At The Existentialist Café

Granthsar-logo.jpg

વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ


At The Existentialist Café-Title.jpg


At The Existentialist Café

Sarah Bakewe

અસ્તિત્વવાદનો ઉદય- એક કેફેમાંથી

મુક્તિ, અસ્તિત્વ (હોવાપણું), અને જરદાલુ કોકટેલ
સારા બેઈકવેલ


ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન
અનુવાદ: ચૈતન્ય દેસાઈ



લેખિકા પરિચય:

સારા બેઈકવેલ બોર્નમથ(Bournemouth) ઇંગ્લેન્ડનાં લેખિકા છે. જેમણે તેમનું બાળપણ માતાપિતા જોડે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ-નિવાસમાં વીતાવ્યું, આખરે બ્રિટન આવી રહ્યાં. ત્યાં એસેક્ષ યુનિવર્સિટીમાં ફિલસૂફી ભણીને લંડનની વેલકમ લાયબ્રેરીમાં કેટેલોગર-ક્યૂરેટર તરીકે Histrory of Medicine માટે સેવા આપી. The English Dane અને How to Live : A LIfe of Montaigne- એમનાં પુસ્તકો છે.

પુસ્તક વિશે:

૨૦૧૬માં પ્રકાશિત આ પુસ્તક વીસમી સદીના પૂર્વાર્ધમાં થયેલા અસ્તિત્વવાદના ઉદય ઉપર એક નવો પ્રકાશ પાડે છે. અસ્તિત્વવાદના પુરસ્કર્તાઓના વ્યક્તિગત જીવન અને તેમની તાત્વિક વિચારધારાને ઉજાગર કરતું આ પુસ્તક જીવનકથા અને તત્ત્વદર્શનના સમન્વયસમું છે. રસપ્રદ બાબત તો એ છે કે મોટા મોટા લાગતા દાર્શનિક સિદ્ધાંતો કે સમસ્યાઓ આપણા જીવનને કેવી રીતે પ્રકાશિત કરે છે અને આપણે એને જીવનમાં કેવી રીતે ઉતારી શકીએ એનો રાહ ચીંધે છે આ અદ્ભુત પુસ્તક!

પૂર્વભૂમિકા:

આ પુસ્તકમાં મને ઉપયોગી શું છે? આપણો ઘણા બધાનો ખ્યાલ એવો હોય છે કે તત્ત્વજ્ઞાન/તત્ત્વદર્શન/દર્શનશાસ્ત્ર કે ફિલોસોફી એ તો આપણે માટે બહુ દૂરનો વિષય છે, મોટા દાર્શનિકોનો જ વિષય છે, ગુફામાં બેસીને વર્ષો સુધી તપ કરતા દાઢી-જટાધારી ઋષિઓએ વાસ્તવના સ્વરૂપ અને તેની પ્રકૃતિ ઉપર ચિંતન-મનન કરી નીપજાવેલી વિદ્યાશાખા છે. એને આપણા દૈનિક જીવન જોડે ઝાઝી શી લેવાદેવા હોય? પણ એવું નથી. આ પુસ્તક, તત્ત્વજ્ઞાન આપણા જીવનનો જ એક હિસ્સો કેવી રીતે બની રહે તે શીખવે છે. ૧૯૩૦ના દાયકામાં, જ્યાં પોલ સાર્ત્ર, સીમોન દ-બુવા અને અન્યોએ જીવન-સમાવેશક ચિંતન વિકસાવ્યું અને આપણે કેવી રીતે જીવવું જોઈએ અને કેવી રીતે જીવી રહ્યા છીએ. તેનો હેતુ શો છે-જેવા પ્રશ્નો કરવાની શરૂઆત કરી. એમના આ દાર્શનિક ચિંતને માત્ર તેમના જીવનનું પથદર્શન માત્ર ન કરાવ્યું, પરંતુ દ્વિતીય વિશ્વયુદ્ધના મુશ્કેલ દિવસોમાં તેમને ટકી રહેવાનું બળ પણ પૂરું પાડ્યું. આ પુસ્તકનાં પ્રકરણોમાં આપણને શીખવા મળશે કે— • ફિલોસોફીનું કોકટેલ (મિશ્રપીણું) કેમ બનાવવું? • દુઃખ, યાતના, મુશ્કેલી વિશે કેવી રીતે વાત કરવી—વ્યથાની કથા કઈ રીતે કહેવી? • ઘણા લોકો સ્ત્રીને પદાર્થ/વસ્તુ તરીકે શા માટે જુએ છે?

અગત્યના મુદ્દાઓ:

૧. આલુ-જરદાલુના કોકટેલે જ્યાં પોલ સાર્ત્રને અસ્તિત્વવાદનો માર્ગ સૂઝાડ્યો...

‘અસ્તિત્વવાદ’ એટલે—જીવનની નિરર્થકતા વિશે હતાશાભર્યા વિચારો પ્રેરનાર એવો એક ધૂંધળો, કર્કશ શબ્દ—એમ આપણામાંના ઘણાને લાગે, પરંતુ અસ્તિત્વવાદની શરૂઆત—આલુ-જરદાલુના કોકટેલ જેવા મસ્તમઝાના પીણાથી થઈ છે. સાલ ૧૯૩૨ના અંત તરફ, જ્યાં પોલ સાર્ત્ર અને એમની મહિલામિત્ર સીમોન દ બુવા, તથા તેમનો મિત્ર રેમન્ડ અરોન, પેરિસના બેક-દ-ગઝ બારમાં કોકટેલની ચુસ્કી લેતાં ગપ્પાં મારતાં બેઠાં હતાં. આ ત્રણે મિત્રો પેરિસના ઈકોલ નોર્મલ સુપીરીયર શાળામાં સાથે ભણતાં હતાં, પણ ભણવામાં એમને બહુ મઝા અને સંતોષ નહોતાં, કારણ કે એમના અભ્યાસક્રમમાં ફિલોસોફીના વિષયમાં પ્લેટોના સમયથી પૂછાતા આવેલા એકના એક પ્રકારના પ્રશ્નો જ શીખવાતા હતા. “વસ્તુઓ વાસ્તવિક છે કે કેમ તે કેવી રીતે જાણી શકાય? અમુક વસ્તુઓ હું ચોકસાઈપૂર્વક જાણું છું એમ કેવી રીતે કહી શકાય?”—આવા બધામાં આ મિત્રોને કોઈ મુદ્દો જણાતો નહોતો, અને એમને કાંઈક નવું તત્ત્વજ્ઞાન શીખવા-શોધવાની ક્ષુધા રહ્યા કરતી, કે જેનાથી તેમનો અસંતોષ અને કંટાળો દૂર થાય. પરંતુ દાર્શનિક દૃષ્ટિકોણ જોવા-જાણવામાં બીજા કયા માર્ગો હશે કે હોઈ શકે તેની એમને ત્યારે ખબર નહોતી. સાર્ત્ર અને સીમોન જ્યારથી સ્નાતક થયાં ત્યારથી ફ્રાન્સના પ્રદેશોમાં ભણાવતાં રહયાં હતાં પણ તોય, ત્યાં પણ કોઈ નવા વિચારો કે દાર્શનિક તરેહો જોવા મળી નહોતી. ત્રીજો મિત્ર, અરોન, પછી બર્લિનમાં સ્નાતકોત્તર અભ્યાસમાં જોડાયો. ત્યાં એને ‘ફીનોમીનોલોજી-ઘટનાશાસ્ત્ર’ એવો જર્મનીમાં ઉદ્ભવેલો નવો દાર્શનિક વિચાર કે ખ્યાલ ભણવામાં આવ્યો. એમાં એવું તો ઉત્તેજક અને વિચારપ્રેરક શું હતું કે જેણે આ મિત્રોને ઇકોલની શાળામાં ભણેલા તે વાસી અધિભૌતિક તાત્ત્વિક વિચારણાને બાજુ પર મૂકાવી દીધી અને દૈનિક જીવનની વાસ્તવની ભૂમિકાને જોતા-વિચારતા કરી દીધાં? અરોને કહ્યું કે, “મિત્રો, આ આલુ-જરદાલુ કોકટેલથી પણ ફિલોસોફી થઈ શકે! અહીંથી પણ તાત્ત્વિક વિચારણા શરૂ કરી શકાય. જરૂરી નથી કે તે માટે પ્લેટો-એરિસ્ટોટલ જ જોઈએ!” મિત્રો તો આશ્ચર્યચકિત ! સાર્ત્ર તો ચમક્યો ને સીધો પહોંચ્યો પેરિસના મોટા બુકસ્ટોરમાં. એને ઘટનાશાસ્ત્ર વિશે વધુ જાણવાની જિજ્ઞાસા જાગી ચૂકી હતી તેથી એ વિષયનાં જેટલાં પુસ્તકો હોય તે માંગ્યાં. કમનસીબે એક જ ચોપડી મળી. તે એણે વાંચી કાઢી. હજી વધુ જાણવા તે ઘાંઘો થયો. એણે તો અરોનની જેમ બર્લિન જઈ એક વર્ષ ભણવાની જોગવાઈ કરી દીધી. ત્યાં જઈને તો એણે કંઈક સદંતર નવું જ કર્યું—ઘટનાશાસ્ત્રનાં પુસ્તકો કે અન્ય તાત્ત્વિકોનાં દર્શન + પોતાની સાહિત્યિક શૈલી અને વ્યક્તિત્વ—આ બધાંનું કોકટેલ !! લો, બોલો ! કોકટેલના જામથી પ્રેરિત થઈ ફિલોસોફીનું પણ કોકટેલ બનાવ્યું. ૧૯૩૪માં એ પાછો પેરિસ પરત ફર્યો ત્યાં સુધીમાં તે પોતાની નવી ફિલોસોફી-અસ્તિત્વવાદની સ્થાપના માટે તે તૈયાર હતો. બર્લિનમાં વીતાવેલું એકવર્ષ એનું સાર્થક થયું. પણ વક્રોક્તિ એ થઈ કે બર્લિન નહિ પણ જર્મનીનું અન્ય એક શહેર-ફ્રેઈબર્ગ-ઘટનાશાસ્ત્રનું કેન્દ્ર હતું.

૨. ‘ઘટનાશાસ્ત્ર’- એક નવી ફિલોસોફીનું કેંદ્ર ફ્રેઈબર્ગ...

દક્ષિણ-પૂર્વ જર્મનીમાં ર્હાઈન નદી અને બ્લેક ફોરેસ્ટની સરહદે આવેલું યુનિવર્સિટી ટાઉન છે—ફ્રેઈબર્ગ-ઈમ-બ્રેઈસગઉ. વીસમી સદીના પ્રારંભિક દાયકાઓમાં એ ઘટનાશાસ્ત્રનું એપીસેંટર (ભૂકંપનું કેન્દ્રબિંદુ)બન્યું. એ યુનિવર્સિટીમાં(૧૯૧૬માં) ફીલોસોફીની અભ્યાસપીઠના સ્થાપક હતા પ્રો. એડમંડ હસર્લ. એમની નિશ્રામાં વિદ્યાર્થીઓ ક્યાં ક્યાંથી ભણવા આવતા. આપણે ‘ઘટનાશાસ્ત્ર –Phenomenology’નો ઉલ્લેખ તો કર્યો, પણ વાસ્તવમાં એનો અર્થ શું થાય છે? ચાલો, જોઈએ. ‘ઘટનાશાસ્ત્ર’ એ કોઈ ચોક્કસ થીયરી કે સિદ્ધાંત(શાસ્ત્ર)એવું નથી, પણ ઘટનાને વર્ણવવાની એક પદ્ધતિ છે. ઘટના તો ગમે તે હોઈ શકે-પ્રસંગથી માંડીને લાગણીથી માંડીને વસ્તુ કે પદાર્થ સુધી કાંઈ પણ ! અને ‘વર્ણન’ અથવા એને વર્ણવવું એટલે તમારા પોતાના સ્વાનુભવથી એ વિશે બધું જ કહેવું તે. ચાલો, આપણે આલુ-જરદાલુ કોકટેલનું જ ઉદાહરણ લઈએ. જૂની તત્ત્વદર્શન-શૈલીઓ મુજબ એમ પૂછી શકાય કે શું કોકટેલ ખરેખર અસ્તિત્વ ધરાવે છે ખરું કે પછી એ તમારી મનઘડંત વસ્તુ જ છે. જો કે આમ પૂછવામાં ખોટું કશું નથી, પરંતુ જ્યારે તમે કોકટેલના સૈદ્ધાંતિક અસ્તિત્વ વિશે વિચારો ત્યારે તમે ત્યાં બારમાં બેઠા બેઠા એ પી રહ્યા હો એવું બને. તો પછી એવી લમણાઝીંકમાં પડ્યા કરતાં હાથમાંના ગ્લાસમાં રહેલાં પીણાનો સ્વાદ જ કેમ ન માણવો? હવે આને વર્ણવવું હોય તો, બારવાળો એ કોકટેલ કેવી રીતે બનાવે છે, હલાવે છે, ફળોનું મિશ્રણ થાય છે અથવા ફળો ક્યાં ઊગે છે, કે પછી આવાં બીજાં કોકટેલ તમે જોયાં/પીધાં હોય, તમને તમારી મમ્મીએ બનાવી આપ્યાં હોય તેની સ્મૃતિ વગેરે તમે વિચારો છો અને વર્ણવો છો. પરંતુ આ હકીકતો અને સ્મૃતિઓ પણ આખરે તો તમારી પૂર્વધારણાઓ જ છે—એ તમને આ વિશિષ્ટ તમારા (હાથમાંના ગ્લાસના) કોકટેલ વિશે વાત કરવામાં સહાયભૂત ન થઈ શકે. આથી હસર્લ કહે છે તે epoché પ્રક્રિયા હાથ ધરવી પડે. Epoché એ પ્રાચીન ગ્રીક શબ્દ છે જેનો અર્થ છે—“નિર્ણય નિવારણ, suspension of Judgement-નિર્ણયમોકૂફી, જજમેન્ટની સ્થગિતતા, ચુકાદા-મોકૂફી...” હસર્લ કહે છે કે તમારા પૂર્વાનુમાનો, માની લીધેલી ધારણાઓને બાજુ પર રાખો. તો જ તમે તમારી નજર સમક્ષની ઘટના/વસ્તુને સ્પષ્ટ રીતે નીરખી,પારખી, જોઈ-જાણી શકશો. તમારું ધ્યાન એને ‘જેવી છે તેવી’ એકાગ્રતાપૂર્વક જોવા, તાજી નજરે નીરખવા પ્રેરશે. પણ આવું શા માટે કરવું જોઈએ? ચાલો, કહો કે એક વસ્તુ માટે, કોઈ ચોક્કસ વસ્તુને આ રીતે જોવાથી તે અસાધારણ રીતે વધુ સ્પષ્ટ, વધુ ચોકસાઈવાળી ને તેજસ્વી લાગશે. દા.ત. એક દર્દીનું દર્દ, પીડા... જો કોઈ દર્દી તેના દર્દને વર્ણવવા તેની પૂર્વધારણાઓ, જે તે દર્દ વિશેની સામાન્ય બાબતો-લક્ષણો તેના ડૉક્ટરની સામે વર્ણવે, તો તે ઉપયોગી નીવડી ન શકે. ડૉક્ટરને જે તે દર્દીના રોગનિદાન માટે તે જ દર્દીના સ્વાનુભવવના વર્ણનની જ જરૂર પડેને? દર્દના નિદાન કરતાં ઘટનાવાદીઓ (દર્દીના) જીવન, જીવનશૈલીને સંપૂર્ણ સમજવાનો પ્રયત્ન કરશે. હસર્લ અને તેના અનુયાયીઓ આને હળવાશથી લેતા નથી. તેમને ઉપરછલ્લી થોડી માહિતીથી સંતોષ થતો નથી. ઘટનાવાદીએ કોઈ સંગીતની ધૂન-તર્જ કે ગીતનું પણ વર્ણન કરવું હશે તો તે માત્ર ‘Lively’ કહીને સંતોષ ન માનશે, પરંતુ વધુ સ્પષ્ટતાપૂર્વક કહેશે- ‘full of a great dignity’ (ઉત્તમ ગૌરવપૂર્ણ) અને સુંદર સુરીલું...’ તેઓ ઘટનાને હૃદયસ્પર્શી રીતે ન વર્ણવશે ત્યાં સુધી નબળાં, ઉપરછલ્લાં વર્ણન આપતા જઈ, છેક બહેતર, અસરકારક પાસાંઓ બતાવતા જશે. ૧૯૧૮માં, સાર્ત્ર જૂથના આ મિશનમાં એક યુવાન જોડાયો, જેની ઘટનાશાસ્ત્ર ઉપર અન્યો કરતાં વિશેષ અસર પડનારી હતી, અને તે હતો : માર્ટિન હેઈડેગર !

૩. માર્ટિન હેઈડેગર—ફિલોસોફીનો વડલો અને વળી પાછો ખામીભર્યો માણસ.

ગુરુ-શિષ્ય પરંપરામાં ઘણા શિષ્યો, ગુરુએ શીખવ્યા કરતાં તેનાથી કંઈક તદ્દન નવું જ સર્જી-શોધીને ગુરુ ઉપર છવાઈ ગયા હોય એવું બને છે. આવું જ કંઈક હસર્લના સૌથી તેજસ્વી છાત્ર માર્ટિન હેઈડેગરના કિસ્સામાં બન્યું, જેણે ૧૯૨૭માં Being and Time નામનું ક્રાંતિકારી પુસ્તક લખી ફિલોસોફીના ક્ષેત્રે તરખાટ મચાવી દીધો. હસર્લના વિદ્યાર્થી તરીકે હેઈડેગરે વસ્તુ કે ઘટનાનું સ્પષ્ટ, સર્વાંગ દર્શન કરવા તેનાં પૂર્વાનુમાનો બાજુ પર મૂકી દીધાં. કોફીના કપ તરફ જોતાં તેણે કદાચ કહ્યું હોત—‘It’s rich and dark’- ‘કોફી સરસ સ્વાદિષ્ટ અને ડાર્ક છે’! પરંતુ Being and timeમાં તેમણે આવા વિધાન પરત્વે એક મહત્ત્વપૂર્ણ સવાલ કર્યો કે –એ વાક્યમાં ‘છે’ (is)નો ચોક્કસ અર્થ શો થાય? હેઈડેગર માને છે કે હસર્લ અને અન્યોએ હોવાપણા-beingના ખ્યાલને નજરંદાજ કરીને ભૂલ કરી છે. તત્ત્વજ્ઞાનીઓ પોતાની જાતને એવું માનતા લાગે છે કે તેઓ દુનિયાને (ઘટના/વસ્તુને) નીરખીને બાહ્ય દૃષ્ટિકોણથી-બહારથી જોનારા તરીકે પ્રશ્નો કરે છે. હેઈડેગરે એમ દર્શાવ્યું કે જે તે પ્રશ્નો પૂછવા માટે આપણે પ્રથમ તો અસ્તિત્વ ધરાવતા હોવા જોઈએ. એટલે કે તેમાં આપણું ‘હોવાપણું’ હોવું જરૂરી છે, અને તે જ બધી તાત્ત્વિક તપાસનું, પ્રશ્નોનું પ્રસ્થાનબિંદુ હોવું ઘટે. જો એ જ ચૂકી ગયા તો હે ફિલોસોફર મિત્રો, એ તો ઘોડા પહેલાં ગાડી મૂકવા જેવું થશે. હેઈડગરે બીજી પણ એક સમાન્ય તાત્ત્વિક ટેવ નોંધી, જે ત્યારે પ્રચલિત હતી, તે એ કે તત્ત્વચિંતકોમાં પોતાને માટે કંઇક એવું માનવાનું વલણ હતું કે તેઓ જ્યારે વસ્તુ/ઘટનાનું વર્ણન કરતા હોય ત્યારે ઘટનાથી અલગ હોય અને જાણે પોતે તીરે ઊભા તમાશો જોતા હોય, કી હોલમાંથી જોતા હોય. પરંતુ હેઈડેગરે જોયું અને વિચાર્યું કે ના આવું ન હોય, જ્યારે આપણે નિરીક્ષણ કે વર્ણન કરતા હોઈએ ત્યારે આપણે તે ઘટના જોડે જ ‘હોઈએ’ છીએ. એટલું જ નહિ, તેને આપણે વ્યાવહારિકતા જોડે સાંકળતા પણ હોઈએ છીએ. આ બાબતને પકડવા, વર્ણવવા એમણે ગ્રીક શબ્દ Dasein શોધ્યો. જેનો અર્થ છે ‘there’ અને ‘being’ (ત્યાં અને હોવું તે), અને તેને human being અથવા he કે she ને સ્થાને પ્રયોજ્યો. આ રીતે beingનો ખ્યાલ દર વખતે વાચકના મનમાં રહે તેમ એણે ઠસાવ્યું. ૧૯૨૯ સુધીમાં હેઈડેગરનાં પુસ્તકો અને પ્રવચનોએ તેને પ્રખ્યાત બનાવી દીધો. પણ તેની આ બુદ્ધિશક્તિ, તર્કશક્તિ ઉપરાંત તેનામાં અમુક ક્ષતિઓ પણ હતી, જેનું વરવું ઉદાહરણ ૧૯૩૩માં જ્યારે તે ફેઈબર્ગ યુનિવર્સિટીનો રેક્ટર બન્યો ત્યારે સામે આવ્યું. પદની જરૂરિયાત મુજબ એણે નાઝી પાર્ટીમાં જોડાવું પડે અને ડ્રેકોનિયન કાયદા પ્રમાણે જે જ્યૂઈશ(યહૂદી) જણાય તેને યુનિવર્સિટી પદથી દૂર કરવા પડે. આમ થતાં ઘણા પદાધિકારીઓને અસર થાય, છૂટા થવું પડે તે હેઈડેગર જાણતો હતો. જેમાં એના ગુરુ હસર્લનો પણ સમાવેશ થતો હતો. યુનિવર્સિટીએ હસર્લનાં નિવૃત્તિ માન-સન્માનો અને વિશેષાધિકારો ખેંચી લીધાં હતાં...હેઈડેગરે પછીથી કહ્યું કે નાઝીઓના ઈરાદાઓને તે બરાબર પારખી નહોતો શક્યો. પરંતુ ૨૦૧૪માં, નાઝી-તરફી, antisemitic લખાણો ધરાવતી એની નોંધવહીઓ પ્રગટ થઈ ત્યારે ખબર પડી કે તે એનું યુનિવર્સિટી પદ સાચવવા પૂરતો જ નાઝીપક્ષનો સભ્ય નહોતો થયો. એની પસંદગીઓ કે કાર્યપદ્ધતિઓથી એના મિત્રો અને સાથીઓ નારાજ હોવાથી એને પડતો મૂકવામાં આવેલો, જોકે એના પક્ષના સભ્યપદે પણ એના પતનમાં ભાગ ભજવ્યો હશે. જ્યાં પોલ સાર્ત્રે કદાચ એવું કહ્યું હોત કે હેઈડેગરના તાત્ત્વિક વિચારો વિવાદાસ્પદ કે સમસ્યાકર નહોતા, પણ એનાં કાર્યોએ એને ઓળખ આપી. આવતા પ્રકરણમાં આ વિશે

૪. અસ્તિત્વવાદ સ્વતંત્રતા અને જવાબદારીના બોજ વિશે છે.

સાર્ત્ર એક નવલકથાકારની સાથોસાથ એક ફિલોસોફર પણ હતા, તેથી અસ્તિત્વવાદ વિશેનાં તેમનાં લખાણોમાં એક પ્રકારનો સાહિત્યિક સંસ્પર્શ હતો. ખાસ કરીને તેમના વિચારોને સમજાવવા પ્રયોજાતા તેમના ટૂચકાઓ/પ્રસંગો વાસ્તવિક જીવનમાંથી લેવાતા હતા, આથી તે વધુ અર્થપૂર્ણ લાગતા કારણ કે ‘વાસ્તવિક લોકોની દૈનિક જિંદગીમાં સ્વતંત્રતા’ એ અસ્તિત્વવાદનું હાર્દ છે. વસ્તુ કે ઘટનાને જોવામાં, જેવી છે તેવી જ જોવા માટે જેમ ઘટનાશાસ્ત્ર પૂર્વનિર્ધારિત જૂના ખ્યાલોને બાજુ પર રાખવાનું કહે છે તેમ અસ્તિત્વવાદ આપણને ‘માનવ હોવાપણા’ના પૂર્વખ્યાલમાંથી પણ મુકત થવા ઉપર ભાર મૂકે છે. આપણે કોણ ‘છીએ’ એના ઉપર, જીવનવિજ્ઞાન, સંસ્કૃતિ, આપણો વૈયક્તિક ઇતિહાસ જેવાં ઘણાં પરિબળો અસર કરતાં હોય છે, જોકે તેમાંનું એકેય આપણને-આપણા હોવાપણાને વ્યાખ્યાયિત કરતું હોય એ જરૂરી નથી. એના બદલે તો, આપણે જે પસંદગીઓ કરીએ છીએ તેના દ્વારા જ આપણે આપણી જાતને વ્યાખ્યાયિત કરવા મુક્ત છીએ. સાર્ત્ર આને આ રીતે મૂકે છે : ‘Existence precedes essence’- ‘અસ્તિત્વના પહેલાં સારતત્ત્વ કે મૂળતત્ત્વ’ આપણે એકવાર અસ્તિત્વ ધરાવવાનું શરૂ કરીએ એટલે આપણે આપણાં કાર્યો દ્વારા આપણે શું/કોણ છીએ તેનું સારતત્ત્વ ઘડવાનું શરૂ કરી દઈએ છીએ. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન જર્મનોએ ફ્રાંસનો કબજો લીધો એ ઘટના દ્વારા સાર્ત્ર આ વિચારનું સમાપન કરે છે કે એક વખત એના ભૂતપૂર્વ વિદ્યાર્થીએ એની કંઈક સલાહ માંગી. તેણે પોતાનો નોકરી-ધંધો છોડી નાઝીઓ સામેની લડતમાં ઝંપલાવવું હતું પણ તેમ કરવામાં પોતાની માતાને એકલી ઘરે મૂકીને જવું પડે તેમ હતું. તો શું કરવું? આપણે ઘણા માનીએ તેમ સાર્ત્રે શી સલાહ આપી હશે-વિદ્યાર્થી માનતો હતો કે નૈતિકતા, માનસિકતા અને તેનો વ્યક્તિગત ઇતિહાસ જેવાં પરિબળોથી તે ઘેરાયેલો કે બંધાયેલો હતો. પરંતુ એ બધાં વાસ્તવમાં એનાં અવરોધક પરિબળો નહોતાં, એ તો માત્ર પોતે જે પરિસ્થિતિમાં મૂકાયો હતો તેનો ભાગ જ હતાં. સચ્ચાઈ તો એ હતી કે તેને કોઈ અવરોધ જ નહોતો. એને જે ઈચ્છા હોય તે કરવા માટે તે સંપૂર્ણ મુક્ત હતો. પણ આવા કાર્ય માટેની, ઈચ્છાપૂર્તિ માટેની મુક્તિ કે સ્વતંત્રતા એની પાસે જવાબદારીની અપેક્ષા પણ એટલી જ રાખતી હતી. જો તમે જે ધારો છો તે કરવા માટે તમે મુક્ત હો, કોઈ અવરોધ ન હોય ત્યારે અન્ય કોઈ નહિ પણ તમે જ તમારી પસંદગી માટે જવાબદાર હોવ છો, તમે જે કરો છો તે જ વધુ અગત્યનું છે-તમારા કાર્યનાં પરિણામો પણ હોય જ છે. હા, તમે તમારી જવાબદારીની અવગણના કરી શકો અને તમારાં કાર્યોને કોઈક નિયંત્રિત કરી રહ્યું હોવાનો ઢોંગ કરી શકો. પરંતુ સમય જતાં, તમે જે કાર્યો કરો છો તે જ તમારું સર્જન કરે છે. જવાબદારીમાંથી છટકવાનો અર્થ એ જ થાય કે તમે આખરે એક અનધિકૃત, અવિશ્વસનીય વ્યક્તિ સાબિત થાવ છો. આથી પેલા વિદ્યાર્થીને સાર્ત્રની એક જ સરળ સલાહ હતી કે-‘પસંદગી કર ! અને તેમ કરવામાં તારા સ્વની ખોજ કર, તારી જાતને જો, પામ.’ આપણે હવે જોઈશું કે, દરેક પાસાંમાં પોતાની ફિલસૂફીને મૂર્તસ્વરૂપે જોનાર સાર્ત્ર અને સીમોન કરતાં કોઈએ પણ જવાબદારીને વધુ સારી રીતે ધારણ કરી નથી.

૫. સાર્ત્ર અને સીમોન દ બુવાને મન અસ્તિત્વવાદ એક ફિલસૂફીથી વિશેષ હતો—એક જીવનરાહ હતો.

સાર્ત્ર અને સીમોન દ બુવાએ તેમના જીવનના દરેક પાસામાં તેમની ફિલસૂફીનું દષ્ટાંત બેસાડવાની કોશિશ કરી છે, જેની શરૂઆત તેમણે તેમના વ્યક્તિગત સંબંધથી કરી. વિદ્યાર્થી અવસ્થામાં તેઓ પ્રેમીઓ હતા, એકમેક વિના ચાલે નહિ, જુદા થવાય નહિ એવા પ્રેમીઓ. ઘણા વિચારે સ્વાભાવિક રીતે જ કે હવે લગ્નમાં જ પ્રેમની પરિણતી હોય. પણ સાર્ત્ર અને સીમોન માટે એવું ન હતું. તેમને મન તો લગ્ન એટલે પતિ-પત્નીની ભૂમિકામાં કેદ થઈ જવું, બંધાઈ જવું, સંપત્તિ ભેગી કરવી-કમાવું, પોતાના (લગ્નેતર)અફેર્સ જો કાંઈ હોય-થાય તો એને છૂપાવવા, જુઠું બોલવું વગેરે... આવું બધું કરવા-માનવામાં એમને મઝા ન આવી, વળી સ્વતંત્રતા અને પસંદગી અંગેના એમના તાત્ત્વિક વિચારો સાથે પણ એ બંધબેસતું નહોતું. આથી તેમણે લગ્નથી જુદું કંઈક પસંદ કર્યું. ૧૯૨૯માં એક સાંજે, પેરિસના એક બાગમાં એ બંનેએ એક વ્યવસ્થા વિચારી કે બંને જણા બે વર્ષના કરાર પર રહેશે, દંપતી તરીકે ખુલ્લે આમ...જો બે વર્ષ બધું બરાબર ચાલે તો પછી આગળ આ એગ્રીમેન્ટ ચાલુ રાખશે, નહિતર બીજી કોઈક રીતે એમના સંબંધમાં પરિવર્તન લાવશે. બધું બરાબર જ ચાલ્યું.. બે વર્ષ જ નહિ બીજા ૫૦ વર્ષ, ૧૯૮૦માં સાર્ત્રના સ્વર્ગવાસ સુધી આ ફિલોસોફર કપલ સાથે રહ્યું. સમગ્ર સમયગાળામાં બંનેના ઘણા અન્ય પ્રેમીઓ પણ રહ્તાં, તેમ છતાંયે બંનેને માટે તેમનો મૂળ પ્રેમસંબંધ પાયાનો રહ્યો. તેઓ કામકાજમાં અને જીવનમાં સદા સાથી-સંગાથી રહ્યાં. મૂળભૂત રીતે બંને લેખકો હતાં. ઘરે કે વિદેશમાં, ડેસ્ક ઉપર કે કેફેમાં તેઓ સાથે સાથે લખતા રહ્યાં—ડાયરીઓ, પત્રો, નિબંધો, લેખો, પુસ્તકો વગેરે. બંને એકબીજાનાં વાચકો, સંપાદકો, સંવર્ધકો, પ્રેરકો રહ્યાં. પોતપોતાના વિચારો, માન્યતાઓને વફાદાર, સચ્ચાઈભર્યા બની રહેવા અન્ય રીતોએ પણ તેઓ પ્રેરતાં રહ્યાં. અસ્તિત્વવાદ એક મુક્તિપ્રેરક ફિલોસોફી હોવાથી લોકોને દુનિયામાં બદલાવ લાવવા એણે પ્રેર્યા. આવી એમની તાત્ત્વિક વિચારધારાનું પરિણામ રાજકીય આંદોલનમાં એવું આવ્યું કે ૧૯૬૮માં પેરિસમાં વિદ્યાર્થીઓ અને કામદારોનાં ક્રાંતિકારી આંદોલનો થયાં. સાર્ત્ર અને સીમોને સ્વાભાવિક રીતે જ ચળવળની કૂચ, પીકેટીંગ, પ્રદર્શનો વગેરેને ટેકો આપ્યો. લેખકની કલમ રાજકીય આંદોલન પણ જન્માવી શકે તેનું એ ઉદાહરણ હતું. પરંતુ આપણે જરા ભૂતકાળમાં ડોકિયું કરીએ તો જણાશે કે કેવી રીતે/કેટલી હદે લેખકોની પોતાના વિચારો માટેની પ્રતિબદ્ધતા(કમીટમેન્ટ) તેમના મુશ્કેલ સમયમાં પણ ટકી રહે છે, ઢીલી પડતી નથી, ઘટતી નથી. સામાન્ય રીતે આથી ઉલટું બનતું હોય છે. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ફ્રાંસના કબજા કાળમાં રહેતાં તેમની આ વિચારધારા ઘણી નબળી પડતી ગઈ.

૬. વિશ્વયુદ્ધને લીધે અસ્તિત્વવાદીઓનાં જીવન અસ્તવ્યસ્ત થયાં, પણ તેમનું કાર્ય કે વિચારણા ન અટકયાં.

સમગ્ર વર્ષ દરમ્યાન ૧૯૩૯માં ક્ષિતિજે યુદ્ધનાં નગારાં વાગતાં રહેતાં, એક પ્રકારની ભયમિશ્રિત વ્યગ્રતા યુરોપમાં વ્યાપી રહી સપ્ટેમ્બરમાં પોલેન્ડ ઉપર જર્મનીના આક્રમણ પછી, બ્રિટન અને ફ્રાન્સે જર્મની સામે યુદ્ધ જાહેર કર્યું. જેથી યુરોપનું સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. સાર્ત્રને માટે આ પરિસ્થિતિ યુદ્ધમાં ઝંપલાવવા જેવી હતી. એને લાંબા સમયથી આંખની તકલીફ રહેતી હોવાથી અલ્સેસ (Alsace)ના હવામાન વિભાગમાં એનું પોસ્ટીંગ થયું. જોકે એ સરહદ ઉપર લડવા તો ન ગયો, પરંતુ ૧૯૪૦માં એને યુદ્ધકેદી બનાવી એવા કેમ્પમાં મોકલી દેવામાં આવ્યો. અહીં બંદી તરીકે એને વાંચવા-વિચારવા-લખવાનો સમય મળી ગયો. એણે હેઈડેગરનું Being and Time વાંચી નાંખ્યું, એમાંથી નોંધો કરી, જે એને આ મુશ્કેલ સમયમાં પ્રેરક નીવડી. એ જ રીતે સીમોન દ બુવાને પણ તત્ત્વજ્ઞાનમાંથી સારું આશ્વાસન અને જીવનરસ મળતાં રહ્યાં. તે પેરિસમાં હતી, જ્યાં ખોરાક અને અન્ય પુરરવઠો ઝડપથી ઘટતાં જતાં હતાં. હેગલ અને કિર્કગાર્ડનાં પુસ્તકોમાંથી એણે પણ આશ્વાસન મેળવ્યું અને પોતાની નવલકથા L. Invitee (અંગ્રેજીમાં she came to stay)ની પ્રેરણા મળી. આ દરમ્યાન વધુ પડતા વાચન-લેખનથી સાર્ત્રની આંખની તકલીફો વધુ વકરી. આંખના તજજ્ઞને બતાવવા જવાની કેમ્પમાંથી મંજૂરી મળી, એ ચાલતો બહાર ગયો, અને ગયો તે ગયો જ. યુદ્ધકેદી છાવણીમાંથી છટકી ગયો, પાછો ક્યારેય ત્યાં ન ગયો અને પેરિસ આવતો રહ્યો, જ્યાં સીમોન એની રાહ જોતી જ હતી. છાવણીમાં રહી વાંચી-લખેલી એની નોંધમાંથી એની યશોદા કૃતિ Being and Nothingness ૧૯૪૩માં પ્રગટ થઈ. એમાં સાત્રએ પ્રતિપાદિત કર્યું કે—આપણે આપણાં કર્મો દ્વારા જે બનવાનું પસંદ કરીએ છીએ તેથી વિશેષ શબ્દશઃ આપણે બીજું કાંઈ જ નથી. પણ આ પસંદગીની સ્વતંત્રતાનું પ્રમાણ તમને ચકરાવે ચડાવી દે, ભેખડ ઉપરથી નીચે જોઈએ ને ચક્કર આવી જાય તેવું હોય છે. ભયથી રુવાંટી ઊભી થઈ જાય, શરીરમાં ડરનું લખલખું પ્રસરી જાય અને તમે કદાચ આવેશમાં ભેખડ ઉપરથી કૂદી પણ પડો. કાર્યની પસંદગીની આઝાદી આટલી ખતરનાક હોય છે. માત્ર તમારી જાતને નીચે બાંધી રાખવાથી(વશમાં રાખવાથી) ચિંતા અને સ્વતંત્રતા ખરેખર દૂર થઈ જાય છે. સાર્ત્ર દલીલ કરે છે કે, આપણા જીવનમાં આપણે આ કાર્યપસંદગીની સ્વતંત્રતાના બોજમાંથી છટકવા માટે આપણી જાતને ઘણી રીતે નિયંત્રિત કરીએ છીએ. દા.ત. અલાર્મ ઘડિયાળ, આપણે આપણી મેળે ઊઠવું છે કે નહિ તેનો નિર્ણય કરવા કરતાં આપણે ઘડિયાળની ઘંટડી સહન કરવાનું જ રાખીએ છીએ. આનાથી આપણો દંભ પોષાય છે કે આપણે સ્વતંત્ર નથી અને આમ આપણું ઊઠવાનું (જીવન) સરળ બને છે... દંભી બનવાના તો આપણી પાસે ઘણાં બહાનાં હોય છે. દા.ત. પેરિસની કોઈ રેસ્ટોરાંનો વેઈટર-એક હાથમાં નાસ્તો ભરેલી ટ્રે ને બીજામાં ગ્લાસ લઈને ટેબલોની હારમાળા વચ્ચે સંતુલન સાધી, ચેહેરા ઉપર બનાવટી સ્મિત ને સેવાભાવ ઓઢી કેવો ઝૂમતો દેખાય છે, એ એનો દંભ છે. શું ઘરે પણ એ આવી રીતે ઝૂમતો હશે કે? બિલકુલ નહિ. સાર્ત્ર કહે છે કે પેલો તો ત્યાં વેઈટરનો રોલ(ભૂમિકા) ભજવે છે. નકલી છે. ભૂલને પાત્ર માનવી કરતાં, મુક્ત માનવી કરતાં એ કંઈક જુદો જ હોવાનો દંભ કે ઢોંગ કરે છે. અભિનય કરે છે. જોકે એમાં તે કાંઈ જ ખોટું નથી કરતો, એ તેની વ્યવસાયિક જરૂરિયાત છે, ટ્રીક છે. આપણને એવું મહેસૂસ કરાવવા માંગે છે કે તમે આટલી સારી રીતે કદી મારી જેમ ન કરી શકો. અને તમે સ્વતંત્ર નથી એવું વિચારો છો એ મૂર્ખાઈ છે.

૭. યુદ્ધોત્તર ફ્રાંસને અસ્તિત્વવાદરૂપી કંઈક નવી વસ્તુ જડી.

દ્વિતીય વિશ્વયુદ્ધની ખાનાખરાબી પછી એટલું તો સ્પષ્ટ સમજાયું કે યુરોપ હવે પહેલાંના જેવું રહ્યું નથી, જૂનું હતું એ ચાલ્યું ગયું-નષ્ટ થઈ ગયું છે. હવે એને ભવિષ્યમાં વિચારણાની નવી તરાહો જોઇશે, કંઈક નવી રીતે વિચારવું પડશે. અને એ અપેક્ષા કે તક એને અસ્તિત્વવાદની વિચારણાએ પૂરી કરી. ૧૯૪૫માં અસ્તિત્વવાદ લોકપ્રિયતાના શિખરે હતો. ૨૮મી ઓક્ટોબરે સાર્ત્રે પેરિસમાં જાહેર સંમેલનમાં એના વિશે પ્રવચન આપ્યું, તો જનમેદનીથી હોલ છલકાયો. ખુરશીઓ ખૂટી પડી, તૂટી પડી-અવ્યવસ્થા થઈ ગઈ. લોકો ખાસ્સા ઉત્તેજિત, ઉત્સુક ને ઉત્સાહી થઈ બહાર આવ્યા. એ પ્રવચનની સફળતા બ્રેકીંગ ન્યૂઝ બની ગઈ. સાર્ત્ર લોકોના ચિત્તમાં ને ચર્ચામાં છવાઈ ગયા. પેરીસનું એ સભાગૃહ saint-Germain-does-Presarea જાણે અસ્તિત્વવાદનું એપીસેન્ટર બની રહ્યું. પછી તો સાર્ત્ર અને સીમોન-દ-બુવા ઘણાં વર્ષો પેરિસમાં રહ્યાં અને તેમનો મોટા ભાગનો સમય કેફે-કોફી હાઉસીસમાં વીતતો રહ્યો. આવાં કોફીઘર તેમને મળવા આવનાર મિત્રો, વિદ્યાર્થીઓ, લેખકો-વાચકો, કલાકારો અને અસ્તિત્વવાદ-પ્રેમીઓનાં અડ્ડા-મિલનસ્થળ બની રહ્યાં. સાર્ત્ર દંપતી ત્યાં બેસી સતત લખતા રહેતાં. રાત્રે અવારનાર ક્લબોમાં જતા અને વિવિધ અમેરિકન મ્યુઝીકની મઝા માણતાં—જાઝ, બ્લૂઝ, રેગટાઈમ.... આ આખું વર્ષ જાણે પ્રતિસંસ્કૃતિ (counter-culture)નું પરિદૃશ્ય હતું. જેને ભય, ઉત્તેજના, ઉશ્કેરણી અને ભદ્રવર્ગીય વસ્તુઓના નકારમાં આનંદ આવતો. સીમોન-દ-બુવાની વાર્તાઓએ વાતાવરણને ઘેલું કર્યું હતું. એક દિવસ સીમોન અને તેનો ગરીબ મિત્ર વૉલ્સ એક બીયર-બારની અગાસીમાં બેસી શરાબ પી રહ્યા હતા ત્યારે વોલ્સનો એક ધનવાન મિત્ર ત્યાં આવ્યો. વૉલ્સ સારો કલાકર ખરો પણ ખિસ્સાંનો ખાલી! ને પાછો શરાબી. પેલો ધનિક મિત્ર ગયો પછી વૉલ્સ ખાસ્સો શરમાયો કારણ કે તે મિત્ર નહિ પણ તેનો ભાઈ(બેંકર) જ હતો. આ પ્રકારના કાઉન્ટરકલ્ચરલ વળાંકવાળી વાત કે વાર્તા આજે આપણને એટલી વિચિત્ર ન લાગે(જેમાં ધનિક બેંકરના ગરીબ ભાઈને પોતાની હાલત પર શરમાવું પડે) પણ ત્યારે એ નવું હતું એ તેમાં સીમોન-દ-બુવા જેવાં લોકો-લેખકોને રસ પડ્યો. અસ્તિત્વવાદ કલ્ચર આમ તો પેરિસમાં પાંગર્યું, પણ તેના મોટાભાગના લોકોને અમેરિકન કલ્ચરમાં વધુ આકર્ષણ લાગતું—જેમકે અમેરિકન મ્યૂઝીક ખૂબ જ પ્રચલિત હતું, જે નકાર અને આશાનું પ્રતિબિંબ હતું. ૧૯૪૩ના શિયાળામાં ગાયિકા જુલિયેટ ગ્રેસોની ગેસ્ટોપો દ્વારા ધરપકડ થઈ. જોકે એને તરત છોડી પણ મૂકવામાં આવી, પણ માત્ર આછો-પાતળો પોષાક પહેરીને તેણે આઠ માઈલ ચાલતા જવાનું હતું. પણ આના વિરોધમાં, over the Rainbow અમેરિકન ગીત તે બને એટલા ઊંચા અવાજે ગાતી ગઈ. અસ્તિત્વવાદ એક ફિલસૂફી તરીકે એ વખતે છવાયો હતો ત્યારે સાર્ત્ર અને સીમોન-દ-બુવાએ આલ્બેર કામુ(Albert Camus) નામના બીજા એક પ્રભાવક વ્યક્તિ જોડે દોસ્તી કરી.

૮. આલ્બેર કામૂ, સાર્ત્ર અને સીમોન-દ-બુવાના પહેલાં મિત્ર બન્યા, પછી વિરોધી-પ્રતિસ્પર્ધી.

૧૯૪૩માં સાર્ત્ર અને સીમોન-દ-બુવા ફ્રેંચ-અલ્જીરીયન લેખક આલ્બેર કામૂ નામના સોહામણા, ઉષ્માભર્યા, જરા રમૂજી અને લાગણીશીલ વ્યક્તિને મળ્યા. મળતાંવેંત એમને એ ગમી ગયા અને પછી તો સારા મિત્ર બની રહ્યા.. જોકે કામૂ પોતાને અસ્તિત્વવાદી લેખાવતા નથી. પરંતુ તેમની ફિલોસોફી અને નવલકથાઓમાં ઘણાં અસ્તિત્વવાદી તત્ત્વો હતાં. કામૂ પણ વસ્તુઓમાં થોડી વિચિત્રતાઓ ઉમેરતા. ૧૯૪૨માં પ્રગટ થયેલ તેમની The Myth of Sisyphusમાં કામૂ હૉમરની Odysseyમાંથી લીધેલ એક વાર્તાને ઝીણવટથી તપાસે છે. જેમાં સીસીફસ નામનો એક રાજા દેવો દ્વારા સજા પામે છે. એ દરરોજ એક મોટો ગોળ પથ્થર ટેકરી ઉપર ચઢાવતો અને પછી નીચે ગબડવા માટે ટોચ ઉપર મૂકી દેતો. કામૂએ લખ્યું કે, સીસીફ્સની જેમ આપણે પણ દરરોજના જીવનમાં ઘણી બધી આવી પ્રવૃત્તિ વગર વિચાર્યે કર્યા કરતા હોઈએ છીએ, જેનો કોઈ અર્થ કે હેતુ નથી હોતો. પણ ક્યારેક શાંતિથી બેસી આપણે વિચારતા નથી કે મારી આ પ્રવૃત્તિનો શો હેતુ છે?—બસ, સીસીફસ પથ્થરને ગબડતો જોવા જ માત્ર એવું કરતો હતો. આવી વિચારવાની ક્ષણે આપણને પસંદગી કરવાની તક મળે છે: (આ પ્રવૃત્તિ) ચાલુ રાખું કે બંધ કરું? જો ચાલુ રાખવાનું પસંદ કરું તો એનો અર્થ એ થયો કે મારી પ્રવૃત્તિ નિરર્થક, વ્યર્થ છે તેનો હું સ્વીકાર કરું છું. કામૂની દૃષ્ટિએ એ હતાશાજનક નથી-માત્ર વિચિત્ર છે. એ વિચારે છે કે સીસીફસ પણ આટલું તો જાણતો-સમજતો હશે જ. અને પથ્થરને ઉપર ધકેલતી વખતે ચહેરા ઉપર અવળું સ્મિત પણ ધારણ કરતો હશે કે આ પથ્થર પાછો ગબડવા માટે જ ઉપર જાય છે. ગબડવાનો જ છે, તો ઉપર શા માટે જયા કરે છે? એમ પણ રાજા કલ્પના કરતો હશે...અહીં સાર્ત્ર અને સીમોન સંમત થતા નથી. તેઓને લાગે છે કે આપણે જીવનમાં જે કાંઈ કરીએ છીએ તે બધું નિરર્થક નથી હોતું, આપણાં કૃત્યોને ક્યાંક ને ક્યાંક ને કેવોક અર્થ જરૂર હોય છે અને તે અર્થ બધાંનો અલગ-અલગ હોવાનો. જીવનને વિચિત્ર અને અર્થહીન કહેવામાં કોઈનું ભલું નથી. ૧૯૪૫માં જર્મન કબજામાંથી પેરિસ મુક્ત થયું પછી, કામૂ અને તેના મિત્રોની વચ્ચે બીજો એક મોટો ભેદ ઉદ્ભવ્યો. ફ્રાંસની વફાદારી છોડી, જર્મન લોકો સાથે મળી જનારા દેશદ્રોહીઓ ઉપર કામ ચલાવવામાં આવે તે પહેલાં જ કેટલાકને તો મારી નાખવામાં આવેલા, મૃત્યુદંડ આપી દેવાયેલો. કામૂએ સરકારના આ પગલાનો સખત વિરોધ કરેલો કે રાજ્યસત્તા આવા યાતનાપૂર્ણ, હિંસાત્મક કાર્ય હાથ ધરે એ બિલકુલ ખોટું છે. સાર્ત્ર અને સીમોન આ મુદ્દા ઉપર પણ અસંમત હતાં. આ મુદ્દે કામૂને તેઓ વધારે પડતો આદર્શવાદી માને છે, કારણ કે દેશદ્રોહીઓને મૃત્યુદંડ દેવાથી, નાઝી સમર્થકોને સાફ કરી દેવાથી જ તો ભવિષ્યનું ફ્રાંસ દેશદ્રોહીમુક્ત બનશે. આમાં હિંસા કે ક્રૂરતા લાગે પણ તે અનિવાર્ય અનિષ્ટ જેવું છે. દુષ્ટો, દ્રોહીઓને મુક્ત રાષ્ટ્રમાં પોષવા કરતાં સાફ કરી દેવા જ સારા. આમ, યુદ્ધે રાજકીય વિચારધારાનાં વહેણ બદલ્યાં, અને જતે દહાડે સાર્ત્ર-બુવા-કામૂની મૈત્રીમાં પણ ૧૯૫૦ સુધીમાં તિરાડ પડી. જોકે આ પૂર્વે, અસ્તિત્વવાદી દૃષ્ટિએ, સાર્ત્રે સ્ત્રીઓના જીવન વિશે વિચારવાનું શરૂ કર્યું.

૯. બધી અસ્તિત્વવાદી કૃતિઓ The Second Sex સ્ત્રીઓના જીવંત અનુભવોને ઉજાગર કરે છે...

અસ્તિત્વવાદને જીવનના કોઈપણ પાસાને લાગુ પાડી શકાય, અને ઘણીવાર આમ કરવામાં આવે પણ છે. ૧૯૪૦ના દસકના મધ્યભાગે જ્યારે અસ્તિત્વવાદ જોરશોરથી ચર્ચામાં હતો ત્યારે અને પછી પણ જીવન-જગતનું એકેય પાસું વણસ્પર્શ્યું રહ્યું નહિ હોય એમ આપણને લાગે. પણ ના, એવું નથી. ૧૯૪૯માં સીમોન-દ-બુવાની The Second Sex પ્રકાશિત થઈ, જેમાં તેણે અત્યાર સુધી અવગણાયેલી, નજરંદાજ થયેલી માનવ પ્રજાતિની મહત્ત્વપૂર્ણ-સ્ત્રી-વર્ગની વિચારણા કરી છે. સીમોન-દ-બુવા લેખિકા હોવાને નાતે, સ્ત્રીના આ દુનિયામાં હોવાપણાના અનુભવને સ્વાનુભવે વિશિષ્ટ રીતે વર્ણવે છે, જે પુરુષ કરતાં અવશ્ય જુદો જ હોવાનો. એ અનુભવભેદ છોકરીના પ્રારંભિક જીવનની જ શરૂ થઈ જાય છે. તેથી લોકો સામાન્ય રીતે એને સ્ત્રીત્વની અંતર્નિહિત બાબત ગણી જુદી પાડી દે છે. પરંતુ દ-બુવા કહે છે કે જે કંઈક વસ્તુને natural-પ્રાકૃતિક કે સ્વાભાવિક માની લઈએ છીએ તે માત્ર એક myth હોય છે. એટલે સ્ત્રીનો સ્ત્રી તરીકે ઉછેર જોવો તપાસવો હોય તો આવી mythsને બાજુ પર રાખવી જોઈએ. છોકરીના બાળપણથી જોઈએ તો એને છોકરા કરતાં જુદી રીતે વર્તવાનું શીખવાય છે. એને એના દેખાવ, સૌંદર્ય, રીતભાત ઉપર વધુ ધ્યાન આપવાનું શીખવાય છે, જ્યારે છોકરાને સક્રિય, સાહસિક થવા પર ભાર મૂકાય છે. મોટા થતાં સુધીમાં આવુંબધું ભેગું થતું જાય છે. મોટે ભાગે સ્ત્રીના અનુભવો એવા હોય/થાય છે કે તેની આસપાસના જગતમાં તેનું અસ્તિત્વ અને મહત્ત્વ સંકોચાતું જાય છે. અને સ્ત્રીઓ પણ એવું ધારી લેવાનું શીખી જાય છે કે મોટા ભાગની પરિસ્થિતિઓમાં પુરુષોનો દૃષ્ટિકોણ અથવા ‘નજરિયો’ જ સામાન્ય (સ્વીકૃત) ગણાવો જોઈએ. આવો વિચાર દ-બુવાએ હેગલ ઉપરથી વિકસાવ્યો. હેગલ લખે છે કે જયારે એક ચેતના બીજી જોડે સંસર્ગ કે સમ્પર્કમાં આવે છે ત્યારે બેમાંથી એક સ્વામી(Master)અને બીજી સેવક(Salve)ની ભૂમિકા ધારણ કરી લે છે. સ્વામી-ચેતના બધી વસ્તુઓને પોતાના દૃષ્ટિકોણથી જ જોવા-મૂલવવાનો પ્રયાસ કરે છે, એટલું જ નહિ, (સ્ત્રી) સેવક ચેતના પણ પેલાના જ દૃષ્ટિકોણમાં જ જોડાઈ જવાનું પસંદ કરતી જણાય છે. પુરુષ એને જે દૃષ્ટિથી જુએ છે તે જ દૃષ્ટિથી તે (સ્ત્રી)પણ પોતાની જાતને જોવાનું મુનાસિબ માને છે. દ-બુઆ આ રીતે તારવે છે કે સ્ત્રીઓ પણ પોતાની જાતને પુરુષોની નજરે જ જોવામાં સામાજિક રીતે ઘડાતી જાય છે. પુરુષો મુક્ત રીતે આસપાસના જગતને જોઈ શકે છે તેમ કરવાને બદલે સ્ત્રી સતત એવી સભાનતામાં જ રાચે છે કે કોઈ એને જોઈ રહ્યું છે.(જાણે કે તે કોઈ જોવાની વસ્તુ હોય). આમ સ્ત્રી, પોતાની નજરમાં પણ, જાણે કે એક વિષય નહિ પણ એક વસ્તુ બની રહે છે. The Second Sex સંસ્કૃતિને તપાસનારી એક મહત્ત્વપૂર્ણ કૃતિ બની રહી છે. પરંતુ એના સમયમાં એને મળવો જોઈતો પ્રતિસાદ ને પ્રશંસા મળ્યાં નહિ, એનું શું કારણ હશે તે તો કહેવું મુશ્કેલ છે, પરંતુ તેની પ્રારંભિક અંગ્રેજી આવૃત્તિના પ્રકાશકે દ-બુવાની ઘણી બધી મહત્ત્વની દલીલોને મારી મચડીને મૂકી છે અથવા તો પડતી જ મૂકી છે. પછી વાચકો સુધી લેખિકા પૂર્ણરૂપે કઈ રીતે પહોંચી શકે? અધૂરામાં પૂરું, એના કવર પેજ ઉપર નગ્ન સ્ત્રીનો સોફ્ટ ફોકસ ફોટો મૂક્યો, એટલે વાચકોએ, અસ્તિત્વવાદી દૃષ્ટિએ સ્ત્રીને જોનારે આ પુસ્તકને ગંભીરતાથી લીધું નથી. પરંતુ ત્યાર પછીની પેઢીઓ, આ પુસ્તક The Second Sexને એક નવો ચીલો ચાતરનાર નારીવાદી લેખન તરીકે સુપેરે સમજી છે. બીજી કોઇપણ આવી કૃતિ કરતાં, આ પુસ્તક ઘટનાશાસ્ત્ર અને અસ્તિત્વવાદને સમજાવવામાં વધુ સફળ રહ્યું છે, કારણ કે એની સામેના શોરબકોરની વચ્ચે પણ, ‘સ્ત્રીઓના જીવવાના/અસ્તિત્વના/હોવાપણાના અનુભવો’ નામની મહત્ત્વપૂર્ણ ઘટનાનું એ સુંદર રીતે આંતર દર્શન કરાવે છે.

અંતિમ સારાંશ

દુનિયાથી કંઈક જુદું હોય તે રીતે પ્રાસ્થાપિત થવાનો ફિલોસોફીનો લાંબો ઇતિહાસ છે. એના ચિંતકો-વિચારકો તો લોકોના જીવાતા વાસ્તવિક જીવન સાથે જેને સંબંધ ન હોય તેવા પ્રશ્નોનાં પિષ્ટપેષણમાં રચ્યાપચ્યા રહેતા હોય છે. વળી એ બધી ચર્ચાઓ જરીપુરાણા મુદ્દાઓ અને પૂર્વાનુમાન આધારિત બાબતો ઉપર જ ચાલતી હોય છે. અસ્તિત્વવાદે એવા જૂના વિચારોમાંથી બહાર આવી, વાસ્તવિક જીવનના અનુભવની ભૂમિકાને ફિલોસોફી જોડે સાંકળી છે. તેથી જ મુશ્કેલ સમયમાં પણ ‘જીવનના અનુબંધના તત્ત્વજ્ઞાન’ તરીકે એ સશકત બનીને બહાર આવી છે.

“At The Existential Café : Freedom, Being and Apricot Cocktail” એ સારા બેઈકવેલ દ્વારા લખાયેલ non-fiction(બિન-કાલ્પનિક) કૃતિ છે, જે અસ્તિત્વવાદી ચળવળ, એના અગ્રણીઓ, તેમની વિચારણાઓ, સંબંધો અને ફિલસૂફીના ક્ષેત્રે તેમના યોગદાન ઉપર પ્રકાશ પાડતું એક મનમોહક પુસ્તક છે. તે મુખ્યત્વે જ્યાં-પોલ-સાર્ત્ર, સીમોન-દ-બુવા, આલ્બેર કામૂ, મૉરીસ-મેરીયું-પોન્ટી અને અન્ય પ્રભાવક અસ્તિત્વવાદી ચિંતકોના જીવન-કવન ઉપર કેંદ્રિત થયેલું છે. બેઈકવેલ, અસ્તિત્વવાદના ઉદય પૂર્વેના, દ્વિતીય વિશ્વયુદ્ધ પહેલાંના સમયથી શરુ કરી વીસમી સદી દરમ્યાનની તેની વિકાસયાત્રાની વાચકોને સફર કરાવે છે. સમકાલીન બૌદ્ધિક અને સાંસ્કૃતિક વાતાવરણ, યુદ્ધની અસરો, રાજનીતિ, સમાજ પરિવર્તનો વગેરેની અસ્તિત્વવાદના વિકાસ પર શી અસર થઈ તેની વિશદ ચર્ચા આમાં થઈ છે. એટલું જ નહિ, લેખિકા અસ્તિત્વવાદી અગ્રણીઓનાં વ્યક્તિગત જીવન, તેમના મૈત્રી અને પ્રેમ સંબંધો, તેમની વિચારણાઓ, તેમણે અનુભવેલા પડકારો, સાર્ત્ર-બુવાના ચર્ચાસ્પદ સંબંધો, એ બંનેની વ્યક્તિગત સ્વતંત્રતા તથા અસ્તિત્વવાદની અધિકૃતતા પ્રત્યેની પ્રતિબદ્ધતા અને Being and Nothingness અને The Second Sex જેવી તેમની યશદા કૃતિઓ-ઈત્યાદિમાં વાચકને ડોકિયું કરાવે છે. બેઈકવેલ અસ્તિત્વવાદ અંગે કામૂનો વિશિષ્ટ દૃષ્ટિકોણ, એબ્સર્ડ અંગેનો તેમનો ખ્યાલ અને ‘ઘટનાશાસ્ત્ર’માં મેરોલ્યૂ પોન્ટીનું પ્રદાન-તેના મનોદૈહિક સંબંધોનું વિશ્લેષણ, તથા ‘The Myth of Sisyphus’-The Stranger’જેવી કામૂની કૃતિઓનો પણ પરિચય કરાવે છે. સમગ્ર પુસ્તકમાં બેઈકવેલ અસ્તિત્વવાદને એક જુદી જ ઉત્ક્રાંતિકારી ચળવળ તરીકે રજૂ કરે છે, જેની અસર સાહિત્ય, રાજકારણ, નારીવાદ અને તેથીયે પાર જઈને થઈ છે. તેઓએ અસ્તિત્વવાદીઓને માનવીય પરિસ્થિતિ જોડે ગાઢ રીતે સંકળાયેલા, અસ્તિત્વની અધિકૃતતાના, મુક્તિના પ્રશ્નો સાથે મથામણ કરતા અને કંઈક અવ્યવસ્થાપૂર્ણ વિશ્વમાં, નિરર્થક સંસારમાં અર્થ શોધનારા વ્યક્તિઓ તરીકે ચિતર્યા છે. At the Existential Café અસ્તિત્વવાદીઓનો જીવનવૃતાંત આપવાની સાથે સાથે, ફિલસૂફીને સર્વજન સુલભ, રસિક અને ઉપયોગી બનાવતાં અસ્તિત્વવાદની સર્વગ્રાહી સમજ આપવાનો સ્તુત્ય પ્રયાસ છે. લેખિકા ઇન્ટવર્યું લઈ અસ્તિત્વવાદીઓની વ્યક્તિગત વાતો અને તેમની તાત્ત્વિક વિચારણા કઢાવી, વાચકોને પોતાના જીવનમાં અસ્તિત્વવાદની પ્રસ્તુતતા અને આધુનિક જગતમાં તેની ચિરસ્થાયી મહત્તા વિશે ચિંતન કરવા આમંત્રે છે.

અનુસરણક્ષમ સલાહ : Take nothing for granted કાંઈપણ વસ્તુને એ તો એમ જ હોય, એવું માની લેશો નહિ. જ્યાં-પોલ-સાર્ત્ર કહે છે કે માનવી એની પસંદગીની બાબતમાં સંપૂર્ણ સ્વતંત્ર છે. આપણે બધાએ એટલું જ કરવાનું રહે છે કે એ સ્વાતંત્ર્યનો અને તેની સાથે આવતી જવાબદારીનો સ્વીકાર કરો. સાર્ત્ર અને સીમોને પોતાના સહજીવન સંબંધે આનો જ અમલ કર્યો, સમાજની સામાન્ય અપેક્ષાની ઉપેક્ષા કરીને તેઓ લગ્ન વિના સંલગ્ન બનીને ધરાર રહ્યા. આના પરથી વાચક એટલું શીખે-સમજે કે પોતાના જીવનમાં જયારે પસંદગીનો પ્રશ્ન આવે ત્યારે પોતાની જાતને જ પૂછે અન્યને નહિ, કે—અન્યને/સમાજને/સામેનાને મારી પાસે અપેક્ષિત હોય તેવું મારે કરવું જોઈએ કે મારે જેવા બનવું છે તેમાં મને મહત્તમ સહાયક થાય તેવું મારે કરવું જોઈએ?

અવતરણો

૧. અસ્તિત્વવાદી તરીકે જીવવું એટલે જ્યાં અધિકૃતતા અશક્ય છે તેવા જગતમાં અધિકૃતતા પૂર્વક જીવવાનું પસંદ કરવું. ૨. અસ્તિત્વવાદ એ નિરાશાની ફિલસૂફી નથી, પણ હતાશા-નિરાશાને તાબે ન થવાની કે અવજ્ઞાની ફિલસૂફી છે. ૩. અસ્તિત્વવાદ સ્વતંત્રતા પ્રબોધે છે તો સાથોસાથ તેની જવાબદારી પણ. પસંદગીની સ્વતંત્રતા માટે અને તેનાં પરિણામો ભોગવવા માટે આપણી કોઈ ટીકા-નિંદા કે તિરસ્કાર પણ કરે. ૪. અસ્તિત્વવાદીઓ, સમયની સુખવાદી ભ્રમણાને નકારનારા અને માનવઅસ્તિત્વના મૂળભૂત પ્રશ્નોનો સામનો કરનારા વીર ક્રાંતિવીરો છે. ૫. અસ્તિત્વવાદ આપણને આપણી સ્વતંત્રતાને આલિંગન દેવા આમંત્રે છે, અને એબ્સર્ડ-નિરર્થક જણાતા જગતમાં આપણો પોતાનો અર્થ શોધવા-સર્જવા આવકારે છે. ૬. અસ્તિત્વવાદ આપણને શીખવે છે કે તમે તમારા ભૂતકાળ કે પૂર્વનિર્ધારિત બાહ્ય પરિબળો દ્વારા ઘડાતા કે ઓળખાતા નથી. આપણે કરેલી પસંદગીઓ દ્વારા આપણે આપણા જીવનને ઘડવાને સમર્થ છીએ. ૭. અસ્તિત્વવાદીઓ આપણને યાદ અપાવે છે કે જીવન કોઈ પ્રશ્નોના અંતિમ ઉત્તરો મેળવવાને માટે નથી, પરંતુ સમસ્યાઓ સંગે સંકળાવા માટે, અનિશ્ચિતતા સાથે જીવવા માટે અને સ્વ-જાગૃતિ તથા વ્યક્તિગત વિકાસ માટે સતત મથવા માટે છે. ૮. અસ્તિત્વવાદ આપણને આપણાં કાર્યો/પસંદગીઓની જવાબદારી સ્વીકારવા અને આપણા પોતાના ઉપર, અન્યો ઉપર અને આસપાસના જગત ઉપર પડનારી તેની અસર અંગે સભાન રહેવા પડકારે છે. ૯.અ સ્તિત્વવાદીઓને મન અધિકૃતતા-આધારભૂતતા એટલે આપણા પોતાના અસ્તિત્વના સત્યનો સામનો કરવાની હિંમત, આપણી માન્યતાઓ ને મૂલ્યોને મળતું આવતું પ્રમાણિક જીવન.” ૧૦. જીવનમાં આવનારી અનિશ્ચિતતાઓ, વ્યગ્રતાઓનો સામનો કરવા, આપણા અસ્તિત્વની સંકુલતાઓને આલિંગવા અને સંદિગ્ધતાઓની વચ્ચે જીવનનો અર્થ સાર્થક કરવાનું આહ્વાન આપે છે-અસ્તિત્વવાદ! આવાં કેટલાંક ટાંકવા યોગ્ય અવતરણો/વિધાનો/સુવિચારો આ પુસ્તકના ટમટમતા તારલિયા જેવાં છે, જે પુસ્તકના ચાવીરૂપ વિષયવસ્તુ ઉપર પ્રકાશ ફેંકે છે. અને અસ્તિત્વવાદીઓને મન હાર્દરૂપ બિંદુઓ-સ્વતંત્રતા(પસંદગીની), (તદ્જનિત)જવાબદારી, અધિકૃતતા, અનિશ્ચિત જગતમાં સાર્થક્યની ખોજ વગેરે પકડાવી આપે છે.