‘વત્સલનાં નયનો’ અને બીજા વિવેચનલેખો/પ્રસ્તાવના

પ્રસ્તાવના

અહીં ગ્રંથસ્થ કરેલા લેખોમાંથી થોડાક વિશે પૂર્વભૂમિકા રૂપે મારે થોડુંક કહેવાનું છે. તમને એમાં જરૂર રસ પડશે. આ પુસ્તકના નામકરણમાં પણ ભોળાભાઈ પટેલનો ફાળો. મારા પ્રથમ પુસ્તક ‘અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો’ એની પ્રસ્તાવનામાં મેં નોંધ્યું છે કે એ શીર્ષકમાં ‘કેટલાક’ શબ્દની દેણગી ભોળાભાઈની હતી. આ પુસ્તકમાં ‘વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો’ એ શીર્ષક પણ ભોળાભાઈએ પસંદ કરેલું. ભોળાભાઈના પુણ્યનામસ્મરણથી આ પુસ્તકની શરૂઆત થાય છે એ મારું સૌભાગ્ય છે. મને લેખક બનાવવામાં કોઈનો સૌથી મોટો ફાળો હોય તો તે ‘ગ્રંથ’ના સંપાદક યશવંત દોશીનો. યશવંતભાઈ અત્યંત સરળ, પારદર્શી, સ્નેહાળ, વિનમ્ર, મિથ્યાભિમાનનો અંશ સુધ્ધાં ન મળે. મારી બોલવાની આવડત ઉપર મુગ્ધ પણ હું લખતો કેમ નથી એવી ફરિયાદ કર્યા કરે. યશવંતભાઈના આગ્રહથી, મેં ‘ગ્રંથ’માં થોડાંક અવલોકનો લખેલાં. એમાં એક હતું જિતુભાઈ મહેતાની નવલકથા ‘શૈવાલિની’નું. ખાસ્સી આકરી ટીકા કરેલી. (પહેલેથી જ મારામાં આ અવગુણ હતો?) શરૂઆત જ શું લાજવાબ હતી? જિતુભાઈ ‘વન્દેમાતરમ્’માં ‘ગલગોટા’ કોલમ લખતા. મેં શરૂઆત કરેલી - ‘વન્દેમાતરમ્’માં શામળદાસ ગાંધીનો અગ્રલેખ આવે અને બાજુની કોલમમાં જિતુભાઈના ‘ગલગોટા’ - બન્નેનું એક લક્ષણ સમાન : શબ્દો ઝાઝા, અર્થ ઓછો. અંધકારનું વિશેષણ જિતુભાઈએ ‘સૂચિભેદ્યો’ કરેલું એની પણ મેં ઝાટકણી કાઢેલી. મારા લેખ વિશેની ફરિયાદ ઠેઠ ગગનવિહારી મહેતા સુધી પહોંચેલી—ગગનભાઈ ‘ગ્રંથ’ સામયિક જેના તરફથી પ્રકટ થતું હતું એ ‘પરિચય ટ્રસ્ટ’ના ટ્રસ્ટી. ગગનભાઈએ જિતુભાઈની ફરિયાદ યશવંતભાઈ સુધી પહોંચાડી. યશવંતભાઈએ કહ્યું કે જિતુભાઈને પ્રતિભાવરૂપે જે કહેવું હશે તે એ જરૂર પ્રકટ કરશે. એવો કોઈ પ્રતિભાવ એમને મળ્યો નહિ! પણ હું લેખક બન્યો રતિલાલ જાનીના ‘કાવ્યાલોચન’ પુસ્તકના અવલોકનથી. રતિલાલ જાનીએ પાઠકસાહેબના ‘કાવ્યમાં અલંકાર’ લેખની ટીકા કરેલી. મેં એનો કઠોર પ્રતિવાદ કરેલો અને પાઠકસાહેબનો મત જ સૈધ્ધાંતિક દૃષ્ટિએ સાચો છે, આનંદવર્ધન, અભિનવગુપ્ત, કુન્તક વગેરે આલંકારિકોના મતને અનુરૂપ છે એવી સ્થાપના કરેલી. ‘ગ્રંથ’માં લેખ પ્રકટ થયો અને નગીનદાસ પારેખનું યશવંતભાઈ ઉપર પોસ્ટકાર્ડ આવ્યું : ‘આ મધુસૂદન કાપડિયા છે કોણ? જ્યારથી રતિલાલ જાનીનો લેખ મેં વાંચ્યો હતો. ત્યારથી આમ જ પ્રતિવાદ કરવાનું મેં વિચારેલું. આ લેખકે બરોબર એમ જ કર્યું છે.’ બોલો, આનાથી વધારે આપણી પ્રશંસા શું હોઈ શકે? ‘વત્સલનાં નયનો’ના લેખની કથા આનાથી વધારે રસિક એ વાત છે. ૧૯૬૭ એ કાન્ત શતાબ્દીનું વર્ષ હતું. મુંબઈમાં ભારતીય વિદ્યાભવનના સભાગૃહમાં કાન્તની જન્મશતાબ્દીને દિવસે, નવેમ્બરની ૨૦મીએ એનો ઉત્સવ ઉજવાયેલો. પ્રમુખસ્થાને મુનશીજી હતા અને વક્તાઓમાં ગગનવિહારી મહેતા, જિતુભાઈ મહેતા, અમૃતલાલ યાજ્ઞિક અને રવિશંકર ભટ્ટ હતા. તે જમાનામાં એવો એક ચાલ હતો કે આવા પ્રસંગોએ એકાદ જુવાનડાને તક આપવી. આમાં મારો નંબર લાગ્યો હતો. હું ત્યારે નવોસવો અધ્યાપક થયો હતો. મારી ગંભીર મુશ્કેલી હતી કે કાન્ત ઉપર બોલવું શું? મને ખાત્રી હતી કે બોલવામાં મારો નંબર છેલ્લો જ હશે. હવે કાન્ત ઉત્તમ કવિ તે નિર્વિવાદ પણ એમણે ખૂબ જ થોડાં કાવ્યો લખ્યાં છે, એટલે કે ઉત્તમ કાવ્યો બહુ થોડાં લખ્યાં છે. ‘મારા વિદ્યાગુરુ મનસુખલાલ ઝવેરીના શબ્દોમાં કહું તો ‘થોડાં પણ અતીવ સુંદર’. ખંડકાવ્યોમાં ગણીને ચાર : ‘અતિજ્ઞાન’, ‘ચક્રવાકમિથુન’, ‘વસંતવિજય’ અને ‘દેવયાની’. આવાં જ ઉત્કૃષ્ટ થોડાંક ટૂંકાં ઊર્મિકાવ્યો: ‘સાગર અને શશી’, ‘ઉદ્ગાર’, ‘ઉપહાર’, ‘મત્ત મયૂર’, ‘મનોહર મૂર્તિ’, ‘આપણી રાત’ અને અલબત્ત, ‘વત્સલનાં નયનો’. ઊર્મિકાવ્યોમાં ‘સાગર અને શશી’ સુપ્રસિદ્ધ પણ બીજાં ઓછાં જાણીતાં અને ‘વત્સલનાં નયનો’ સાવ જ અજાણ્યું અને દુર્બોધ. હવે મારી આગળના વક્તાઓ એકથી વધુ વાર ‘વસંતવિજય’ અને ‘સાગર અને શશી’ની વાત કરી ગયા હોય પછી એકની એક વાત હું કેટલામી વાર દોહરાવું? એટલે મેં ‘વત્સલનાં નયનો’ની પસંદગી કરી. ‘વત્સલનાં નયનો’નો મારો ઊંડો અભ્યાસ તમે અહીં પ્રકટ થયેલા લેખમાં જોઈ શકશો. વાક્છટાની તો મને કોઈ દહાડો ખોટ નથી પડી. બીજે દિવસે મુંબઈનાં એકેએક છાપામાં મારા નામનો જયજયકાર! અરે, અંગ્રેજી ‘ટાઈમ્સ ઑવ ઇન્ડિયા’એ પણ આ કાર્યક્રમની ટૂંકી નોંધ આપેલી. એમાં પણ શીર્ષક હતું પ્રો. મધુસૂદન કાપડિયાના વાર્તાલાપમાંથી. બીજે અઠવાડિયે શતાબ્દીના ઉત્સવનો બીજો કાર્યક્રમ ૨૫મી નવેમ્બરે ઉમાશંકરના પ્રમુખસ્થાને ભવનના ગીતા હૉલમાં ઉજવાયો, તેમાં રામપ્રસાદ બક્ષી, મનસુખલાલ ઝવેરી, ભૃગુરાય અંજારિયા, ઉમેદભાઈ મણિયાર અને સુરેશ દલાલ હતા. કાર્યક્રમની શરૂઆત પહેલા ગગનભાઈને મળવાનું થયું. ગગનભાઈ મને જોઈને કહે, ‘મધુસૂદન, આમ આવો, આમ આવો. ગયા અઠવાડિયે આપણો કાર્યક્રમ થયો પછી મારા એક મિત્રનો ફોન હતો. મને કહે કે ગગનભાઈ તમે બહુ સારુ બોલ્યા. મેં કહ્યું, બરોબર, પણ મારો નંબર બીજો હતો.’ શું એ મહાનુભાવનું અપાર સૌજન્ય. ‘વત્સલનાં નયનો’નો લેખ આ વાર્તાલાપને આધારે લખાયો છે. આ લેખનું સૌભાગ્ય એવડું મોટું કે ૧૯૫૬માં ઉમાશંકર ગુજરાતી લીટરરી એકેડેમીના નિમંત્રણથી અમેરિકા આવ્યા ત્યારે તેમણે ‘ટૂંકું પણ પાણીદાર વિવેચન’ એ શબ્દોથી નવાજેલો. (યાત્રી’, પૃ. ૩૭૨) ૧૯૯૬માં એકેડેમીના નિમંત્રણથી ભગવતીકુમાર શર્મા અમેરિકા આવ્યા. મેં એક પ્રણાલિકા શરૂ કરેલી કે કોઈ પણ સાહિત્યકાર આવે ત્યારે તેમના વિશે પરિયાત્મક—આલોચનાત્મક લેખ એકેડેમીના મુખપત્ર ‘દેશવિદેશ’માં પ્રકટ કરવો. આ નિમિત્તે જે થોડાક લેખો લખાયા તેમાં ભગવતીકુમારનો સૌથી સરસ નિવડી આવ્યો. ભગવતીભાઈ જ્યારે અમારા ઘરે થોડા દિવસ માટે આવ્યા ત્યારે ‘દેશવિદેશ’નો એ વિશેષાંક મેં તેમના હાથમાં મૂક્યો. ખાસ્સો લાંબો લેખ એકાદ-બે પેરેગ્રાફો વાંચીને, ઊભા થઈને અમારા ઘરની ઑફિસમાં જઈને નિરાંતે વાંચ્યો. બહાર આવીને મને ભેટી પડ્યા. પ્રસન્ન પ્રસન્ન હતા. પછી એમના પ્રવાસની અને કાવ્યપઠનની ગામેગામ હારમાળા ચાલી. ત્યારે યોગાનુયોગે બકુલ ત્રિપાઠી અહીં હતા. ત્રણચાર જગ્યાએ ભગવતીભાઈના કાર્યક્રમોમાં એમણે હાજરી આપેલી. આવું બકુલભાઈનું સૌજન્ય અને આવી એમની વિનમ્રતા. મને મળ્યા ત્યારે બકુલભાઈ કહે કે તમારો લેખ ભગવતીકુમારને એટલો બધો ગમી ગયો કે લેખમાં તમે જે ભક્તિગીતની મોકળે મને પ્રશંસા કરી છે - ‘હરિ સુપણે મત આવો’ અને જે ગઝલની ઉત્કટ પ્રશંસા કરી છે - ‘ગામ આવી ગયું’ તે દરેક કાવ્યપઠનમાં ભગવતીકુમાર રજુ કરે છે. જૉસેફભાઈનો પ્રત્યક્ષ પરિચય મને હરીન્દ્રભાઈએ કરાવ્યો. હરીન્દ્ર એટલે સૌજન્યની મૂર્તિ. એકેડેમીના બીજે જ વર્ષે હરીન્દ્રભાઈ અમેરિકા આવ્યા. એમનાં વાર્તાલાપો, કાવ્યપઠન અને કાવ્યસ્વાદોએ જ્યાં જ્યાં એ ગયા ત્યાં સૌને એમણે પ્રભાવિત કર્યા પરંતુ સૌથી વધારે સારી છાપ અમારા સૌના ઉપર પડી તે એમના વ્યક્તિત્વની, એમના સાલસ સ્વભાવની. હરીન્દ્રના અમેરિકાના પ્રવાસ પછી જ્યારે જ્યારે અમારે ઇન્ડિયા જવાનું થયું, અને દર બેત્રણ વર્ષે તો થતું જ, ઈન્ડિયા પહોંચીને હરીન્દ્રભાઈને ફોન કરીએ કે અચૂક એ પછીના જ રવિવારે લંચ માટે એમનું નિમંત્રણ. એવા એક પ્રસંગે હરીન્દ્રભાઈએ જૉસેફ મેકવાનનો પરિચય કરાવ્યો. હરીન્દ્રભાઈ કહે, ‘મધુસૂદનભાઈ, આ જૉસેફ મેકવાન. એમને તો તમે ઓળખો....’ મેં કહ્યું, ‘જૉસેફ મેકવાનને કોણ ન ઓળખે?’ હરીન્દ્રભાઈ જૉસેફભાઈને ઉદ્દેશીને કહે, ‘મેં નહોતું કહ્યું તમને?’…તમારે જો અમેરિકા જવું હોય તો આ માણસનો સંપર્ક કેળવો. એ બધું ગોઠવી દેશે.’ આમ જૉસેફભાઈનો અમેરિકાપ્રવાસ ગોઠવાયો. આમ ‘મારી ભિલ્લુ’ની પ્રસ્તાવના એમણે મારી પાસે અત્યાગ્રહથી લખાવી. એનું પરિણામ તમે આ પુસ્તકમાં જોઈ શકો છો. મારું એક સ્વપ્ન હતું – છે, એ અમેરિકા આવેલા ગુજરાતીઓની પ્રથમ પેઢી આ રંગભૂમિ ઉપરથી વિદાય લે તે પહેલાં તેમનાં સંઘર્ષનાં, સફળતા-નિષ્ફળતાનાં સંસ્મરણો કોઈકે શબ્દબદ્ધ કરી લેવા જોઈએ. કોઈ સમાજશાસ્ત્રી સમગ્ર અમેરિકી ગુજરાતી પ્રજાનું સંશોધન કરીને અભ્યાસ રજુ કરે તે તો કોઈ યુનિવર્સિટી જેવી માતબર સંસ્થા કરી શકે. એકેડેમીની શક્તિ બહારનો એ વિષય ગણાય. પણ થોડાક, ૫૦-૧૦૦ પ્રતિનિધિ રેખાચિત્રો જો રજુ કરી શકાય તો પણ આ પેઢીનું આછુંપાતળું ચિત્ર મળી શકે. જૉસેફ મેકવાનથી વધારે ઉમદા રેખાચિત્રકાર કોણ મળે? મેં એમને વાત કરી, એમણે સ્વીકારી પણ ખરી. પરંતુ અમેરિકન કોન્સ્યુલેટે એમને બીજી વાર અમેરિકા આવવાનો વીસા જ ન આપ્યો! બધા જ લેખોની પૂર્વભૂમિકા આપવાનો ઈરાદો નથી. મોટા ભાગના લેખો કોઈને કોઈ નિમિત્તે લખાયા છે. છતાં હજુ એક વધુનો લોભ. નારાયણ દેસાઈ વિશેનો લેખ ‘મારું જીવન એ જ મારી વાણી’ એ પ્રકટ થયો ત્યાર પછી નારાયણભાઈનો મધુર પત્ર હતો. એક એમનું માર્મિક અવલોકન હતું. એમણે લખ્યું’તું કે આ ગ્રંથની અનેક લોકોએ ઘણી પ્રશંસા કરી છે - વાંચ્યા વિના! માત્ર તમે જ ચારે ભાગ પૂરા વાંચી-વિચારીને અવલોકન લખ્યું છે. થોડાંક પરિશિષ્ટો પુસ્તકને છેવાડે મૂક્યાં છે, છેવાડે એટલા માટે કે એમાં મુખ્ય ઉદ્દેશ એ નૈમિત્તિક લેખો સચવાઈ રહે તેટલા માટે. મારા પ્રથમ પુસ્તક ‘અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો’નાં છ અવલોકનો પ્રકટ થયાં છે. એમાં ત્રણેક તો વર્તમાનપત્રોમાં પ્રકટ થયાં હતાં. દા.ત. ભોળાભાઈનું ટૂંકું અવલોકન ‘દિવ્ય ભાસ્કર’માં પ્રકટ થયેલું. હવે આ કેવી રીતે સચવાઈ રહે? સામયિકોમાં પ્રકટ થયેલાં તો તોયે સૂચિમાં, DVDમાં સચવાઈ રહે પણ આજનું છાપું કાલની પસ્તી. તેથી આત્મસ્તુતિના આરોપનો ભય વ્હોરીને પણ એ પુસ્તકને અંતે સાચવ્યાં છે. તે જ પ્રમાણે ગુજરાતી લીટરરી એકેડેમીના ઉપક્રમે સિતાંશુની નિશ્રામાં અને કેટલાક સર્જકોની ઉપસ્થિતિમાં આ પુસ્તકની સારી એવી પ્રશંસા-ટીકા થયેલી. એ પ્રશંસા અને ટીકા અને એનો પ્રતિભાવ પણ એક પરિશિષ્ટમાં સાચવ્યાં છે. કેટલીક ચર્ચાચર્ચી પણ સાચવી છે. કેટલાક લેખો રઘુવીરભાઈની કડક પરીક્ષામાંથી પસાર ન થઈ શક્યા. એકાદ અપવાદ બાદ કરતાં એ બધા જ લેખોનો સમાવેશ પુસ્તકમાં નથી કર્યો. કેટલાક લેખોનાં bibliographic citations સચવાયાં છે તે પ્રગટ કર્યાં છે. જે નથી સચવાયાં તે શોધવાનો પ્રયત્ન નથી કર્યો, સ્વાસ્થ્ય અને સમયના અભાવે. આ પુસ્તક તેમજ આની સાથે ‘ગુર્જરી’ના ઉપક્રમે પ્રકટ થતા બીજા પુસ્તક ‘મારી છાજલીએથીના વિવેચનલેખો’ બન્નેનું નામકરણ મુ. ભોળાભાઈએ કરેલું એ પુણ્યસ્મરણ સાથે વિરમું છું ‘દર્શક ફાઉન્ડેશન’ તરફથી આ પુસ્તક પ્રકટ થાય છે એ મારી હેસિયત કરતાં ઘણું વધારે બહુમાન છે. ‘દર્શક’નો મારા ઉપર ગાઢ સ્નેહ હતો. એ સ્નેહની વર્ષાનાં થોડાંક છાંટણાં તમે આ પુસ્તકમાં જોશો. ‘દર્શક ફાઉન્ડેશન’ના ટ્રસ્ટીઓ મુ. રઘુવીર ચૌધરી, મનસુખભાઈ સલ્લા સૌનો આભાર. આ પુસ્તકના મુદ્રણ માટે અને મુદ્રણશુદ્ધિના મારા હઠાગ્રહને નિભાવવા માટે ભાઈ કમલ થોભાણીનો આભાર.

It is art that MAKES life, makes interest, makes importance for our consideration and application of these things, and I know of no substitute whatever for the force and beauty of its process. Henry Janes, letter to H. G. Wells

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.