Many-Splendoured Love/સહાય


સહાય

લગ્ન નક્કી થતાંની સાથે જ જાણે નીલિમા બદલાઈ ગયેલી. એનું મન જાતજાતના ઘમંડથી ભરાઈ ગયેલું. આમ તો પોતાની જાતને એણે હંમેશાં પૈસાદાર જ માનેલી. બધાં ઓળખીતાં ને બહેનપણીઓને તો ખબર હોય જ, એટલે બડાશ મારવાની જરૂર ના રહેતી. પણ પહેલી વાર કોઈ મળતું હોય ત્યારે ગમે તે રીતે તક ઊભી કરીને એ કહેતી, ‘અમારે ત્યાં કુટુંબમાં અમે ચાર જ જણ છીએ, પણ કામ કરનારાં સાત જણ છે!’ એટલે નોકર-ચાકરની કે મોટરમાં ફરવાની નીલિમાને નવાઈ ન હતી; ને છતાં, સાસરું બહુ પૈસાદાર હતું – એવી સભાનતાનો ઓપ એના પર ચડી ગયો હતો. સાસરાના પૈસાની મોટાઈ રાતોરાત એનામાં આવી વસી હતી. એની નજીકની બહેનપણીઓને પણ લાગ્યું કે નીલુડીનું બોલવાનું ને ચાલવાનું પણ સાવ ફેરવાઈ ગયું હતું. ‘ઓહો, બસ, આટલી જ વારમાં તો શુંયે માનતી થઈ ગઈ છે પોતાને માટે.’ બે-એક બહેનપણીઓ તો એની પાછળ એવું બોલી પણ ખરી. નીલિમા તો પહેલેથી જાણતી હતી કે ‘એવું’ જ નહીં, પણ બીજું ઘણુંયે બોલનારાં ઘણાં નીકળવાનાં. સગાં તો જલવાનાં જ ને બહેનપણીઓને પણ થવાનું કે ‘નીલિમા ફાવી ગઈ.’ તેથી બાકી રહી ગયેલી છોકરીઓ પર મનમાં એ થોડું હસતી હતી, ને બહારથી સાસરાને શોભે એવા મોભા પ્રમાણે વર્તતી હતી. પિતાના પૈસાથી નીલિમાનો ટાપટીપનો શોખ પોષાયો હતો. નવાં નવાં કપડાં, માથાની પીનો, લાંબી બુટ્ટીઓ. બહુ રૂપાળી ન હોવા છતાં એ દેખાવડી લાગતી. કૉલેજમાં છોકરીઓના ટોળામાં સૌથી પહેલી એ દેખાઈ આવતી. ખાસ તો થોડી ઊંચી વધારે હતી, અને સરસ પુષ્ટાંગી હતી. એના વાળ કમ્મર સુધી પહોંચતા. ક્યારેક એ છૂટા રાખતી તો ક્યારેક જુદી જુદી રીતે બાંધતી. પણ હંમેશાં એક છૂટી લટ કપાળ પર ઊતરેલી રહેતી. કૉલેજના છોકરાઓ ઝાડ નીચે ઊભા ઊભા છોકરીઓ તરફ નજર નાખતા હતા. નીલિમા જેવી છોકરીઓ સાથે વાત કરવા જવાનું કારણ ઝટ મળતું નહીં. કોઈ કોઈ ખાસ બહેનપણીના ભાઈ કે કઝિનને ક્યારેક એવી તક મળી જતી. ખાસ તો કોઈની વર્ષગાંઠની પાર્ટીમાં. ત્યારે છોકરીઓને મઝા પડી જતી – છોકરાઓની મશ્કરી કરવાની. ‘બિચ્ચારા સાવ બાઘા હોય છે.’ – એવા નિર્ણય પર બધી એકમત થતી. નીલિમા હતી પપ્પાની લાડકી દીકરી. એકની એક જેવી જ. એક ભાઈ ખરો, પણ એ તો હજી નાનો – સ્કૂલે જતો. ઘરના હુલામણા નામથી બધાં એવાં ટેવાઈ ગયેલાં કે ભાઈબંધો પણ એને ‘ભઈલુ’ જ કહેતા. ભાઈ-બહેન જ્યારે લડી પડતાં ત્યારે ગુસ્સામાં એકબીજા માટે જુદાં જ નામ વાપરતાં. નીલિમા ‘લીમડી’ ને તે પણ કડવી લીમડી’ બનતી, ને ભઈલુનું નામ ‘જાડો-પાડો ભાયડો’ થઈ જતું. ભઈલુને બે શોખ – ક્રિકેટ ને કમ્પ્યુટર સ્ક્રીન. ઘરમાં કોણ બીજું શું કરે છે એની સાથે એને કશી નિસ્બત ન હતી. એટલે આખા ઘરમાં નીલિમાનું જ રાજ ચાલતું. એને કામ તો કશું કરવાનું જ નહીં. બહુ બહુ તો ભણવાનું. બાકી તૈયાર થવાનું, હરવાનું, ફરવાનું, હસવાનું, રમવાનું અને સિનેમા જોવા જવાનું. પછી તો સિનેમા જોવા ક્યાંયે જવાની પણ જરૂર ના રહી. વારાફરતી બહેનપણીઓને ત્યાં કે પોતાને ત્યાં બેસીને નાસ્તા-પાણી કરતાં કરતાં, વીડિયો પર જ હિન્દી ફિલ્મ જોવાતી. રોજની એક – એવું નહીં તોયે, લગભગ રોજની એક. ને ક્યારેક સામટી બબ્બે પણ જોવાઈ જાય. છોકરીઓનો સૌથી પ્રિય કાર્યક્રમ આ જ હતો. ભઈલુને થતું, ‘સાવ મૂરખ લાગે છે આ છોકરીઓ કે પછી ટી.વી.ના પડદા સાથે ચોંટી ગઈ છે?’ ને તું કમ્પ્યૂટર-સ્કીન સાથે ચોંટેલો છું તે?’ નીલિમા ભઈલુને પૂછતી. જ્યારે વીડિયો ના ચાલતો હોય ત્યારે ટેપરેકોર્ડર ચાલતું. વાગતું તો એનું એ જ હિન્દી ફિલ્મોનું સંગીત. ગમતું ગીત આવે ત્યારે અવાજ અચાનક વધી ગયેલો લાગતો. જો ઘરમાં હોય તો દોડી આવીને ભઈલુ અવાજ ધીમો કરી દેતો. એવે વખતે પેલાં લીમડી ને ભાયડા જેવાં નામો ફરી ફરી જોરશોરથી ઘરની દીવાલો પર અફળાતાં. થોડી વારમાં ઝંઝાવાત શમી જતો. પછી એક રૂમમાંથી કમ્પ્યૂટરનો ધીમો ગણગણાટ આવતો ને બીજા રૂમમાં હોટ ફેવરિટ ગીતો વાગતાં રહેતાં. પૈસાદાર કુટુંબની પસંદગી પામી એટલે નીલિમાને પોતે હતી તેથી પણ વધારે રૂપાળી લાગવા માંડી. ‘સરસ હોઈશ ત્યારે જ ને. નહીં તો ચેતનનાં મમ્મી-પપ્પાએ પસંદ કરી જ ના હોત ને!’ હજી વીસ વર્ષની પણ નહોતી થઈ એવી જિંદગીમાં નીલિમાએ નહોતો સહ્યો કોઈ સંઘર્ષ કે નહોતો જાણ્યો કોઈનો તિરસ્કાર. નાનકડું હતું એનું જગત, ને બાલસહજ હતી એની વિચારસરણી. પરણવા બેસવાની હતી ત્યારે પણ કોઈએ પોતાને પસંદ કરી – એના વિચારે એનું આત્મ-સન્માન, એની આત્મ-પ્રીતિ વધતાં હતાં. કોઈને પસંદ કે નાપસંદ કરવાનો હક્ક એની પોતાની પાસે હતો એવો તો જાણે ખ્યાલ પણ નીલિમાને હતો નહીં. ચેતન કોણ છે, કેવો છે, એના શોખ શું છે, એને રસ શેમાં છે – એવું કશું એણે ચેતનને કે વડીલોને પૂછ્યું ન હતું. એમાં થોડું ભોળપણ ખરું, પણ વધારે તો કોઈ બૌદ્ધિક જરૂરિયાતનો અભાવ હતો. બે જણ મળ્યાં પણ કેટલું? પહેલી વાર તો એનાં મમ્મી-પપ્પા સાથે આવેલો ત્યારે તો વાત પણ નહોતી થઈ. બીજે દિવસે એ બધાંને નીલિમાના પપ્પાએ જમવા બોલાવેલાં. ત્યારે જમવાના આગ્રહ થયેલા. બાલુશાહીનું દબાણ કરતાં નીલિમાની મમ્મીએ કહેલું, ‘આ તો નીલિમાએ બનાવી છે, એટલે એ તો વધારે ખાવી જ જોઈએ.’ ચેતને બીજી બાલુશાહી લીધેલી, ને નીલિમા સામે જોઈને કહેલું, ‘બહુ સરસ થઈ છે.’ સામે નીલિમા થોડું શરમાયેલું હસી હતી. એ સાંજે જ અરસપરસ વાત પાકી થઈ ગઈ હતી. બીજી સવારે સાસુમા સોનાની બંગડીઓ નીલિમાને પહેરાવી ગયાં હતાં. બપોર પછી ચેતન એક-બે દૂરના કઝિન સાથે આવેલો. નીલિમાની બે ખાસ બહેનપણીઓ પણ હતી. બધાંએ સાથે બેસીને વીડિયો પર હિન્દી ફિલ્મ જોઈ હતી. નીલિમાની મમ્મીએ નાસ્તા-પાણીથી ચેતનકુમારની આગતાસ્વાગતા કરેલી. એના પપ્પાએ જોર કરીને ભઈલુને મોકલેલો, ને બનેવી સાથે વાતો કરવા, એમને કંપની આપવા કહેલું. બનેવી પોતે જ કાંઈ બોલતા ન હતા, ને ફિલ્મમાં ભઈલુને રસ નહોતો. એટલે તરત એ પાછો પોતાના રૂમમાં જતો રહ્યો. નીલિમા સાથે પણ ચેતને ખાસ કશી વાત કરી ન હતી, પણ હીરો ને હિરોઇનની મશ્કરી કરવામાં ત્રણ કલાક તો પસાર થઈ ગયા. સોનાની બંગડીઓની સામે શુકનનું નાળિયેર અને એકસો એક રૂપિયા નીલિમાના પપ્પા અને કાકા વેવાઈને આપવા ગયા. એના પહેલાં કાકીએ જેઠાણીને ચેતવ્યાં હતાં. ‘ભાભી, આટલી ઉતાવળ ના કરો તો! આપણે કુટુંબ વિશે, મુરતિયા માટે થોડી વધારે તપાસ કરીએ તો. એમ સાંભળ્યું છે કે ચેતન જરા મોળો છે.’ નીલિમાનાં મમ્મી કાંઈ બોલ્યાં નહીં. કદાચ સમજ્યાં ના હોય એમ માની કાકીએ ચોખવટ કરી, ‘કહે છે કે એ થોડો રિટાર્ડેડ છે.’ એ પછી પણ કશું બોલ્યા વગર નીલિમાનાં મમ્મીએ વહાલી દીકરીની સામે જોયેલું. બંનેની નજરમાં એક જ વાત હતી. ‘ઈર્ષા. કાકીની છોકરી પણ પરણવા જેવી છે ને! આવતા વર્ષે એ બી.એ. થઈ જવાની. આવું મોટું ઘર ને આવું સારું પાત્ર ફરી ક્યારે મળવાનું. ઈર્ષા જ વળી. બીજું શું?' નીલિમા ઠસ્સો કરીને ઊભી થઈ ને રૂમની બહાર જવા ગઈ. ત્યાં દાદીમાએ એને રોકી. એનો હાથ પકડી, એની મમ્મીની સામે જોઈ કહ્યું, ‘નીલિ બેટા, પરદેશ જવાની વાત ભલે ને ખોટી હોય, પણ એ સિવાય કુટુંબ વિશે, એ બધાંના સ્વભાવ વિશે થોડું વધારે જાણી લઈએ તો વધારે સારું છે હોં.’ બા સાથે તો છણકો થાય તેમ ન હતો. પણ હવે ચંદાબહેન બોલ્યાં, ‘બા, કંચનબહેન ને પ્રતાપભાઈ બહુ સારાં છે. નાતનાં છે, ને ઘરમાં બે જ દીકરા. નીલિમાને નણંદની પંચાત નહીં થવાની. બંને જણ – વેવાણ ને વેવાઈની વાત કરું છું – બંને ભગવાનનાં માણસ છે. રોજ કલાકો પૂજાપાઠમાં ગાળે છે. બીજી બાજુ કેટલા તો બિઝનેસ છે! કેટલી દુકાનો! છોકરી સુખી જ થવાની. હા, છેક દક્ષિણ આફ્રિકા. એના મનમાં મોટી મોટી દુકાનો, અનેક ચીજ-વસ્તુઓ, શૉપિંગ ને સિનેમાની કલ્પના હતી. મોટરમાં ફરશે, ખરીદી કરવા જશે, કપડાં-ઘરેણાં પહેરશે, મોટા ઘરમાં ઠાઠથી રહેશે’ – આવો જ ખ્યાલ હતો નીલિમાને અને એનાં મમ્મી-પપ્પાને. ઘર સારું હતું, ને નાતમાં જ હતું – એટલે મા-બાપને દીકરીના સુખ અંગે સંતોષ હતો. નીલિમાને પોતે પરણવાની હતી એનો જ રોમાંચ હતો. ફિલ્મો જોઈ જોઈને રચાયેલાં સપનાં પૂરાં કરવાનો સમય આવ્યો હતો જાણે. પોતે મોટા એક પ્રસંગના કેન્દ્રમાં હતી, જાણે હિરોઇન હતી – એ વાતનો જ બાલિશ રોમાંચ. કોને પરણવાની છે, મેંદીના રંગ ઊડી જાય, તે પછી પણ પરિણીત જીવન હશે, અજાણી જગ્યાએ મા-બાપ ને મિત્રો વગરની થઈ જશે વગેરે વિચારો એને આવ્યા જ નહીં, મનમાં કોઈ ભય કે શંકા જાગી જ નહીં. બધાંને થયેલું, ‘વાહ! નીલિમા તો બહુ નસીબદાર. અઢી-ત્રણ મહિનામાં તો દક્ષિણ આફ્રિકા જવાનું ગોઠવાઈ પણ ગયું.’ ઘર છોડતી વખતે પણ એ રડી ન હતી. ‘એવું ક્યાં દૂર હતું? વિમાનમાં આવતાં-જતાં કેટલી વાર?' મા-બાપની પણ આવી જ ધારણા હતી. ફક્ત ભઈલુ શાંત થઈ ગયો હતો. અચાનક એ જાણે મોટો થઈ ગયો હતો. મનમાં ને મનમાં એ કહેતો હતો કે ‘કડવી લીમડી – ના, ના મોટી બહેન નહીં હોય ત્યારે ઘર સૂનું લાગશે.’ નીલિમાએ એને કહ્યું, ‘ભાઈ, બળેવ પર ત્યાં આવવાનું રાખજે. અત્યારથી જ પાસપૉર્ટ કઢાવી લેજે.’ ત્યારે એ કશું બોલી જ ના શક્યો. હાના અર્થમાં માથું હલાવી એ થોડો દૂર ખસી ગયો. નીલિમાને મુંબઈ તો ઘરનાં બધાં જ મૂકવા ગયેલાં. ત્યાંથી જોહાનિસબર્ગ સુધીના સંગાથની ગોઠવણ સાસરિયાંએ કરી આપેલી. નાતના જ એક ભાઈ પાછા દક્ષિણ આફ્રિકા જઈ રહ્યા હતા. ફ્લાઇટ દરમ્યાન બે-ત્રણ વાર એ નીલિમાની ખબર કાઢી આવ્યા હતા. નીલિમા તો સાચે જ હવામાં ઊડી રહી હતી. ઊંઘી ગઈ ત્યારે પણ એના મોઢા પર સ્મિત ફરકતું હતું. જોહાનિસબર્ગના વિમાનમથકે ઊતરી ત્યારે કેટલીયે આશા ને અપેક્ષાથી નીલિમાનું હૃદય ધડકતું હતું : ‘સાસુ-સસરાને જોશે કે તરત નીચે વળીને પ્રણામ કરશે. કંચનબહેન તો તરત એને વહાલી કરશે. હવે તો એ જ મારાં મમ્મી ને!’ નવવધૂને શોભે તેવી ભારે સાડી નીલિમાએ પહેરી હતી. કેસરી રંગની સાડીમાં સોનેરી જરીવાળા બુટ્ટા ને કિનાર હતાં. કાનમાં સોનાની બુટ્ટી ને ગળામાં મંગળસૂત્ર હતાં. પહેલે દિવસે કંચનબહેને પહેરાવેલી બંગડીઓ હાથમાં હતી. થોડાં ઘરેણાં એણે હૅન્ડબૅગમાં મૂક્યાં હતાં, પણ સાસરા તરફથી તો હજી હવે પહેરામણી મળવાની હતી. લગ્ન વખતે એવી જ વાત થયેલી. નીલિમાને તો એમ કે વિમાનમથકે જ વધામણી થશે, ને નવી વહુને તેડવા કેટલાંયે જણ આવ્યાં હશે. પહેલાં તો કોઈ દેખાયું નહીં. લગ્નની વાતચીત શરૂ થઈ ત્યાર પછી આ પહેલવહેલી વાર એ જરા મૂંઝાઈ. પણ પેલા નાત-ભાઈ સાથે હતા ને થોડી વાર ઊભા રહ્યા ત્યાં જ ચેતનને આવતો એણે જોયો. એની સાથે બે યુવાનો અને એક યુવતી હતાં. સાસુ-સસરા કે બીજું કોઈ આવ્યું લાગ્યું નહીં. કારણ જાણ્યા વગર જ એ થોડી નિરાશ થઈ ગઈ. ચેતન કશું બોલે એ પહેલાં સાથેના એક યુવકે બોલવા માંડ્યું : ‘એક બિઝનેસ મિટિંગ અધૂરી રાખીને દોડતા દોડતાં તમને લેવા આવ્યાં.’ લેવા આવવું પડ્યું તે જાણે નીલિમાનો વાંક હતો. મોડા પડવા માટે ‘સૉરી’ કહેવાનું તો કોઈને હજી સૂઝ્યું પણ ન હતું. ચેતને કોઈની સાથે નીલિમાની ઓળખાણ પણ કરાવી નહીં. સાથેની યુવતીને ઉદ્દેશીને એણે કહ્યું, ‘તમે બે સામાન સાથે અહીં ઊભા રહો. અમે મોટર લઈને આવીએ છીએ. ચાલ, દેવેન.’ એ નામ સાંભળ્યું કે તરત નીલિમાને ખ્યાલ આવ્યો કે એ એનો દિયર હતો. લગ્ન પર એ આવી શક્યો ન હતો. ‘બિઝનેસ સંભાળવા કોઈ જોઈએ ને!’ પ્રતાપભાઈએ કહેલું. ‘ને આજે મળે છે ત્યારે પણ એ રીતે કે બિઝનેસ સિવાય કશું છે જ નહીં.’ નીલિમાએ વિચાર્યું. ‘મારું નામ જાગૃતિ છે.’ કહી એણે જ વાત શરૂ કરી. એના વર પ્રફુલ્લભાઈ ચેતનના દૂરના કઝિન થાય. એ બંને પણ એ જ ઘરમાં રહેતાં હતાં. નીલિમાએ અચકાતાં અચકાતાં સાસુ-સસરા નહીં આવવાનું કારણ પૂછ્યું. ‘એ લોકો તો એક દિવસ માટે પણ ના નીકળે.’ જાગૃતિએ કહ્યું, ‘એમની પૂજા ખરી ને!’ એવી તે કેવી પૂજા હશે? નીલિમા સમજી નહીં ને એરપૉર્ટ લેવા આવવા માટે વળી આખો દિવસ ક્યાં જવાનો હતો? વધારે વાત કરે તે પહેલાં મોટરો લઈને બંને ભાઈઓ આવી ગયા. નાતભાઈનો સામાન દેવેને પોતાની ગાડીમાં મૂક્યો. એ ભાઈએ નીલિમાને ‘આવજો, બહેન’ કહ્યું. દેવેન લગભગ સામું જોયા વગર જ બોલ્યો, ‘ભાભી, ઘેર પહોંચો ત્યારે સેવા આપવા તૈયાર રહેજો.’ જવાબની રાહ એણે જોઈ નહીં. નીલિમાને જવાબ સૂઝે તેમ પણ ન હતો. જે બધું બનતું હતું એમાં નીલિમાને કશી ખબર પડતી ન હતી. એનો સામાન ચેતનની ગાડીમાં ગોઠવાઈ ગયો હતો. ચેતન ચલાવશે ને પોતે આગળ એની સાથે બેસશે, એવું સ્વાભાવિક રીતે એણે માન્યું હતું. પણ મોટર ચલાવવા પ્રફુલ્લભાઈ બેઠા ને સાથે આગળ ચેતન બેઠો. નીલિમા જાગૃતિની સાથે પાછલી સીટમાં ગોઠવાઈ. એ પણ સ્વપ્ન કરતાં જુદું જ બન્યું હતું. જોહાનિસબર્ગનાં ઊંચાં, ચકચકાટ મકાનો દેખાતાં હતાં. નીલિમાને થયું, ‘ઘર હમણાં આવશે, હમણાં આવશે.’ પણ શહેરમાં ગયા વગર ગાડી હાઈ-વે પર આગળ વધી. એકદમ નીલિમાને ભાન થયું કે સાસરાનું સરનામું એણે ક્યારેય જોયું ન હતું. લગ્ન પછીના સમય દરમિયાન ફોન અને ફેક્સ જ ચાલેલા. સાસરું જોહાનિસબર્ગ શહેરમાં હશે એવું એણે માનેલું તે ભૂલ હતી એમ હવે એને લાગવા માંડ્યું. જીવનો થોડો ફફડાટ એણે અનુભવ્યો. ઘણી વારે આખરે ધીરેથી એણે જાગૃતિને પૂછ્યું, ‘ઘર કેટલું દૂર છે?’ જવાબમાં ચેતન બોલ્યો, ‘સાડા ચારસો કિમી.’ ‘જાઓ, જાઓ, મશ્કરી કરો છો ને?’ નીલિમાથી બોલાઈ ગયું. ચેતન જોરથી હસ્યો. જાગૃતિએ ગંભીર ભાવે ‘ના, ના' અર્થમાં માથું હલાવ્યું. પછી બોલી, ‘સીધાં જઈએ તો વહેલી સવાર થઈ જાય. પહાડના રસ્તા પર રાતે ડ્રાઇવિંગ કરવામાં જોખમ ને એટલે રાત આપણે પ્રિટોરિયામાં જેકોરફઈને ત્યાં રહેવાનાં છીએ.’ ચૂપચાપ નીલિમાએ આંખો મીંચી દીધી. જોકે જેકોરફઈને ત્યાં એને ગમ્યું. એ હસમુખાં બહેન હતાં ને નીલિમાને ‘બેટા, બેટા’ કરતાં રહ્યાં. સવારે આગ્રહ કરીને ચા-નાસ્તો કરાવ્યાં, પછી જ જવા દીધાં. નીલિમાને પાણીનો સ્વાદ પણ ભાવ્યો નહીં. પરદેશનું પાણી. તમાચો વાગ્યો હોય એમ હવે એને ઘર યાદ આવ્યું. પિયરનું ઘર. કેટલું દૂર, કેટલું બધું દૂર. સ્પષ્ટ હતું કે જોહાનિસબર્ગથી મુંબઈ જતાં વિમાનને જેટલા કલાક થાય તેટલા બીજા કલાક સાસરેથી જોહાનિસબર્ગના વિમાન-મથકે જતાં થવાના. કેટલું બધું દૂર હતું મમ્મીનું ઘર. ‘મારી પોતાની મમ્મી મનમાં કહેતા નવી વહુની આંખોમાં પાણી આવી ગયાં ને છાનામાનાં એણે લૂછી પણ લીધાં. પ્રફુલ્લ ને જાગૃતિ આગળ બેઠાં. નવી ફિલ્મોનાં ગીતોની કૅસેટ નીલિમાએ બૅગમાંથી કાઢી રાખેલી તે એણે પ્રફુલ્લને આપી. નવા દેશના સૂકા પ્રદેશમાં થઈને જતાં એ ગીતો સાંભળવાની પણ મઝા ના આવી. પ્રિટોરિયા છોડ્યું પછી હાઈ-વેની બંને બાજુ સૂકાં, સૂનાં ખેતર હતાં. હા, રસ્તો સરસ હતો ને મોટી મર્સિડિસ ગાડી હતી, પણ કેવું ઉજ્જડ હતું બધું! પેલી દુકાનો ને મોટાં શૉપિંગ સેન્ટર ક્યાં હતાં? બેએક કલાકે પીટર્સબર્ગ ગામની નજીકમાં હાઈ-વે પર પેટ્રોલ લેવા એ લોકો ઊભા રહ્યા. ‘ચા પી લે, તો જરા સુસ્તી ઊડશે.’ કહી ચેતને ચા ખરીદી. પણ એ તો સાવ પાણી જેવી. નહીં એમાં કશો સ્વાદ, ઘેર પહોંચીને સરસ ચા પીશ.’ એમ નીલિમાએ વિચાર્યું. હજી પહોંચવાને બીજા બે-સવા બે કલાક થવાના હતા. ‘દોઢ જેવો વાગી જવાનો,’ જાગૃતિ બોલી. એને પણ પીળચટ્ટા એ પહાડી પ્રદેશમાં રસ ન હતો. એનું માથું દુખતું હતું. ચેતન એની જગ્યાએ આગળ બેઠો. પાછલી સીટ પર બેસીને જાગૃતિએ નીલિમાની સામે જોયું. કશા પણ શબ્દો વગર એ નજરમાંથી ઘણી વાતો પસાર થઈ ગઈ. એ સાથે જ બંને યુવતીઓની વચ્ચે મૂક મૈત્રીનો પુલ બંધાઈ ગયો.

બહારથી ઘર સાવ જૂનું ને નાનું લાગેલું. ‘આ? સાવ આવું?’ નીલિમાને થયેલું. બારણું ખોલીને કંચનબહેને નીલિમાના હાથમાં પ્રસાદ માટે કાપેલાં ફળ મૂકેલાં. એ પગે લાગી ત્યારે જરા ખસી જઈ બોલી ઊઠેલાં, ‘જા, જલદી ન્હાઈ લે. રસોડામાં ઘણું કામ છે આજે.’ પ્રતાપભાઈનાં બહેન અને ભાઈ સહકુટુંબ જમવા ને વહુને જોવા આવવાનાં હતાં. એ પહેલે દિવસથી દરરોજ નીલિમાને થતું, ‘આને ઘર કઈ રીતે કહેવાય?’ અલબત્ત, ઘણોયે મોટો નવો બંગલો પાછલી તરફ બાંધેલો હતો. મોટા દીવાનખાના પછી સળંગ સૂવાના ઓરડા હતા. આમ સગવડો હતી, ને આમ કશું સરસ ન હતું. પ્રતાપભાઈ તો આગલા એ ઘરમાં જ જન્મ્યા હતા ને મોટા થયા હતા. તેથી એમને માટે તો એ જ દુનિયા હતી. ઘણી દુકાનો કરી હતી ને ઘણા ધંધા વિકસાવ્યા હતા. એમને ને કંચનબહેનને તો પોતાનાં સુખ-સંપત્તિની ઘણી મોટાઈ હતી. બગીચાનાં ફૂલોની સામે જોઈ આછા નિસાસા સાથે નીલિમા વિચારતી, ‘પણ આને. ઘર કઈ રીતે કહી શકાય?’ જ્યાં જુઓ ત્યાં પર્વતો, પાષાણી ખડકો, જંગલનો નિર્જન વિસ્તાર. ઊર્વિનિંગને તો ગામડું પણ ના કહી શકાય. એટલી વસ્તી પણ ન હતી ત્યાં. કોઈ ઝૂંપડાં પણ ન હતાં. સાસરિયાંનો એ બંગલો – તે જ હતું ઊર્વિનિંગ. એક દુકાન ને એક પેટ્રોલ-પંપ તે બંને પણ એમનાં જ. કોઈનો પાડોશ નહીં. કોઈનો પરિચય નહીં નીલિમાને થયું, પોતે પરદેશ નહીં, દેશવટે આવી હતી. સાસરામાં પહેલી વાર જાગી તે જ સવારથી નીલિમાના ઊર્વિનિંગમાંના બધા દિવસોની કાર્યસૂચિ શરૂ થઈ ગઈ હતી. એ સવારે તો ચેતને જ એને ઢંઢોળીને જગાડી હતી – પરોઢે સાડા પાંચ વાગ્યે. અચાનક ઊઠવાથી માથામાં ઝાટકો લાગ્યો હતો. પોતે ક્યાં હતી એનું ભાન આવતાં થોડી ક્ષણો લાગી હતી. પછી તો ક્યારેય એટલી ક્ષણો પણ નવરાશની મળતી નહીં. ઘરનો નિયમ એ હતો કે સ્ત્રીઓએ ન્હાઈને જ રૂમની બહાર નીકળવાનું ને તે પણ સાડી પહેરીને જ. દેશમાં તો નીલિમા ભાગ્યે જ સાડી પહેરતી. ‘પરદેશમાં તો લોકો વધારે ફેશન ના કરે? આ કેવો પરદેશ છે?’ પરોઢથી જ સાડીના કોશેટામાં વીંટાતાં નીલિમા જાતને પૂછતી. નાહ્યા પછી એ પૂજાના ઓરડામાં જતી. અગરબત્તી, ઘીનો દીવો, તાજાં ફૂલ વગેરે તૈયાર કરતી. સાસુ-સસરા કેવી પૂજામાં આખો દિવસ વ્યસ્ત રહેતાં તેની જાણ નીલિમાને પહેલે દિવસથી જ થઈ ગઈ. એ બંને સવારે સાડા-પાંચ કલાક ને સાંજે ત્રણ-સાડા ત્રણ કલાક પૂજા કરવા બેસતાં. એ સિવાયના સમયે કંચનબહેનનો જીવ દુનિયાદારીમાં ને પ્રતાપભાઈનો ધંધામાં પરોવાયેલો હતો. સાડા છએક વાગ્યે આગળના જૂના ઘરમાં જઈ ચેતન માટે ચા બનાવતી. રસોડું ત્યાંનું જ વપરાતું. બે ઘરની વચ્ચેના ચોગાનમાં બનાવાયેલા તુલસી-ક્યારાને હાથ જોડવાની નીલિમાને હવે ટેવ પડી ગઈ. એ સાથે જ એ મમ્મી અને દાદીમાનું પ્રાતઃસ્મરણ પણ કરી લેતી. ચેતન સવારે સાત વાગ્યાનો જતો રહેતો તે સાંજે લગભગ સાડા છ-સાતે આવતો, એ પછી પણ સાંજની પૂજા પૂરી થાય પછી પ્રતાપભાઈ સાથે ધંધા અંગેની વાતો કરવામાં સાડા દસ-અગિયાર તો થઈ જ જતા. નીલિમાનો આખો દિવસ રસોડામાં જતો. દુકાનમાં કામ કરનારા ત્રણ જણ માટે ચા-નાસ્તો સાડા નવે આપી આવવાનો. દેવેન મોડો ઊઠે. પોણા બાર-બારે એ તૈયાર થઈને બહાર આવે ને દુકાન તરફ જતાં જતાં સામે પણ જોયા વગર કહે, ‘ભાભી, ટોસ્ટ. ટી-ટાઇમ.’ એ પછી સાસુ-સસરા પૂજા પતાવીને આવે, એટલે એમને માટે ઉકાળો ને દૂધ લઈ જવાનાં. એ બંનેએ ચાની બાધા લીધેલી. એટલું જ નહીં, સાસુએ નીલિમા આવતાં પહેલાં એને માટે પણ ચાની બાધા લઈ લીધેલી. દક્ષિણ આફ્રિકામાં આવીને ક્યારેય નીલિમાએ ચા પીધી ન હતી. એમ ને એમ વરસ-સવા વરસ નીકળી ગયું. હવે તો એને ચાના વિચારથી પણ ઊબકા આવતા હતા. પણ એ પહેલી બપોરે પ્રિટોરિયાથી સાસરે પહોંચી ને દેશથી ત્યાં સુધીની મુસાફરીનો થાક ઉતારવા ચા પીવા વિશે જાગૃતિને પૂછ્યું, ત્યારે તરત સાસુએ આપેલા જવાબથી એ આઘાત પામી ગઈ હતી. એક જણ માટેની બાધા કોઈ બીજું કઈ રીતે લઈ શકે? પોતાના જીવનમાંની નાનકડી એક ટેવ – નાનકડી એક જરૂરિયાત – પર કોઈએ લગ્નને નાતે તરાપ મારી હતી. કેટલા આઘાત લાગતા રહ્યા હતા. છોલાય, પણ લોહીનાં ટીપાં ના પડે તેવા નાના નાના ઘા. ઘરમાં ટેલિફોન નહીં ઉપાડવાનો, પિયર ફોન નહીં જોડવાનો, કાગળ આવે કે લખાય તે સાસુને વંચાવવાના, મેક-અપ નહીં કરવાનો, વાળ છૂટા નહીં રાખવાના, સસરા હાજર હોય ત્યારે વાત નહીં કરવાની, રસોડા જેવી જાહેર જગ્યામાં હિન્દી ગીતો નહીં વગાડવાના. એક શિલ્પના સ્વરૂપને બદલવા એક નાની હથોડી વડે કરાતા ઝીણા ઝીણા ઘા! બપોરનું જમવાનું, બપોરની ચા, રાતનું જમવાનું. બધું તાજું કરવાનું. ને ગરમ ગરમ પીરસવાનું. સૂકા નાસ્તા પણ ઘરમાં રાખવાના. દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વેને જોડતા હાઈ-વે પર જ ઊર્વિનિંગ થાણું આવેલું ને ભારતીયોના નાના સમાજમાં પ્રતાપભાઈ અને કંચનબહેનને બધાં ઓળખે, એટલે અવરજવર પણ ઘણી રહે. એમાંનાં ઘણાં પાંચ-છ વાર આવી ગયાં હોય, પણ નીલિમાનો એ લોકોને ત્યાં જવાનો વારો ક્યારે પણ આવ્યો ન હતો. બે-ત્રણ મહિના થઈ જાય, પણ એ ને જાગૃતિ ઝાંપાની બહાર પણ ગયાં ના હોય. પહાડો ઊતરીને થોડા માઈલોને અંતરે બે દિશામાં બે નાનાં શહેર હતાં એમ તો – લુઈસ ત્રિખાર્ડ અને થોહોયાન્ડૂ. બંનેમાં ને બીજાં બે ગામોમાં પણ, પ્રતાપભાઈએ દુકાનો નાખેલી – કરિયાણું, સાબુ, વાસણકૂસણની. દર અઠવાડિયે ભારતથી તાજું શાક પણ ત્યાં આવે. પણ નીલિમાએ એમાંની એક જ હજી જોઈ હતી. જીવન ઉજાગરાની રાતો હોય તેમ દુકાનોમાં જવાનાં, વસ્તુઓ જોવા-ખરીદવાનાં નીલિમાનાં સ્વપ્નાં વિલુપ્ત થતાં ગયાં હતાં. બિલકુલ બહાર નહીં જવાનું, ને સાસુનો સતત ચાલતો બબડાટ એ સિવાય ઘરમાં ને ઘરમાં. બીજું કશું દુઃખ ન હતું. આખો દિવસ રસોઈનો પાર ના આવતો તે જ. બાકી કશું બીજું કામ ના રહેતું. વાસણ, કપડાં ને કચરા-પોતા માટે સવારથી સાંજ ત્યાંની આદિજાતિની સાત- આઠ બાઈઓ આવતી. એ બધીને કામમાંથી એક ઘડીની નવરાશ ના મળતી. વાસણો ધોવાનો તો પાર જ ના આવતો. ચા-નાસ્તાનાં ને જમવાનાં વાસણ તો ચાલતાં જ રહે, પણ પૂજાનાં થાળા, વાડકા, આચમનીઓ વગેરે ખરાં ને! અરે બારથી પંદર તો દીવીઓ રહેતી. અંદર-અંદરની એમની ગુસપુસ, ને નજરની આપ-લે પરથી નીલિમા સમજી ગઈ હતી કે ઘરનાં મુખ્ય માણસો માટે એ બધીઓ શું વિચારતી હતી. આજીવિકાને ખાતર એ સ્ત્રીઓ એ ઘરમાં આવતી હતી. તોયે, દર થોડે મહિને એક-બે છૂટી થઈ જતી ને વળી પાછી બીજી કોઈને શોધી લાવવી પડતી. એક વર્ષમાં એવી કેટલીયે સ્ત્રીઓ બદલાઈ ગઈ. નીલિમાએ એમનું સ્વમાન નોંધ્યું. ભૂખ્યા મરવાની ચિંતા હોય તોયે અસહ્ય નોકરી એ ફગાવી શકતી હતી. ને પોતે? રૂઢિચુસ્તતાના બંધિયાર વાતાવરણમાં એ શ્વાસનો ભોગ આપી રહી હતી. ‘અભણ, ગરીબ આદિવાસી સ્ત્રીઓ જેટલું સ્વમાન પણ મારામાં નહીં હોય? તુલસી-ક્યારા પર હાથ રાખી નીલિમા એ પ્રશ્ન કરતી. બંગલામાં કામ કરવા માટે વિશ્વાસુ થઈ ગયેલી બે બાઈઓ હતી. એમાં સિનિત્ઝિ બહુ ચબરાક હતી. સાસુને ગાતાં સાંભળી સાંભળીને એ ભજનોનો ઢાળ શીખી ગઈ હતી. ઘરમાં કામ કરતાં કરતાં એ ગાયા કરતી. ક્યારેક એ ભજનોનો સૂર, ક્યારેક એ વેન્ડા પ્રદેશની આદિજાતિઓનાં લોકગીત. નીલિમાના જીવનની એક પણ બાબત એનાથી અછતી ન હતી. સાસુનો તોછડો વર્તાવ, વર સાથેનો અધકચરો સંબંધ, એના મનની અંદરનું નિ:શબ્દ કષ્ટ – એ બધું સિનિત્ઝિની ચકોર નજરમાં ક્યારનું પકડાઈ ગયું હતું. તેથી એ નીલિમાનું ધ્યાન રાખવા પ્રયત્ન કરતી અને તક મળે ત્યારે કંઈ ને કંઈ વાતો ને મજાક કરી એનું મન બહેલાવવા મથતી. બંગલામાં સિનિત્ઝિ સાથે ને રસોડામાં હોય ત્યારે જાગૃતિ સાથે નીલિમાને વાત કરવા મળતી. એક વાર પ્રિટોરિયાથી જેકોરફઈ આવેલાં ને બેએક કલાક બેઠેલાં. ત્યારે દાદીમાને મળ્યા જેવું નીલિમાને લાગેલું. બાકી તો સાસુનાં વાંધા-ફરિયાદ ચાલ્યાં કરે. પૂજામાં હોય તેટલો વખત શાંતિ લાગે. જાગૃતિ કહે, ‘કેટલા કલાક પૂજા-પૂજા. ભગવાન પણ થાકી જતા હશે.’ નીલિમા અગિયારશની રાહ જોતી. દર અગિયારશે કંચનબહેન સદંતર મૌન રાખતાં. એ વખતે એમના ઇશારાથી એમની ઇચ્છા-અનિચ્છાઓ સમજવી પડતી એ ખરું, પણ એમના બબડાટથી તો છુટકારો મળતો. એક દિવસ એક મહેમાન આવ્યાં. હંસીબહેન લાખા કરીને આધેડ વયનાં એક બહેન હતાં. કંચનબહેન સાથે વર્ષોજૂની ઓળખાણ. એ રહેતાં હતાં જોહાનિસબર્ગ ને કોઈ માંદા સગાની ખબર કાઢવા લુઈસ ત્રિખાર્ડ આવ્યાં હતાં. સાંજે કંચનબહેનને મળવા આવ્યાં. રાતે બંગલે રહેવાનાં હતાં, ને સવારે થોહોયાન્ડૂથી મિનિ બસ લઈ પાછાં જવાનાં હતાં. એમણે નીલિમા સાથે બેસીને ઘણી વાતો કરી, પિયરિયાં વિશે પૂછ્યું, એની રસોઈનાં વખાણ કર્યાં, ‘જોહાનિસબર્ગ જરૂર આવજે.’ એમ આગ્રહપૂર્વક કહ્યું. સૂવા જતાં પહેલાં કંચનબહેને નીલિમાને હંસીબહેનના જીવનની એક ઘટનાની વાત કરી. કહે, ‘એમને તને જોઈને એમની પોતાની દીકરી યાદ આવી ગઈ. એ પરણ્યા પછી બે વર્ષમાં જ ગુજરી ગઈ હતી. જોહાનિસબર્ગની બહાર પરણી હતી ને એવું અચાનક બની ગયું કે હંસાબહેન ને એમના વર એના મરતાં પહેલાં એને મળી પણ ના શક્યાં. મને કહેતાં હતાં કે તું બરાબર શીલા જેવી જ દેખાય છે.’ બીજે દિવસે અગિયારશ હતી, એટલે કંચનબહેન તો મૌનમાં હતાં. હંસીબહેનની સાથે કંપની માટે થોહોયાન્ડૂ નીલિમા જ જાય એમ નક્કી થયેલું. ત્રણેક મહિને નીલિમા ઘરની બહાર નીકળતી હતી. તૈયાર થવાનો એને થોડો ઉત્સાહ થયો. સાસુ પૂજામાં હતાં તેથી એણે હોઠ પર જરા લિપસ્ટિક લગાડી દીધી. પોણો કલાકનો રસ્તો હતો. પહેલી વાર નીલિમાને પરદેશના મોટા શહેરની વાતો સાંભળવા મળી. આંતરરાષ્ટ્રીય વિમાનમથકથી નીકળ્યા પછી જોહાનિસબર્ગનાં ઊંચાં મકાનો જોયેલાં, એ દિવસને તો લગભગ એક વર્ષ થવા આવ્યું. દક્ષિણ આફ્રિકામાં રહેનારાં જોહાનિસબર્ગ ટૂંકાવીને ‘જો-બર્ગ’ કહે, તે નીલિમા હંસીબહેન પાસેથી શીખી. એમણે જો-બર્ગનાં મોટાં મોટાં શોપિંગ સેન્ટરની વાત કરી. કહે, ‘અમેરિકાને પણ ટક્કર મારે પછી પર્સમાંથી પર્ફ્યુમની નાની શીશી કાઢી એમણે નીલિમાને આપી. ‘બીજું કશું તો મારી પાસે અત્યારે નથી, પણ આ તું રાખ. માંડ બે વાર જ વાપર્યું છે.’ મિનિ બસનું સ્ટૅન્ડ થોહોયાન્ડૂની મોટી શાક માર્કેટની પાસે જ હતું. ટિકિટ લઈને મિનિ બસમાં બેસતાં પહેલાં હંસીબહેન નીલિમાને ભેટ્યાં અને ફરીથી જો-બર્ગ આવવા આગ્રહ કર્યો. ‘પિયર ગણીને જ આવજે’ કહી એ ફિક્કુ હસ્યાં. ઝળઝળિયાં બંનેની આંખોમાં આવી ગયાં. સાસુએ અમુક કામ સોંપેલું તે પ્રમાણે શાક ને ફળ લઈ લીધાં. સસરાની એક દુકાન ત્યાં પણ હતી. ત્યાંથી યાદી પ્રમાણેની ચીજો મોટરમાં મુકાવી દીધી. ડ્રાઇવરને થોડી વાર ઊભા રહેવાનું કહીને એણે કેમિસ્ટની દુકાનમાં આંટો માર્યો – ફક્ત વસ્તુઓ જોવા. નાના શહેરની નાની દુકાન. ત્યાં મળવાનું તો શું? પણ આવી તક પણ નીલિમાને ફરી ફરીને ક્યાં મળવાની હતી?

બળેવ આવી ને ગઈ. ભઈલુ ક્યાંથી આવવાનો હતો? સાસરે પહોંચ્યા પછી નીલિમા મનમાં કહેતી થઈ ગઈ હતી કે ‘એ ના આવે એ જ સારું છે.’ દિવાળી ઉપર મમ્મી-પપ્પાનો ફોન આવ્યો હતો. ચેતનકુમાર સાથે પપ્પાએ ખાસ વાત કરી હતી. લગ્નને એક વર્ષ પૂરું થઈ ગયું. શુકનનો કંસાર નીલિમાને જ બનાવવો પડ્યો હતો. સાસુએ પગે લાગ્યાની એક પ્રિન્ટેડ સાડી આપી હતી ને વાંક કાઢતાં હોય તેમ પૂછ્યું હતું, ‘હવે સારા સમાચાર ક્યારે આપવાની છું?' છેલ્લા બેએક મહિનાથી સીધી-આડકતરી રીતે આ પૃચ્છા શરૂ થઈ ગઈ હતી. નીલિમાના સ્ત્રીત્વ પરની ચીડ પણ એ એવી જ સીધી-આડકતરી રીતે કાઢતાં. નીલિમાને થતું, ‘એ માટે ચેતનની પણ જવાબદારી છે, એ વિચાર એમને નહીં આવતો હોય?’ લગ્નતિથિ નિમિત્તે ક્યાંક બહાર જવાનું ચેતને નક્કી કર્યું ને પ્રફુલ્લ- જાગૃતિને પણ સાથે જોડાવા આગ્રહ કર્યો. બે દિવસ માટે, નજીકનાં જંગલમાં જ જવાનું હતું. નીલિમાને મોટા કોઈ શહેરમાં જવાનું મન હતું. પણ, ચેતન સાંભળે શેનો? સાગોલે નામની જગ્યાએ કોટેજ થયાં હતાં, ત્યાં એક રાત માટે એણે બે રૂમનું બુકિંગ કરાવ્યું. સાંભળીને સિનિતઝિએ નીલિમાને કહેલું, ‘ત્યાં ગમે ત્યાં ચાલતાં કે અડકતાં નહીં. એ તરફનાં જંગલોમાં આદિજાતિના પૂર્વજોના પ્રેતાત્મા વસે છે અને ત્યાંનાં પ્રાણીઓમાં પણ જાદુઈ શક્તિ હોય છે.’ નીલિમા જરા ચમકી હતી. ચેતન તો હસી જ કાઢવાનો, એ વિચારે એણે ચેતનને કશું કહ્યું નહીં. ત્યાં પહોંચીને બધાં ચાલવા નીકળ્યાં હતાં. ગરમ પાણીના ઝરામાં નહાવા પડ્યાં ત્યારે સિનિત્ઝિવાળી વાયકા નીલિમા ભૂલી ગઈ હતી. પછી પથ્થરની મોટી શિલા પર તડકામાં બેસી બધાંએ નાસ્તો કર્યો હતો. પાછા કોટેજ પર જતાં પહેલાં સાંજ પડી ગઈ હતી ને જીવાત થઈ ગઈ. રાતે અચાનક નીલિમાને ખૂબ ઠંડી લાગી ગઈ હતી. સવારે તો ચક્કર આવતાં હતાં ને શરીરે તાવ હતો. તરત જ ચારે જણ ઘેર પાછાં જવા નીકળી ગયાં હતાં. કંચનબહેન તો ખુશ થઈ ગયાં કે સારા સમાચારની જ નિશાની હતી. એમણે તરત નીલિમાની નજર ઉતારી. તાવ બે દિવસ રહ્યો. એ બે દિવસ ને રાત સિનિત્ઝિ ઘેર ના ગઈ. નીલિમાની ચાકરીમાં જ રહી. ત્રીજે દિવસે તાવ ઊતર્યો. નીલિમાએ થોડી પાતળી રાબ પીધી ને થોડી સ્વસ્થ થઈ. બપોરે એ પાછલા વરંડામાં તડકામાં બેઠી, ત્યાં અચાનક સિનિત્ઝિએ વેન્ડા પ્રદેશની એક લોકકથા કહી : અનેક વર્ષો પહેલાં ગાઢ જંગલની વચ્ચે આદિજાતિનાં થોડાં કુટુંબો શાંતિથી જીવતાં હતાં. અવારનવાર પોતાના બાપદાદાની પ્રાચીન સંસ્કૃતિને સન્માન આપવા એ બધાં ઉત્સવ ઊજવતાં. ગીત ગવાતાં, ડૉમ્બા ઢોલ વાગતું ને કુંવારી કન્યકાઓ એ અતૂટ તાલમાં નૃત્ય કરતી. એમાં એક કન્યા સૌથી રૂપાળી હતી. એનું નામ માલિન્દી હતું. પવન એને હવા નાખતો, ફૂલો એને સુગંધ આપતાં, વાદળ એના પર છત્ર ધરતાં, તળાવ એનું મુકુર બનતું. સૂર્ય આખો દિવસ એની શોધ કરતો અને ચંદ્ર એની ઈર્ષામાં રાખ થતો રહેતો. એના રૂપ અને એના નૃત્યથી આકર્ષાઈને એક વાર એ જંગલમાં દેવાત્મા પ્રગટ થયા. એમણે માલિન્દીની પ્રશંસા કરી, અને એને જંગલની દેવી બનાવવાની અભિલાષા વ્યક્ત કરી. ઘણી લાલચ તેમજ ધમકી આપ્યા પછી પણ એ માની નહીં. એ પોતાનાં આત્મીયજનોને છોડીને જવા માગતી ન હતી. અપમાનિત થયેલા દેવાત્માએ ખૂબ ક્રોધે ભરાઈને નિર્દોષ માલિન્દીને શાપ આપ્યો : ‘જા, તું પથ્થરની શિલા બનીને રહેજે. ફક્ત તારી આંખો જ જીવતી રહેશે. તારાં આત્મીયજનોને તું જોઈ શકીશ, પણ એમની સાથે હસી, બોલી કે નાચી નહીં શકે.’ તરત માલિન્દીનું આખું શરીર પથ્થરનું બની ગયું. એનાં સુંદર નેત્રોમાંથી ડળક ડળક પાણી પડવા માંડ્યાં. એનાં માતા-પિતા દેવાત્માને પગે પડ્યાં ને દયા કરવા ખૂબ વિનંતી કરી. સાત સાત દિવસ ને રાત સુધી એમણે જંગલના દેવાત્માને રીઝવવા પ્રયત્ન કર્યો. અંતે દેવાત્માએ પોતાના શાપનું મારણ આપ્યું : ‘આ શાપ વિશે ના જાણતો હોય તેવો આ જંગલની બહારનો કોઈ દેવાત્મા જો માલિન્દીના શિલા-દેહને સ્પર્શશે તો એ ફરી કન્યા-સ્વરૂપ પામી શકશે.’ સમય વીતતો ગયો. માલિન્દીની આંખોમાંથી સતત વહેતાં આંસુમાંથી એક સુંદર તળાવ રચાયું. ગમે તેટલી ગરમી પડે, પણ એ તળાવ ક્યારેય ના સુકાતું. એક ઉનાળે વરસાદ વગર બીજાં ઘણાં તળાવો સુકાઈ ગયાં હતાં ત્યારે વીજળીના દેવાત્મા એન્દાદ્‌ઝી પંખીના સ્વરૂપે માલિન્દીના તળાવ પાસે આવી ચડ્યા ને ધરાઈને પાણી પીવા મોઢું નમાવ્યું. પાણી તો ખારું હતું, તેથી નવાઈ પામીને પાણી ક્યાંથી પડે છે તે જોવા ઊંચું જોયું. બે સુંદર આંખો દયામણી થઈને એમની સામે જોઈ રહી હતી. એ સાચી છે કે ચીતરેલી છે તે જોવા એન્દાદ્‌ઝીએ ધીરેથી એના પર હાથ ફેરવ્યો. તે જ ઘડીએ માલિન્દીનો શાપ પૂરો થયો. એ કન્યાના રૂપમાં ફેરવાઈ ગઈ ને વિદ્યુત-દેવાત્માને પ્રણામ કરી એમનો આભાર માન્યો. એની વાતથી કરુણા અનુભવી એમણે માલિન્દીને વરદાન આપ્યું, ‘જ્યારે જરૂર પડે ત્યારે મારું સ્મરણ કરજે. વિદ્યુતવેગે આવીને મારી પાંખો તને દૂર દૂર લઈ જશે.’ નીલિમા એકચિત્તે પરીકથા જેવી આ વાર્તા સાંભળી રહી હતી. સિનિત્ઝિ જરા અટકી. પછી કશા છૂપા સૂચન સાથે કહે, ‘માલિન્દીનું ને તમારું – બંને નામ કેટલાં સરખાં છે એ નોંધ્યું કે? મા-લિ-ન્દી. એનું ઊંધું કરો તો શું થાય?’ વિસ્મય અને ભયમિશ્રિત ભાવ સાથે નીલિમા એની સામે જોઈ રહી. ફ્રૉકના ખિસ્સામાંથી સિનિત્ઝિએ કશું કાઢીને નીલિમાના હાથમાં મૂક્યું. એ એક નાનકડું પીછું હતું. પછી કહે, ‘તમારા પાકીટમાં મૂકી રાખજો. પ્રસાદી છે. શક્ય છે કે જરૂર પડે ત્યારે તમને દૂર દૂર લઈ જવાની શક્તિ એનામાં હોય.’ પીંછામાં મેઘધનુષ્યના કેટલાક ચળકતા રંગ હતા. નીલિમાને મોરપીંછ યાદ આવ્યું. પણ મોરપીંછ તો કૃષ્ણની કલગીનું પીંછું હતું કે આ તો ‘કાળા જાદુ’ના જાણકાર કોઈ આદિવાસીએ મંત્રેલું હતું. સિનિત્નિને દુઃખ ના થાય એટલે પીંછું નીલિમાએ પકડી રાખ્યું. ‘એ નહીં હોય ત્યારે ફેંકી દઈશ,’ એમ એણે વિચાર્યું. પણ એના મનના ભાવ સિનિત્ઝિ સમજી ગઈ હોય તેમ એણે પીંછું લેવા હાથ લંબાવ્યો. કહ્યું, ‘લાવો, હું જ તમારા પાકીટમાં મૂકી આવું.’ એ જ વખતે કંચનબહેન નીલિમાની ખબર કાઢવા ત્યાં આવ્યાં. ઝડપથી પીંછું છુપાવી દઈ સિનિત્ઝિ ઘરની અંદર તરફ જતી રહી. આ પછી કંચનબહેનની કનડગત નીલિમા પ્રત્યે ઘણી વધી ગઈ. ‘સારા સમાચાર’ મળવાની કશી નિશાની ન હતી. એ હવે વારંવાર છણકા કરવા માંડ્યાં, નીલિમાની ખોડ કાઢવા માંડ્યાં. એની સાથે ચેતનને પરણાવીને પોતે ભૂલ કરી, એવું એ બોલ્યાં તે નીલિમાએ ગમે તે રીતે સાંખી લીધું, પણ એ જ્યારે એનાં મા-બાપનો વાંક કાઢવા માંડ્યાં ત્યારે નીલિમા ત્યાં ઊભી રહી ના શકી. રસોઈ પડતી મૂકીને એ પોતાના રૂમ તરફ દોડી. ચેતનની કોઈ ખામી એની માને નજરે ચડતી ન હતી. ને નીલિમાં કોઈને કશું કહી શકે તેમ ન હતી. ટૂંકા લગ્નજીવન દરમ્યાન કેટલીયે વાર એણે સગાઈ પહેલાં કાકીએ કહેલા શબ્દો યાદ કર્યા હતા. પણ એ વિશે હવે એ કાકી કે મમ્મી-પપ્પા સાથે વાત કઈ રીતે કરી શકે? હવે ક્યાં કશો ઉપાય હતો? છાનાં છાનાં પસ્તાયા વગર? છતાં જાગૃતિની થોડી હૂંફ એને રહેતી. અને કોઈ અગમ્ય રીતે સિનિત્ઝિ એની સંભાળ રાખતી હોય એવું નીલિમાને લાગતું. એક સાંજે અચાનક એણે વીજળીના દેવાત્મા જેનું સ્વરૂપ લઈને ઊડે છે તે એન્દાદ્‌ઝી પંખીની યાદ નીલિમાને દેવડાવી હતી. ‘એન્દાદ્‌ઝી પોતાની આંખમાં ચમકતી વીજળીથી જેને ધારે તેને બાળી મૂકી શકે છે ને ત્યાં આગનું કોઈ ચિહ્ન પણ એ રાખતું નથી.’ શા માટે સિનિત્ઝિ આ વાત એને કરી રહી હતી, તે નીલિમા સમજી નહીં, પણ એણે આશ્ચર્યના ભાવ સાથે માથું હલાવ્યું. સામે સિનિત્ઝિ મીઠું હસી – જાણે એન્દાદ્‌ઝીની દૈવી શક્તિનો ભેદ એ જાણતી ના હોય!

નીલિમાનાં લગ્નને દોઢ વર્ષ થઈ ગયું. છેલ્લા મહિનાએકથી કંચનબહેન એની પાછળ પડ્યાં હતાં – ડૉક્ટરને બતાવી આવવા માટે. એક વાર વિવેક છોડ્યા વગર હિંમત કરીને નીલિમાએ સૂચન કર્યું હતું કે પહેલાં ચેતન તપાસ કરાવવા માટે ડૉક્ટર પાસે જઈ આવે તો સારું. એ શબ્દોએ કંચનબહેનને તત્કાળ એવાં ગુસ્સે કર્યાં કે ભાન ભૂલીને નીલિમાની પીઠ પર એ જોરથી ધબ્બો મારી બેઠાં. રોટલી ફુલાવવા માટે નીલિમાએ ગરમ તવીને સાણસીથી પકડેલી. કંચનબહેનનો હાથ વાગતાં આંચકાથી એની પકડ છૂટી ગઈ. સાણસી નીચે પડી. તવી એના પગ પર પડી. ગરમ ગરમ લોખંડ ચંપાઈને પગ પર ફોલ્લા પડી ગયા. કામ કરનારી બેત્રણ બાઈઓ લોઢી પડવાના અવાજથી અંદર ધસી આવી. જાગૃતિ કામ પડતું મૂકીને પાસે દોડી આવી. પહેલવહેલી વાર બીજું કોઈ જુએ તેમાં નીલિમાની આંખોમાંથી આંસુ સરવા લાગ્યાં. જોકે એ જોવા કંચનબહેન હાજર ન હતાં. જાગૃતિએ નીલિમાને પકડી, બીજી બાઈઓને જવા ઇશારો કર્યો. પછી નીલિમાને ખુરશી પર બેસાડી એનો પગ પોતાના ખોળામાં લઈ એના પર ઘી ચોપડવા લાગી. એ રાતે એ કણસતી રહી, પડખાં ઘસતી રહી. ‘મારી ઊંઘ બગડે છે’ કહી અડધી રાતે ઊઠી ચેતન મહેમાનો માટેના ઓરડામાં જતો રહ્યો. સદ્ભાગ્યે ઉપરછલ્લું જ દઝાયું હતું, ને બે દિવસમાં નીલિમા પગ નીચે મૂકી શકવા માંડી. એ દરમિયાન કંચનબહેને ડૉક્ટરની મુલાકાત ગોઠવી દીધી હતી. આગલી રાતે એમણે જાગૃતિને કહી દીધું હતું કે સવારે ડ્રાઇવર એને ને નીલિમાને થોહોયાન્ડૂ લઈ જશે. ‘પહેલાં શાક માર્કેટમાંથી અને આપણી દુકાનમાંથી યાદી પ્રમાણેની વસ્તુઓ લઈ લેજો. પછી અગિયાર વાગ્યે ડૉક્ટરકાકાની ઑફિસે પહોંચવાનું છે.’ એમનો આદેશ હતો. નીલિમા પાસે પ્રતિકાર માટે શક્તિ રહી ન હતી, પણ અપમાનની તીવ્ર લાગણી એના મનને ચીરી રહી હતી. સિનિત્ઝિ એનો હાથ પકડી એને મોટર સુધી લઈ ગઈ. બારણું ખોલી એને અંદર બેસાડી પછી દાઝેલા પગ પર ધીરેથી હાથ ફેરવ્યો. નીલિમાની સામે એણે જોયું ત્યારે એની નજરમાં એક ચમક હતી. ગંભીર સ્વરે એણે કહ્યું, ‘માણસ જો ખરેખર ધારે તો એ ઊડી શકે છે. કૃપા કરવા માટે એન્દાદ્‌ઝી. તૈયાર જ હોય છે.’ મોટો કડાકો થયો હોય ને સાથે જ વીજળી ચમકી હોય તેમ આ પહેલી વાર નીલિમા સિનિત્ઝિના શબ્દો સમજી, એના ફિક્કા મોઢા પર જરા સુરખી આવી. એના હોઠ આછા સ્મિતમાં વંકાયા. જાગૃતિ આવે તે પહેલાં એણે બંને હાથ લાંબા કરી સિનિત્ઝિના ખભે વીંટાળ્યા અને એના ગાલ સાથે પોતાનો ગાલ અડાડ્યો. મોટર ચાલુ થઈ ત્યારે નીલિમાએ જરાક હાથ હલાવ્યો. સિનિત્ઝિ હાલ્યા-ચાલ્યા વિના એની સામે જોતી રહી. આંખો મીંચીને નીલિમાએ સીટ પર માથું ટેકવ્યું. મોટર પહાડોની વચ્ચે થઈને જતી હતી. જાગૃતિએ આછો નિઃશ્વાસ નાખીને કહ્યું, ‘કોણ જાણે કેટલા વખતે હું થોહોયાન્ડૂ જતી હોઈશ. ત્રણ મહિના થયા હશે.’ ચમકીને નીલિમાની આંખો ખૂલી ગઈ. એને યાદ આવ્યું. પોતે ક્યારે છેલ્લે ત્યાં ગઈ હતી. એને તો છએક મહિના થઈ ગયા. હંસીબહેન લાખાને જોહાનિસબર્ગ જતી બસમાં મૂકવા એ સાથે ગઈ હતી. એ દિવસે અગિયારસ હતી ને કંચનબહેનને મૌન હતું. તેથી જ સાથે જવાનો નીલિમાનો વારો આવ્યો હતો. હંસીબહેન યાદ આવતાં જ ફરીથી જાણે એક વીજળી ચમકી ગઈ. નીલિમાને થયું કે કશા મૂક પ્રશ્નનો જવાબ મળી ગયો હતો. એને લાગ્યું કે એ બહુ હળવી થઈ ગઈ હતી. ઊડી જઈ શકે તેવી હલકી. એ વિચારે એ હસી પડી. ઘણા દિવસે એવું હસી હશે. જાગૃતિએ પૂછ્યું, ‘શાથી હસવું આવ્યું?’ ‘ઓહ, બહુ વખતે શહેરમાં જઈ રહી છું ને એટલે,’ એ બોલી. પર્સ ખોલી અંદરના પાકીટમાંથી પેલું નાનું પીંછું કાઢી હાથમાં લીધું. એને ગાલ પર લગાડ્યું ને હાથથી જરા વાર પંપાળ્યું. પછી વળી પાછું એને અંદર મૂકી દઈ નીલિમાએ કહ્યું, ‘ડ્રાઇવરને શાક લેવા મોકલી દઈશું. તું દુકાનમાં જઈને ચીજો લેતી થજે. મારે જરા કૅમિસ્ટમાં જવું છે. પછી તને મળું છું.’ છ મહિના પછી પણ એને બધું યાદ હતું. ખાસ તો બસ-સ્ટેશન ક્યાં હતું તે. મોટરમાંથી ઊતરીને એ સ્વાભાવિક ભાવે જાગૃતિની સાથે દુકાનો તરફ ચાલી. ડ્રાઇવર મોટર બંધ કરીને શાક-માર્કેટ તરફ ગયો. કૅમિસ્ટ આવતાં નીલિમા અંદર ગઈ. જાગૃતિ ઘરની દુકાન તરફ આગળ ગઈ. કશું જોવા નીલિમા રોકાઈ નહીં. સીધાં કાઉન્ટર પર જઈ એક કોરો કાગળ માગ્યો. પર્સમાંથી બોલપેન કાઢી એના પર જલદી જલદી ત્રણ-ચાર વાક્ય લખ્યાં, ને પછી ઝડપથી જ્યાં મોટર ઊભી રાખી હતી ત્યાં ગઈ. કાગળને બેવડો વાળી વાયપરની નીચે દબાવ્યો. આજુબાજુ જોયું અને બસ-સ્ટેશનની દિશામાં જવા માંડી. થોડી વાર પછી એ જો-બર્ગ જતી બસમાં હતી, ને બસ હાઈવે તરફ જઈ રહી હતી. આખી જિંદગીનો નહીં, પણ કશો ઉકેલ તો નીકળવાનો જ હતો એને ખાતરી હતી. અત્યારે તો એટલું પૂરતું હતું કે એ મુક્ત હતી ને રંગરંગીન પાંખે ચડીને દૂર દૂર જઈ રહી હતી.