How to Read Literature Like a Professor

‘એકત્ર' સંકલિત શ્રેણી

Granthsar-logo.jpg

વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ



How to Read Literature Like a Professor - Book Cover.jpg


How to Read Literature Like a Professor

Thomas c. Foster
A Practical Guide to Personal Freedom. A Toltec Wisdom Book.
અધ્યાપકની જેમ સાહિત્યવાચનની રીત
થોમસ સી. ફોસ્ટર
બે લાઈનોની વચ્ચેનું વાંચતા શીખવતું જીવંત અને રસપ્રદ માર્ગદર્શન

ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન
અનુવાદ: ડૉ. ચૈતન્ય દેસાઈ

લેખક પરિચય :

થોમસ સી. ફોસ્ટર ૧૯૭૫થી અંગ્રેજી ભાષા-સાહિત્યના અધ્યાપક તરીકે મિશિગન ફ્લીન્ટ યુનિવર્સિટીમાં કાર્યરત છે. સાહિત્ય કેવી રીતે વાંચવું-ભણવું-સમજવું તે અંગે તેઓ અમેરિકાની શાળા-કૉલેજોમાં સુંદર પ્રવચનો કરતા રહ્યા છે. એમનો અનુભવના નીચોડસમું આ પુસ્તક વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ખૂબ લોકપ્રિય થયું છે.

વિષયપ્રવેશ :

How to Read Literature Like a Professor (2003) આ પુસ્તક સાહિત્ય-વાચન અને તેના પૃથક્કરણ-વિવેચનની તાલીમ, સાહિત્યની પ્રશિષ્ટ અને સમકાલીન કૃતિઓનાં ઉદાહરણ સાથે ખૂબ રસપ્રદ રીતે આપનારું છે. વાચકને કોઈપણ કથાસાહિત્યમાંથી તેનો ઊંડો અર્થ કેવી રીતે પામવો, તેનાં સાધન એમાં બતાવવામાં આવ્યાં છે.

પ્રસ્તાવના :

આમાં મારા ઉપયોગનું શું છે? સાહિત્ય-વાચનના અનુભવની નવી ઊંચાઈ આંબતાં શીખાય તેવું છે. આપણે મોટાભાગના સાહિત્યવાચકો કૃતિનું વાર્તાવર્ણન, પાત્રાલેખન લેખકની કથનશૈલી વગેરે વાંચી આનંદ મેળવીએ છીએ. જોકે એમાં કશું ખોટું પણ નથી, પરંતુ પાનાં ઉપર જ લખ્યું છે તેના કરતાં ઘણું બધું વણલખ્યું આપણી સમજની બહાર રહી જતું હોય છે, તે પણ જો તમને સમજવા-માણવા મળે તો કેવી મઝા પડે? ખરું કે નહિ? તો પછી, આ પુસ્તક તમને ખૂબ ઉપયોગી થશે. આપણને પહેલા ઉપરછલ્લા વાચનથી જે સમજાય તેના કરતાં ઘણા ઊંડા અર્થો ને સંદર્ભો નવલકથા, વાર્તા કે કવિતાના પાત્રમાં લેખકે ભરેલા હોય છે. બધી જે તે કૃતિઓ, એક વિશાળ સાહિત્યજગતના અંશરૂપ હોય છે. જેનાં વિષયવસ્તુઓ ડેવલપ કરેલાં હોય છે અને કૃતિઓ એકબીજી તરફ જાણે વક્રોક્તિપૂર્ણ નજર કરતી હોય છે. કેટલીક કૃતિઓનો પ્રભાવ એવો જબરદસ્ત હોય છે કે તેની ભાષાશૈલી-શબ્દપ્રયોગ જનસામાન્યની ભાષામાં ચલણી બની જાય છે. આ પુસ્તક તમને શીખવશે કે વિવિધ કૃતિઓના તાણાવાણા કઈ રીતે ગૂંથાયા હોય છે તેનો સમગ્ર આનંદ કેવી રીતે લેવો. અંતે તમને સાહિત્યવાચનનો એક નૂતન દૃષ્ટિકોણ લાધશે એ નક્કી છે. આ પુસ્તકમાં તમે જોશો કે— - થોમસ પીન્સનની કૃતિમાં જે યુવતી છે તે વાસ્તવમાં એક યોદ્ધા છે. - એક ચાંચડ જેવું જંતુ પણ મોહક અને કામુક ભૂમિકા ભજવી શકે છે? - એક પ્રશિષ્ટ કાવ્યમાંથી વક્રોક્તિ/વ્યંગ્ય, કેવી રીતે અર્નેસ્ટ હેમિંગ્વે જેવા લેખક સર્જી શકે છે?

ચાવીરૂપ ખ્યાલો :

૧. સાહિત્ય કૃતિનું પૃથક્કરણ, સ્મૃતિ, પ્રતીકો અને તરાહોનો ઉપયોગ કરી આપણા વાચન અનુભવને સમૃદ્ધ કરી શકે છે.

તમે એકથી વધુ વાર વાંચી હોય તેવી તમારી માનીતી સાહિત્યકૃતિ કઈ છે? તમને એ અવારનવાર વાંચવી કેમ ગમી તે કહી શકશો? તથ્ય તો એ છે કે બધા વાચકો એકસરખા નથી હોતા. કેટલાક માત્ર કૃતિના વાર્તાતત્ત્વ ઉપર જ ધ્યાન કેંદ્રિત કરતા હોય છે. વાર્તા કેવી રીતે આગળ વધે છે, પાત્રોનું શું થાય છે, તેઓ કેવી પસંદગી કરે છે અને તેની અન્યો ઉપર કેવી અસર થાય છે વગેરે. પણ માત્ર ગમતાં પાત્રો અને ઉત્તેજનાપૂર્ણ કથાનક એટલું જ એમાં હોતું નથી. થોડા વધુ અનુભવી વાચકો કૃતિના સાંવેગિક સ્તરે શું થાય છે તે પણ જાણી શકે છે. તેઓ પૂછે છે કે, ‘આ ગદ્યખંડ કે કવિતા મને આવી સંવેદના કેમ જગાડે છે? મને કેમ એમ લાગે છે કે આવું બનતાં મેં અગાઉ પણ જોયું/અનુભવ્યું છે? આપણી માનીતી કૃતિની સપાટીની નીચે રહેલાં તત્ત્વો, આપણે સાહિત્યની સંજ્ઞાઓ-સંકેતો codes અને તરાહો Patternsને જાણીને શોધી-સમજી શકીએ છીએ. આદ્યરૂપાત્મક પાત્રોથી માંડીને કથાનક પ્રયુક્તિઓ, વર્ણનશૈલીથી માંડીને સાહિત્યિક સંદર્ભો જેવાં ડઝનેક જેટલાં તત્ત્વો એમાં કાર્યરત હોય છે. તો પછી, તમારે સક્ષમ અને અનુભવી વાચક બનવું હોય તો શરુઆત ક્યાંથી કરશો? તો આવો, એવાં તત્ત્વોને મુખ્ય ત્રણ જૂથોમાં વહેંચીએ: Memory-સ્મૃતિ, Symbols-પ્રતીકો અને Patterns-તરાહો. સ્મૃતિ-સંયોજન એટલે કુશળ વાચકો જે પુસ્તક હાલ વાંચી રહ્યા હોય તે અને તેના જેવું અગાઉ કંઈક વાંચ્યું હોય તેની વચ્ચે કંઈક જોડાણ હોવાનું શોધતા હોય તે છે. આપણે જ્યારે કંઈક વાંચીએ-સાંભળીએ ત્યારે આપણી સ્મૃતિને ઢંઢોળીએ છીએ કે આવું તો આ પહેલાં પણ મેં કશેક વાંચેલું-સાંભળેલું છે. અથવા એ વાર્તા તમને કંઈકની યાદ અપાવતી હોય છે. આપણે જેટલું વધુ વાંચીએ તેટલી વધુ સ્મૃતિ-માહિતી-જ્ઞાન ભેગું થતું જાય છે. એ સંગ્રહિત માહિતી આપણે વર્તમાનમાં જે વાંચતા હોઈએ તેની સાથે આપણને સ્મરણસેતુથી જોડે છે. આપણે જે કાંઈ વાંચ્યું કે વાંચીએ તેનું આપણા મગજમાં સૂચિપત્ર-કેટલોગીંગ જેવું થતું જાય છે. તેથી તેના સંદર્ભમાં આપણે નવા વાચન સાથે જોડાઈએ છીએ. આપણું દિમાગ બધી ફાઈલોનાં પાનાં ઉથલાવી સંબંધ જોડી આપે તેવું હોવું જોઈએ. જેથી આપણે વાંચેલાં કથાનકો, પાત્રો. ઘટનાઓ વચ્ચે સામ્યો-વૈષમ્યો, તારવી શકીએ. આ સ્મૃતિશ્રુંખલા આપણને પુનઃ પુનઃ આવર્તિત થતાં પ્રતીકો અને તરાહોથી અવગત કરાવે છે. તેમના અર્થો ગ્રહણ કરવામાં મદદ કરે છે. તમારામાં વાચનના પૃથક્કરણથી તુલનાત્મક અને વિવેચનાત્મક દૃષ્ટિકોણ અને દૃષ્ટિ ખીલે છે. આપણે જયારે વાંચીએ છીએ ત્યારે મનમાં પ્રતીકો સંગ્રહાતા જાય તે જરૂરી છે. કારણ કે તે હવે પછીના વાચનમાં કામ આવવાનાં હોય છે, સસંદર્ભ ઉપયોગી થવાનાં હોય છે. આવી પ્રતીકાત્મક કલ્પનાને વિકસાવવામાં ઘણો સમય અને તાલીમ જરૂરી હોય છે. એકવાર આપણને કૃતિનું કલ્પનાવિશ્વ અને પ્રતીકવિધાન સમજાવા માંડે એટલે ભાવન અને વાચન રસાનંદનો નવો રસથાળ આપણી સમક્ષ મૂકાતો જાય છે. તેથી કૃતિના ઈતિહાસ અને સંદર્ભનો પ્રતીકોને સમજવામાં મોટો ફાળો છે, તે ભૂલવું ન જોઈએ. પ્રતીકોને ઉપરછલ્લા, દેખીતા શબ્દાર્થમાં લેવાનાં નથી હોતાં. એનો એક જ અર્થ નથી હોતો. વાર્તાના સંદર્ભે જ્યારે પ્રતીકનું અર્થઘટન કરીએ ત્યારે એની નવી નવી અર્થછાયાઓ shades and shadows of meaning-nuances ઉપસતાં જાય છે. એ કોઈ એક જ સાર્વત્રિક અર્થ પૂરતાં સીમિત નથી હોતાં. પ્રતીકોને સમજવા માટે તેના મૂળભૂત-પ્રાથમિક શબ્દાર્થની સીમાનું સીમોલ્લંઘન કરી રૂપક, ઉપમા, ઉત્પ્રેક્ષા, સજીવારોપણ વગેરે અલંકારોનાં હલેસાંનો ઉપયોગ કરી પ્રતીકના ઊંડા અર્થ સાગરમાં હંકાર્યે જવાનું હોય છે. ઉમદા અધ્યાપક આ રીતે વાંચતા હોય છે. તેનું વાચન વિશાળ અને સમજ ઊંડી હોવાનું આ જ કારણ છે. સ્મૃતિ આપણને આપણા વાચનનો ઈતિહાસ અને સંદર્ભ રચવામાં મદદ કરે છે અને એમાંથી વિકસતા વાચન કેટલૉગમાંથી પ્રતીકો નીપજે છે. એના સંકુલ સ્વરૂપને સમજવાથી સાહિત્યની એક વ્યાપક સમજ ઊભી થાય છે. દા.ત. ક્રોસમાં મૂકેલાં બે હાડકાં અને ખોપરીનું ચિત્ર એ જીવનું જોખમ, ઝેર, વીજળીનું ઊંચું દબાણ, મૃત્યુ અને ચાંચિયાનું સૂચક છે...એ જ રીતે લાલ ગુલાબનું ફૂલ એ વૈશ્વિક રીતે ઊંડા પ્રેમ અને રક્તનું પ્રતીક છે. આવાં પ્રતીકોની સમજ કેળવવી એટલે કૃતિના હાર્દ ઉપર ધ્યાન આપવું અને તેની સંલગ્ન વસ્તુઓ, લાગણીઓના પુનરાવર્તનને નોંધતા જવું. એકવાર આપણે સ્મૃતિસભાન થઈ ગયા અને શક્ય પ્રતીકવિધાનને ઓળખી લીધાં પછી આપણે કૃતિની પેટર્ન-તરાહોની તપાસ કરવા પ્રયત્નશીલ થઈશું. તરાહોને ઓળખતાં શીખવું એટલે આપણે જે વાંચીએ છીએ તેના ઉપર સભાનતાપૂર્વક ધ્યાન દેવું અને તેને પ્રશ્ન કરતા જવું. તરાહો Archtypes(આદ્યરૂપો)માંથી જન્મે છે. એ આદ્યરૂપો-વિચારણાઓ, પાત્રો કે પ્લોટ સ્ટ્રક્ચર હોઈ શકે છે. તેને ઓળખવાથી પાત્રોના આંતરસંબંધો સમજાવા માંડે છે. અને આપણને થાય છે કે આવાં પાત્રોને આપણે ક્યાંક પહેલાં જોયાં/વાંચ્યાં છે. દા.ત. યોદ્ધો હંમેશા ચમકતા બખ્તર કે કવચમાં જ હોય. સૌંદર્યવતી યુવતી પ્રેમભગ્ન નિરાશામાં હોય, કે પછી ખલનાયક કરડાકીભર્યો દુષ્ટ જ હોય વગેરે...આવી સમજ આપણને એની સાથે જોડવામાં, તેમને પસંદ કે નાપસંદ કરવામાં મદદ કરે છે. તરાહોને ઓળખી શકવા છતાં, અને વાર્તા ક્યાં વહી રહી છે તે શક્યતઃ ધારવા છતાં, લેખક વર્ણનકળાને કેવી રીતે તરાશે છે અને જે તે કથનપ્રકારને કેવો ખીલવે છે તે કૃતિને એની એક અદ્ભુત અને અદ્વિતીય સંકુલતા બક્ષે છે.

૨. કંઈક શોધ કે ખોજની વાત એ અસંખ્ય વાર્તાઓનું ગર્ભિત માળખું રચતી હોય છે. Monomythનાં વિવિધ પાસાંઓ :

આ વીકએન્ડમાં તમે સુપરમાર્કેટ શા માટે ગયા હતા? માનો કે બ્રેડ કે ગ્રોસરી લેવા જેવા ચીલાચાલુ કારણ માટે ગયા હશો, પણ લેખક એને પણ એક યોદ્ધાની આત્મખોજ યાત્રા બનાવી દઈ શકે છે. આ તમને કદાચ હાસ્યાસ્પદ લાગશે, પણ લેખનમાં આવું જ થાય છે કે તેઓ એકાદ પરંપરાગત માળખું ઊઠાવે છે અને તેની વિગતો બદલી કાઢે છે. Sir Gawain and the Green Knight કૃતિમાં એક યુવાન યોદ્ધો, Holy Grailની શોધમાં દૂર દૂરની સફર ખેડે છે. અને યાત્રામાં ડ્રેગન્સ સાથે લડે, અવરોધોને ઓળંગે અને અંતે કંઈક અનપેક્ષિત જ શીખે છે. આ વાર્તા quest ખોજ-નું પરંપરાગત માળખું ઉપયોગમાં લે છે— જેમાં સંશોધક, તેનું ગંતવ્ય, ખોજનું કારણ, માર્ગમાંના પડકારો-વિઘ્નો અને અંતે પ્રગટીકરણ... તમારા સુપરમાર્કેટ જવાના ઉદાહરણમાં, યોદ્ધો નથી પણ તમે એક ભૂખી વ્યક્તિ એ ખોજ કરનાર છે અને તમે Holy Grailને બદલે બ્રેડ કે ખાવાનું શોધવા નીકળ્યા છો. રસ્તે તમને કંઈક અડચણો પણ આવી હોય, આખરે આ વાર્તાનું માળખું છે... આવું Quest Structure ઘણી નવલકથાઓમાં, વિભિન્ન પાત્રો, સેટીંગ અને પરિસ્થિતિઓમાં પ્રયોજાયું હોય છે. દા.ત. Thomas Pynchon તેની ૧૯૬૫માં લખેલી નવલકથા The Crying of Lot 49માં આ માળખું ઉપયોગમાં લે છે. તેમાં શોધક એક યુવતી, તેના ધનવાન-સ્વર્ગસ્થ પ્રેમીનું વસિયતનામું લઈને સાન ફ્રાન્સીસ્કો અને દક્ષિણ કેલિફોર્નીયા વચ્ચે ડ્રાઈવ કરી રહી હોય છે. વસિયતનામું એની યાત્રાનું કારણ છે. માર્ગમાં, તેને વિચિત્ર પાત્રો, ભળતા જ આઉટસાઈડર્સ ભેટી જાય છે અને તે કંઇક ભેદી કાવતરામાં ફસાય છે. આ તેની ધ્યેયયાત્રાના પડકારો કે વિઘ્નો છે. પેલાં કાવતરાંનો ભેદ વણખૂલ્યો જ રહે છે, પણ યુવતીને પોતાના વિશે એટલું ખબર પડે છે કે પોતે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ અને સ્વનિર્ભર તો છે જ. આ એની સ્વ-ખોજ છે, આત્મ-ઓળખ છે, જેની એને યાત્રાએ નીકળ્યા પહેલાં જાણ નહોતી. આવું શોધ-માળખું એ તો સાહિત્યજગતનાં ઘણાં વૈશ્વિક માળખાંઓમાંનું એક ઉદાહરણ છે. જે ઘણી કૃતિઓમાં સામાન્ય હોય તેવું એકમાત્ર કારણ નથી. બીજાં ઉદાહરણ લઈએ : જેઈન આયર. હેમ્લેટ, બીલ્બો બેગીન્સ, કેટનીસ એવરડીન અને હેરી પોટર વચ્ચે શું સામ્ય છે?—આ બધી પરિચિત અથવા આદ્યરૂપકાત્મક વાર્તાઓ એક ચિરપરિચિત અને અનુમાનગમ્ય કથામાળખું ધરાવે છે, છતાં તેઓ એનાં અમલીકરણમાં પાછી એકદમ મૌલિક અને ભિન્ન છે. કથાવર્ણનમાં quest, Monomyth અથવા કથાનાયકની યાત્રાનું પ્લોટ સ્ટ્રક્ચરમાં ખૂબ મહત્ત્વ હોય છે. ઘણી વાર્તાઓ વૈશ્વિક હોય છે અને monomyth એ બહુ જ ઔપચારિક છે. એના મૂળભૂત માળખા મુજબ કથાનાયક પ્રમાણમાં શાંત, સરળ, સામાન્ય જીવન જીવતો હોય છે અને તેને એકાએક કોઈક રીતે કાર્યાન્વિત થવાની પરિસ્થિતિ ઊભી થાય અને તેને માટે તૈયાર ન હોઈ quest માટે ઝટ તૈયાર ન થાય ત્યારે તેને કોઈક માર્ગદર્શક કે પ્રેરક મળી જાય જે એને પ્રેરણા આપી કે દબાણ કરે પછી आत्मशक्तिर्भानात् થઈ તે અનેક આપત્તિઓ કસોટીઓનો સામનો કરે અને અંતે એના સ્તરે પહોંચે જ્યાં એને આત્મસંવાદ, સ્વખોજ કે આંતરનિરીક્ષણમાંથી પસાર થવાનું થાય, પછી તે પોતાની જાતને સક્ષમ, સબળ, સમર્થ, સજ્જ થયેલો અનુભવે અને પછી સંઘર્ષ કે યુદ્ધની ભૂમિકા રચાય...અંતે નાયક તેમાં ઝંપલાવે અને વિજયી બનીને બહાર આવે. એની વીરતા માટે પૂજાય, પોંખાય અને એના વ્યક્તિત્વમાં મોટું પરિવર્તન આવેલું અનુભવે વીર-વિજયી નાયક બને. આવા સાર્વત્રિક કથા માળખાની જાણ આપણને હોવા છતાં, Jane Eyre અને Harry Potter તમને તદ્દન નવા જ જુદા જ વાચન અનુભવો આપશે. તમને નવી જ આંતરદૃષ્ટિ અને આનંદસૃષ્ટિમાં લઈ જશે. એટલા માટે આપણે વાંચતા જ રહેવાનું છે, ભલે કથામાળખાં, વાર્તા કે વાર્તાવિન્યાસ આપણાં જાણીતાં હોય તો પણ, વાચનમાં અટકવાનું નથી, ભટકવાનું છે, છટકવાનું નથી, છવાઈ જવાનું છે.

૩. વક્રતામૂલક હકારસંકેત કે ઋણગ્રહણ (Borrowing)ના એક પ્રકાર તરીકે Intertextuality-આંતર પાઠ્યસંદર્ભ:

ઇન્ટર ટેક્ષ્ચ્યૂઆલીટી એટલે એક કૃતિનો સંદર્ભ આપણને બીજી કૃતિમાં જોવા મળે તે. દા.ત. જેઈમ્સ જોઈસના Ulyssesમાં હોમરના Odyssey નો સંદર્ભ જણાય. ફિલ્મોમાં આવા આંતર પાઠ્યસંદર્ભો ઘણીવાર નજરે ચઢે છે. તમને ખબર છે કે The Lion King, Hamlet ઉપર આધારિત છે? Westside Story એ Romeo & Juiliet ઉપરથી બની છે? (हम दिल दे चूके सनम, બંગાળી નવલ મૈત્રેયી દેવીની ‘ન હન્યતે’ પરથી બની છે. એવાં ઘણાં ઉદાહરણ છે.) 10 Things I hate about you એ રોમેન્ટીક કોમેડી The Taming of the Shrew ઉપરથી લેવાઈ છે. સાહિત્યના વાચનમાં પણ જેટલું વાચન આપણું વ્યાપક હશે, તેટલી આપણને આવી આંતરપાઠધર્મીતા વધુ જોવા મળશે. લેખકો આપણને કૃતિનો પૂર્વાભાસ હોય તે માટે રીવોર્ડ આપતા જણાય છે. આવું ઘણું આપણી જાણકારીમાં હોય છે. જે આપણને નવા વાચનમાં પરિચિતતા આપતું લાગે છે. સ્ટીફન કીંગ આવી Intertextuality માટે ખૂબ જાણીતા લેખક છે. તેમની કૃતિઓમાં ઘણાં easter eggs છૂપાયેલાં હોય છે. તેઓ ઘણીવાર પોતાની અગાઉ લખેલી કૃતિઓનાં ગૌણપાત્રો, કથાબિંદુઓ, સ્થળોને પોતાની નવી અન્ય કૃતિઓમાં પાછા લાવતા હોય છે. એટલું જ નહિ, તેઓ ઘણીવાર મ્યૂઝીકનાં લીરીક્સ, ફિલ્મ, સાહિત્ય કૃતિઓ અને ટી.વી. શોનાં પણ પુનરાવર્તિત સંદર્ભો લઈ આવવાના શોખીન છે. તેથી સ્ટીફન કીંગને પહેલી જ વાર વાંચનારને આવાં નાનાં Ironic Nods વક્રતાપૂર્ણ હકારસંકેતોનો ખ્યાલ ન આવે, કારણ કે તે ખૂબ સૂક્ષ્મ રીતે સૂચવાયેલા હોય છે. પણ તેના નિયમિત વાચકોને તે તરત ખબર પડી જાય છે, અને ઊલટાનું, વાચકો એમનામાં એવું શોધતા પણ હોય છે. બધી જ કૃતિઓ, પ્રગટ કે પ્રછન્નરૂપે, એકબીજીમાંથી ઋણ ગ્રહણ-borrowing કરતી હોય છે. એમાં લેખકની મૌલિકતાનો અભાવ હોય એવું નથી હોતું. વાસ્તવમાં તો કોઈ જ સાહિત્ય કૃતિ સંપૂર્ણપણે, સોએ સો ટકા, મૌલિક હોતી જ નથી. એ ગ્રહણ કરેલી વસ્તુ દેખીતી હોય કે સૂક્ષ્મ હોય, હેતુપૂર્વકની હોય કે અનાયાસ થઈ હોય, પણ લેખકો એકબીજા પાસે વિચારગ્રહણ, વસ્તુગ્રહણ કરતા જ રહેતા હોય છે. આવા અંશો તેમને વચનમાં જ્યાં જડી આવે એનું જ નામ ‘આંતરપાઠધર્મીતા’-અને તે એક સાહિત્યિક તત્ત્વ જ ગણાય છે, જે આપણા વાચન અનુભવને ઊંડો બનાવે છે. ડી.એચ. લોરેન્સની The Virgin and the Gypsyમાં એક વિનાશક પૂર એક ઘરને વહાવી લઈ જાય છે તે પૂર બાઈબલમાં નોઆહના પૂર જેવું જ છે, તે નવલમાં સૂચવે છે કે એ માત્ર ઘટના ખાતર પૂર નથી મૂક્યું, પણ વિનાશની શુદ્ધિ અને સર્જક શક્તિનું સૂચક છે... આવું તો લગભગ દરેક કૃતિમાં માનવની પરિસ્થિતિ માટે કાલાતીત અને સ્થળાતીત સંદેશ આપનારું હોય જ છે. કેટલાક એવો દાવો કરે છે કે શેક્સપિયર જેવાની વિરાટ સર્જનકલામાં આવા અનેક જાતના વૈશ્વિક સંદર્ભો રહેલા જ છે, તેથી જ તેને મહાન અને સીમાસ્તંભરૂપ લેખક ગણવામાં આવે છે ને ! વૂડી એલનની ફિલ્મ A Midsummer Night’s Sex Comedy શેક્સપિયરના એ પ્રખ્યાત નાટક ઉપર જ બની છે. બાઈબલ કે લોકકથાઓ કે Alice in Wonderlandમાં માનવીય સ્થિતિને વર્ણવતાં અસંખ્ય વર્ણનો મળી આવે છે, જેને લેખકો પોતાની કૃતિની જરૂર મુજબ અનુરૂપ બનાવીને લઈ શકે છે, એમાંનો વૈશ્વિક ઉપદેશ પોતાની વાર્તામાં ઢાળી લે છે.

૪. સાહિત્યકૃતિઓમાં સ્થળ-કાળ સભાનતા, ભૌગોલિકતા :

સાહિત્યકૃતિનાં કથાવર્ણનમાં ભૌગોલિક જગ્યા કે સ્થળનું ઘણું મોટું પ્રતીકાત્મક મહત્ત્વ હોય છે. space અને place વાચકના મનમાં જબરદસ્ત લાગણી જન્માવી શકે છે. અને આપણે તેનું ઊંચું મૂલ્ય પણ આંકીએ છીએ. તમારો લાગણીપ્રદેશ, વધુ સારો કેવી રીતે બદલાય છે-જયારે તમે ભીડભાડ ભર્યા, કોલાહલયુક્ત શહેરી વાતાવરણમાં હો ત્યારે કે શાંત, સુરમ્ય કુદરતને ખોળે હો ત્યારે? તમે જયારે રણને કે વેરાન પ્રદેશને જુઓ છો ત્યારે તમને મનમાં કેવાં સ્પંદનો, અર્થસંદર્ભો અનુભવાય છે? space અને placeને પણ પોતાની એક શબ્દાવલિ અને અર્થછાયા હોય છે, જે ચોક્કસ પ્રકારની લાગણી જન્માવે અને તેથી જ તેનું પ્રતીકાત્મક મૂલ્ય હોય છે. આપણે Lord of the Rings જેવી કથાયત્રી નવલકથા વાંચીએ ત્યારે ફ્રોદો જે જે જગ્યાએથી પસાર થાય છે. તે જગ્યાએ તે પાત્રોની લાગણીઓનું પ્રતિનિધિત્વ કરતાં હોય છે. ભયગ્રસ્ત માર્ગોથી ગુજરતાં તે વિશ્વનો ઈતિહાસ વર્ણવતો જાય છે. shire અને Morderને લેખકે આમને સામને મૂક્યાં છે, તે પણ કથાનકની ખોજયાત્રા પૂર્તિનાં બે મહત્ત્વપૂર્ણ બિંદુઓ છે. space અને place ક્યારેક સરળ, સામાન્ય નથી હોતાં. તેથી લેખકે પ્રયોજેલી વાતાવરણીય તરાહો, સ્થળ સંબંધિત શબ્દો અને પ્રતીકયોજના સમજવા Landscape. ભૂમિદૃશ્ય પણ ધ્યાનમાં રાખવું પડે. ક્યારેક તો વાર્તામાં setting અને Landscapeને પણ પાત્ર તરીકે ઉપસાવેલાં હોય છે. તેથી તેને કદી taken for granted માની લેવાનાં નથી. શેક્સપિયરે બહુ સરસ કહ્યું છે –‘something is rotten in the state of Denmark- ડેન્માર્કમાં કંઇક તો સડેલું-બગડેલું છે.’-આ વાક્ય આખા નાટકનો tone અને mood વ્યક્ત કરે છે. એ જ રીતે બીજું એક વાક્ય –‘In fair Verona, we lay our scene. રમણીય નગરી વેરોનામાં આપણા નાટકનું દૃશ્ય ભજવાઈ રહ્યું છે.’ નાટકનું થીમ કેન્દ્રીય ભાવ સૂચવી જાય છે કે, ‘વેરોના એવું સ્થળ છે જ્યાં સૌંદર્ય અને ન્યાયનું ઊંચું મૂલ્ય છે, જેની હવે કસોટી થવાની છે.’ (કાલિદાસનું ‘મેઘદૂતમ્’ કેટલું અદ્ભુત પર્વતીય સૌંદર્યનું વર્ણન કરે છે.) માટે જ કહેવાયું છે કે, ‘વાર્તાના આપણા દૃષ્ટિકોણને, સેટીંગ ઊંડો અને સૂક્ષ્મ આકાર આપે છે.’ માનો કે તમે યાતના, પીડા અને મુશ્કેલીઓની એક વાર્તા વાંચી રહ્યા છો, જેનું સેટીંગ પણ રુક્ષ, બર્ફીલા કે વેરાન લેન્ડસ્કેપમાં રાખ્યું છે, તેવા શબ્દપ્રયોગો અને વર્ણનો છે. તો એની અસર ઊંડી પડે છે. હવે એ જ વાર્તાને હરિયાળા, વાસંતી, પુષ્પ-લતાવાળા બાગ બગીચાની પૃષ્ઠભૂમિમાં મૂકીએ તો એ વેદનાની અસર આવે ખરી? તમારો એ વાર્તાનો પ્રતિભાવ કેવો હોય? સાહિત્યમાં પશ્વાદભૂમિની ભૂમિકા અકલ્પનીય મહત્ત્વ ધરાવે છે. એડગર એલન પૉની નવલકથા The Fall of the House of Usherની પહેલી જ પંક્તિમાં પ્રયોજેલા શબ્દો dreary, rank, vacant એનું વાતાવરણ સૂચવી જાય છે. અને પાત્રોના પ્રવેશ સુધીમાં તો આપણને એમના ઉદાસીન, શોકગ્રસ્ત કરુણતાભર્યા જીવનની ઝાંખી મળી જાય છે. કારણ કે સેટીંગનું વાતાવરણ જ એવું સૂચક અને વિષયવસ્તુ ઉત્તેજક રાખ્યું છે. સાહિત્યિક કૃતિઓમાં સેટીંગ એ માત્ર વાર્તાના સ્થાપન માટે જ મહત્ત્વનું છે એવું નથી, એ તો વાર્તાનું હાર્દ રચી આપે છે. વિલિયમ ફૉકનરની કૃતિઓનાં સેટીંગ Yoknapatawpha કાઉન્ટીમાં છેક દક્ષિણે રાખ્યાં છે, તેનાં સચોટ વર્ણનો તમે ત્યાં જ હો એવો અનુભવ કરાવે છે. વાતાવરણ, હવમાન, ઋતુઓ, ભૌગોલિક સ્થળ વગેરે બધું વાસ્તવિક જેવું જ કૃતિમાં લાગે, પણ તે પ્રતીકાત્મક હોય છે. એના અર્થો intuitive સાહજિક, સ્ફૂરણાત્મક હોય છે: વસંતઋતુ બાળપણના ખુશીના દિવસોનું પ્રતીક છે. ઉનાળો તીવ્ર આવેગ અને રોમાન્સ સૂચવશે, પાનખર વૃદ્ધાવસ્થા અને શિયાળો, સ્મશાનગમન સૂચવે છે. લેખકો તેમની કૃતિના હાર્દને આવાં પ્રતીકો દ્વારા ઉપદેશરૂપે વ્યક્ત કરે છે. અનિતા બ્રુકનરની ૧૯૮૪ની નવલકથા Hotel du Lac, એક પ્રેમભગ્ન સ્ત્રીનું નિરૂપણ કરે છે, જે એક રીસોર્ટમાં છૂપાઈનેતેના યૌવનના દિવસોને યાદ કરે છે. ત્યાં એ ગયા સપ્ટેમ્બરમાં જ ત્યાં ગઈ હતી. હાલ એના જીવનની પાનખર ચાલી રહી છે.

૫. વક્રોક્તિ તમને જુદા પાડે છે :

લેખનમાં મૂકાયેલી વક્રોક્તિ તમે જેટલી સારી રીતે સમજી શકો એટલું સાહિત્યિક લેખન તમને વધુ સમજાશે. ૧૯૯૦ના દાયકાના સંગીતનો જેને પરિચય છે, તેમને ખ્યાલ હશે કે વક્રોક્તિ એટલે શું? એ સમજાવવા એલનીસ મોરીસેટે એક એ ચર્ચાસ્પદ ધૂન Ironic બનાવી હતી, તેમાં વક્રોક્તિની વ્યાખ્યા જ નથી આપી, એ જ એની મોટામાં મોટી વક્રોક્તિ છે. તોયે તે ધૂન ખૂબ વક્રોક્તિપૂર્ણ બની હતી. એ સાંભળીને શ્રોતાઓએ સમજી લેવાનું કે વક્રોક્તિ આને કહેવાય! તો પછી વક્રોક્તિ એટલે શું?! મૌરીન જ્હોન્સન એને સુંદર રીતે મૂકે છે કે, ‘વક્રોક્તિ’ એવો શબ્દ છે કે જેનો અર્થ શબ્દકોશમાં જોયા પછી હું તરત ભૂલી ગયો. તેમ છતાં તેની ભાવછાયા મારા મનમાં સતત રમતી-ભમતી રહી.’ વક્રોક્તિ એવી વસ્તુ છે જેની શોધમાં આપણે રહેવું જોઈએ. અને તમને એ મળશે ત્યારે તમે જાણશો કે એ શું છે. કારણ કે તમારી એના વિશેની અપેક્ષાઓ કંઇક ધૂંધળી ગૂંચવાયેલી, મૂંઝાયેલી હશે. મૂળભૂત રીતે લેખકની કંઇક કહેવાની એ પ્રયુક્તિ છે કે તમને એક માર્ગે દોરે, તમારી અપેક્ષા જન્માવે અને પછી તેનાથી બિલકુલ જુદી જ વાસ્તવિકતા રજૂ કરી દે એ છે વક્રોક્તિ ! વક્રોક્તિના જુદાજુદાં પ્રકારો છે. કશુંક કટાક્ષ, વ્યંગ્યની સીમારેખા ઉપર પણ હોય, કેટલાક કિસ્સામાં તો પાત્રો કરતાં વાચકને કથાનકનું વધુ જ્ઞાન હોય છે, ત્યારે લેખકની ગોઠવેલી અપેક્ષાની પણ વિરુદ્ધમાં વાચકની અપેક્ષા જતી હોય છે. Oedipusની વાર્તામાં વક્રોક્તિ એ છે કે સત્ય સામે આવે છે ત્યારે જ ઇડીપસની આંખ ખૂલે છે, જયારે King Learમાં રાજા લીયરને એવું જ ભાગ્ય સામે ચાલીને આવે છે. એ દૃષ્ટિ ગુમાવે છે ત્યાં સુધી એ દેખીતા સત્ય પ્રતિ અંધ જ રહે છે. જો આપણે Monomythને વક્રોક્તિ દ્વારા ઉલટાવવાનો વિચાર કરતા હોઈએ તો Waiting for Godot એનું અદ્ભુત ઉદાહરણ છે. વાચક તરીકે, ઘણી કડીઓ મળે છે કે હવે ખોજ શરુ થશે, ગોદો હવે આવશે, હવે આવશે...અપેક્ષા જન્મતી જાય છે, લંબાતી જાય છે...પણ અંતે? એ કડીઓ આપણને આપણી પરિચિત સ્મૃતિ, પ્રતીકો અને તરાહોમાંથી મળે છે, તેમ છતાં પાત્રો તેમની યાત્રા ઉપર નીકળ્યાં જ નથી. તે તો ગોઠવાયેલાં જ રહે છે. કંઈજ ક્રિયા, ઘટના બનતી જ નથી. Nothing Happens...વાસ્તવમાં, Nothing Happens, twice...!’ ગોદો ક્યારેય આવતો જ નથી. વાચક તરીકેની તમારી અપેક્ષાઓ, ધારણાઓ Irony ઊંધી પાડે છે, અને તેમ કરીને વિચારોને આશ્ચર્યજનક રીતે અને જોશપૂર્વક પાઠવે છે. Irony એ Textનું એવું તત્ત્વ છે જે બધા નિયમોને નેવે મૂકી દે છે. આપણી અપેક્ષા કરતાં ઊલટું જ બને તે વક્રતા છે. એને સમજવા માટે ‘અપેક્ષા’ અને ‘ઈરાદા’ને સમજવા પડે. જો વાર્તાનો પ્લોટ અણધાર્યો વળાંક લે તો સમજવું કે તેમાં વક્રોક્તિ સામેલ છે. વર્જીનિયા વુલ્ફની Mr. Dalloway નવલકથામાં, પાત્રોનાં કાર્યોમાં વક્રોક્તિ જોવા મળે છે. સેપ્ટીમસ વૉરેન સ્મિથ નામનો યુદ્ધતજજ્ઞ આત્મહત્યા કરે છે. તેનું પ્રેરણ શું? તો કહે, શત્રુઓ આવી રહ્યા છે તે...હવે શત્રુને આવતા જોતાં કોઈ યુદ્ધવીર આપઘાત થોડો કરવા જાય? વાસ્તવમાં એ ‘શત્રુઓ’ નહોતા, બે ડૉક્ટર હતા. ડૉકટર પાસેની અપેક્ષા તો ઉપચાર કરી સૈનિકનો જીવ બચાવવાની હોય, તેના બદલે તે અહીં જીવ લેનારા બન્યા, એ વક્રોક્તિ છે. નવલકથાના શીર્ષકમાં પણ વક્રોક્તિ સમાયેલી હોય, ઘણીવાર. દા.ત. હેમિંગ્વેની કૃતિ A Farewell to Arms.....આ શીર્ષક લડાઈની કવિતામાંથી લેવાયું છે. વાસ્તવમાં તે કવિતાની પ્રથમ પંક્તિ હતી-‘To Arms!’ હેમિંગ્વેએ દેશભક્તિના કાવ્યથી વિરુદ્ધનું જ શીર્ષક A Farewell to Arms બનાવી દીધું. તો ભાઈ, વક્રોક્તિનું તો આવું છે ! તમારે એને કૃતિમાં પકડવી હોય તો અનુભવી અને કુશળ વાચક બનવું પડે.

સમાપન :

અધ્યાપકની જેમ સાહિત્ય વાંચતાં શીખવા માટે તમારામાં વાચન-તરસ અને જ્ઞાનભૂખ જાગવાં જોઈએ. તમે જે કાંઈ વાંચો તેને પ્રશ્ન કરતા જાવ, અને જે તે વાચન સામગ્રીને તેની face valueથી ઉપરછલ્લી રીતે ન લો. વાચનને એક કળા તરીકે કેળવો. તમને બધું જ તો ક્યારેય ખબર હોતી નથી એ સ્વીકારો. માટે તીવ્ર જીજ્ઞાસા ભાવથી વાંચો. વાચન સાથે તેનાં પૃથક્કરણ-વિવેચનનાં સાધનો પણ વાપરતા જાવ, અને તોયે દિવસને અંતે લેખકને જે કહેવું, સૂચવવું છે/હતું તે તમને પૂર્ણરૂપે સમજાવાનું નથી, એ ધ્યાનમાં રાખો. વાચનને માટે, તેની પૂર્વભૂમિકા, પૂર્વજ્ઞાન અને તેનાં સહાયક સાધનો જોઇશે. આપણે મોટા થયા ત્યાં સુધી આપણને એ સાધનો-ધર્મગ્રંથો, પરીકથાઓ, લોકકથાઓ, પુરણકથાઓ, ડીનર ટેબલ સ્ટોરીઝ વગેરે દ્વારા શીખવાયાં હોય છે. આપણે વાંચતા જઈએ તે દરેક વાર્તા કે વાચન સામગ્રી આપણા જ્ઞાનપુંજમાં વધારો કરતી જાય છે. આપણને કંઈક ને કંઇક નવું શીખવતી જાય છે. આ પુસ્તક તમારી વિવેચનાત્મક પૃથક્કરણ ક્ષમતા વધારવામાં, ઊંડી ચિંતનશીલતા કેળવવામાં, જ્ઞાનપ્રાપ્તિ તરફ લઈ જવામાં અને સાહિત્યના વાચન-લેખનનો શોખ પોષવામાં એક મહત્ત્વના સાધનરૂપ સાબિત થશે. બ્રિયાન સેન્ડર્સન કહે છે તેમ, ‘વાર્તા કથક કે લેખકનો હેતુ તમને કેવી રીતે વિચારવું તે જણાવવાનો નથી, પણ શેના ઉપર વિચારવું, શા માટે વિચારવું તેવા પ્રશ્નો પેદા કરવાનો છે.’ અને કદાચ એ જ તો વધુ વાંચવાનો અને વધુ વિચારવાનો સાર છે. કૃતિના હાર્દમાં રહેલો વૈશ્વિક, શાશ્વત સત્યનો સંદેશ પ્રગટ કરવા માટે આપણે Read between the Lines શીખવું પડશે. અને તે કૃતિની તરાહો, પ્રયુક્ત પ્રતીકો અને અન્ય કૃતિઓ સાથેનાં તેનાં જોડાણોને શોધી કાઢવાં પડશે. આ રીતે બસ, ધ્યાની થઈ વાંચવાનું રાખશો તો એ વાચન અનુભવ, બીજા તમારા વાચન અનુભવને સમૃદ્ધ કરતો જશે અને તમારું આંતરિક વ્યક્તિત્વ ખીલતું જશે... તો પછી ચાલો, Happy Reading ! !