું ચૂકી ગયા હોય તેમ જણાય છે. મરાઠી ભાષામાં લખાયેલી આ કૃતિનો સંદર્ભકાળ જોઈએ તો ત્યારે મુંબઈ મહાનગરપાલિકાએ ઝૂંપડપટ્ટીઓ દ્વારા થયેલ સરકારી જમીનો પરનાં દબાણો દૂર કરાવવાની ઝૂંબેશો આદરેલી. સમગ્ર દેશમાં ‘સ્વચ્છ શહેર’નાં સૂત્રોએ જનમાનસ પર પક્કડ જમાવેલી. સબહ્યુમન કહેવાય તેવી સ્થિતિમાં જીવતા લોકો તરફ અનુકંપાથી જોતી સરકારો અને અભ્યાસીઓ તજ્‌જ્ઞોએ ઝૂંપડપટ્ટીના લોકો પર ધ્યાન કેન્દ્રિત કરીને ગરીબી પર શોધનિબંધો લખેલા અને અનેક સિદ્ધાંતો તારવેલા. જીવનનું સ્તર ઊંચું આવે તે માટે ગરીબીલક્ષી કાર્યક્રમોનો જુસ્સાભેર અમલ કરવા કેન્દ્ર અને રાજ્ય સરકારો સંખ્યાબંધ નીતિઓ અને કાર્યક્રમો આપતી હતી. આવા જ વાતાવરણમાં ઝૂંપડપટ્ટીમાં જીવતા આવા સમાજને જગતનાં જે ધર્મ, મૂલ્યો, સિદ્ધાંતો, નીતિ કે વ્યવસાય છે તે જાણે તેમના હોઈ જ ન શકે તેવી વાત એક સર્જકના પ્રતિભાવ તરીકે આ નવલકથામાં મુકાઈ છે જે ક્યારેય સમયસાપેક્ષ નહિ બને, તે ચિરંજીવ રહેશે અને ‘ક્લાસિક’ તરીકે રહેશે તે પણ આ જ કારણથી. આ કૃતિને ‘નિર્ભ્રાંતિની કથા’ કહી છે તે પણ ખંડિત દર્શન લાગે છે. મારા મતે તો આ કૃતિ નિર્ભ્રાંતિની કથા છે જ નહિ. આ કથા તો એક સાક્ષાત્કારની કથા છે. જીવનની જે absorbing reality છે તેની વાત છે. જીવનને બરાબર સામે રાખીને નીરખવાની વાત છે. ‘માહિમની ખાડી’ના કોઈ પાત્રની અપેક્ષાઓ, ઝંખનાઓ કે અરમાનો ટકી રહેવાથી (survival)થી વધારે આગળ જતાં જ નથી. એટલે કોઈ પણ પાત્ર કોઈ ભ્રાન્તિ સાથે જીવતું જ નથી. આથી આ કથામાં કોઈ નિર્ભ્રાંતિનો સંકેત મળતો નથી તે સ્પષ્ટ છે. ‘માહિમની ખાડી’માં જીવતાં પાત્રો જીવનસંઘર્ષને ઉજાગર કરે છે. આ સંઘર્ષ માટે અને પોતાની સુખસગવડ માટે મૂલ્યોને ક્ષુલ્લક ગણીને તેનો ઇન્કાર કરે છે. જયા વેશ્યાવૃત્તિને વરી ચૂકેલી છે તે તેને યોગ્ય ઠેરવવા નહિ પણ પોતાની જરૂરિયાત માટે આ પણ એક કામનો પ્રકાર છે તેવા મક્કમ વલણથી પોતાનું મૂલ્ય જાહેર કરે છે. જ્યાં ટકી રહેવાનો પ્રશ્ન હોય ત્યાં મૂલ્યો ગૌણ બની જાય છે. આ કૃતિના સંદર્ભમાં એક મુદ્દો એવો પણ ચર્ચાયો છે કે આ કૃતિનું મૂલ્ય કે પ્રસ્તુતતા આજે પણ કેમ છે? ખરેખર ગરીબી વધે, શિક્ષણ કે અન્ય ક્ષેત્રોમાં સડો વધે કે ઘટે તેનાથી કૃતિની પ્રસ્તુતતાને કોઈ સંબંધ હોઈ શકે નહિ. આ કૃતિનું ધ્યેય કોઈ ક્રાંતિ, ચળવળ કે સુધારાનું નથી. જ્યારે આપણે કોઈ પણ કૃતિને કોઈ વિચારધારાના પરિપ્રેક્ષમાં મૂલવવાની કોશિશ કરીએ ત્યારે કૃતિનું સૌંદર્ય મર્યાદિત કરી મૂકવાની એક ચેષ્ટા કરીએ છીએ. સર્જકનું ધ્યેય ક્યારેય કોઈનો પક્ષ લેવાનું હોઈ શકે નહિ. આ કૃતિના લેખકે તો તદ્દન નિર્ભ્રાન્ત અવસ્થામાં જ કૃતિનું સર્જન કર્યું છે. તેમણે કોઈ પાત્રનો પક્ષ લીધો નથી અને કોઈ વિચારસરણીનો પ્રચારલક્ષી અભિગમ પણ અપનાવ્યો નથી. એટલે આ કૃતિમાં સર્જકે નવલકથા-સ્વરૂપનાં પ્રધાન લક્ષણોને વફાદાર રહીને માત્ર વાસ્તવદર્શન કરાવ્યું છે. ‘ગંગાએ સાંઈબાબાની છબીને પોટલામાંથી બહાર કાઢી. અંધારામાં એક નજર છબી પર કરી અને ઘોડબંદર રોડ પર ફેંકી દીધી. છબી પરથી મોટો ખટારો પસાર થઈ ગયો...’ આ પ્રસંગ દ્વારા ગંગા નિર્ભ્રાન્ત થઈ રહી છે તેવું ભરતભાઈ અવલોકન કરે છે. ખરેખર તો આમાં ગંગાનો, એક અંધશ્રદ્ધાથી ગ્રસ્ત સ્ત્રીનો દૈવી શક્તિ તરફ નકાર દેખાય છે. ખટારો પસાર થતાં છબીના ટુકડે ટુકડા થઈ ગયા. ગંગાની પુત્રી રતન પર તેના પોતાના પુત્ર દ્વારા બળાત્કાર થતાં બચી ત્યારે તે ભાંગી પડી. સાંઈબાબાની તસવીરનો ઘા કરીને ફેંકી દીધી. આ દ્વારા ઈશ્વરના અસ્તિત્વનો ઇન્કાર કરે છે. એટલું જ નહિ પરંતુ જેના પર સમાજના ઉચ્ચ વર્ગને શ્રદ્ધા છે તેવી ઈશ્વરીય શક્તિ તેની આરાધ્યશક્તિ તરીકે અસ્વીકૃત બને છે. નવલકથાને Epic of Democracy કહેવામાં આવેલ છે. જે સાહિત્યમાં જનસામાન્યને પ્રવેશ ન હોય તેવું સાહિત્ય ઊણું રહે. નવલકથાનો વ્યાપ(scope) Epic જેવો હોય પરંતુ તેના નાયક એપિકના નાયક જેમ એક ન હોતાં અનેક હોય ત્યારે નવલકથા સાર્થક બને. એ રીતે આ કૃતિને સર્વવર્ગીય નવલકથા તરીકે મૂલવવી જોઈએ. આ કૃતિમાં મહાકાવ્યમાં આવતા યુદ્ધની જેમ, પાત્રોનો જીવન સાથેનો સંઘર્ષ પરાકાષ્ટાએ પહોંચતો જોવા મળે છે. અને આ જીવનસંઘર્ષમાં અનેક નાયક પ્રધાન ભૂમિકા ભજવે છે તે રીતે પણ આ કૃતિ એક સર્વવર્ગીય નવલકથા બની રહે છે. મરાઠી સાહિત્યમાં સર્વવર્ગીય નવલકથાના સ્વરૂપને આગળ વધારવામાં આ કૃતિનું મહત્ત્વનું પ્રદાન ગણાય.

૨૮-૦૭-૨૦૦૪

અમૃત ખત્રી

૧૦૧, જનાર્દન કૉમ્પ્લેક્સ, પ્રતાપગંજ, વડોદરા ૩૯૦ ૦૦૨
[એપ્રિલ-જૂન, ૨૦૦૪, પૃ. ૩૭]