કાવ્યમંગલા/પ્રારંભિક: Difference between revisions

+1
No edit summary
(+1)
Tag: Replaced
Line 135: Line 135:
<br>
<br>


{{Poem2Open}}
<span style="color:DarkSlateBlue">
<center><big><big><big>'''કા વ્ય મં ગ લા'''</big></big></big></center>
<center><big>——થોડી પૂર્વકથા——</big></center>
<center>(દસમી વેળાએ)</center>
</span>
‘કાવ્યમંગલા’ — મારો આ કાવ્યસંગ્રહ અત્યારે દસમી વાર છપાય છે. ૧૯૩૩માં પ્રથમ વાર છપાયો તે પછી ૪૭ વર્ષે.
૧૯૩૦થી મેં ટાંચણપોથી જેવી દિનચર્યાની નોંધ નાની નાની ડાયરીઓમાં રાખેલી છે, જે અવારનવાર વાંચતો રહું છું. અત્યારે ૧૯૮૦માં આ પચાસ વર્ષનો ભૂતકાળ વિવિધ રૂપે તાજો થાય છે. મારા કાવ્યસંગ્રહોની પ્રસ્તાવનાઓમાં અત્યાર સુધી કોઈ અંગત રીતના ઉલ્લેખો આવવા દીધા નથી. આજે જાણે એ અર્ધી સદીનો ભૂતકાળ એવી સભર રીતે તાદૃશ બની રહ્યો છે કે તેને થોડી ભાવાંજલિ આપવાનું મન થાય છે. અને વર્તમાનની આજની ક્ષણોમાં એ ભૂતકાળ પાસે અંજલિબદ્ધ બની ઊભા રહેતાં આનંદ થાય છે.
પ્રથમ તો હું મારે પોતાને વિષે થોડું લખી દઈશ. મારાં લખાણો આગળ, તેમ જ અન્ય રીતે મારો પરિચય અપાતાં કેટલીક નાનીમોટી વિગતોમાં ભૂલો પણ થતી રહે છે. એટલે ખરી હકીકતોની આ નોંધનો સૌ જરૂર પ્રમાણે ઉપયોગ કરે એવી વિનંતી છે.
મારો જન્મ થાય છે ૧૯૦૮માં માર્ચની ૨૨ તારીખે, સવંત ૧૯૬૪ના ફાગણ વદ ૪ અને રવિવારે. આત્મકથા લખવી હોય તો રસાત્મક રીતે તેનો આરંભ કરી શકાય એવી મારા જન્મની નોંધ મારા પિતા ડાયરી રાખતા તેમાં મારા પિતામહે જે પ્રમાણે કરી છે તે સૌને વાંચવી ગમશે એમ ધારી અત્રે ટપકાવું છું :
{{Poem2Close}}
{{block center|<poem>“ભઈ પરસોતમની વઊને સવારમાં સુરજ ઊદે થાય
અથવા ના થાય તે વખતે પુત્રનો પ્રસવ થયો છે”</poem>}}
{{Poem2Open}}
આમ આપણે મંગળાચરણ કર્યું.
મારું જન્મસ્થાન આમ લખાતું રહ્યું છે : મોજે માતર, તાલુકે આમોદ, જિલ્લે ભરૂચ. ખેડા જિલ્લામાં આવેલા તાલુકા ગામ માતરથી છૂટું પાડવા તેને મિયાં-માતર પણ કહેતા રહ્યા છે. ગામની આગળ આમ ‘મોજે’ (ગામના અર્થમાં) શબ્દ સરકારી વ્યવહારમાં બધે વપરાતો રહેલો છે.
પાંચમાં વર્ષે મને નિશાળે બેસાડ્યો. ગામની ગુજરાતી શાળામાં સાત ધોરણ પૂરાં કર્યાં. પછી થોડુંક જંબુસર અને પછી આમોદમાં રાષ્ટ્રીય શાળામાં ૪ વર્ષમાં અંગ્રેજી પાંચ ધોરણ કર્યાં, ગુજરાતી સાત ધોરણમાં અમુક વિષયો હું પૂરતા ભણી ચૂકેલો એટલે. પાંચમા વર્ષમાં ભરૂચની શ્રી છોટુભાઈ પુરાણીની, રાષ્ટ્રીય ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં, અમારા હેડ માસ્તરની ભલામણથી મને સીધો સાતમામાં લીધો. ત્યાંથી ગૂજરાત વિદ્યાપીઠની વિનીત પરીક્ષા મેં પાસ કરી, મને આખી વિદ્યાપીઠમાં વધુમાં વધુ માર્ક મળ્યા. અને અમદાવાદમાં આવી ગૂજરાત વિદ્યાપીઠમાં ૪ વર્ષ અભ્યાસ કરી ૧૯૨૯માં, ૨૧મા વર્ષે, હું ‘ભાષાવિશારદ’ ની ઉપાધિ સાથે સ્નાતક થયો. મારા  વિષયો સંસ્કૃત અને અંગ્રેજી હતા. મને બીજો વર્ગ મળેલો. આમ મારો અભ્યાસ ૭, ૫ અને ૪ વર્ષના ત્રણ તબક્કાઓમાં થયો.
મારો અભ્યાસ પૂરો થયો અને તરત જ અમારા આચાર્ય શ્રી કાકાસાહેબે મને, કાઠિયાવાડમાં સોનગઢમાં શરૂ થયેલા આર્યસમાજી ગુરુકુલને જોઈતા અધ્યાપક તરીકે ભેટ આપી દીધો. ૧૯૩૦માં માર્ચમાં ગાંધીજીએ દાંડીયાત્રા શરૂ કરી, સ્વાતંત્ર્ય સંગ્રામ આરંભાયો અને હું ગુરુકુલમાંથી નિવૃત થઈ અમારા જિલ્લાના જંબુસર તાલુકામાં ગોઠવાયેલા સંગ્રામના મોરચા પર પહોંચી ગયો. મારી ડાયરીની નોંધ સવંત ૧૯૮૭ના કાર્તિક સુદ ૧, બુધ, ૨૨ ઑક્ટોબર ૧૯૩૦થી શરૂ થાય છે, અને એ ડાયરી મેં સંસ્કૃતમાં, મારા પોતાના સંસ્કૃતમાં લખવા માંડેલી, થોડા વર્ષો સુધી એ થતું રહ્યું, જે અમારા મિત્રમંડળમાં ઠીક ઠીક વિનોદનું નિમિત્ત બનતી.
૧૯૩૦ થી ૧૯૩૪, એ વર્ષો ગાંધીજીએ સ્વાતંત્ર્ય સંગ્રામને સંકેલી લીધો ત્યાં સુધી વિવિધ રીતનાં પરિભ્રમણોમાં ગયાં. જંબુસર તાલુકાનો નાકરનો સત્યાગ્રહ ૧૯૩૧ના ઉનાળામાં સંકેલાઈ ગયો, અને ગાંધી-ઇરવિન કરાર થયા પછી, મુંબઈની ફેલોશિપ સ્કૂલમાંથી આમંત્રણ આવતાં હું ત્યાં શિક્ષક તરીકે ગયો, ૧૯૩૧ના જુલાઈથી ૧૯૩૨ના માર્ચ સુધી ત્યાં રહ્યો. રાઉન્ડ ટેબલ કૉન્ફરન્સમાંથી ગાંધીજી પાછા ફર્યા, સરકારે પાછો પોતાનો પંજો ઉપાડ્યો, ગાંધીજીને જેલમાં બેસાડ્યા, સંગ્રામ આગળ વધ્યો અને હું પાછો મુંબઈ મૂકીને જંબુસરનાં ગામડાઓમાં ગયો. ત્યાંથી મારી ધરપકડ થઈ, ૧૯૩૨ એપ્રિલથી ઑક્ટોબર સુધીનો સાડા છ માસનો મારો પ્રથમ કારાવાસ, સાબરમતી અને દૂરના વિસાપુરની જેલોમાં પસાર થયો. વિસાપુર જેલમાં હું અને ઉમાશંકર સાથે થયા, બેશક અમારી બૅરેકો જુદી હતી.
૧૯૩૨ના ડિસેમ્બરમાં મારા દાદાનું અવસાન થયું, તે પછીના ૧૯૩૩ ફેબ્રુઆરીમાં અમારી બાનું ઑપરેશન કરાવવામાં આવ્યું નડિયાદની મિશન હૉસ્પિટલમાં, ‘બાનો ફોટોગ્રાફ’ની કૃતિના નિમિત્ત રૂપે આ પ્રસંગ રહેલો. આ પછી હું અમારા જંબુસર તાલુકાનાં ગામડાંમાં જનસંપર્કની રીતે હરતો ફરતો રહ્યો તેમ જ વડોદરા-અમદાવાદમાં પણ વચ્ચે વચ્ચે પૂરતું ફરવાનું થતું રહેલું. અને આ સમયમાં મારા બે કાવ્યસંગ્રહો ‘કોયા ભગતની કડવી વાણી’ અને ‘કાવ્યમંગલા’ એકી સાથે તૈયાર થયા, ઑગસ્ટમાં. એને વિષેની કેટલીક બાબતો હવે ખાસ લખવાની વૃતિ રહે છે.
<br>
<br>
<center><big>'''મારું લેખન'''</big></center>
<br>
મારી લેખન પ્રવૃત્તિ વિષે મેં પૂરતું લખ્યું છે. કવિતા માટેના કોઈ સુભગ ઉપનામની શોધમાં મને ‘સુન્દરમ્’ શબ્દ ગાંધીજીએ પોતાની આત્મકથામાં વર્ણવેલા એક ‘બાલાસુન્દરમ્’ના નામમાંથી મળી આવ્યો. આમાં ‘બાલા’ શબ્દ, જે મૂળે તો ‘બાલ’ છે પણ દક્ષિણની રીતે એનો ‘અ’ ‘આ’ જેવો લંબાવીને બોલાય છે, તીરુપતિની મારી જાત્રામાં એ જોવા-સાંભળવા ખાસ મળેલું—એ આરંભભાગ પડતો મૂકીને મેં ‘સુન્દરમ્’  શબ્દ લઈ લીધો. જોકે દક્ષિણમાં ‘સુન્દરમ્’ શબ્દ પણ સ્વતંત્ર નામ તરીકે વપરાય છે. પણ આ ઉપનામ મેં અમારા વિદ્યાપીઠના હસ્તલિખિત તોફાની સાપ્તાહિક ‘પંચતંત્ર’માં તોફાનપ્રધાન કાવ્યો માટે રાખેલું. અમારા દ્વૈમાસિક ‘સાબરમતી’માં મૂકેલાં ગંભીર કાવ્યો માટે ‘મરીચિ’ ‘વિશ્વકર્મા’ એવાં નામ વાપરેલાં. આ તોફાની ‘પંચતંત્ર’માં કોઈએ ‘સુન્દરમ્’ની આગળ, એ પાટિયા ઉપર ચોડવામાં આવતું ત્યાં ‘અ’ અક્ષર ઉમેરી દીધો. અને મેં ‘અ–સુન્દરમ્’ એ રીતે લખવાનું ચાલુ રાખ્યું, અને પૅરડી–પ્રતિકાવ્યોની હવાથી ભરેલા એ ગાળામાં કોઈએ ‘છછુંદરમ્’ નામ પણ ધારણ કરી લખવા માંડેલું. પણ ‘પંચતંત્ર’ની લીલા થોડો વખત રહી. મારાં બીજાં કાવ્યો સાથે અને પછી બધા લેખન સાથે, અને અહીં આશ્રમમાં તેમ જ બીજે પણ મોટે ભાગે એ નામ હવે મારી સાથે જોડાયું છે. મને જન્મથી મળેલું નામ આખું આ પ્રમાણે થાય છે : ત્રિભુવનદાસ પુરુષોતમદાસ લુહાર. અને જૂના મિત્રો હજી ‘ત્રિભુવનભાઈ’ના મધુર ઉદ્‌ગાર સાથે મને બોલાવે જ છે.
૧૯૨૬, ગૂજરાત વિદ્યાપીઠના મહાવિદ્યાલયમાં મારું પહેલું વર્ષ. અમારા અભ્યાસક્રમનું પહેલું વર્ષ ‘પ્રથમા’ કહેવાતું, અને પછીના ત્રણ વર્ષ સળંગ સ્નાતકનાં. ૨૭-૨૮-૨૯નાં ત્રણ વર્ષમાં મેં ઠીક ઠીક લખ્યું. હસ્તલિખિત ‘પંચતંત્ર’ અને મુદ્રિત ‘સાબરમતી’માં કવિતા–પદ્યની સાથે સાથે ગદ્યની અંદર પણ પૂરતી ગતિ થતી રહેલી. અને ‘સાબરમતી’માં ઉત્તમ લેખને માટેનો ‘તારાગૌરી રૌપ્યચંદ્રક’ મને મળેલો. પણ મારી કવિતાને મારા અધ્યાપકોના વત્સલ આશીર્વાદ મળતા રહેલા. આ બે પત્રોમાં હું લખતો થયો તે પહેલાં, વિદ્યાપીઠમાં ગયો ને તરત જ મેં એકલે હાથે ‘જટાધર’ નામનું ચાલુ નોટબુકના કદમાં માસિક શરુ કરી દીધેલું ! તેનો પહેલો અને છેલ્લો અંક અમારા તે વખતે ગૃહપતિ તરીકે પણ કામ કરતા ગુજરાતીના અધ્યાપક શ્રી રામનારાયણ વિ. પાઠક –પાઠક સાહેબ પાસે હું લઈ ગયો અને તે જોઈને, મેં લખેલા ગરબડિયા પૃથ્વી છંદ વિષે તેમણે કહેલું કે ‘છંદ રીતસર શીખવા જોઈએ.’ અને મેં છંદોનો તીવ્ર અભ્યાસ કરી તે શીખી લીધા. આ થયેલી મારી અપૂર્વ ‘છંદો –દીક્ષા.’ મારા બીજા અધ્યાપક સંસ્કૃતના શ્રી રસિકલાલ છો. પરીખે ‘સાબરમતી’માં મારું ‘અભય દાને’ આવ્યું ત્યારે મને ખાસ બોલાવીને ઉષ્માપૂર્વક કહેલું, ‘ઘણું સારું લખ્યું છે,’ ભાવિની અનેક શુભેચ્છાઓના ભાથા જેવું. શ્રી કાકાસાહેબ, જે અમારા આચાર્ય હતા, તે પણ ‘સાબરમતી’માં આવતાં કાવ્યો વિષે કહેતા. તે વખતે બારડોલી સત્યાગ્રહ ચાલતો હતો ત્યારે મેં તેને વિષે કાવ્ય લખેલું. એમાં અંત ભાગે ‘લડયે જા, ઝૂઝ્યે જા’ એમ આવતું. કાકાસાહેબ કહે, ‘તું લડ્યા કર, અમે આ બેઠા બેઠા તે જોઈશું’, -એમ ન કહેવાય.-અને મેં બદલેલું, ‘લડીશું, ઝૂઝીશું.’ આમ અમારા અધ્યાપકોએ તેમ જ ઘણા સન્મિત્રો અને સુહ્રદોએ ‘સુન્દરમ્’નું પાલનપોષણ કરી તેને ઉછેરવા માંડ્યો.
૧૯૩૦થી હું ‘જગતને ખોળે’—ન્હાનાલાલની શૈલી, જેની પૅરડી તરીકે મેં ‘એક રસનાટિકા’ પણ લખેલી,-એ શૈલીમાં કહેતાં, નીકળી પડ્યો. ‘જગતને ખોળે’ એટલે કે સૌરાષ્ટ્રની ટેકરીઓમાં, જંબુસર તાલુકાનાં ગામડાં –કાવા, કારેલી, કહાનવા, પીલુદરા –અત્યારના ગુજરાતના મુખ્યપ્રધાન શ્રી માધવસિંહનું વતન અને તે વખતે એ ત્યાં નાના યુવાન સ્વયંસેવક તરીકે મળેલા – ત્યાંનાં ખેતરો, વનવગડા, મુંબઈની મહાનગરી, તેના વિશાળ રસ્તા, પરાં, દરિયો, સાબરમતી-વિસપુરની જેલો, અમદાવાદ, વડોદરા શહેરની શેરીઓ, બગીચા આમ રસ્તાઓ વગેરે વગેરે. ૧૯૩૪ સુધી તો મારે મુક્ત જેવી પ્રવૃત્તિ હતી, સ્વરાજ સંગ્રામની હવા હતી, એટલે અવકાશ ઘણો રહેતો અને મોકળા મને લખાતું રહેતું. એટલે ૧૯૩૦ના ઉત્તરાર્ધથી માંડી ૧૯૩૨ના અંત સુધીમાં ઠીક ઠીક લખાતું રહ્યું. ‘બુદ્ધના ચક્ષુ’ મારા કાવાના મોરચા પરથી ૧૯૩૦ ના સપ્ટેમ્બરમાં મેં લખી મોકલેલું, અને શ્રી રવિશંકર રાવળે દોરેલા બુદ્ધના ચિત્ર સાથે, એ ચિત્રની રેખાઓ ઉપર, તે ‘કુમાર’ માસિકમાં છપાયું. ખરી મોકળાશ તો વિસાપુર જેલમાં મળી. સાંજનું ભોજન ૪ની આસપાસ પૂરું થઈ જતું, અને અંધારું થાય ત્યાં સુધી અમે બૅરેકની પાસેના ચોગાનમાં ખુલ્લા આકાશ તળે ફરતા. સાંજના વિવિધરંગી આકાશનો આવો વિરાટ સંપર્ક પહેલી વાર બન્યો અને ત્યાંથી ‘રંગરંગ વાદળિયાં’ અને બીજાં ઘણા આકાશી, અને ધરતી પરનાં કાવ્ય મળી આવ્યાં. ત્યાં અમારે જેલ બહારના તળાવમાં સ્નાન માટે જવાનું થતું અને ઉમાશંકર ‘ચુસાયેલા ગોટલા’નું કાવ્ય લઈ આવ્યા. લખવા માગતા હોય તેમને જેલ લેખનસામગ્રીની પરવાનગી આપતી અને એ રીતે મેં ઠીક ઠીક નોટો ભરીને લખ્યું. ઉમાશંકર પણ લખતા હતા, ખાસ તો એકાંકી નાટકો. અને તેનું બૅરેકોમાં સમૂહવાંચન પણ થતું. અમારાં કાવ્યો પણ વંચાતાં ગવાતાં.
૧૯૩૨ના ઑક્ટોબરમાં હું વિસાપુરની જેલમાંથી બહાર આવ્યો. સ્વાતંત્ર્ય સંગ્રામ તો હજી ચાલુ જ હતો, અને સાથે સાથે હું સાહિત્ય સૃષ્ટિમાં પણ હરતો ફરતો રહ્યો. હવે સાહિત્યના જગતમાં કેટલાક નોંધપાત્ર બનાવો બન્યા. અમારા મિત્રમંડળમાં પણ વધારો થયો. એમાંના મુખ્ય તે શ્રી રામપ્રસાદ શુક્લ, જે નામ બાવા જેવું લાગતાં તેમને માટે પિતા તરફથી ‘રતિલાલ’ નામ ગોઠવાયેલું. અમારી અને ઉમાશંકરની મૈત્રીમાં તે અમારા જેવી જ સઘનતાથી આવી મળ્યા અને ઉમાશંકરે અમારા ત્રણનું કાવ્ય ‘ત્રિ-ઉર’ લખ્યું તેમાંનો ‘ર’ તે ‘રતિલાલ’નો છે. પછીની અમુક વખતે તેમણે ‘રામપ્રસાદ’ તરીકે પોતાની સ્થાપના કરી. અમારા સૌમાં એ સૌથી વધુ મુખર હતા તેમ જ કાવ્ય વિષે ઘણી સમજ ધરાવતા હતા. તે લખતા પણ સારું હતા. પણ એક નાનો કાવ્યસંગ્રહ આપી તે કાવ્યસૃષ્ટિમાંથી તેમ જ અમારા મિત્ર વર્તુળમાંથી પણ સહજ રીતે દૂર ચાલી ગયા છે. મારાં કાવ્યો છપાતાં જાય તેમ તેમ તેના વિષે તેમના જાણવા જેવા ઉદ્‌ગારો મળે. તેમના એકાદ બે વાક્યમાં પણ એક નવી દિશા ઊઘડી જાય. હું આમ તો સંસ્કૃત કાવ્યશાસ્ત્ર પૂરું ભણીને આવેલો તોપણ મિત્રોની વાતચીતમાંથી કાંઈ કીમતી દૃષ્ટિ મળી આવતી.
સાહિત્ય જગતમાં જે નોંધપાત્ર વિકાસ થયો તેની પાછળ લાક્ષણિક વ્યક્તિ તે શ્રી મૂળશંકર સોમનાથ ભટ્ટ છે. વડોદરામાં તે સામાન્ય પ્રવૃત્તિ કરતા હતા. આમ તો તે કવિ ‘કાન્ત’ના કુટુંબીજન, જમાઈ કે એવી કોઈ સગાઈની રીતે હતા. પણ એમનામાંની ઘણી વિશિષ્ટ અભિરુચિએ એમને સાહિત્યક્ષેત્રમાં મોકલી આપ્યા. શ્રી વિજયરાય વૈદ્ય ‘કૌમુદી’ ત્રૈમાસિક આર્થિક બાજુએ માંડ માંડ રીતે ચલાવતા હતા. મૂળશંકરે તેમને સારો એવો નિર્વાહખર્ચ બાંધી આપી તેમની પાસેથી એ પત્ર લીધું, અને તેમના તંત્રી-પદે તેને માસિકનું રૂપ આપ્યું. ‘કુમાર’ અને ‘પ્રસ્થાન’ પછી એ આપણું વજનદાર પત્ર બની રહ્યું. મને પણ એમણે તેનો વિવિધ રીતનો લેખક - કાવ્ય, વિવેચન, વિવિધ લેખોમાં બનાવ્યો. એ વડોદરામાં રાવપુરાની નજીકના ખર્ચીકર ખાંચામાં સહેજ ઊંડે આવેલા  ‘નંદભુવન’-એક ઉપર માળવાળી નાનકડી ચાલી જેવા મકાનમાં માળ ઉપર રહે. ખર્ચીકર ખાંચામાં દાખલ થતાં તરત જ આવતાં સરકારી મકાનોમાં શ્રી બળવંતરાય ઠાકોર રહેતા, એમનું નિવૃત જીવન ગાળતા. એમને ત્યાં બપોરની ચા વખતે નાનકડું મિત્ર-મંડળ રોજ મળે, જેમાં મૂળશંકર હોય, વડોદરામાં હું હોઉં ત્યારે હું પણ હોઉં.
અમારા સત્યાગ્રહના કાર્યકર્તાઓ માટે થોડે દૂર નાગરવાડામાં એક બીજું મકાન હતું. મારો, મંગળાને પણ મારી સાથે ત્યાં રહેવા લઈ આવેલો, ત્યાં મુકામ રહે, ઉમંશંકર પણ વિસાપુરમાંથી મુકત થઈ, મારા પછી થોડાક વખતમાં, વડોદરામાં આવતા જતા થયા, અને નંદભુવન તથા નાગરવાડામાં અમારી સાથે રહેતા થઈ ગયા. એ એક ઘણો વિવિધ રસોથી ભરેલો જીવનકાળ હતો. વડોદરામાં બહારથી શ્રી કાકાસાહેબ, પાઠક સાહેબ પણ વ્યાખ્યાનો ઇ. માટે આવે, બીજા પણ આવે. એમાંયે ૧૯૩૩માં નર્મદ શતાબ્દી ઉજવાઈ, ઑગસ્ટ-ની ૨૪મીએ, એ અમારે માટે એક મોટો પ્રસંગ હતો. નર્મદ શતાબ્દી માટે એક દળદાર સ્મારક ગ્રંથ બનાવાયેલો તેનું બધું કામ મૂળશંકરે ઉપાડેલું અને એના મુદ્રણમાં મેં ઠીક ઠીક મદદ કરેલી. નંદભુવનમાં પહેલે માળે મૂળશંકરે નાની મોટી ઓરડીઓમાંની ત્રણ ચાર પોતાને માટે લીધેલી. આ દિવસોની એકાદ વિગત તો અહીં નોંધી લેવાનું મન થાય છે. ઉમાશંકરને આંખોની પીડા ખૂબ નાની વયથી હતી. એ નંદભુવનમાં આવે, આંખોમાં લાલ લાલ દવા નખાવેલી હોય, તેની સારવારમાં તે એ નાનકડી ઓરડીમાં આવીને આરામ કરતા હોય, એ એક સ્મરણીય ચિત્ર છે. અને એમનું બીજું ચિત્ર તે નાગરવાડામાંનું છે. પોતે સારી રસોઈ કરી શકે છે, ખાસ તો માલપૂડા, એમ એ કહેતા, એટલે પછી એ બનાવવાનું એક દિવસે ગોઠવ્યું. ઉમાશંકરે માલપૂડા બનાવ્યા પણ ખરા, પણ એ રસોઈની ક્રિયાની ગરમી તેમની નાજુક આંખોને માટે ઘણી પ્રતિકૂળ હતી. એમને એ કષ્ટ-ત્રાસ અનુભવતા જોઈ માલપૂડામાંથી મારો રસ ઊડી ગયો. અમે ટૂંકમાં પતાવ્યું હશે. નાગરવાડાના એ મકાનમાં અમે સારું એવું સાથે રહ્યા. એ ત્યાં પણ નવું નવું લખતા હતા, અને એમના ‘ગંગોત્રી’ સંગ્રહનો વિચાર અને તૈયારી પણ અમે સાથે મળીને કરેલાં, પશ્ચિમ દિશામાં પડતી મેડી પરની બારીઓ પાસે બેઠાં બેઠાં.
મૂળશંકરનો અમદાવાદમાં ‘કુમાર’ સાથે, શ્રી બચુભાઈ રાવત, શ્રી રવિશંકર રાવળ સાથે પણ સારો એવો સંબંધ. આવી વિવિધ પરિસ્થિતિમાં મૂળશંકર તરફથી પ્રસ્તાવ આવ્યો કે તમારો કાવ્યસંગ્રહ કરીએ. ઉપર ‘કૌમુદી’ અંગે એ વાત પણ નોંધવાની હતી કે મૂળશંકર એ પત્રનું પ્રકાશન માથે લઈને પછી પ્રકાશક તરીકેના સ્વરૂપમાં પ્રગટ થવા લાગ્યા. અત્યાર લગી આપણે ત્યાં બુકસેલરો જ હતા, નાના નાના તેમ જ મોટા મોટા. અને પુસ્તકો તેમની દ્વારા કે અન્ય વિવિધ રીતે છપાતાં ને વેચાતાં. મૂળશંકરે આવી બુકસેલરોથી સ્વતંત્ર એવી વ્યક્તિ પ્રકાશનની પ્રવૃત્તિ રૂપ બની શકે છે બનવી જોઈએ, તેના આગવા ઉઠાવ અને ગૌરવ સાથે એ વાત સુવિદિત કરી. એ રીતે એમણે શ્રી રમણલાલ વસંતલાલ દેસાઈની નવલકથાઓ ‘સયાજી વિજય’ની વાર્ષિક ભેટ તરીકે ચાલુ સામાન્ય રૂપે છપાતી હતી તેને સારા સુશોભિત રૂપે નવી આવૃત્તિઓમાં મૂકવા માંડી. ‘કૌમુદી’માં આવવા માંડેલી તેમની નવલકથા ‘દિવ્યચક્ષુ’ની રાષ્ટ્રભાવનાની હવા તો અમારા માટે પણ મોહક હતી. અમારા જેવા રાષ્ટ્રીય રંગમાં નહિ, સરકારી તંત્રમાં ગોઠવાયેલી એક વ્યક્તિ આવું લખે એ અમારે માટે પણ એક વિશિષ્ટ ઘટના હતી. પછી તો એમનો સૌમ્ય વ્યવહાર અમને એમના કુટુંબી જેવા બનાવી ગયો. એ ઉગ્ર પણ થઈ શકતા હતા તે જોવાના પ્રસંગો પણ મને મળેલા.
મૂળશંકર તરફથી કાવ્યસંગ્રહનો વિચાર અમદાવાદમાં બચુભાઈ રાવતની સાથે મળીને થયેલો. મારે મત આ પ્રસ્તાવ ઘણો અસાધારણ બનાવ કહેવાય. કાવ્યો લખાતાં તો રહેતાં હતાં પણ તેને પુસ્તક રૂપ આપવાનો વિચાર સ્ફુરેલો જ નહિ. હા, મારી આડીઅવળી રીતે લખાતી રહેલી રચનાઓને હું એક સારી નોટબુકમાં, ઘણા સારા અક્ષરે ઉતારી રાખતો હતો, બીજા કવિઓનાં નોંધપાત્ર કાવ્યોને ઉતારતાં ઉતારતાં, વચ્ચે વચ્ચે એ લખાતાં જતાં તેમ તેમ, પછીથી આવી જ એક બીજી નોટબુક પણ મેં બનાવેલી, જેમાં તો પછી માત્ર મારી જ રચનાઓ હતી.
કાવ્યસંગ્રહ માટેનો વિચાર આવતાં એક રીતની પરિતૃપ્તિ અનુભવાઈ. અને પછી એ કામ પૂરતી ગંભીરતાપૂર્વક શરુ થયું. આમાં ખાસ તો એ બન્યું કે એ પછી એક નહિ, પણ બે કાવ્યસંગ્રહો કરવા, હળવી શૈલીનાં, ‘ત્રણ પાડોશી’ની રીતે તથા ભગવાનની સામે કટાક્ષ રૂપે ‘કોયા ભગત’ની સહીથી લખેલાં કાવ્યોનો બીજો સંગહ, એમ વિચાર બન્યો. એ બીજો સંગ્રહ ‘પ્રસ્થાન’ના પ્રકાશક શ્રી રણછોડજી મિસ્ત્રીએ માથે લઈ લીધો. એ સંગ્રહનું નામ લાંબુ લાંબુ થયું :
<center>કોયા ભગતની</center>
<center>'''કડવી વાણી''</center>
<center>અને ગરીબોનાં ગીતો</center>
પણ મૂળશંકરને માટેના સંગ્રહનું નામ એ ગંભીર પરિસ્થિતિ બની. સંગ્રહો અંગેનો નિર્ણય લેવાયા પછી પહેલા સંગ્રહ માટેનાં કાવ્યોની પસંદગી માટે મારી ઉપર જણાવેલી સફાઈદાર અને દળદાર, ફૂલ્સકૅપની ચાલુ નોટબુકોના અર્ધા કદની, ગુટકા જેવી બે નોટબુકો મેં પાઠકસાહેબને સોંપી અને તેમણે વિગતવાર બધું જોઈ, એમાં અમુક કાવ્યો ઉપર ચોકડી મારી આપી, ક્યાંક ‘સુધારવું’ એમ લખ્યું, ‘ખાસ લેવા જેવું નથી’ એમ પણ લખ્યું. એમના આ શબ્દો મારે માટે ગૂઢ કાવ્યશિક્ષણ જેવા બની રહ્યા. અને એમની પાસેથી ગળાઈને આવેલાં કાવ્યોને મેં સંગ્રહ માટે તૈયાર કર્યાં.
અને પછી આવી નામકરણની વાત. ૧૯૩૩ના જુલાઈ ૨ જીની ડાયરીમાં નોંધ છે : ‘પાઠકસમીપમ્ નામકરણાય યત્ન:’ પણ  એ ‘યત્ન:’ અધૂરો રહ્યો. બીજા દિવસની ૩ જી તારીખની નોંધમાં છે: ‘કાવ્યસંગ્રહનામનિશ્ચય: કાવ્યમંગલા.’ હું સંસ્કૃતમાં ડાયરી લખતો હતો તે રીતની નોંધ. એ સમયે સંસ્કૃત રચનાઓનો પણ હતો. ઉમાશંકરે સારી એવી સંસ્કૃત કવિતા લખેલી. મેં તો ખપપૂરતું ડાયરીમાં મૂકવા માટે લખેલું.
કુમાર કાર્યાલયમાં, રાયપુરમાં આવેલા, અમે બચુભાઈની પાસે બેઠેલા, કોણ કોણ હઈશું તેનું સ્મરણ નથી, અને એમણે એમના સ્નિગ્ધ અવાજે સ્મિતપૂર્વક કહ્યું : ‘કાવ્યમંગલા.’ એ શબ્દ જેવો બોલાયો, એમાંના ગુંજનપૂર્વક, તેવો જ મનમાં બેસી ગયો. બચુભાઈના મનમાં આ નામમાં મારી પત્નીનું નામ ગૂંથી લેવાનું હશે કે કેમ તે જિજ્ઞાસા કે પ્રશ્ન મને ત્યારે રજ પણ થયેલાં નહિ. કદાચ ઘણાં વર્ષો પછી આ પ્રશ્ન ઊઠ્યો હશે. પણ એ વાતને મેં અવ્યક્ત જ રહેવા દીધી છે. એ વખતે તો હું એ નામની સ્વત:પર્યાપ્ત મંગલ હવાથી જ તુષ્ટ બની ગયો. આમ ૧૯૩૩ના જુલાઈની ૩ જી તારીખ એ નામકરણની ઘટના બને છે, અને તે ઘણી સાંકેતિક રીતે જાણે. આ દિવસોમાં હું અમદાવાદ આવતો ત્યારે ‘કુમાર કાર્યાલય’નો મહેમાન બનતો, ત્યાં જ  રહેતો, બીજા પણ થોડા વિદ્યાર્થીઓ રવિભાઈના રહેતા, તેમની સાથે ; તેમની સાથે એમને પૈસા લઈને જમાડતી એક બાઈને ત્યાં જમવા જતો, જેના પરથી મેં મારી એક વાર્તા ‘યા નસીબ’ ગોઠવી છે. બપોરની ચા પણ આખા કાર્યાલયના માણસોની સાથે પિવાતી. રવિભાઈ આવતા જતા અને મારી હાજરીની નોંધ લેતા. આમ હું ત્યાંનો, રવિભાઈની આસપાસ ઊભી થયેલી સ્નેહસભર સૃષ્ટિનો જાણે એક નિવાસી બનેલો અને એ ભૂમિમાં ‘કાવ્યમંગલા’નો પ્રાદુર્ભાવ થયો.
એ પછી આ બંને સંગ્રહ-શિશુઓના સંવર્ધનનું કામ શરૂ થયું. અમારી વિદ્યાપીઠના ઘણાએક અધ્યાપકો મળી એલિસબ્રિજ વિસ્તારમાં, રેલવે સ્ટેશનની તદ્દન સામે પશ્ચિમમાં ‘ભારતીયનિવાસ સોસાયટી’ ઊભી કરી પોતાના નિવાસો બાંધેલા. એમાં શ્રી પાઠક સાહેબ, શ્રી રસિકલાલ છો. પરીખ, પંડિત બેચરદાસ, મુનિ જિન વિજયજી ઇત્યાદિના બંગલા હતા. રસિકલાલભાઈની સાથે જ ‘પ્રસ્થાન’ના પ્રકાશક રણછોડજી મિસ્ત્રીનું મકાન. પાઠકસાહેબને ત્યાં ‘કાવ્યમંગલા’ નાં કાવ્યોની પસંદગી થઈ. રસિકલાલભાઈને ત્યાં ‘કડવી વાણી’ અંગેનો કરાર થયો. તેમણે એ માટેનો પુરસ્કાર ૧૨૫ રૂ. નક્કી કરી આપ્યો. મૂળશંકર સાથે ‘કાવ્યમંગલા’ માટેના પુરસ્કારની વાત અનોખી રીતે ગોઠવાયેલી. પુસ્તકના નફામાંથી પચાસ પચાસ ટકા લેવાની. ‘કાવ્યમંગલા’ માટે મેં લાંબી અને ડાહી ડાહી પ્રસ્તાવના લખેલી, તે અંગે રસિકલાલભાઈએ કહ્યું, આવું આવું ન લખો. તમારો ગજ લઈ લોકો કાવ્યોને અંગે વિચાર કરવા લાગશે. અને મેં એ લખાણ પડતું મૂક્યું અને થોડી ઔપચારિક જેવી વાતો ટૂંકમાં પ્રસ્તાવના રૂપે મૂકી. પણ ‘કડવી વાણી’ની પ્રસ્તાવના મેં ઠીક ઠીક મસાલો ભરીને લખી. ‘કડવી વાણી’ના સંગ્રહનો નિર્ણય લેવાયા પછી તો એ સંગ્રહ માટે પૂરતાં કાવ્યો થાય એ દૃષ્ટિએ નવાં નવાં કાવ્યો પણ ઝડપથી લખાવા માંડ્યાં. એ સંગ્રહનું પ્રથમ સુભગ કાવ્ય ‘કડવાં કારેલાં’ વડોદરાના રેલ્વે સ્ટેશનના બાંકડા ઉપર જ હાજર થઈ ગયું. ‘હે દેશ મારા’ની ધખના અમદાવાદની મ્યુનિસિપાલિટી પાસેના ધખધખતા રાજમાર્ગ પર પ્રગટ થઈ. ‘છાપનારનું ગીત’ એ સીધું ‘કુમાર પ્રિન્ટરી’નું સંતાન બન્યું.
અને પછી અમારી વિદ્યાપીઠના સ્નાતક ચિત્રકાર શ્રી કનુ દેસાઈની પાસે બંને સંગ્રહોનાં પૂઠાં માટેનાં ચિત્રો કરાવાયાં. એ મને પહેલેથી જોવા નહિ મળેલાં. ઉમાશંકરે મને ‘કાવ્યમંગલા’ના ચિત્ર અંગે માહિતી આપેલી કે આમ આમ કરીને કમળો ગોઠવીને બહુ સરસ ગોઠવી આપ્યું છે. અને મારાં દોઢસોએક જેટલાં કાવ્યોમાંથી ૪૩ ‘કડવીવાણી’માં અને ૫૪ ‘કાવ્યમંગલા’માં મુકાઇ બંને સંગ્રહો છપાવા માટે ચાલ્યા ગયા. ‘કડવી વાણી’માં મૂકેલાં ‘ત્રણ પાડોશી’ અને બીજાં છએક કાવ્યોને તેમની વિશેષ કાવ્યગુણવત્તા જોઈ મેં ‘કાવ્યમંગલા’માં પણ મૂક્યાં હતાં. ‘કડવી વાણી’ અમદાવાદમાં  છપાયું અને ‘કાવ્યમંગલા’ વડોદરામાં ‘કૌમુદી’ જ્યાં છપાતું તે લક્ષ્મી પ્રિન્ટિંગ પ્રેસમાં. ‘કાવ્યમંગલા’નાં કાવ્યોના ટિપ્પણનો પ્રશ્ન ઊભો થયો. મારા કાવ્યોની સાથે કંઈ કંઈ લખતા રહેલા રતિભાઈને મેં એ સંગ્રહનાં કાવ્યોનાં ટિપ્પણ લખવાને આમંત્રણ આપ્યું. પણ હંમેશા મુખરિત રહેતા રતિભાઈ એકાદ પાન લખીને અટકી પડ્યા અને એ કામ મેં હાથમાં લઈ લીધું.
‘કડવી વાણી’ તો ચાલુ ક્રાઉન સોળપેજીમાં પાઈકામાં ગોઠવાયું અને મિસ્ત્રીએ ગોઠવેલી ‘સરસ્વતી ગ્રંથમાળા’માં ૯૬ પાનાંની પાતળી પુસ્તિકા રૂપે સમાઈ ગયું. ‘કાવ્યમંગલા’ માટે મોટી સાઈઝ, ડેમી આઠપેજીની લેવામાં આવી. આ કદ પુસ્તકો માટે બહુ પ્રચલિત ન હતું. ‘ઈલા-કાવ્યો’નું મનોહર પુસ્તક એ કદમાં આવેલું, પણ તેનું અતિસૌન્દર્ય અપવાદ જેવું લાગતું. પણ ‘કાવ્યમંગલા’ને એ કદમાં સૌમ્ય રીતે મૂકતાં પછીના અમારા ઘણા નવ કવિઓના કાવ્યસંગ્રહો એ જ કદમાં આવતા રહ્યા. ‘કડવી વાણી’નાં પ્રૂફ તો અમદાવાદમાં હરતાં ફરતાં જ જોવાઈ ગયાં. પણ ‘કાવ્યમંગલા’ વડોદરામાં છપાતું. તેનાં પ્રૂફ ઇ. ના પ્રશ્નોના ઉકેલ રૂપે જાણે હું વડોદરામાં મૂળશંકરની સાથે તેમનો મહેમાન બનીને રહ્યો અને પુસ્તક તૈયાર થયું ત્યાં લગી બેએક માસ તેમની સાથે જ રહેવાનું બન્યું. આ ખરેખર અનોખા દિવસો હતા.
મૂળશંકર-મૂળશંકરભાઈ એક અનોખી વ્યક્તિ હતા, અને એમના વ્યક્તિત્વની વિશિષ્ટતા એ દિવસોમાં ઘણી જોવા મળી. આમ તો એ એક જીવનકથાનો વિષય બની શકે તેવી વ્યક્તિ છે, પણ અત્રે એમનું ચિત્ર, આજે ફરી એકદમ તાદૃશ બની રહ્યું છે તેની એકાદ બે રેખા દોરી લઉં છું. એ મારા-અમારા કરતાં મોટી ઉંમરના, મુરબ્બીપદે મૂકી શકાય તેવા હતા. એમનું બધા ચાલી ગયેલા દાંતવાળું સ્મિતથી ભરેલું મુખ, પાનથી હંમેશા લાલચોળ રહેતું. દાંત વિના પણ એમની વાણી સ્પષ્ટ, મીઠી અને એમના નાગરત્વની શિષ્ટ કોમળ છટાવાળી હતી. પણ એ અમારી સત્યાગ્રહીઓની પહેલાંની પેઢીના માણસ એટલે એમનો પહેરવેશ, ટોપી ઈ. જૂની ઢબનું. પણ સૌથી મજાનું તો એમનો રહેવાનો નવાબી ઠાઠ. સતત ચવાતાં રહેતાં પાન માટે પણ છેક લખનૌથી મધમધતી તંબાકુ, જેનું કાંઈ ખાસ નામ પણ છે, આવતી. નંદભુવનના મેડા પરની ઓરડીઓની આગળ લાંબો વરંડા. એને ઉત્તર છેડે એક હીંચકો, દક્ષિણ છેડે આરામખુરસી, એમાં એ બેઠલા હોય. પાટિલ કરીને એમના એક સાથી. દિવસમાં કેટલીયે વાર ચા બન્યા કરે, પાટિલના હાથે, અને હું દિવસમાં અગણિત વાર ચા પીતો થઈ ગયો. વરંડામાં વચ્ચે ક્યાંક ગોઠવાયેલું ગ્રામોફોન સતત સક્રિય રહેતું. એ દિવસોમાં રેડિયા જેવું ઓછું પ્રચલિત હતું. મૂળશંકરને ત્યાં રેકર્ડોનો મોટો ગંજ-ચુનંદા સંગીતકારોની, અને ઉદાર મને એ નવી રેકર્ડો, પુસ્તકો ખરીદીએ તેમ, ખરીદતા રહેતા. આમ ચા અને સંગીતની ભૂમિકા ઉપર અમારી સૃષ્ટિ ચાલતી, અને જગતના લગભગ બધા વિષયો એમાં ચર્ચાતા. એમાં એક વખતે મારો આફ્રિકા જવાનો પ્રશ્ન ઊભો થયો. અને એમણે કહ્યું, તમે આફ્રિકા જશો અને પાછા આવશો ત્યારે ગુજરાતના જીવનમાં તમારું સ્થાન ક્યાં હશે? કાકાસાહેબના એક વાક્યે મારો શાંતિનિકેતન જવાનો વિચાર વિસર્જિત કરી દીધેલો તેવું જ અહીં પણ બન્યું. આફ્રિકાની સૃષ્ટિ સંકેલાઈ ગઈ. હું અહીં રહીશ તો ગુજરાતના જીવનમાં ઓતપ્રોત રહીશ અને એ તો ખાસ્સું કામ થશે.
પણ મૂળશંકરની નવાબી શૈલી દરેક બાબતમાં ચાલે-ઇષ્ટ ગણાય તેવી ન હતી. તેમનું ‘કૌમુદી’ કાર્યાલય મેં જોયું. ખૂણામાંના એક ટેબલ પર ગ્રાહકોનું એક રજિસ્ટર હતું અને સ્વચ્છ અક્ષરે તેમાં ગ્રાહકોની નોંધ હતી. પણ એ સિવાય હિસાબકિતાબનું કશું ન મળે. કોઈ મદદનીશ પણ નહિ. રામભરોસે બધું ચાલતું હશે. પણ એ લાંબું નહિ ચાલ્યું. એમને બીજી એક નોકરી લેવી પડેલી-બેશક, એક છાપાના અગ્રલેખ લખવા માટેની. એમની એવી બહુશ્રુતતા પણ હતી. શુદ્ધ સાહિત્યિક, નવલકથા જેવું લખવાની પણ તેમની ઈચ્છા, શક્તિ હતી. પછી તે નંદભુવન મૂકી ખાસ્સા મોટા મકાનમાં ગયા. પણ છેવટે ‘કૌમુદી’ બંધ થયું ને તે ભાવનગર ચાલ્યા ગયા. એમના છેલ્લા દિવસોમાં મને ત્યાં મળેલા, ઘણા જ યોગાભિમુખ બનેલા. પછી તેમના સમાચાર આપનાર કોઈ રહ્યું નહોતું. તે વિધુર તેમ જ નિઃસંતાન પણ હતા. એમણે મારે નિવાપાંજલિ-ભાવાંજલિ આપવાની હોય તો અહીં જ આપી લઉં છું.
અને થોડા જ દિવસોમાં લક્ષ્મી પ્રિન્ટિંગ પ્રેસમાં કસ્તુરચંદે ‘કાવ્યમંગલા’ છાપી આપ્યું. અમદાવાદથી તે માટેનું ચિત્ર તૈયાર થઈને આવ્યું. રવિભાઈએ ‘બુદ્ધના ચક્ષુ’ માટે દોરેલું ચિત્ર મુખચિત્ર તરીકે મુકાયું. બચુભાઈએ એને નીચે વાદળી અને ઉપર આછા નારંગી રંગના કુશળતાપૂર્વક મિશ્રિત કરેલા ટિન્ટ ઉપર એ અપૂર્વ રીતે ખીલી ઊઠતું હતું. પૂઠા માટે પીળા રંગનો કાગળ લેવાયો હતો અને કનુ દેસાઈની જાદુઈ કરામત જેવી ઉછળતાં ત્રણ કમળોની ગૂંથેલી વર્તુળમાળવાળી ડીઝાઇનથી તે ખૂબ લાક્ષણિક બની રહ્યું. પુસ્તકનાં ૫૪ કાવ્યોનાં ૧૨૬ પુષ્ઠ અને ટિપ્પણનાં થોડાં વધુ ઉમેરાતાં ૧૫૧ જેટલાં પાનાંનો એ દળદાર, હાથને ભરી દે તેવો ગ્રંથ થયો. ઑગસ્ટના અંત સુધીમાં ‘કડવી વાણી’ અને ‘કાવ્યમંગલા’ બંને તૈયાર થઈ ગયાં. ‘કાવ્યમંગલા’ની અંદર એને માટેનું વર્ષ –જન્માષ્ટમી : ૧૯૮૯ એમ મૂક્યું. એ દિવસની તારીખ હતી ૧૩ ઑગસ્ટ. અમદાવાદથી ‘કડવી વાણી’ની નકલો આવી ગયેલી. તે તથા ‘કાવ્યમંગલા’ મેં મિત્રોને આપવા માંડ્યાં. સપ્ટેમ્બરની ૩ જીએ પ્રેસમાંથી ‘કાવ્યમંગલા’ની પાંચ નકલો લીધી, અને ૫ મીને મંગળવારે બલુભાઈના નિવાસમાં જઈ તેની નકલ તેમના હાથમાં મેં મૂકી. આમ મારા પચ્ચીસમા વર્ષે ‘કાવ્યમંગલા’ સાકાર બની જગતમાં ગતિશીલ બન્યું. બલુભાઈ, બલુકાકા, -બ. ક. ઠા. આ દરમિયાન એક સ્વજન જેવા થઈ રહેલા. અમે એક જ જિલ્લાના એ વસ્તુ તો ગૌણ હતી, પણ કાવ્યના ક્ષેત્રે અમારું ઘણું સહ-કાર્ય બનેલું. મારા ‘બુદ્ધના ચક્ષુ’ને એમણે અપૂર્વ કાવ્ય-ગૌરવ આપ્યું, એમનાં કાવ્યોની મેં વિસ્તૃત સમીક્ષા કરી આપેલી. એ કહેતા કે જે લખનારા-સર્જનશક્તિવાળા હોય છે તે પચીસી પહેલાં જ ખીલી ઉઠે છે. હું –ઉમાશંકર ઇત્યાદિ વિષે એ સાચું પડતું હતું એની નોંધ મેં લીધેલી. પછી તો આગળ જતાં એમણે જીવનની વિવિધ ગતિ અંગે વાતચીતમાં એમ પણ કહેલું કે માણસોએ સંતાનપ્રાપ્તિ પણ યુવાન વયમાં જ બને તેટલી કરી લેવી જોઈએ. એમની પાસે ઘણી રીતની પરિણત-પ્રજ્ઞા હતી, જો કે રાજકીય બાબતમાં, સરકારી લૂણ ખાધેલું અને ખાતું રહેલું એમનું લોહી એમને અમારાથી સામે જ પાટલે બેસાડી દેતું હતું અને અમારા સંવાદો-વિસંવાદી સૂરો સાથે ઘણા અભિનવ રસોથી ભરેલા બનતા.
પછી તો પુસ્તકને અવલોકનો માટે, બહોળા મિત્રમંડળમાં, મુરબ્બીઓને લહાણી કરવાની ક્રિયાઓ બનતી રહી. અને એક દિવસે મૂળશંકર પાસે કાન્તના પુત્ર મુનિકુમાર ભટ્ટ તરફથી એક શ્લોક લખાઈને આવ્યો. એ મેં પૂરો કેમ નોંધી ન લીધો તેની નવાઈ થાય છે. કદાચ વધુ પડતી વેવલાઈ ન થાય એટલા માટે મેં એ કર્યું હશે. વળી એ તરત જ યાદ રહી જાય તેવો પણ હતો. પણ એનું પહેલું ચરણ સ્મૃતિમાં રહ્યું નથી. તે સિવાયનો આખો શ્લોક આ પ્રમાણે છે :
<center>... ... ... ... .... પુસ્તિકા પીતવર્ણિકા,</center>
<center>કાવ્યગંગા તણા તીરે ઘાટ આ મણિકર્ણિકા.</center>
પહેલું ચરણ-આખોયે શ્લોક વ્યવસ્થિત રૂપે મળી આવે તો કેવું સારું થાય !
અને આ શ્લોક સાંભળીને ગંગાને કિનારેનો મણિકર્ણિકા ઘાટ, હજી મેં તે જોયો નહોતો છતાં તાદૃશ બની રહ્યો.
‘પુસ્તિકા પીતવર્ણિકા...ઘાટ આ માણિકર્ણિકા’ (કેવો મનોહર પ્રાસ છે !)
અને બંને કાવ્યસંગ્રહોને આમ વહેતા કરીને હું પાછો અમારા સ્વરાજસંગ્રામમાં ઊતરી પડ્યો. હરિજનોના પ્રશ્ન અંગે ગાંધીજી ઉપવાસ ઉપર ઊતરતાં સરકારે તેમને ૧૧ મી મેએ છોડી મૂક્યા, યુદ્ધવિરામ જેવું થયું એવી મારી ડાયરીમાં નોંધ છે. ગાંધીજીએ પોતાની આ મુક્તિનો ઉપયોગ રાજકીય કાર્ય માટે નહિ પણ હરિજનના કાર્ય માટે કરવાનો નિર્ણય લીધો. અંગ્રેજી ‘યંગ ઇન્ડિયા’ને બદલે ‘હરિજન’ પત્ર શરુ કર્યું. સામુદાયિક સત્યાગ્રહ સંકેલી લીધો. પણ સ્વરાજનો પ્રશ્ન તો ચાલુ જ હતો. એટલે એ માટેના સંગ્રામની જ્યોત ચાલુ રાખવા તેમણે વ્યક્તિગત સત્યાગ્રહ યોજ્યો અને એના પહેલા સૈનિક વિનોબાને બનાવ્યા. આ પ્રસંગ મને બહુ તાજો છે, તેમ જ વિશિષ્ટ રીતે મારામાં અંકાઈ ગયેલો છે. હવે અમારે પણ શું કરવું એ પ્રશ્ન થતાં, મેં વ્યક્તિગત સત્યાગ્રહમાં જવાનું નક્કી કર્યું. એવી ઘણી રોચક, અને ઘણાં મૂલગામી આધ્યાત્મિક પરિણામોવાળી કથા તો અહીં નહિ આપી શકાય, પણ હું બીજી વાર પાછો કારાવાસી બન્યો અને સાબરમતી જેલમાં મારો બીજો કારાવાસ ૧૯૩૩ના ૧૪ નવેમ્બરથી ૧૯૩૪ના મેની ૧૯ મી સુધી મેં પૂરો કર્યો. અને આ વખતના કારાવાસમાં તો નાનામાં નાના બાળકેદીઓથી માંડી ઠેઠ સુપરિન્ટેન્ડન્ટ સુધીનો મિત્ર બની માનવંતી વ્યક્તિ બની રહેલો. આ વખતે ઠીક ઠીક લખી લાવ્યો, તેમ જ ઘણું મહત્વનું વાંચી પણ લાવ્યો. બહાર આવ્યા પછી હવે સત્યાગ્રહ અંગે તો કાંઈ કરવાનું નહિ. એટલે અમદાવાદમાં, આ સ્વરાજની જાગૃતિના અનુસંધાનમાં જ જન્મેલી સ્ત્રી પ્રવૃત્તિએ મને પોતામાં લઈ લીધો. અમારા વિદ્યાપીઠનાં વિદ્યાર્થિની મૃદુલા સારાભાઈએ અમદાવાદમાં સ્ત્રીઓની ‘જ્યોતિસંઘ’ નામની સંસ્થા શરૂ કરી હતી. મને તેમાં કાર્યકર્તા તરીકેનું સ્થાન મળ્યું અને અમદાવાદમાં આવી ૧૯મી જૂને મેં કામ શરુ કર્યું.
આ ૧૯મી તારીખનું આમ પુનરાવર્તન થવું એ કાંઈ લાક્ષણિક સંકેત જેવું છે. ૧૯મી તારીખ, ૧૯નો આંકડો, અંકશાસ્ત્ર પ્રમાણે વિજયના સંકલ્પ-બળ તરીકેનો સૂચક છે. મારે અંગેના પછીના ઘણા મહત્વના બનાવો આ તારીખે બનતા મેં નોંધ્યા છે. સાથે સાથે મારી જન્મતારીખ ૨૨નો આંકડો પણ નોંધપાત્ર છે એ હકીકત જ્યારે મારી પાસે આવી ત્યારે હું ચકિત જેવો થયેલો એ યાદ આવે છે. ઉમાશંકરના એક મિત્ર અમદાવાદમાં એમના ઘેર મને લઈ ગયેલા. એ મોટા ગણિતી હતા અને જ્યોતિષ વિદ્યાના જાણકાર હતા, મારી જન્મતારીખ તેમણે પૂછી અને તે જાણતાં તે એકદમ બોલી ઊઠેલા, આ તો ઘણી મોટી તારીખ છે. એ શું છે તેની વાત તો પછી થયેલી જ નહિ. આજ લગીમાં મારે માથે ઘણાં ઘણાં કામોનો ટોપલો મુકાતો રહ્યો છે, એ પરથી આ તારીખે જન્મવાથી આવેલી જવાબદારીની નોંધ આનંદપૂર્વક લઈ લઈએ, બીજું શું !
તો, ખાડિયામાં ગોઠવાયેલા જ્યોતિસંઘમાં કામ અને અમદાવાદમાં રહેવાનું મકાન પાસેની ઘાસીરામની પોળમાં મળ્યું. મારા જેલ સમયના તેમ જ બીજા મિત્રોએ એ મેળવી આપેલું અને અમે પાડોશીઓ પણ હતા. એ પોળમાં ઘણી મહાન વ્યક્તિઓ રહેતી, જેમાં તે વખતની ગુજ. વ. સોસાયટીના મંત્રી હીરાલાલ પારેખ પણ હતા. અને ત્યાં એક દિવસે એક બનાવ બને છે.
હું નીચે અમારા ઓટલા પાસે ઊભો છું તે અમારા એક પાડોસી મને સમાચાર આપે છે : તમને રણજિતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યો છે. મારો પ્રતિભાવ કાંઈ અસાધારણ બન્યો : મને પૂછ્યા વિના જ? પણ હું મૂંગો રહ્યો. પછી તો મારું ગૌરવ બનવા માંડ્યું. સુવર્ણચંદ્રક માટેની સભા ગોઠવાઈ. તે માટે તૈયારી રૂપે મારી છબીની જરૂર હતી તે શ્રી રવિભાઈએ તેમના બ્રાહ્મણ મિત્રમંડળના સ્ટુડિયોમાં તૈયાર કરી આપી. મારી તેમ જ મંગળાની તેમણે ઘણીએક મનોહર તસ્વીરો લીધી. એમાંથી એક સુવર્ણચંદ્રક માટે પસંદ કરવામાં આવી. અને સુવર્ણચંદ્રકનો સમારંભ યોજાયો, ભોલાનાથ લેડીઝ ઇન્સ્ટીટ્યુટના નાનકડા મકાનમાં. અને મેં જોયું કે એ દિવસે મને એકલાને નહિ પણ મારી પૂર્વેના બે મહાનુભાવો – શ્રી રમણલાલ વ. દેસાઈ તથા શ્રે રત્નમણિરાવ ભીમરાવને પણ સુવર્ણચંદ્રકો અપાવાના બાકી રહેલા તે, અપાવાના હતા. આમ એ દિવસ તો ઘણો ગૌરવસભર બની ગયો.
અને નાનકડા મિત્રમંડળ સાથે ચાલતો ચાલતો હું પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલેજ પાસેના આ જૂના અને જાણીતા સ્થળે પહોંચ્યો. મારું મન તો આ અંગે ઘણું મૌનબદ્ધ જેવું હતું. એટલે ત્યાં જવા સિવાય મારે માટે કાંઈ બીજું કર્તવ્ય હોય એમ મને થયેલું નહિ, પણ સભામાં જઈને મેં જોયું કે મારા બે પુરોગામીઓ તો ઉત્તર રૂપે સારું એવું લખીને લઈ આવેલા, ને હું તો ખાલીખમ હાથે હતો. એ પ્રસંગે તૈયાર થયેલી પત્રિકામાં અમારા ત્રણેની છબીઓમાં છેલ્લે મુકાયેલી મારી છબીને જોતો રહ્યા અને મારો સમય આવતાં થોડાક શબ્દો બોલી હું બેસી ગયો. મેં આભારની લાગણી તો વ્યક્ત કરી જ અને છેવટમાં એમ કહ્યું કે સુવર્ણચંદ્રક હું મારા ભાવિની સીડીના પ્રથમ પગથિયા ઉપર મુકાતા એક સંકેતચિહ્ન તરીકે જોઉં છું. કેટલાક મિત્રોએ પછી કહ્યું કે મારે આટલું કહેવું નહોતું, કાંઈ લખીને પણ લાવવું જોઈતું હતું. પણ હું મારે માટે નહિ કલ્પેલી એવી ચિત્તની સ્તબ્ધતામાં હતો, એટલે મૂંગે મોઢે બધું થવા દીધું.
આમ ‘કાવ્યમંગલા’ની યાત્રાકથાની સમાપ્તિ અહીં થાય છે :
૧૯૩૪ના જૂનની ૧ લી તારીખે મને મહાન રણજિતરામ સુવર્ણચંદ્રક મળે છે.
અને હવે પ્રકાશકો, પ્રકાશનો, પ્રકાશન પ્રવૃતિની થોડી ગૌરવગાથા અને તડકાછાંયડી પણ જોઈ લઈએ. મૂળશંકર હવે રમણલાલ દેસાઈની નવલકથાઓના પ્રકાશન દ્વારા ઝળહળતા પ્રકાશક બન્યા હતા. મારા ‘કાવ્યમંગલા’ પછી તરત તેમણે ઉમાશંકરનો કાવ્યસંગ્રહ ‘ગંગોત્રા’, વડોદરામાં અમે સાથે મળીને ઠીક ઠીક વિચારેલો પ્રકાશિત કર્યો, અને તેને ઉત્તમ રીતે અમદાવાદમાં બચુભાઈની ‘કુમાર પ્રિન્ટરી’માં ઘણી સજધજપૂર્વક, કનુ દેસાઈના ત્રિરંગી મુખચિત્ર સાથે છપાવ્યો. અમારાં પુસ્તકો વેચાવા માંડ્યાં. ઉમાશંકર અને મારા કાવ્યવાચનના કાર્યક્રમો વડોદરામાં તેમ જ બીજે ઘણે ઠેકાણે થવા લાગ્યા. મોટે ભાગે અમારા બંનેનું કાવ્યવાચન એકી સાથે જ થતું રહેતું. સુરતમાં તો અમે વડોદરાથી એક નાનકડા સાહિત્યસંઘ જેવા બનીને કાવ્યવાચન માટે ગયેલા. કાવ્યોનો અમે સારી રીતે પાઠ કરીએ અને થોડુંએક ગીત જેવું હોય તે ગાઈ પણ લઈએ.
‘કાવ્યમંગલા’ની બીજી આવૃત્તિ ૧૯૩૮માં પાંચ વર્ષ પછી થઈ ત્યારે પરિસ્થિતિ બદલાઈ હતી. આર. આર. શેઠ સોલ એજન્ટને સ્થાનેથી આગળ વધી પ્રકાશક તરીકે આવી ગયા. એ અર્થવ્યવસ્થા કેમ કેવી રીતે બદલાઈ તેની વિગતો મારી પાસે આવી ન હતી. ઉપર નોંધ્યું છે તેમ ઘણાંએક કારણે મૂળશંકરે પોતાની પ્રવૃત્તિ સંકેલી લીધેલી. પુરસ્કારની રકમ, નફામાંથી અર્ધો અર્ધો ભાગ વહેંચવાની રીતે મને મળવાની હતી. પણ તે હિસાબ કરવાનો વારો ન આવ્યો. હિસાબ જ કોણ રાખે તેવી સ્થિતિ હશે. મને પચાસેક રકમ મળી હતી એવી નોંધ છે. આર. આર.ના શ્રી ભુરાલાલને બીજી આવૃત્તિ તેમણે લીધી ત્યારે મેં કહ્યું કે પહેલી આવૃત્તિનો હિસાબ બાકી છે તે ચૂકતે કરો. કુશળ વેપારીની રીતે તેમણે તે વાત ટાળીને નવી આવૃત્તિનો કરાર કર્યો. આમ સફળ હિસાબનીશના હાથમાં પુસ્તક મુકાયું તો ખરું, પણ પ્રકાશકની જે ઉષ્મા મૂળશંકર લઈ આવેલા તે હવે ન હતી. મુંબઈમાં એમની પ્રિન્સેસ સ્ટ્રીટની દુકાનમાં હું તેમને મળ્યો ત્યારે ચારેકોર પુસ્તકોથી ખરડાયેલી દુકાનને બતાવી કહ્યું, ‘આ બધો માલ...’ અમારા કાવ્યગ્રંથો, નવલકથાઓ, લલિત સાહિત્યની મોંઘામૂલી સૃષ્ટિ એ અહીં વેપારીનો ‘માલ’ બનીને બેસી ગયાં છે ! હા, ભુરાલાલને સાહિત્યકારનું ગૌરવ, મહત્વ હતું. રમણલાલ દેસાઈ મુંબઈ આવે ત્યારે સ્ટેશને હાર લઈ તેમને મળવા જાય. પણ છેવટે બધું માલની રીતે, એમાંથી ધરખમ કમાણી હતી એ પાયા પર બધું ચાલે. જે પુસ્તકોમાંથી જેવી કમાણી તેવો વ્યવહાર પુસ્તકે પુસ્તકે જુદો રહે.
‘કાવ્યમંગલા’ની બીજી આવૃત્તિ પહેલીના જેવી જ મારે કરવી હતી. પણ પૂઠાનો પીળો કાગળ બજારમાં નહિ હોય કે તે માટે પૂરો પ્રયત્ન નહિ થયો હોય, એ ‘પુસ્તિકા પીતવર્ણિકા’ મટી ધોળા બાવા જેવા સફેદ કાગળના પૂંઠામાં છપાઈ. ત્રીજી આવૃત્તિમાં તેનું કદ નાનકડું, ક્રાઉન સોળપેજી બનાવવામાં આવ્યું, તે અત્યાર સુધી ચાલુ રહ્યું. પછી તો મારાં ઘણાંયે પુસ્તકો ભુરાલાલ જ છાપતા રહ્યા, બીજા પ્રકાશકો પણ માગણી કરી કંઈ કંઈ પુસ્તકો લેતા જતા રહ્યા. પણ ભુરાલાલ સાથેનો સંબંધ ઘણો નિખાલસ અને સ્વચ્છ હિસાબવાળો રહ્યો. એમના સોનગઢમાં, જ્યાં એક વર્ષ હું ગુરુકુળમાં અધ્યાપક હતો, હું ઘણી વાર મહેમાન થઈ આવ્યો. ત્યાનું એમનું પ્રેસ અને સ્ટૉકનો મહાભંડાર જોઈ આવ્યો. એમના કુટુંબજીવનની ગતિ પણ જોઈ આવ્યો. એમાં જોવા મળ્યું કે એમને હજી કોઈ સંતાન ન હતું. પાકા વેપારી છતાં ભુરાલાલ ભગવાનના ભગત તો હતા જ; અને પ્રભુકૃપા ફળતાં તેમને પુત્રપ્રાપ્તિ થઈ અને એનું નામકરણ એમણે ‘ભગત’ કર્યું. અને એ પુત્રે તેમનો ધંધો સંભાળી લઈ તેને ઘણો ઉજ્જ્વળ કર્યો છે. એ પ્રસંગનું એક મધુર ચિત્ર તો એ છે કે વડોદરામાં ૧૯૪૩માં ગુજરાતી સાહિત્ય પરિષદ ભરાઈ ત્યારે આ નવા જન્મેલા બાળકને ભુરાલાલના પ્રકાશક મિત્ર રવાણીએ અતિ ભાવપૂર્વક હાથમાં તેડેલો. અને બધા વડોદરાના રસ્તા પર ચાલતા ચાલતા તેમને ઘેર પહોંચ્યા હોઈશું.
અને ‘કાવ્યમંગલા’ની ત્રીજી આવૃત્તિ પંદર વર્ષ બાદ ૧૯૫૩માં થાય છે. પુસ્તકો તૈયાર થવાં, છપાવાં એ જેવી ઘણી વિષમ, વિકટ પ્રક્રિયા છે, તેવી જ તેના વેચાણની ક્રિયા ‘કરમનકી ગત ન્યારી’ જેવી છે. પુસ્તકો કેવી રીતે વેચાય છે એ પુસ્તક-જગતનો રસિક અને ગૂઢ કોયડો છે. બીજી આવૃત્તિની ૧૫૦૦ નકલો, વરસના સોના સરેરાશ હિસાબે વેચાતી રહી. પૂરા વૈરાગ્ય મુકાઇ જઈએ એવી પરિસ્થિતિ કહેવાય. પણ નહિ, આ દરમિયાન મારા બીજા બે કાવ્યસંગ્રહો ‘વસુધા’ ૧૯૩૯માં અને ‘યાત્રા’ ૧૯૫૧માં તૈયાર થઈ વાચકોના હાથમાં પહોંચ્યા હતા. અને ‘કાવ્યમંગલા’ને લોકો બહુ યાદ ન કરે તો તે સ્વાભાવિક કહેવાય. પણ પછી પુસ્તકનું, અમારા કાવ્યસંગ્રહોનું ભાગ્ય ઉઘડવા લાગે છે. પાઠ્યપુસ્તકોમાં અમારી રચનાઓ લેવાતી થાય છે. અને અમારું એક એક કાવ્ય પ્રકાશક આખા પુસ્તકનું જે આપી શકે છે તેના જેટલું ધન અમને મેળવી આપે છે, અને કૉલેજો ઈ.માં અમારાં પુસ્તકો પાઠ્યપુસ્તક બનતાં તો સડસડાટ નવી આવૃત્તિઓ થવા લાગે છે. આમ ૧૯૫૮, ૧૯૬૨, ૧૯૬૪ની આવૃત્તિઓ ટૂંકા ગાળામાં પાઠ્યપુસ્તકો રૂપે બનેલી છે. અને આજ લગીમાં એ નવ વાર છપાઈને હવે દસમી વાર છપાય છે.
એક હિંદીભાષી મિત્ર ‘કાવ્યમંગલા’ની દસમી આવૃત્તિ થાય છે જાણી આશ્ચર્યનો ઉદ્દગાર કાઢી ઉઠ્યા. કવિતાના પુસ્તકની દસ આવૃત્તિ થાય? હું પણ આ ગણતાં જરા ચકિત જેવો થયો. બીજા કવિઓના કાવ્યસંગ્રહોની પણ અનેક આવૃત્તિઓ થયેલી હોવી જોઈએ. આમ તો મારું ‘વસુધા’ પણ સાત વાર મુદ્રિત બનેલું છે. પણ ‘કાવ્યમંગલા’ને દસ આવૃત્તિનું ગૌરવ મળે તો તે વિનમ્ર ભાવે વધાવી લેવાનું રહે છે, અને એથીય વધુ વિનમ્ર બની સાહિત્યસર્જનની શક્તિને, જીવનની જે ગૂઢ શક્તિ તરફથી તે મળી છે તેની સેવામાં સદા જાગૃત ભાવે નીરત રહી નિવેદિત, આરાધિત કરતા રહેવાની છે.
‘કાવ્યમંગલા’ની આવૃત્તિઓ જોતાં હું જોઉં છું કે ૧૯૬૧ની આવૃત્તિમાં પ્રકાશક તરીકે ભુરાલાલને બદલે હવે ભગતભાઇ નામ આવ્યું છે. ત્રણ વર્ષ ઉપરની ૧૯૫૮ની આવૃત્તિમાં તો શ્રી ભુરાલાલ હતા, પણ તે તા. ૨૭-૬-૫૯ના રોજ શ્રીજીચરણ પામ્યા. ભગતભાઇ કુશળ રીતે ધંધો સંભાળી લે છે અને ધીરે ધીરે ઊંડી સમજપૂર્વક એમાં નવી ઝલક ઉમેરતા થાય છે. એમણે જે નવા કાવ્યસંગ્રહો લેવા માંડ્યા તેના રૂપરંગ અદ્યતન કરી તેનું કદ પણ ‘કાવ્યમંગલા’ના પ્રથમ કદની રીતે ડેમી આઠપેજીનું કરતા રહે છે. અને આ દસમી આવૃત્તિ પણ એ ડેમીના કદમાં મૂકવાનો મધુર નિર્ણય તેમણે મને જણાવ્યો, અને એમ થતાં હવે ‘કાવ્યમંગલા’ને પાછો પુનર્જન્મ મળતો હોય તેવું લાગે છે. ભગતભાઈ હવે ‘માલ’ વેચનાર બુકસેલર નહિ પણ સારા શિષ્ટ પ્રકાશક બને છે એની નોંધ આપણે લઈશું જ. વચલી આવૃત્તિઓમાં તો પુસ્તક ઉપેક્ષિત જેવું બનીને જાણે છપાતું હતું. ‘બુદ્ધનાં ચક્ષુ’નું ચિત્ર એમાંથી અદૃશ્ય પણ બની ગયેલું. પણ હું એને પાછું લઈ આવ્યો છું, અને આ આવૃત્તિમાં તે ઉત્તમ રીતે મુકાશે એવી આશા છે. શક્ય બનશે તો બીજી આવૃત્તિ વખતે એક પાકી બંધાયેલી નકલ ઉપર એક કાબેલ ચિત્રકાર મિત્રે એક અતિરમણીય નારી આકૃતિ ચીતરી આપી હતી તેનો પણ એમાં સમાવેશ કરવા ધારું છું. એ ચિત્રકાર છે હરિવદન ભટ્ટ, જ્યોતિસંઘમાં અમે સાથે કામ કરતા હતા. આશ્રમમાં અમારા જાણીતા ચિત્રકાર શ્રી કૃષ્ણલાલ ભટ્ટ છે એ નાનાભાઈ છે. પણ એ નાની વયે જગત છોડી ચાલી ગયા. એમનું આ સ્મરણ-ચિહ્ન ખરેખર પુલકિત કરે એવું છે તે આપણે જોઈ શકીશું.
દરેક નવા મુદ્રણ સમયે સંગ્રહનું હું પુનઃ પુનઃ ચિંતન કરતો રહ્યો છું. ૧૯૫૩ની આવૃત્તિમાં તો મેં ઘણાં કાવ્યોનું સંમાર્જન કરેલું. પ્રસ્તાવનામાં પણ કંઈક નવુંજૂનું કરતો રહેલો છું. અને આ પ્રસંગે તો કવિતાની સાથે સીધા સંબંધ વિનાની પણ ઘણી વાતો વાતોડિયા બનીને જાણે લખી લીધી છે. કાવ્યોના પુનઃસંસ્કરણમાં કેટલાંક કાવ્યો ઉપર ખૂબ કામ કર્યું છે તો વળી ઘણે ઠેકાણે જે નાના સુધારા–નવા પાઠ કરેલા તેને બદલે મૂળના જ પ્રથમ વાર જેવા પ્રાપ્ત થયેલા તેવા જ ઉદ્‌ગારને પાછો લઈ આવ્યો છું. કેમે કર્યે નવા ગોઠવેલા શબ્દો બેસે જ નહિ અને પ્રથમનો શબ્દ જ ઝબ્બ દઈને ખડો થઈ જાય. એ રીતે સંગ્રહને તેનો આંતર તેમ જ બાહ્ય મૂળ આકાર પાછો મળે છે તો એનું પૂઠું પણ પીતવર્ણનું બને, એનું મુખપૃષ્ઠ પણ બચુભાઈએ ગોઠવી આપેલું તે જ ચાલુ રહે તેમ કરવા ધારું છું.
અને છેલ્લે એક નાનકડી વાત નોંધવા જેવી ગણું છું. આ સંગ્રહમાં મૂકેલી એક નાનકડી રચના વારંવાર ફેરફાર પામતી રહી છે. પૃ.૩૪ ઉપર આવેલી ‘હસતી કે રડતી?’ અંજનીની બે કડીની રચનાની બીજી કડી ઘણી વાર ફેરફાર માગતી રહી છે, આ વખતે પણ તેના બે શબ્દો બદલ્યા છે. એ રચના છે ૧૯૩૧ના મે માં જન્મી થોડા જ દિવસમાં પાછા ફરી ગયેલા મારા પ્રથમ સંતાન વિષેની. આજ સુધી આ વાતને મેં ક્યાંય સ્મૃતિના પટ ઉપર ગોઠવેલી નથી. પણ આ પ્રસ્તાવનામાં ઘણા ઘણા સ્વજનોનું સ્મરણ-શ્રાદ્ધ બન્યું છે, તેમાં એ બાળક પણ સ્મૃતિ-પટ ઉપર તાદૃશ બની જાય છે, જરા ઊંડે જતાં તો સંવેદનોની પરંપરા ઊભી કરી જાય છે. પરંતુ એ બધું જીવનવિધાયક મહાશક્તિના ઉછંગ માં મૂકી આપણે સૌએ ત્યાં બેસવાનું છે તે રીતે મૌનમાં મૂકી દઉં છું. અને એ સદ્‌ગત બનેલા સંતાનની માતા, પોતાનું નામ આ સંગ્રહ સાથે જોડાયેલું જોઈ સદા પુલકિત થતી હતી એનું સાંનિધ્ય પણ જાગ્રત થતું અનુભવું છું. મંગલાને તો અમારા મિત્રમંડળમાં કોણે નથી જોઈ, કોણે નથી ઓળખી? એ ખરેખર ‘કાવ્યમંગલા’ થઈ છે એની ના નહિ પાડી શકાશે.<br>
૧૮. ૬. ૮૦<br>
શ્રી અરવિંદ આશ્રમ, પોંડિચેરી.<br>         
{{Right|સુન્દરમ્}}<br>  
તા. ક. આ સંસ્મરણોમાં થોડુંક ઉમેરાવા માગે છે તો તે કરી લઉં છું. ‘કાવ્યમંગલા’ પછી મારા બે મોટા કાવ્યસંગ્રહો થયા છે, ‘વસુધા’ ૧૯૩૮માં અને ‘યાત્રા’ ૧૯૫૧માં. ‘વસુધા’ શબ્દને મંગળાએ ૧૯૩૭માં અમને મળેલા સંતાન માટે લઈ લીધો, એને માટેનાં ઘણાં નામોમાં એ આમ ગોઠવાયું, પણ ૧૯૪૫માં હું શ્રી અરવિંદ આશ્રમમાં આવી ગયો ત્યારે ત્યાં પણ એક ‘વસુધા’ હતાં એટલે અમારી ‘વસુધા’ને અમે ‘સુધા’ કરી લીધી. ‘યાત્રા’ ને માટે મને ૧૯૫૫માં ‘નર્મદ સુવર્ણચંદ્રક’ મળ્યો, સુરતમાં. એ બંને ચંદ્રકો ઘણો સમય મારી પાસે રહ્યા. પણ પછી પોતે કોઈ વધારે ચરિતાર્થતા માગતા હોય તેવું કહેવા લાગતા દેખાયા અને એ બંનેને મેં એક ધન્ય ક્ષણે શ્રી માતાજીના કરકમળમાંમૂકી દીધા.<br>
૧૯.૬.૮૦<br>   
{{Right|સુ.}}  <br>         
'''તા. ક. (૨)'''<br>
આ પૂર્વકથા લખાઈ, તે જેમને મારે હોંશપૂર્વક વંચાવવી હતી, એ આમ અણધાર્યા ચાલી જશે એવો ખ્યાલ ન હતો. આ સંગ્રહ સાથે, તેમ જ મારી ઘણી કવિતા સાથે સંકળાયેલા રહેલા મારા પરમ સુહૃદ બચુભાઈ રાવત આ જુલાઈની ૧૨મીએ ચાલ્યા ગયા. એમને અંગેનાં સ્મરણો તો થોકબંધ છે, પણ અત્યારે તો બે શબ્દમાં જ અટકવાનું છે. એ એક અનન્ય વ્યક્તિ હતા, પોતાના વ્યક્તિત્વને સાચવી રાખનાર અને બાંધનાર. ગુજરાતના જીવનમાં એ જાણે પોતાની કાયમની મનોહર મુદ્રા મૂકી ગયા છે. બચુભાઈ ગયા છે એમ નહિ, જાણે છે જ, દેહથી ઊર્ધ્વ થઈને પણ એ જાણે આપણી સાથે જોડાયેલા જ છે, અને પોતાની આગવી કેડીને કંડારી રહ્યા છે. પણ એમનું એક ચિત્ર, જે બહુ ઓછાઓએ જોયું હશે, તે અહીં તાજું થાય છે અને નોંધવા જેવું–અનન્ય છે.
રાયપુર ચકલાથી દક્ષિણે રાયપુર દરવાજા તરફ જતાં લગભગ વચ્ચે એક નાનકડું દેવાલય, ઘણુંખરું શંકરનું, આવે છે. બચુભાઈ ત્યાં અટકી જાય છે, નીચે દૂર જોડા કાળજીપૂર્વક ઉતારે છે, પછી માથેથી ટોપી ઉતારી, હાથ જોડી દેવનાં દર્શન કરે છે. પ્રણામ કરે છે. એમના વિશિષ્ટ પોષાકમાં ઊંચી અંકાયેલી સફેદ શુભ્ર મૂર્તિ.<br>
૨૯-૭-૮૦<br>           
{{Right|સુ.}}<br>               
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<center><big>'''સુજાગૃત સર્જન'''</big></center>
<small>(પાંચમી આવૃત્તિ વેળાએ)</small></center>
આ સંગ્રહની આ પાંચમી આવૃત્તિ છે, અથવા ખરું કહીએ તો ચોથી આવૃત્તિનું પુનર્મુદ્રણ છે. ફેરફાર છે તે એમાંની પ્રસ્તાવનામાં છે. અને તે પણ ઓછામાં ઓછું કહેવું એ દૃષ્ટિથી કરેલો ફેરફાર છે. સંગ્રહની બીજી આવૃત્તિથી કાવ્યોમાં ‘સુધારા’ કરવા માંડેલા. ત્રીજી આવૃત્તિમાં એમાંના ઘણાને નામંજૂર કરી મૂળ પાઠને રાખ્યા અને કેટલાંક કાવ્યોને ઘણાં બદલી નાખ્યાં. ચોથી આવૃત્તિમાં વળી મૂળ પાઠો પાછા બને તેટલા ગોઠવી દીધા. કાવ્યનાં પ્રૂફ વાંચવા બેસું અને મૂળ પાઠનો જ ભણકાર આવે, નવો પાઠ અતડો-વરવો જ લાગે. પણ કેટલાંક કાવ્યો –‘ધૂમકેતુ’ ‘પોંક ખાવા’ ઇત્યાદિ તેમના નવા રૂપે, સુધારા વધારા કે ઘટાડા સાથે રહેલાં છે. આ આવૃત્તિમાં હવે બધાનું પુનર્મુદ્રણ જ થયું છે, ક્યાંય તો ભૂલોનું પણ !
કાવ્યને વધારે સારું કરવાની ઈચ્છા રાખવી એ પણ કેટલીક વાર લોભ અને લાલસાનું રૂપ લે છે. કળામાં ઉચ્ચ ગ્રાહ હોય એ એક વસ્તુ છે, અને કાવ્યને ઉચ્ચ કરવાની લાલસા થવી, આગ્રહ બનવો એ બીજી વસ્તુ છે. આવા આગ્રહમાંથી નહિ પણ સર્જનની પ્રેરણાને સમર્પણ ભાવે લખાય અને જાગૃત બુદ્ધિ શબ્દના, વિચારના, ઊર્મિના, વસ્તુના સત્યને વફાદાર રહેવાનો પ્રયત્ન કરે, તંબૂરના તાર મેળવીએ એ રીતે, તો પછી એમાંથી જે સરજાય તેને સ્વીકારી લેવું જોઈએ અને વિનમ્ર ભાવે જગતદેવતાને ચરણે ધરી દેવું જોઈએ. કાવ્ય કે હરકોઈ સર્જન કે હરકોઈ પ્રવૃત્તિ તેના કરનારને મહાન બનાવવા માટે નથી, પણ વિશ્વના અનંત સનાતન આવિર્ભાવની ગતિમાં અને લીલામાં તે એક સહજ અનિવાર્ય જેવો બની રહેતો વ્યાપાર છે. આવી સહજ અનિવાર્યતાની રીતે રચાતું કાવ્ય એનો નાનો મોટો ગમે તે ભાગ ભજવતું રહે છે અને વિશ્વની આનંદમયતામાં પોતાનો ફાળો આપતું રહે છે.
૧૩ ફેબ્રુઆરી, ૧૯૬૧<br>           
શ્રી અરવિન્દ આશ્રમ, પોંડિચેરી<br>
{{Right|'''સુન્દરમ્'''}}<br>
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<center>'''નવમી વેળાએ'''</center>
આ સંગ્રહ અત્યારે નવમી વાર છપાય છે. આ પહેલાં તે ચોથી વાર, પાંચ છ અને સાતમી વાર છપાયો તેને મેં પુનર્મુદ્રણો કહ્યાં છે. પણ એને પણ આવૃત્તિ કહી શકાય તેવું કાંઈ ને કાંઈ અવનવું –આઘુંપાછું એમાં હું કરતો રહ્યો છું. માત્ર આ પહેલાં છેલ્લી વાર, આઠમી વાર તે છપાયો, પ્રકાશકે તેને સીધેસીધો છાપી લીધો, તેને જ પુનમુદ્રણ કહી શકાય. આ નવમી વાર છાપવાને હાથમાં લેતાં તેને ફરીથી જોઈ ગયો અને સ્વાભાવિક રીતે જ એમાં કશુંક કશુંક નવો સંસ્કાર પામ્યું છે. આ સંગ્રહમાંની રચનાઓને મેં મોટા પાયા ઉપર સંસ્કારી ૧૯૫૩માં, ત્રીજી આવૃત્તિની વેળાએ. આમાંની કૃતિઓના કાવ્યગુણ પરત્વે અતૃપ્ત રહેનાર વિવેચકોએ જો એ ત્રીજી આવૃત્તિને કે તે પછીની આવૃત્તિઓને જોઈ હશે તો તેમની અતૃપ્તિને ફરીથી વિચારવા માટે થોડુંએક કારણ તો મળી શકે તેમ છે એમ માનું છું. એ ત્રીજી આવૃત્તિની કે તે પછીની આવૃત્તિની પ્રસ્તાવનામાં કરેલી કેટલીએક વાતો દરેક આવૃત્તિમાં તાજી કરવા જેવી છે, પણ આ વખતે તો તે નહિ બની શકે.
આ સંગ્રહને આ નવમા મુદ્રણ માટે તૈયાર કરતો ગયો ત્યારે કોઈ નવાં, અણધારેલાં સંવેદનો અનુભવવા મળ્યાં. ૧૯૩૩ અને ૧૯૭૭, ‘કાવ્યમંગલા’ નામ ધારણ કરી આ સંગ્રહ પ્રગટ થયો ૧૯૩૩માં, ત્યાર પછીનાં આ ૪૪ વર્ષના સમયે પણ, એ આખું વાતાવરણ પાછું એવું ને એવું જ જીવંત, એની તે વખતની મુગ્ધ પુલકિત સભરતા સાથે જાગૃત થઈ આવ્યું. મેં કવિતા લખવા માંડી, અમારા વિદ્યાપીઠના દ્વૈમાસિક ‘સાબરમતી’માં મારું પ્રથમ કાવ્ય છપાયું ૧૯૨૬માં, ત્યારથી માંડી આ સંગ્રહ તૈયાર થયો તેનું નામકરણ થયું, પ્રકાશકને ત્યાં જ તેના મહેમાન તરીકે રહી સંગ્રહ છપાયો, અનેક મુરબ્બીઓ-મુરબ્બી સાક્ષરોનો તેને સત્કાર, સ્નેહ સાંપડ્યો, આપણા સાહિત્ય જગતે તેને રણજિતરામ સુવર્ણચંદ્રકથી સન્માન્યો, અને પછી તો તે અને તેમાંનાં કાવ્યો વિદ્યાર્થીજગતમાં હરતાં ફરતાં થઈ ગયાં, એમાંનાં ઘણાં ઘણાં કાવ્યો મેં ઘણે સ્થળે, ઘણી સ્નેહભરી વ્યક્તિઓ સાથે વાંચ્યાં, એ બધી ‘કાવ્યમંગલા’ની એક અનોખી સૃષ્ટિ જેવું બની રહેલું છે. એ બધાની વાત પણ કહેવા જેવી, આસ્વાદનીય છે. પણ તે કામ પણ આત્યારે કે અહીં તો કરવાનું નથી. અને ખાસ મજાનો વિચાર તો આ સંગ્રહનું ‘વિવેચન’ લખવાનો આવ્યો ! ‘અર્વાચીન કવિતા’ના, ‘અવલોકના’ના લેખક તરીકે તો એ હું કરી પણ શકું ! પણ હવે વધુ સમય તો કવિતાદેવીને આપવો જોઈએ એમ પાછું ગણિત ગણાય છે. પણ અત્યારે તો હવે વિદ્યાર્થીબંધુઓના હાથમાં આ પુસ્તક યથાસમય પહોંચી શકે તે કર્તવ્ય કરીને જ અટકું છું.<br>
૨૮-૫-૧૯૭૭<br>
{{Poem2Close}}
શ્રી અરવિન્દ આશ્રમ, પોંડિચેરી<br>
{{Right|'''સુન્દરમ્'''}}
<br>
<br>
<br>
<hr>
{{Poem2Open}}
માણસની ઉર્મિઓ અને આવેગોને અંતરાત્માના પ્રકાશમાં પહોંચાડી ત્યાં તેમને એક વિશુદ્ધિ આપી આધ્યાત્મિક રૂપ આપવામાં આવે ત્યારે જ તે કાવ્યને માટેનું યોગ્ય વસ્તુ બની શકે છે. જીવનનાં જે કાંઈ પ્રચલિત મૂલ્યો આવે છે તેને ઉન્નત કરીને આત્માનાં મૂલ્યો રૂપે પલટી નાખવામાં આવે ત્યારે જ માત્ર તે કાવ્યમય બની શકે છે. કાવ્યનો આનંદ અને સૌંદર્ય એ કોઈ વિશેષ ગહન રસમાંથી જન્મે છે; માનવનું સપાટી પરનું મન ઉશ્કેરાટ પામીને જીવનનો જે રસ અને આનંદ અનુભવે છે તેમાંથી તે જન્મતાં નથી.
<center>*</center>
કવિતાએ આત્માના આનંદનાં મૂલ સર્જક ઉત્પત્તિ સ્થાનોમાં પહોંચવાનું છે. એ આનંદમાંથી જીવનને નિહાળવાનું છે, અને જીવન સાથેની એ ગહન પ્રેરણાયુક્ત એક્તામાંથી જન્મતા દર્શન વડે જીવનને નવો ઘાટ આપવાનો છે. સાચા કવિના દર્શનનું અંતરતમ પ્રેરણામૂલ તે આવી અંતરતમ આંતર એકતા છે.
(Future Poetry, પ્ર.૨૮ માંથી)
{{Right|'''-શ્રી અરવિન્દ'''}}<br>
{{Poem2Close}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<center>શુદ્ધિ</center>
<center>
{|style="border-right:૦px #000 solid;width:75%;padding-right:0.5em;"
|-
| '''પૃષ્ઠ'''
| '''પંક્તિ'''
| '''છપાયેલું'''
| '''સુધારો'''
|-
| ૧૫
| ૧૧
| સર્યોં
| સર્યાં
|-
| ૨૪
| ૨૦
| કરુણ.
| કરુણ,
|-
| ૨૮
| ૧૪
| सुन्दरम्
| सुन्दरम्,
|-
| ૩૦
| ૨૨
| લહ્યા
| લહ્યો
|-
| ૩૩
| ૧૮
| અથ્રિ
| અગ્નિ
|-
| ૪૭
| ૨૧
| સરિત
| સરિત,
|-
| ૫૧
| ૩
| ઝબકારા
| ઝબકાર
|-
| ૫૯
| ૯
| અટ્ટાહાસે
| અટ્ટહાસે
|-
| ૬૩
| ૧૮
| ચોધારા
| ચોધાર
|-
| 90
| ૧
| ગ્યા’તાં
| ગ્યાં’તાં
|-
| ૧૧૨
| શીર્ષક
| દદો
| દર્દો
|}
</center>
<!--completed 21-11-2023-->
<br>
<hr>
{{Heading|કૃતિ-પરિચય}}
{{Poem2Open}}
'''કાવ્યમંગલા (૧૯૩૩)''' : સુન્દરમ્ નો વૃત્તબદ્ધકાવ્યો, સૉનેટો, ગીતોને સમાવતો કાવ્યસંગ્રહ. ગાંધીવાદી અને સમાજવાદી વિચારસરણીના સંયુક્ત દબાવમાંથી પ્રગતિશીલ ઉન્મેષો અને વિશેષ વળાંક અહીં પ્રગટ્યા છે. સાથે સાથે બળવંતરાય ઠાકોરની અર્થપ્રધાન કવિતાનું દૂરવર્તી પ્રતિફલન પણ અહીં છે. એમાં, રાષ્ટ્રજાગૃતિનો ઉત્સાહ અને દલિત-પીડિત-દરિદ્રો તરફનો સમભાવ અછતો નથી. આથી, જીવનના તુમુલ સંઘર્ષ વચ્ચે કાવ્યકળાની સાભિપ્રાયતા અંગેનો સંશય ઠેર ઠેર છે; અને કવિની મંથનદશા સ્ફૂટ છે. તેમ છતાં જીવનમૂલ્ય અને કાવ્યમૂલ્યનાં સહિયારાપણાનાં કેટલાંક રૂડાં પરિણામો દર્શાવતાં કાવ્યોમાં કલાનિષ્ઠ વાસ્તવાભિમુખતા છે. ‘બુદ્ધનાં ચક્ષુ’ કે ‘બાનો ફોટોગ્રાફ’ જેવી રચનાઓ અને ‘ત્રણ પડોશી’ કે ‘ભંગડી’ જેવી પ્રસિદ્ધ રચનાઓ અહીં છે.
{{સ-મ|||'''—ચંદ્રકાન્ત ટોપીવાળા'''<br>[http://gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Sundaram.html ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’પરથી સાભાર]}}
{{Poem2Close}}
<br>
<hr>
{{Heading|સર્જક-પરિચય}}
[[File:Sundaram.jpg|frameless|center]]<br>
{{Poem2Open}}
'''સુન્દરમ્ [જ. 22 માર્ચ 1908, મિયાં માતર, જિ. ભરૂચ; અ. 13 જાન્યુઆરી 1991, પુદુચેરી (પોંડિચેરી)]''' : ગુજરાતી સાહિત્યના પ્રમુખ કવિ, વાર્તાકાર, પ્રવાસલેખક, વિવેચક અને અનુવાદક. જન્મનામ ત્રિભુવનદાસ. પિતાનું નામ પુરુષોત્તમદાસ કેશવરામ લુહાર. માતાનું નામ ઊજમબહેન. શરૂઆતમાં કવિ તરીકે ‘મરીચિ’ ઉપનામ; પછી ‘કોયા ભગત’. વાર્તાકાર તરીકે ‘ત્રિશૂળ’ ઉપનામ. આમોદ તાલુકાના મિયાં માતર એમનું વતન. ત્યાં જ ગુજરાતી સાત ધોરણ સુધી અભ્યાસ. પછી આમોદની શાળામાં અંગ્રેજી પાંચ ધોરણ સુધી અને એક વર્ષ ભરૂચમાં છોટુભાઈ પુરાણીની રાષ્ટ્રીય ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં અભ્યાસ.
ઈ. સ. 1917માં મંગળાબહેન (અ. 2 સપ્ટેમ્બર 1969) સાથે લગ્ન. 1937માં પુત્રી સુધાનો જન્મ. 1925-1927 દરમિયાન ભરૂચમાંથી ‘વિનીત’ થઈ, અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠમાં આવ્યા. વિદ્યાપીઠના દ્વૈમાસિક ‘સાબરમતી’માંના ઉત્તમ લેખ માટે તેમને ‘તારાગૌરી ચંદ્રક’ પ્રાપ્ત થયો. 1926થી કાવ્યલેખનનો પ્રારંભ. ‘એકાંશ દે’ એ પ્રથમ કાવ્ય આ ‘સાબરમતી’ સામયિકમાં ‘મરીચિ’ ઉપનામથી પ્રગટ થયેલું. 1928-1929માં ‘સાબરમતી’માં ‘બારડોલીને’ – એ કાવ્ય ‘સુન્દરમ્’ના નામથી પ્રસિદ્ધ થયું. ત્યારબાદ ‘સાબરમતી’ના તંત્રી તરીકે કામગીરી શરૂ કરી. 1929માં સંસ્કૃત-અંગ્રેજી વિષય સાથે બીજા વર્ગમાં ‘ભાષાવિશારદ’. 1935થી 1945 સુધી અમદાવાદની સ્ત્રીસંસ્થા ‘જ્યોતિસંઘ’માં કાર્યકર્તા. 1930થી ઉમાશંકર જોશી સાથેની મૈત્રીનો પ્રારંભ. ગાંધીયુગના આ બે પ્રમુખ કવિઓ મિત્ર બન્યા અને ‘સારસ્વત સહોદર’ તરીકે ઓળખાયા. દરમિયાન ગાંધીજી-પ્રેરિત સ્વાતંત્ર્યસંગ્રામમાં જોડાયા. એ ભાવનાને વ્યક્ત કરતું ‘બુદ્ધનાં ચક્ષુ’ જેવું એમની કાવ્યદીક્ષારૂપ કાવ્યનું સર્જન થયું. 1933નું વર્ષ સુન્દરમ્ માટે મહત્વનું રહ્યું. એ વર્ષે તેમના બે કાવ્યસંગ્રહો પ્રગટ થયા : ‘કોયા ભગતની કડવી વાણી અને ગરીબોનાં ગીતો’ તથા ‘કાવ્યમંગલા’. તે જ વર્ષના અંતિમ ગાળામાં તેઓ દક્ષિણ ભારતની યાત્રાએ ગયા. આ પ્રવાસે તેમના પર અનેક રીતે પ્રભાવ પાડ્યો, જેના ફળરૂપે 1941માં ગુજરાતી સાહિત્યનો એક મહત્વનો પ્રવાસગ્રંથ ‘દક્ષિણાયન’ પ્રાપ્ત થયો. આ પ્રવાસ દરમિયાન લીધેલ પુદુચેરી(પોંડિચેરી)ની મુલાકાતે અને શ્રી અરવિંદના પ્રભાવે તેમના ઉત્તર જીવનની દશા-દિશા બદલી નાંખ્યા. 1940માં પ્રથમ વાર, 1943માં બીજી વાર તેમને શ્રી અરવિંદનો દર્શનયોગ થયો. પરિણામે 1945થી સપરિવાર તેઓે શ્રી અરવિંદ આશ્રમ, પુદુચેરી ગયા અને આજીવન આશ્રમને સમર્પિત થઈ રહ્યા. 1945ની સાલ આમ એમના જીવન માટે અતિ મહત્વની બની રહી. 1947થી ‘દક્ષિણા’ના તંત્રી રહ્યા. શ્રી અરવિંદના પ્રભાવને લીધે એ પછીના તેમના કાવ્યસર્જનની ભૂમિકા બદલાતી રહી. કોયા ભગત વાસ્તવિક સમાજદર્શનના દર્શક ને કથક હતા. પુદુચેરી-નિવાસ પછી તેઓ એક સાધકની આધ્યાત્મિક ભૂમિકામાં પ્રવેશ્યા. આમ કવિ અને સાધકનો સુંદર સમન્વય થયો. સૌમ્ય અને સ્નેહાળ વ્યક્તિત્વ ધરાવતા સુન્દરમ્ આજીવન સાચા અર્થમાં ‘કવિ’ અને ‘સત્યશોધક’ રહ્યા હતા. 1983માં માતર પાસે વાત્રક તટે ૐપુરી નગરીનું ખાતમુહૂર્ત કરી ત્યાં તેમણે સાધકો માટેનું સાધનાધામ કર્યું. 1987માં ફ્રાન્સના પૅરિસમાં શ્રી અરવિંદ હાઉસમાં શ્રી માતાજી તથા શ્રી અરવિંદની છબીઓનું તેમણે અનાવરણ કરી ત્યાં યોગસાધનાનાં કેન્દ્રોને વધુ સક્રિય કર્યાં. ઉત્તરવયમાં એક સાધક તરીકે તેમની જીવનચર્યા ચાલી અને સાથે જ સર્જનકાર્ય પણ અનવરત ચાલતું રહ્યું. સમાજની, પ્રકૃતિની, પરમતત્વની અનેક ભાવછબીઓ તેમણે કાવ્યના શબ્દમાં ઝીલી બતાવી. એ રીતે સુન્દરમ્ આજીવન કાવ્ય અને અધ્યાત્મના સંનિષ્ઠ ઉપાસક રહ્યા.
ઈ. સ. 1933માં પ્રગટ થયેલ તેમના પ્રથમ કાવ્યસંગ્રહ ‘કોયા ભગતની કડવી વાણી અને ગરીબોનાં ગીતો’માં સામાજિક વિષમતા અને શોષણનું વેધક વાસ્તવદર્શન છે. ગાંધીજીના આગમન સાથે ગુજરાતીમાં વિષયવસ્તુ અને અભિવ્યક્તિ સંદર્ભે જે પરિવર્તનો આવ્યાં તેનો ઉત્તમ ખ્યાલ સુન્દરમ્-ઉમાશંકરની કવિતા દ્વારા મળી રહે છે. એકદમ સાદી છતાં સૂક્ષ્મ સંવેદનાથી સભર, હૃદયંગમ રજૂઆત દ્વારા કવિએ સમાજના છેવાડાના માણસની વાત કરી છે. ગાંધીવિચારધારાથી પ્રભાવિત આ કવિ સમાજસુધારાની વાત કરે છે તો સાથે સૌંદર્યતત્વની પ્રતિષ્ઠા પણ કરે છે. કોયા ભગત પાત્રના મુખે પરંપરાગત ભજનશૈલીનો ઉપયોગ કરીને કવિએ પોતાની ભાવસૃષ્ટિને નવા પરિમાણમાં રજૂ કરી છે. ‘ભંગડી’ કે ‘ત્રણ પડોશી’ જેવી કૃતિઓ આ સંદર્ભમાં સ્મરણીય છે. ‘ઊઠો રે’ જેવાં કાવ્યોમાં રાષ્ટ્રીય ભાવસંદર્ભનું ઓજસ્વી આલેખન છે.
એ જ વર્ષે પ્રગટ થયેલ એમના બીજા કાવ્યસંગ્રહ ‘કાવ્યમંગલા’માં કવિની અભિવ્યક્તિની રીતિ બદલાયેલી જોવા મળે છે. એમાં છંદોબદ્ધ કાવ્યો, મુક્તકો, સૉનેટો અને ગીતોનું નોંધપાત્ર પ્રમાણ છે. તેમાં ગાંધીવિચાર અને સમાજવાદી વિચારધારાના સમન્વય દ્વારા કવિ માનવતાના વિકાસની ભૂમિકા પ્રતિ વળે છે. અહીંનાં કાવ્યોમાં દીનદલિતપીડિતો પ્રત્યેની અનુકંપા સાથે સ્વદેશપ્રીતિની ભાવના પણ વ્યક્ત થઈ છે. ‘બુદ્ધનાં ચક્ષુ’, ‘ત્રિમૂર્તિ’ જેવાં કાવ્યો અહીં છે. ઉમાશંકરે જો ‘વિશ્વમાનવી’ની વાત કરી છે તો આ કવિએ ‘હું માનવી માનવ થાઉં તો ઘણું’ – એ રીતે માનવીય અસ્મિતાની વાત કરી. આમ બંને સર્જકો પરસ્પરના પૂરક બનીને સર્જનક્ષેત્રે વિકસતા જણાય છે. અહીંનાં મોટાભાગનાં કાવ્યોમાં, કવિનો પ્રેમ અને કરુણાપ્રેરિત માનવતાવાદી અભિગમ જોવા મળે છે. વળી તેમની આધ્યાત્મિક ખોજનો સંકેત ‘ધ્રુવપદ ક્યહીં ?’ દ્વારા મળે છે.
સુન્દરમ્ જેમ 1933માં તેમ 1939માં પણ બે કાવ્યસંગ્રહો આપે છે, જેમાંનો એક ‘વસુધા’ અને બીજો ‘રંગ રંગ વાદળિયાં’. ‘વસુધા’માં કવિની સર્જકતાનો આહલાદક ઉઘાડ જોવા મળે છે. તેમાં કવિની વાસ્તવદર્શનની ખૂબીઓ ‘13-7ની લોકલ’માં સરસ રીતે ચિત્રાંકિત થઈ છે. ‘ઈંટાળા’માં ઈંટાળાના પ્રતીકથી સમાજવ્યવસ્થામાં બાધારૂપ થનારા લોકોની ચિંતા વ્યક્ત થઈ છે. ‘ફૂટપાથ અને તળાઈ’ વચ્ચેનું અંતર આ કવિને વ્યથિત કરે છે. કવિની માનવ તરીકેની ઊર્ધ્વીકરણની ભાવના જ અસુન્દરને ચાહીને સુન્દર બનાવવાના એમના અભિગમમાં પ્રગટ થાય છે. ‘કોણ ?’, ‘એક સવારે’ જેવી રચનાઓે કવિનું અગોચર તત્વ પ્રતિનું આકર્ષણ પ્રગટ કરે છે. કવિ પથ્થરની મૂર્તિને નહિ, પણ મૂર્તિમાં પ્રતીત થતા શ્રદ્ધાના આસનને નમવાનું પસંદ કરે છે. ‘પુલના થાંભલાઓ’, ‘દ્રૌપદી’ જેવી દીર્ઘ કાવ્યરચનાઓ પણ ઉલ્લેખનીય છે. બીજી બાજુ પ્રણયની તીવ્ર અભીપ્સા અને અનુભૂતિ વ્યક્ત કરતી કવિતા, મુક્તકો, સૉનેટો, ગીતો અને અન્ય અનેક છંદોબદ્ધ સ્વરૂપોમાં મળે છે. સમાજના સંદર્ભમાં તે ‘ઘણ ઉઠાવ’ની વાત કરે છે અને ‘બક્ષિસ’ જેવી રચનામાં કલાકારની કલા પરત્વેની સમર્પિતતા અને આનંદસમાધિ વ્યક્ત થાય છે. ‘રંગ રંગ વાદળિયાં’ તેમનો લોકપ્રિય બાલકાવ્યસંગ્રહ છે. આ સંગ્રહ તેમને ગુજરાતી બાલકવિતાના અગ્રણી કવિ ઠેરવે છે. ‘રંગ રંગ વાદળિયાં’ પછી તેમના અનેક કાવ્યસંગ્રહોમાં સંગ્રહાયેલાં બાલકાવ્યો તથા અમુદ્રિત બાલકાવ્યો ‘સુન્દરમની સમગ્ર બાલકવિતા’ (ભાગ 1-5) (ઈ. સ. 2005/2007)માં મળે છે. બાળકોને આસ્વાદ્ય એવી ઘણી બધી ભાવસામગ્રી એમાં અવનવી રીતે રજૂ થઈ છે. આ કાવ્યોમાં અંકશિક્ષણ ને અક્ષરશિક્ષણથી માંડીને બાળલીલા, પ્રકૃતિલીલા સાથેના વિવિધ સંબંધોને બાલભોગ્ય રીતે રજૂ કરતાં જોડકણાંથી માંડીને પ્રાર્થનાકાવ્યો સુધીનાં વિવિધ સ્વરૂપોવાળી નાનીમોટી લગભગ ચારસો ઉપરાંત કાવ્યરચનાઓ મળે છે. શ્રી અરવિંદ શ્રી માતાજીને અનુલક્ષતી, નાનાં-મોટાં સૌને આસ્વાદવી ગમે તેવી કવિતા પણ સુન્દરમનું એક ગણનાપાત્ર અર્પણ છે.
સુન્દરમ્ 1945માં પુદુચેરી (પોંડિચેરી) કાયમી નિવાસ અર્થે ગયા. આનો ગાઢ પ્રભાવ તેમના ‘યાત્રા’ (1951) સંગ્રહ પર જોવા મળે છે. ધ્રુવપદની શોધ કરતા આ કવિને અહીં ધ્રુવપદ મળે છે. ‘મેરે પિયા મૈં કછુ નહીં જાનૂં, મૈં તો ચુપ ચુપ ચાહ રહી’ની ભાવભક્તિની સર્વોચ્ચ ભૂમિકાએ કવિ પહોંચે છે. સુન્દરમની કવિતામાં મુખ્ય બે પાસાં જોઈ શકાય છે : એક, સમાજની વાસ્તવિકતાના અવલોકન-આલેખનવાળું અને બીજું, શ્રી અરવિંદવિચાર-પ્રેરિત પરમતત્વ તરફની ગતિ દાખવતી આધ્યાત્મિક ભૂમિકાના અનુભવદર્શનવાળું. આ સંગ્રહમાં આધ્યાત્મિકતાનો અંશ માતબર માત્રામાં છે. કોયા ભગતના નિમિત્તે જે કવિએ ઈશ્વરને જતાં રહેવાનું કહેલું તે કવિને અહીં શ્રી અરવિંદ માતાજીના મધુમય કોમળ ચરણોમાં ધ્રુવપદ લાધે છે અને સમર્પિત-ભાવે શાંતિનો અનુભવ કરે છે. વાસ્તવસૃષ્ટિમાંથી કવિ ઉત્ક્રાન્તિ પામી આધ્યાત્મિક ભાવસૃષ્ટિમાં સ્થિર થાય છે. હવે – એ અધ્યાત્મસૃષ્ટિ જ એમની વાસ્તવસૃષ્ટિ બને છે અને વ્યક્તિ, જીવન અને જગતને જોવાની તેમની દૃષ્ટિમાં આવેલા પરિવર્તનની પણ પ્રતીતિ થાય છે. ‘નહિ છૂપે’ – જેવી એક પંક્તિની રચના છે તો ઘણી દીર્ઘરચનાઓ પણ છે. (જેમકે, ‘એક કિલ્લાને તોડી પડાતો જોઈને’.) ભાવ-ભાષાના અનેક સ્તરો અહીં પ્રાપ્ત થાય છે. ધર્માર્થ સ્ફુરતાં જેણે સીતાને ત્યજેલી તેવા ‘રાઘવનું હૃદય’ પોતાને મળે તેવી ઇચ્છા ધરાવતા આ કવિની ‘એક જ રટના’ છે, પરમતત્વ પોતાનામાં એનું ધામ રચી રહે. વળી એમનાં કાવ્યસ્વરૂપોનું ને કાવ્યગ્રંથોનું વૈવિધ્ય પણ ધ્યાનપાત્ર છે : ‘વરદા’ (1990, 1998 બીજી આ.), ‘મુદિતા’ (1996), ‘ઉત્કંઠા’ (1992), ‘અનાગતા’ (1993), ‘લોકલીલા’ (1995, 2000 બીજી આ.), ‘ઈશ’ (1995), ‘પલ્લવિતા’ (1995), ‘મહાનદ’ (1995), ‘પ્રભુપદ’ (1997), ‘અગમનિગમા’ (1997), ‘પ્રિયાંકા’ (1997), ‘નિત્યશ્લોક’ (1997), ‘નયા પૈસા’ (1998), ‘ચક્રદૂત’ (1999), ‘દક્ષિણા’ (ભાગ 1-2, 2002), ‘મનની મર્મર’ (2003), ‘ધ્રુવયાત્રા’ (2003), ‘ધ્રુવચિત્ત’ (2004), ‘ધ્રુવપદે’ (2004) શ્રી માતાજીના સાન્નિધ્યમાં ભાગ : 1, 2 અને 3 (2005, 2006), ‘મંગળા-માંગલિકા’ (2007) વગેરે તેમના અન્ય કાવ્યસંગ્રહો છે. આમાં કવિની અડધી સદીની કાવ્યરચનાઓ પ્રાપ્ત થાય છે. ‘પુષ્પ થૈ આવીશ’, ‘કિસ સે પ્યાર’, ‘પ્રભુ દેજો’, ‘મુખ મોહન’, ‘રામ પ્યાલા’, ‘તું’, ‘હરિનાં હાટ’, ‘એક અચંબો’ – જેવી અનેક કૃતિઓમાં પ્રભુ-પ્રેમ, પ્રભુની સર્વવ્યાપકતા, પ્રભુપ્રાપ્તિનો આનંદ – આદિ વ્યક્ત થયાં છે. તો વ્યક્તિલક્ષી એટલે કે ગાંધીજી, શ્રી અરવિંદ, શ્રી માતાજી-વિષયક અને વતનપ્રેમની રચનાઓ પણ અનેક મળે છે. અનેક કાવ્યોમાં કવિની મનુષ્ય અને ભક્ત તરીકેની ખુમારી વ્યક્ત થઈ છે. તેઓ ‘કણ રે આપો’ કહે છે, વધુ માંગતા નથી. તેઓ પરમાત્માના બ્રહ્માંડમાંથી માત્ર એક નાના આંગણા જેટલી જગા જ વાંછે છે. તેમની કવિતામાં તેમની ધરાપ્રીતિ, જીવનપ્રીતિ, મનુષ્યપ્રીતિ સાથે જ આધ્યાત્મિકતાની અભીપ્સા અને અનુભૂતિ વ્યક્ત થઈ છે. એક ગરવા અને નરવા કવિમાં અપેક્ષિત સર્જનગત સચ્ચાઈ, સાત્વિકતા, સજાગતા, સર્જનાત્મક સ્ફૂર્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિકતા એમનામાં છે. તેમની કવિતામાં પ્રણયની મસ્તી છે, વેદના છે, ભક્તિની ભીનાશ છે, વાસ્તવની વિષમતાનું દર્દ છે અને ઊર્ધ્વગતિ માટેની મથામણ અને ભાવનાનાં ઉડ્ડયનો છે. કવિની કાવ્યયાત્રા ગુજરાતના નાનકડા ગામમાંથી શરૂ થઈ, ગૂજરાત વિદ્યાપીઠના સંસ્કારથી પુષ્ટ થઈ, પુદુચેરીના શ્રી અરવિંદ આશ્રમમાં સત્વશીલ અને સમૃદ્ધ બની સમગ્ર ગુજરાતી કવિતાને ને ભાષાને રળિયાત કરે છે. ‘શ્રી માતાજીના સાન્નિધ્યમાં’ [પુસ્તક 1-2(2005)-3(2007)]માં તેમના સાધક વ્યક્તિત્વનો સુપેરે પરિચય કરાવતી કાવ્યરચનાઓ છે. લૌકિકતામાંથી કવિની લોકોત્તરતા તરફની પ્ર-ગતિ સૌને સ્પર્શે પ્રેરે તે રીતે વ્યક્ત થઈ છે. પ્રારંભમાં કોયા ભગતના નિમિત્તે કટાક્ષ કરતા આ કવિ અંતે આધ્યાત્મિક સંવાદિતામાં પોતાની પરિણતિ સાધે છે. દેશની સ્વતંત્રતામાં ‘સાફલ્યટાણું’ માનતા આ કવિ ઉત્તરવયમાં આત્માની સ્વતંત્રતામાં ‘સાફલ્યટાણું’ માને છે. કવિની સ્થૂળમાંથી સૂક્ષ્મ તરફની ગતિ એ રીતે રોમાંચક છે. શંકાનું સ્થાન શ્રદ્ધા લે છે. જીવનસંઘર્ષની વેદનાનું આધ્યાત્મિક સાધના દ્વારા સમાધાન અને શમન થાય છે. કવિની કવિતામાં વિષયવસ્તુ, ભાવ, ભાષા, છંદોલય વગેરેનું ભરપૂર વૈવિધ્ય છે. માત્રામેળ, અક્ષરમેળ અને સંખ્યામેળ આદિ વિવિધ પ્રકારના છંદો અને ઢાળો તેમણે સફળતાથી પ્રયોજી બતાવ્યા છે. મુક્તકથી માંડી દીર્ઘકાવ્યોકથા કાવ્યો સુધી તેમની સર્જકતાનો વ્યાપ રહ્યો છે. આમ કડવા અને આખાબોલા કોયા ભગતની; ‘ધ્રુવપદ’ના સાધક અને મૌનની વાણીના મર્મજ્ઞ કવિ-યોગીની યાત્રા એટલે સુન્દરમની તપોગિરિની આનંદમૂલક કાવ્યયાત્રા. સુન્દરમ્ એક ઉત્તમ ઊર્મિકવિ-ગીતકવિ અને બાલકાવ્યોના કવિ તરીકે સુપ્રતિષ્ઠિત છે.
ઉમાશંકર જોશીની જેમ સુન્દરમ્ સવ્યસાચી સર્જક છે. પદ્યની જેમ ગદ્યક્ષેત્રે પણ તેમનું પ્રદાન મૂલ્યવાન છે. તે એક સારા વાર્તાકાર અને વિવેચક છે. સુન્દરમની ટૂંકી વાર્તાઓ ગાંધીવિચાર અને પ્રગતિવાદની ભૂમિકા પર રચાઈ છે. 1938માં ‘હીરાકણી અને બીજી વાતો’નું ‘ત્રિશૂળ’ ઉપનામથી પ્રકાશન થયું. આ ઉપરાંત ‘ખોલકી અને નાગરિકા’ (1939), ‘પિયાસી’ (1940), ‘ઉન્નયન’ (1945), ‘તારિણી’ (1977), ‘હુતાશણી અને બીજી વાતો’ અને લઘુ નવલકથા ‘પાવકના પંથે’ (1977) – એ તેમના અન્ય વાર્તાસંગ્રહો છે. જેમ કવિ તેમ વાર્તાકાર તરીકે પણ સુન્દરમ્ ઉચ્ચ સર્જકતા દાખવે છે. સુન્દરમે ‘ગોપી’થી ‘હીરાકણી’ નામના એમના પહેલા વાર્તાસંગ્રહની પ્રસ્તાવનામાં જણાવ્યું છે તેમ, 1931માં ‘લૂંટારા’ નામની વાર્તા તેમની પહેલી વાર્તા હતી. તેમની પાસેથી ઉપર્યુક્ત સંગ્રહ ઉપરાંત હજી કેટલીક અપ્રકટ વાર્તાઓ પણ છે. વાર્તાકલાનો કસબ તેમને સહજ છે છતાં તે સતત વાર્તાની અટપટી કલા વિશે સાશંક રહેલા છે. તેઓ સતત વિકસતા વાર્તાકાર છે. તેમની વાર્તાઓમાં પરંપરાનું અનુસંધાન છે તો ભાવસંવેદનાપ્રેરિત નૂતન પ્રયોગો કે અભિગમોનું નાવીન્ય પણ છે. વાસ્તવજીવનથી આરંભી આધ્યાત્મિક વાસ્તવિકતા સુધી તેઓ પહોંચે છે. તેમની સંવેદના અતિ-સૂક્ષ્મ છે, તેથી પાત્રના કે પ્રસંગના હાર્દ સુધી પહોંચી, પાત્રમાનસના અતિસૂક્ષ્મ સંચલનોને પ્રસંગ અને વાતાવરણસહિત સચોટ રીતે નિરૂપી શકે છે. પાત્રની સંકુલ મન:સ્થિતિનું પણ તેઓ તાદૃશ નિરૂપણ કરે છે. ગ્રામીણ હોય કે શહેરી, નારીજીવનના સ્તરોને તેઓ પ્રત્યક્ષ કરાવી શક્યા છે. માનવમનની કે માનવસંબંધોની સંકુલતાનું તેઓ રસપ્રદ આલેખન કરે છે. તેમની પાત્રસૃષ્ટિ પણ વિશાળ અને વૈવિધ્યસભર છે. ગરીબથી માંડી તવંગર, કામવાળીથી માંડી શેઠાણી, ગ્રામીણ નારીથી માંડી નાગરિકા કે વ્યવસાયવૈવિધ્યને વ્યક્ત કરતાં નાનાથી માંડી વૃદ્ધ સુધીનાં પાત્રોના મનોભાવો, પરિસ્થિતિઓ, પ્રસંગો કે સંવાદોનું ભાતીગળ ચિત્ર તેઓ રંગીન રીતે આંકી શક્યા છે. તેમની ‘પૂનમડી’, ‘ખોલકી’, ‘માને ખોળે’, ‘પની’, ‘નાગરિકા’, ‘માજાવેલાનું મૃત્યુ’, ‘પ્રસાદજીની બેચેની’ જેવી અનેક વાર્તાઓ ગુજરાતી સાહિત્યની ઉત્તમ વાર્તાઓમાં સ્થાન પામી છે. તેમની આ વાર્તાઓમાં ‘મીન પિયાસી’ કે ‘ઊછરતાં છોરું’ અલગ ભાત પાડે છે. ‘તારિણી’ એક વિલક્ષણ ભાવસંબંધને વ્યક્ત કરતી વાર્તા છે. એમની વાર્તાઓમાં જાતીયજીવન – દાંપત્યજીવન – ગરીબાઈ છતાં ખાનદાની વગેરેનું કલાત્મક નિરૂપણ થયું છે. આ વાર્તાઓમાં તેમના ગદ્યસામર્થ્યનો પણ પરિચય થાય છે. તેમની વાર્તાઓમાં વાતાવરણ અને વર્ણનો એક વિશેષ રૂપે આવે છે. અલંકારો – કલ્પનાઓમાં તાજગી અનુભવાય છે. તેમની ઘણી વાર્તાઓના કથાનકો નાટ્યરૂપાંતર પામી શકે તેવી ક્ષમતાવાળાં છે. ટૂંકમાં, સુન્દરમ્ જેમ કવિ તરીકે તેમ વાર્તાકાર તરીકે ગુજરાતી સાહિત્યમાં પ્રભાવક રહ્યા છે.
જેમ સર્જકનું તેમ બીજું મહત્વનું પાસું સુન્દરમનું વિવેચક તરીકેનું છે. 1931ના ગ્રંથસ્થ ગુજરાતી સાહિત્યની તેમણે બહુ તટસ્થતાપૂર્વક સમીક્ષા કરેલી. 1946માં તેમની પાસેથી ‘અર્વાચીન કવિતા’ નામે ગુજરાતી કવિતાની ઐતિહાસિક સમીક્ષાનો શ્રદ્ધેય ગ્રંથ મળે છે. સુન્દરમની ભાવયિત્રી પ્રતિભાનો ઉત્કૃષ્ટ આવિષ્કાર અહીં જોવા મળે છે. તેમાં તેમણે નર્મદદલપતથી શરૂ કરી, નાના-મોટા મળી લગભગ 350 જેટલા કવિઓની કવિતાકળાનું મૂલ્યાંકન કર્યું છે અને અનેક નોંધપાત્ર મૌલિક અભિપ્રાયો આપ્યા છે. ‘અવલોકના’ (1965) તેમનો બીજો મહત્વનો વિવેચનસંગ્રહ છે. આમાં તેમણે કરેલાં ગ્રંથાવલોકનો સંગૃહીત થયાં છે. એમની અવલોકન માટેની પુસ્તકોની પસંદગીનો વ્યાપ વિસ્તૃત છે. આ અવલોકનો તેમની સૌંદર્યદૃષ્ટિ અને વિવેચનશક્તિનો પરિચય આપી રહે છે. 1978માં તેમની પાસેથી ‘સાહિત્યચિંતન’, ‘સમર્ચના’ અને ‘સા વિદ્યા’ – એ ત્રણ ગ્રંથો મળે છે. તેમાંથી ‘સાહિત્યચિંતન’માં સાહિત્ય અંગેના તેમના ચિંતનલેખો છે, તો ‘સમર્ચના’માં સાહિત્યિક વ્યક્તિઓના ચરિત્રને પ્રાધાન્ય આપતા લેખો છે. આ લેખોમાં દયારામ, દલપત, કલાપી આદિને તેમણે આપેલ અંજલિઓ છે, જે ઉષ્માસભર હોઈ આસ્વાદ્ય બની છે.
‘વાસંતી પૂર્ણિમા’ (1977) એ તેમનો નાટ્યસંગ્રહ છે. આમાંની મોટાભાગની રચનાઓ સ્ત્રીસંસ્થાઓ માટે લખાયેલ છે. એમાંનું ભાવવૈવિધ્ય ધ્યાનપાત્ર છે.
‘દક્ષિણાયન’ (1941) તેમના દક્ષિણ ભારતના પ્રવાસને વર્ણવતું પુસ્તક છે. તેમાં સ્થળ, સમાજ અને સંસ્કૃતિને લગતી વિપુલ માહિતી પણ તેઓ સાંકળતા ગયા છે. કેટલાક સુંદર વર્ણનાત્મક ગદ્યખંડોને લીધે આ પ્રવાસગ્રંથ ગુજરાતી પ્રવાસસાહિત્યમાં નોંધપાત્ર રહ્યો છે.
આ ઉપરાંત ‘ચિદંબરા’ (1968) એમનો વિવિધ લેખોનો સંગ્રહ છે. અહીં લેખકનું ચિંતન ધ્યાનપાત્ર છે. ‘શ્રી અરવિંદ મહાયોગી’ (1950) એ શ્રી અરવિંદનું નાનકડું પણ રસિક જીવનચરિત્ર છે.
અનુવાદક્ષેત્રે પણ સુન્દરમનું પ્રદાન નોંધપાત્ર છે. બોધાયનકૃત ‘ભગવદજ્જુકીયમ્’ (1940), શુદ્રકકૃત ‘મૃચ્છકટિક’ (1940), ‘સાવિત્રી’ (1956), ‘કાયાપલટ’ (1961), ‘પત્રાવલિ’ (1964), ‘સુંદર કથાઓ’ (1964), ‘જનતા અને જન’ (1965), ‘સ્વપ્ન અને છાયાઘડી’ (1967), ‘ઐસી હૈ જિન્દગી’ (1974) અને અન્ય તેમના અનુવાદો છે. ગોવિંદસ્વામીની રચનાઓનો કાવ્યસંગ્રહ ‘પ્રતિપદા’ (1948, અન્ય સાથે) એમનું સહસંપાદન છે.
વિશાળ સાહિત્યસર્જનની સાથે સાથે તેમણે સાહિત્યિક પ્રવૃત્તિઓમાં પણ સતત સક્રિયતા દાખવી છે. 1945થી તેઓ બુધસભા, મિજલસ, લેખકમિલન જેવી સંસ્થાઓના સંસ્થાપન-સંચાલનમાં કાર્યરત હતા. 1954માં ચિદમ્બરમ્ ખાતે પી.ઇ.એન. યોજિત ત્રીજી અખિલ ભારતીય લેખક પરિષદમાં તેમણે ભાગ લીધો હતો. 1987માં દિલ્હી સાહિત્ય અકાદમીના કાર્યમંડળમાં નિયુક્ત થયેલા. 1967માં મુંબઈ યુનિવર્સિટીમાં ‘ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા’ અંતર્ગત; 1974માં વલ્લભવિદ્યાનગર ખાતે શ્રી અરવિંદ તત્વજ્ઞાન વ્યાખ્યાનમાળા અંતર્ગત અને 1979માં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ., સૂરતમાં શ્રી અરવિંદ વિશે તેમણે વ્યાખ્યાનો આપેલાં.
1959માં ગુજરાતી સાહિત્ય પરિષદના અમદાવાદ ખાતેના વીસમા અધિવેશનમાં સાહિત્ય વિભાગના અને 1969માં જૂનાગઢમાં સમગ્ર ગુજરાતી સાહિત્ય પરિષદના તેઓ પ્રમુખ હતા. તેમને ‘કાવ્યમંગલા’ નિમિત્તે 1934માં રણજિતરામ સુવર્ણચંદ્રક, 1946માં ‘અર્વાચીન કવિતા’ માટે મહીડા પારિતોષિક, ‘યાત્રા’ માટે 1955માં નર્મદ સુવર્ણચંદ્રક મળેલો. 1969માં ‘અવલોકના’ માટે સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક મળેલું. તા. 16-3-1985ના રોજ તેમને ‘પદ્મભૂષણ’ ઍવૉર્ડ એનાયત થયેલો. તા. 2511990ના રોજ ગુજરાત સરકારે ‘શ્રી નરસિંહ મહેતા પુરસ્કાર’ આપી તેમનું સન્માન કરેલું.
શિશુભોગ્ય શબ્દથી માંડી શબ્દબ્રહ્મના સાક્ષાત્કાર સુધી તેમની શબ્દલીલા વિસ્તરેલી છે. અનેક વિચારધારાઓને સાંકળતી તેમની કલમ અને તેમનું ચિત્ત છેવટે શ્રી અરવિંદ અને શ્રી માતાજીના ચરણે ઠરે છે તથા સર્વત્ર શિવમ્ અને સુન્દરમ્નું દર્શન પામે છે. સર્જક સુન્દરમ્ જેમ જેમ સાધક સુન્દરમ્ બનતા જાય છે તેમ તેમ તેઓ વધુ ને વધુ ઊંડા ઊતરીને પણ ઊંચે ઊઠતા જાય છે. સુન્દરમની સર્જક-પ્રતિભા અનેક સ્તરે સક્રિય રહી છે. ગાંધીયુગના જ નહિ, સમગ્ર ગુજરાતી સાહિત્યમાં પ્રથમ પંક્તિના, મોટા ગજાના કવિ, વાર્તાકાર અને વિવેચક તરીકે તેઓ પ્રતિષ્ઠિત છે.
{{સ-મ|||—'''શ્રદ્ધા ત્રિવેદી'''<br>[https://gujarativishwakosh.org/સુન્દરમ્/ ‘ગુજરાતી વિશ્વકોશ’માંથી સાભાર]}}<br>
{{Poem2Close}}
{{HeaderNav2
{{HeaderNav2
|next = એકાંશ દે
|previous = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ
|next = કાવ્યમંગલા-થોડી પૂર્વકથા
}}
}}
17,611

edits