The Alchemist

‘એકત્ર' સંકલિત શ્રેણી

Granthsar-logo.jpg

વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ



The Alchemist - Book Cover.jpg


The Alchemist

Paulo Coelho
Unveil your Personal Legend: The Alchemist’s journey of Dreams, Destiny and Timeless Wisdom.
રસાયણશાસ્ત્રી
પાઉલો કોએલ્હો
તમારા વ્યક્તિત્વની આંતરિક તાકાતને ઓળખો : સ્વપ્ન, ભાગ્ય અને કાલાતીત પ્રજ્ઞા તરફની Alchemist - રસાયણશાસ્ત્રીની યાત્રા.

ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન
અનુવાદ: ડૉ. ચૈતન્ય દેસાઈ

લેખક પરિચય :

પાઉલો કોએલ્હો ૨૪ ઑગસ્ટ, ૧૯૪૭ના રોજ જન્મેલા, બ્રાઝિલના નવલકથાકાર અને કવિ છે. એમનાં પ્રેરણાત્મક લખાણો તત્ત્વજ્ઞાન સભર વિષયવસ્તુઓ—ભાગ્ય, આધ્યાત્મિકતા, વ્યક્તિગત સ્વપ્નની પૂર્તિ વગેરેની સુંદર રજૂઆત કરે છે, જેથી એમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી છે. ‘Brida’, ‘Veronica Decides to Die’, ‘The Pilgrimage’ એમનાં અન્ય પુસ્તકો છે.

પ્રસ્તાવના :

૧૯૮૮માં, બ્રાઝિલીયન લેખક પાઉલો કોએલ્હોની કલમે અવતરેલી નવલકથા The Alchemist (રસાયણશાસ્ત્રી), એન્ડલુસિયાના એક યુવાન ભરવાડની મનમોહક વાર્તા લઈને આવે છે. આ ભરવાડ એટલે કે ગોપાલક જુવાનિયાને ઈજિપ્તના પિરામીડમાં છૂપાયેલા ખજાના વિશે અવારનવાર સ્વપ્નાં આવ્યા કરતાં, તેથી તે ઈજિપ્તની યાત્રાએ ઉપડે છે અને માર્ગમાં જાતજાતના અવનવા પડકારોનો સામનો કરતો જાય છે, પણ દરેક પડકારાત્મક અનુભવ એને જિંદગીનો મૂલ્યવાન પાઠ શીખવતો જાય છે. ૧૩મી સદીની એક લોકકથાથી પ્રેરિત આ નવલકથા, પોતાનાં સ્વપ્નને અનુસરવાં, પોતાના ભાગ્યને જગાડવાં, અને પ્રેમની પ્રકૃતિને સમજવા જેવાં વિષયવસ્તુઓનું ખેડાણ કરે છે. મૂળભૂત રીતે તો પોર્ટુગીઝ ભાષામાં લખાયેલી Alchemist, ૧૯૮૮માં પ્રકાશિત થયા પછી, બહુ ઝડપથી જગતમાં સનસનાટી ફેલાવી દેનારી નીવડે છે. લેખકે એટલી સુંદર રૂપકાત્મક અને રસિક વાર્તાગૂંથણી કરી છે કે આખી દુનિયાના વાચકોને પોતાની આંતરિક ક્ષમતા, પોતાનું નસીબ અને જીવનના સાચા હેતુની શોધ કરવા પ્રેરી રહી છે. એની જકડી રાખનારી વર્ણનકળા, ફિલોસોફીકલ આંતરદૃષ્ટિ અને શાશ્વત પ્રજ્ઞાએ લોકોનાં દિલ જીતી લીધાં છે અને આ નવલકથાને પસંદગીની બેસ્ટસેલર બનાવી દીધી છે. એટલું જ નહિ, વાચકોએ એમાંથી પોતાના જીવનને ઉન્નત કરવાનો, અરમાનોને આકાર આપવાનો પ્રયાસ પણ કર્યો છે.

આમાં મારા રસનું શું છે?

જાણે કોઈક ભેદી કોયડાને ઉકેલતી, પાઉલો કોએલ્હોની આ નવલકથા તમને તમારા વ્યક્તિત્વની રૂપાંતરકારી યાત્રાએ ઉપડવા ઉત્સાહપ્રેરક છે. તમે જુઓ તો ખરા, કે જેની ૬૫ મિલિયન નકલો, ૮૦ ભાષાઓનાં અનુદિત થઈને, વેચાઈ ગઈ છે, તેવી આ સમકાલીન સાહિત્ય કૃતિમાં મને રસ પડે તેવું તો ઘણું બધું છે. તદ્દન સાદી લાગતી એની વાર્તા દ્વારા કહેવાયેલી વાત જીવનનાં ઊંડાં રહસ્યો ને સત્યોને આપણી સામે પ્રગટ કરી આપે છે. આપણને હૃદયસ્પર્શી રીતે સ્વ-ખોજ કે સ્વ-ની ઓળખ પામવા ઉદ્યત કરે એ કાંઈ જેવી તેવી વાત છે? એનો કથાનાયક, પેલો એન્ડલુસિયન ગોપાલક, પિરામીડના ખજાનાના ખતરનાક રસ્તાઓ શોધવાના એના સ્વપ્નને સાકાર કરવાનો પડકાર ઉઠાવે છે. સફળતાની સામાજિક અપેક્ષાઓને અતિક્રમી જાય છે. વાર્તાનું ખરું આકર્ષણ કે ચુંબક તો એના શક્તિવર્ધક સંદેશામાં રહેલું છે કે – તમે તમારી અંતરતમ ઊંડી ઈચ્છાઓને ખોદીને બહાર કાઢો અને તેને અનુસરવા, સફળતાના ઉપરચોટિયા પ્રયાસોને ખંખેરી, દૃઢ આત્મવિશ્વાસ અને ઉરના ઉમંગથી પ્રયત્નશીલ થાઓ. ‘ઍલકેમિસ્ટ’ના હાર્દમાં તો માણસની વ્યક્તિગત એજન્સી, એના ભાગ્યને શોધવાની એની ક્ષમતા, એમાં આધ્યાત્મિકતાની મદદ જેવી વજનદાર વિભાવનાઓ રહેલી છે. છતાં લેખકે એને વિચારતા અને આચરતા કરી મૂકે એવી રસપ્રદ શૈલીમાં રજૂ કરી છે. લેખક કોએલ્હો, એક કુશળ ખલાસીની જેમ, ઊંડા વિચાર-સાગરની આપણને યાત્રા કરાવે છે અને વાચકને પોતાના જીવનપંથ વિશે તથા સ્વની ઓળખ વિશે પ્રશ્ન કરતા જાય છે. તમને થશે કે આ તો તત્ત્વજ્ઞાનવાળું ભારેખમ અને શુષ્ક વાચન હશે. પણ ના, એવું નથી, એમાં એક પ્રેમકહાની પણ છે જે પરંપરાઓની પરવા ન કરતાં, શુદ્ધ પ્રેમની તાકાતની ધાર કાઢી બતાવે છે. ચીલાચાલુ રોમાન્સના ખ્યાલને પણ પડકારે છે. આ ઉપરાંત આ નવલકથા, કેટલાંક ઊંડાં શાશ્વત સત્યોને ખૂબ સરળતાથી રજૂ કરે છે. વાર્તામાં રહેલાં પ્રતીકો, તેના ગર્ભિત અર્થો, પ્રેરક વ્યક્તિગત અર્થઘટનો અને આત્મનિરીક્ષણ ઈત્યાદિને વાચકો સમક્ષ રજૂ કર્યા છે. આ નવલકથાને પ્રકરણવાર જોતા જઈએ તો એનો રહસ્યાત્મક પ્રતીક્વાદ ધીમે ધીમે ખૂલતો જાય છે અને તેની ચિરસ્થાયી અપીલ અને છાપ વાચકના મનમાં કંડારાતી જાય છે. અને જેવા તમે એની કાલાતીત પ્રજ્ઞામાં ડૂબતા જાવ, તેવા તમને તમારી જીવનયાત્રામાં ઉપયોગી એવી મૂલ્યવાન આંતરદૃષ્ટિ સાંપડતી જાય છે. તો તૈયાર થઈ જાવ, વાચકો, એવી યાત્રાના પ્રદેશ માટે, જ્યાં તમે સ્વપ્નના સુરાગ શોધશો, ભાવિને સાકાર કરશો અને માનવીની અસાધારણ આત્મિક શક્તિનાં દર્શન કરશો. એનાં મનમોહક વર્ણનોમાં છૂપાયેલા જાદુ અને પ્રજ્ઞાનાં દ્વાર ખૂલવા માટે ‘રસાયણશાસ્ત્રી’ તમારી રાહ જુએ છે.

આપણાં અળવીતરાં અરમાનો, તોફાની તુક્કાઓ અને વંઠેલી વૃત્તિઓનાં દ્વાર સ્વપ્નમાં જ તો ખૂલે છે અને તે આપણને સંબંધિત સાહસ તરફ દોરી જાય છે.

આપણી ઊંડી ધરબાયેલી અતૃપ્ત ઈચ્છાઓનું તાળું સ્વપ્ન નામની ચાવીથી ખૂલે છે અને તે અર્થપૂર્ણ જીવન અને સંતૃપ્તિ તરફ જવાનો માર્ગ તૈયાર કરે છે. જુઓ, આવું એક સ્વપ્નચિત્ર કલ્પો : ૧૯૮૮નું વર્ષ છે...અને તમે, પાઉલો કોએલ્હોની કાલાતીત નવલકથાના નાયક એવા જંતરવાળા જુવાન ગોપાલક સેન્ટીયાગોની સાથોસાથ એક અકલ્પનીય સાહસ ખેડવા તૈયાર થઈ જાઓ, પહેલી નજરે તો આ એક સાદી વાર્તા લાગે કે અહીં એક યુવાન ખજાનાની શોધમાં નીકળે છે, પણ આ સપાટી પરની વાર્તાનાં ઊંડાણમાં ઘણું બધું છે. સેન્ટીયાગોને બાળપણથી જ ગુપ્ત ખજાનાનાં અને તેની ખોજનાં સ્વપ્નો અવારનવાર આવતાં રહ્યાં છે. અને તેનો આ નવલ-વર્ણનમાં ખાસ્સો ફાળો છે. તેની સાથે માણસનું ભાગ્ય, શુકન-અપશુકન અને રસાયણશાસ્ત્રની રહસ્યાત્મક કક્ષા પણ ગૂંથાતી જાય છે. ટૂંકમાં, વાર્તાનો આરંભ અને અંત બંને સ્વપ્નથી થાય છે, સ્વપ્નની ઊંડી અસર રહે છે. ચાલો, સેન્ટીયાગોના સ્વપ્ન-સાગરમાં ઝંપલાવીએ. શ્વાસ થંભાવી દે તેવા સ્પેનિશ ગ્રામ્યપ્રદેશમાં, આપણો ગોપાલક નાયક સેન્ટીયાગો ઢોર ચરાવીને થાક્યો, પછી એક જૂના, ખખડધજ ચર્ચમાં આશરો શોધે છે. ચર્ચની નીચે એક સમયમાં એક જાદૂઈ ભવ્ય વૃક્ષ સાયકેમોરનાં મૂળ ગયાં હતાં, એ ઝાડની નીચે સેન્ટીયાગો ઊંડી ઊંઘમાં પોઢી ગયો. બસ, ત્યારે જાદુ શરૂ થયો - એને સ્વપ્ન શરૂ થયું—એક દેવદૂત જેવા બાળકે એનો હાથ પકડી લીધો અને એને ઈજીપ્તના ભવ્ય પીરામીડ પ્રદેશમાં લઈ ગયો, જે સેન્ટીયાગોએ કદી જોયો નહોતો. ત્યાં જઈને બાળકે એક મનમોહક રહસ્ય જાહેર કર્યું : ‘આ પીરામીડોમાં અકલ્પનીય ખજાનો છૂપાયો છે....’ પણ કા...શ, બાળક એની ચોક્કસ જગ્યા બતાવે તે પહેલાં સ્વપ્ન તૂટી ગયું, નાયક જાગી ગયો. પણ એટલું તો નક્કી કે સ્વપ્નમાં કોઈક ઊંડો રહસ્યાત્મક સંદેશ હતો. એટલે તો સેન્ટીયાગો એક જ્યોતિષ પાસે ગયો. એનું સ્વપ્નનું અર્થઘટન ખૂબ સરળ હતું કે સેન્ટીયાગોએ તે છૂપા ખજાનાની શોધમાં ઈજીપ્તની યાત્રાએ નીકળી પડવું. પણ સાથોસાથ એ ભવિષ્યવેત્તાએ એક મૂલ્યવાન પાઠ પણ શીખવ્યો :- ‘જીવનનાં ઘણાં અસામાન્ય સત્યો, ઘણીવાર બિલકુલ સામાન્ય બાબતોમાં છૂપાયેલાં હોય છે અને આપણામાં જે સૌથી વધુ શાણપણવાળા હોય તે એનો અર્થ પામી શકે છે.’ તો આ સ્વપ્ન અને જ્યોતિષથી પ્રેરાઈને, મુક્ત રીતે યાત્રા કરવાની જીવનભરની ઈચ્છા પૂરી કરવા સેન્ટીયાગો એનાં ઘેટાં-બકરાં વેચીને ઈજીપ્ત જવા નીકળે છે. રસ્તામાં એને ઘણા પડકારો અને માર્ગાંતરણોનો સામનો કરવાનો આવ્યો - પ્રેમ, સંપત્તિ, સંઘર્ષ અને મુશ્કેલીઓ જેવાં પ્રલોભનો એને માર્ગચ્યૂત કરવા તૈયાર હતાં...તોયે, સેન્ટીયાગો એના મિશન ટ્રેઝર હંટમાં અડગ રહ્યો, એનાં તન-મનનું ચાલક બળ એવું સ્વપ્ન એને દોરતું રહ્યું, અને એ દોડતો રહ્યો - આફ્રિકાનાં રમ્ય પ્રકૃતિદૃશ્યો વચ્ચેથી અને બીજા પ્રદેશોમાંથી. રસ્તામાં એને એક શાણો રસાયણશાસ્ત્રી ભેટી ગયો, તેણે સેન્ટીયાગોને ‘વિશ્વાત્મા’ની વિભાવના સમજાવી. કે બધાં આપણે સજીવો–નિર્જીવો એક પ્રકારના આધ્યાત્મિક સત્વના સેતુથી જોડાયેલા જ છીએ. સેન્ટીયાગો શીખ્યો કે સ્વપ્નના માધ્યમથી એ વિશ્વાત્મા આપણી જોડે પ્રત્યાયન કરે છે, અને આપણને આપણા ભાવિ તરફ જવાનું માર્ગદર્શન આપે છે. પરંતુ આપણે સેન્ટીયાગોનું પ્રથમ સ્વપ્ન ભૂલવાનું નથી, જેમાં પેલા દેવદૂત જેવા બાળકે અને ઈજીપ્તની સાહસયાત્રાએ ગોઠવી આપ્યો હતો. નાયક જેવો પીરામીડ પાસે પહોંચ્યો કે તરત એના નસીબે કંઈક નવી ચાલ ગોઠવી. ત્યાં એને બે યુવાનો મળ્યા, જેમણે સેન્ટીયાગોને ખજાનાનો સંગ્રાહક માની લેવાની ભૂલ કરી અને એના ઉપર હુમલો કર્યો. જો કે ઘટના સંભાળતાં, સેન્ટીયાગોએ સ્પષ્ટતા કરી કે એ તો એના સ્વપ્નને લઈને ત્યાં ખજાનો ખોળવા આવ્યો છે. પેલા બે યુવાનોએ તેના સ્વપ્નની મજાક કરી, અને પોતાને પણ અવારનવાર આવતા સ્વપ્નની વાત શેર કરી :- કે ભાઈ, આ તરફ કોઈ સાઈકેમોર ઝાડ પાસે આવેલા જૂના-પુરાણા ચર્ચ પાસે ખજાનો મળે એમ છે. એટલે સેન્ટીયાગો ચમક્યો... એણે ત્યાં જ તો આશરો લીધો હતો, એ તો એની જાણીતી જગ્યા હતી. નસીબે વળાંક લેવડાવ્યો. એ તો પેલા બેને છોડીને પાછો ચર્ચ પાસે પહોંચ્યો અને ખોદીને ખજાનો મેળવ્યો. પેલા જીપ્સી જુવાનિયાઓનું સ્વપ્ન સેન્ટીયાગોને ફળ્યું. તેમની શાણી સલાહ સાચી પડી કે, ‘ખજાના તરફ જવાનો માર્ગ સરળ અને જાણીતો જ હશે, બસ, તારે તેને શોધવા અસાધારણ સાહસયાત્રાએ નીકળવું પડશે.’ તેથી, મારા યુવાન વાચક સાહસિકો, સેન્ટીયાગોની સ્વપ્નકથાથી સંમોહિત થવા તૈયાર થઈ જાવ. તમારે પણ તમારા સ્વ-ની ખોજ કરવાની છે. તમારી ગહનતમ ધરબાયેલી ઈચ્છાઓને અનુસરવાનું છે, એ માટે અસાધારણ હિંમત પણ જોઈશે, ભાઈ! તો વાર્તામાં ને વાર્તામાં, આવાં ઉપયોગી જીવનમાર્ગદર્શન આપતી નાયકની સ્વપ્નયાત્રામાં આગળ વધીએ. નવલનાં આગળનાં પાનાં ફેરવીએ.

આપણા દરેકના ઉપર બ્રહ્માંડમાંથી અનોખી વ્યક્તિગત ઊર્જા વરસતી રહેતી હોય છે, જે આપણને આપણી વિશિષ્ટ જીવનયાત્રામાં દોરતી રહે છે.

આ Alchemist નવલકથાનાં આગામી પૃષ્ઠોમાં, Melchizedek નામનો વિશિષ્ટ રાજા અલપઝલપ દેખા દેવાનો છે. તે સેન્ટીયાગો સાથે મહત્ત્વપૂર્ણ વાર્તાલાપ કરશે અને તેના પડઘાં આખી નવલમાં પડઘાશે. રાજાએ કહેલી રહસ્યાત્મક બાબતની ગૂંચ ઉકેલવા તે આખી તેની યાત્રામાં મથામણ કરતો જણાશે. આપણે ‘વિશ્વાત્મા’ની વિભાવનાના છેડા તો મેળવી જોયા, પણ હજી ઘણું પ્રગટીકરણ બાકી છે— સેન્ટીયાગોએ પોતાની ‘વ્યક્તિગત ક્ષમતા’ને શોધવાની બાકી છે. મેલ્ચીઝેડેક રાજાએ કહ્યું તે પ્રમાણે આપણા દરેકનામાં એક Personal Legend - આત્માની ઊંડી તીવ્ર ઈચ્છાની આગ-spark રહેલી હોય છે. પણ તેને ઘણા ઓછા લોકો, વીરલાઓ જ ઓળખી શકે છે, પ્રગટ કરી શકે છે. પણ તેને ઘણા ઓછા લોકો, વીરલાઓ જ ઓળખી શકે છે, પ્રગટ કરી શકે છે. (અબ્દુલ કલામનું Wings Of Fire –અગનપંખ - આ જ વાત કરે છે ને?) એ આંતર જ્યોતિનો લાભ આપણે જવલ્લે જ લઈએ છીએ. વ્યક્તિ યુવાન હોય ત્યારે એનો આ આંતર ઊર્જાધોધ પ્રબળ હોય છે, તેની સ્પષ્ટતા પણ તેને દેખાયા કરે છે, કે હું આમ કરીશ, આ મેળવીશ વગેરે. પરંતુ ઉંમર વધતાંની સાથે એ ઉમંગ ઊભરો ઓછો થતો જાય છે. સ્વપ્નને સાકાર કરવાનું કૌવત ને કરામત કરમાતાં જાય છે. તેમાં વળી આજુબાજુનો સમાજ, પરિજન, પરિસ્થિતિ તમારા પ્રાણ-પુરુષાર્થને પાછળ પાડતાં જણાય છે કે, ભાઈ, તારાં આવાં ઊંચાં અરમાન અવાસ્તવિક છે, એને તું છોડ, ઘેલો થા મા, એના કરતાં તો સલામત અને સગવડભરી જિંદગી જીવ ને, ભાઈ ! શું કામ આટલા ઉધામા કરે છે? પરંતુ પેલો રાજા મેલ્ચીઝેડેક નાયકના ઉત્સાહ અંગારને સંકોર્યા કરે છે કે કોઈપણ વ્યક્તિ તેની પ્રબળ ઈચ્છાશક્તિની પૂર્તિ કરવાને સક્ષમ હોય છે, ન હોય તો તેને બ્રહ્માંડીય ઊર્જા તેજ અને વેગ આપવા તત્પર જ હોય છે. તે એવાં સોગઠાં ગોઠવે કે તમને તમારી આંતરિક તાકાતનો પરચો મળે અને તમે સફળ થતા જાવ. સેન્ટીયાગોની દિલધડક સાહસયાત્રામાં એના જેવી જ Personal Legend ધરાવતાની બે અન્ય જુવાનિયા મળે છે. પહેલો એક Englishman છે, જેની તીવ્ર ઈચ્છા એક રસાયણશાસ્ત્રી બનવાની છે. તે અને સેન્ટીયાગો બંને, પોતાની આંતરિક ઊર્જાનો જુદી જુદી રીતે ઉપયોગ કરે છે. સેન્ટીયાગો પોતાની આસપાસના બાહ્ય જગતમાંથી અવલોકન કરીને, શીખી-સમજીને આગળ વધે છે, જયારે પેલો અંગ્રેજ પુસ્તકોની–જ્ઞાનની દુનિયામાં ઊંડો ઊતરે છે. આ બંને જણા સાથે યાત્રા કરતા હોવાથી તેમની મૈત્રી વિકસે છે, પણ તેઓ એકબીજાને ચેલેન્જ પણ આપતા રહે છે, કારણ કે બંનેની પદ્ધતિઓ અલગ છે - એકની વ્યવહારુ, વાસ્તવિક અનુભવજન્ય; અને બીજાની પુસ્તકિયા, કાલ્પનિક ! સેન્ટીયાગો પેલા અંગ્રેજને શીખામણ આપે છે કે દોસ્ત, જીવનનું વ્યવહારુ ડહાપણ અને અનુભવ તારા ચોપડાંમાં નથી હોતું. તો વળી પેલો કહે, અરે વ્હાલા મિત્ર, તને વાચન-વિદ્યા-વિચારની ઊંચાઈ ને ઊંડાણની ખબર ન પડે. બીજા વ્યક્તિની મુલાકાત તેને એક રણદ્વીપ ઉપર થઈ. આ રસાયણશાસ્ત્રીએ તેની પોતાની આંતરિક ઊર્જા મુજબનું જીવન ગોઠવ્યું હતું. તેણે આમૂલ પરિવર્તનની કળા હાંસલ કરી હતી. તેણે એક મહત્ત્વપૂર્ણ પદાર્થપાઠ શીખવ્યો કે, ઘણા રસાયણશાસ્ત્રીઓ નિષ્ફળ ગયા છે. કારણ કે તેમણે પોતાની તીવ્ર ઈચ્છાપૂર્તિના માર્ગમાં આવેલાં પ્રલોભનો - ધન, વૈભવ, સોનું, ઝવેરાત ઈત્યાદિને વધુ મહત્ત્વ આપ્યું. એની લાલચમાં સપડાઈ ગયા. અને સાચી આંતરિક ઈચ્છાને બાજુ પર મૂકી દીધી. આમ, રસાયણશાસ્ત્રીના મુખે, વાસ્તવમાં તો લેખક કોએલ્હો જ આપણને બોધ આપે છે કે જે ઉપરછલ્લા ક્ષુલ્લક લાભ અને લોભમાં પડી પોતાની આંતરખોજની અગ્રિમતા ગુમાવી દે છે તેમને આખરે કશું હાથ નથી આવતું. તેથી પેલો રાજા અને રસાયણશાસ્ત્રી બંનેની વાતનો સૂર અને સાર એ જ છે કે તમે તમારા દિલને સાંભળો. માર્ગનાં પ્રલોભનો, વિષયાંતરોમાં ફસાયા વિના, મૂંઝાયા વિના, નિરાશ-હતાશ થયા વિના, તમારી આંતરિક ઊર્જાને સહારે, અંતરમનની ઈચ્છા-અરમાનને પૂરાં કરવા સતત મથતા રહો. વિઘ્નો-વિટંબણા ને પ્રલોભનો આવતાં મનમાં ચિંતા ને ભય વધશે, દિલ એનો વિરોધ કરશે. કામ-ક્રોધ, લોભ-મોહ, વ્યગ્રતા-ઉગ્રતાનાં તોફાન તમારી નાવને ડગમગાવી દેશે ત્યારે રસાયણશાસ્ત્રીનો બોધ યાદ રાખજો કે એ જ તો જીવનનું લક્ષણ અને અનુભવની વાસ્તવિકતા છે, એના વંટોળમાં વહ્યા વિના દિલને જ સાંભળવાનું ચાલુ રાખજો કારણ કે હૃદયનું શાણપણ એકવાર તમે કાને ધરશો પછી એ ક્યારેય અટકતું નથી. એકવાર તો સેન્ટીયાગોને પણ એનું હૃદય કહે છે કે આ Personal Legendને અનુસરવાનું છોડી દે ! ત્યારે શું થાય છે? જો એ સ્વપ્નિલ ખજાનાની શોધમાં જ મંડ્યો રહેશે તો એની સંપત્તિ અને રોમેન્ટીક સંબંધો તો ભયમાં મૂકાઈ જશે... પણ રસાયણશાસ્ત્રીનો પ્રતિભાવ મક્કમ હતો, કે સેન્ટીયાગોએ એના હૃદય સાથે સંવાદ કરવો જોઈએ, તેને ખાત્રી આપતા રહેવું જોઈએ, તેની અવગણના ન કરવી જોઈએ. જો એકવાર એ હૃદયને સાંભળતાં શીખી જશે તો, તે પાછો ફરી શકશે નહિ. આમ સેન્ટીયાગો એના હૃદયના શાણપણને કાને ધરે તો એને સંશયની ક્ષણોમાં તેનું માર્ગદર્શન મળતું રહે. અને જયારે લાંબે ગાળે એ પોતાના હૃદયને એકનિષ્ઠ રહેવાનું કહેવાની હિંમત કરે છે ત્યારે એનું હૃદય મોકળું થાય છે, ખૂલે છે અને વિશ્વાત્માનું ઊંડું શાણપણ પ્રગટ થાય છે.

પ્રેમ એટલે માલિકીભાવ અને નિયંત્રણ નહિ, પણ બે આત્મા વચ્ચેનું પાવન જોડાણ અને છતાં પરસ્પરનું સ્વાતંત્ર્ય.

આ નવલકથા Alchemistનાં ઊંડાં અને વિવિધ અર્થઘટનો વાચકો-વિવેચકોએ કર્યાં છે. પણ એનું હાર્દ જોઈએ તો એ છે : હૃદયને જીતી લેનારી, જકડી રાખનારી પ્રણયકથા... સેન્ટીયાગો અને ફાતિમાની ફરતે વાર્તા ફેરફૂદરડી ફરે છે. એક રણદ્વીપ આશ્રયસ્થાનમાં બંનેના કારવાઁ મળે છે. રસ્તે મળેલી લડતી જાતિઓથી છટકવાં તેઓનાં જૂથ અહીં આશરો લે છે. ફાતિમા ત્યાં એક કૂવે પાણી લેવા આવી છે ત્યારે સેન્ટીયાગોને એની એક મોહક ઝલક મળી જાય છે - અનાયાસ જ ! પછી તો દરરોજ આ નાયક એનાં દર્શન-શ્રવણની પ્રતીક્ષામાં ત્યાં આંટા મારતો થઈ જાય છે. પહેલી નજરે નયન મળ્યાં, હોઠ મળ્યા, હાથ સળવળ્યા અને આખરે હૈયાં પણ અવિભાજ્યરૂપે એક થયાં... કારણ કે બંનેનાં આશા-અરમાનો, સ્વપ્નો એક હતાં. ફાતિમાના પાત્રનો પ્રવેશ કરાવીને લેખક પ્રેમ અને માલિકીભાવ જેવા મુદ્દાઓને ઊંડાણથી સ્પર્શે છે. શું પ્રેમની ખરેખર માલિકી થઈ શકે? હોઈ શકે? અને જો સાચો-દિલનો પ્રેમ ન હોય તો માલિકીભાવ ટકી શકે? સેન્ટીયાગોની સાહસયાત્રા એને હરકદમ એની પ્રિય માલિકીની વસ્તુઓથી વિયોગ કરાવે છે-પહેલાં એનો આજીવિકા-આધાર ઘેટાં વેચી કાઢવા પડ્યાં, સ્પેનથી પૈસા સાથે લઈને ઈજીપ્ત જવા નીકળ્યો તો માર્ગમાં ટેંગીયર્સમાં તેનું ધન ચોરાયું, આગળ ચાલ્યો તો પેલા રસાયણશાસ્ત્રીએ પિરામીડ ખાતે આપેલ સોનું પણ ચોરાઈ ગયું. છતાં, ફાતિમાના દિલ-દ્વારે આવીને હવે ઊભો ત્યારે એને થયું કે શું મારા સ્વપ્નની પૂર્તિ, આંતરિક ઊર્જાની ઉજવણી માટે મારે મારી હૃદય-રાણીને પણ છોડવી પડશે કે? શું ફાતિમાનો પ્રેમસ્પર્શ અને સ્નેહસંગ પણ મારી અંતર્યાત્રાનો એક ભાગ જ નથી કે ? જબરો મૂંઝાયો, સાહસવીર સેન્ટીયાગો ! આ તો પુરુષની મૂંઝવણ થઈ. પરંતુ ફાતિમાનો દૃષ્ટિકોણ જુદો હતો. તે કાંઈ સેન્ટીયાગોના મિશન પિરામીડમાં વિઘ્ન બનવા નહોતી માગતી. એણે તો સેન્ટીયાગોને એની સાહસયાત્રા ચાલુ જ રાખવા વિનંતી કરી. ફાતિમાને પણ હંમેશા એવું સ્વપ્ન આવ્યા કરતું કે એને આ રણમાંથી કોઈક ભવ્ય-અમૂલ્ય ભેટ મળવાની છે-અને સેન્ટીયાગોના સ્વરૂપમાં એને ભેટ જ તો મળી છે એમ એને લાગ્યું છે. તેણે નાયકને ખાત્રી આપી કે – ‘તારું ને મારું સ્વપ્ન એક જ છે, આપણે બંને ભેગા મળી આપણાં સ્વપ્નને સાકાર કરવા મથીશું’ - मिले सूर मेरा-तुम्हारा, तो सूर बने हमारा ! ‘તું તારી સાહસ સફર સફળ કરીને આવજે, હું શાંતિથી-ધીરજથી તારી રાહ જોઇશ.’ રણની નારી તરીકે ફાતિમા સમજતી હતી કે પુરુષોએ તો પોતાનું સાહસ-મિશન આગળ ધપાવવું જ જોઈએ અને પછી જ પાછા ફરવું જોઈએ, પાછા પડ્યા વિના. અને ધારો કે કોઈક કારણસર, તે પાછો ન આવે તો પણ તેમના આત્મા બીજાં સ્વરૂપોમાં પણ મિલન કરી લેશે - પછી તે કોઈ પ્રાણી, રેતીના ઢૂવા, કોઈ પક્ષી કે પ્રાકૃતિક વિશ્વાત્માનું કોઈ અન્ય સ્વરૂપ હોય... સાચો પ્રેમ બે આત્માનું મિલન કરાવનારો જ હોય છે એવી ફાતિમાની પૂર્ણશ્રદ્ધા હતી.... રસાયણશાસ્ત્રીની વાણીમાં પણ ફાતિમાના શાણપણ ને શ્રદ્ધાનો પડઘો છે. જો સેન્ટીયાગો રણદ્વીપમાં જ રહી જાય તો એનો અર્થ એ થાય કે તેને ફાતિમાના પ્રેમમાં શ્રદ્ધા નથી. તો એમ લાગે કે પાછા ફરવામાં એનામાં આત્મવિશ્વાસનો અભાવ છે. એકવાર ફાતિમાને છોડીને આગળ ગયા પછી પાછા આવી એની જોડે વસવાટ કરાય તેમાં જ સેન્ટીયાગોના પ્રેમની પૂર્ણ અભિવ્યક્તિ ગણાય. આ વાર્તા, આમ જુઓ તો પ્રેમના પ્રવેશ અને પ્રસારની જ અભિવ્યક્તિ છે. લેખક આખા બ્રહ્માંડમાં પ્રેમના પ્રસારનું જ સામ્રાજ્ય જુએ છે. અને એનું એક નોંધપાત્ર ઉદાહરણ, સેન્ટીયાગો જયારે ત્યાંના શંકાશીલ રણદ્વીપવાસીઓ સમક્ષ પોતાની રસાયણશાસ્ત્રીય ક્ષમતાઓ-કૌશલ્યોની સફળતા સિદ્ધ કરી બતાવે છે ત્યારે જોવા મળે છે. રસાયણશાસ્ત્રી જાહેરાત કરે છે કે હવે આગામી ત્રણ દિવસમાં સેન્ટીયાગો પોતાને પવનમાં રૂપાંતરિત કરી શકવાની ક્ષમતા(જાદુ) સાબિત કરશે. પણ બિચારા સેન્ટીયાગોને તો ખબર નથી કે આવું તે કઈ રીતે કરી શકશે. તેમ છતાં, તેણે વિશ્વાત્માની ભાષા શીખી લીધેલી હોય છે. તે રણને વિનંતી પ્રાર્થે છે કે મને પવનમાં પલટાવી દેવામાં આવે ! જેથી પોતે પવન કે વંટોળના સ્વરૂપમાં પોતાની પ્રિયતમા ફાતિમા પાસે પહોંચીને પોતાનો પ્રેમ સાબિત કરી શકે... રણ કહે છે કે, હું તો એમ કરી શકું એમ નથી, તું રેતીને વાત કરી જો... રેતી બોલી, ‘સેન્ટીયાગો, આ માટે તું સૂર્યને વાત કર.’ આમ પ્રકૃત્તિનાં તત્ત્વોએ એકબીજાને ખો આપ્યા કરી. તો પણ સેન્ટીયાગોએ એ બધાં પ્રત્યે પોતાનો પ્રેમાદર ન ગુમાવ્યો, પોતાની જેમ એ બધાં પણ પોતપોતાની યાત્રામાં પ્રવૃત્ત હતાં આથી સેન્ટીયાગો એ બધાં સાથે સહયાત્રી તરીકે જોડાઈ ગયો, એક બની ગયો. પરંતુ તેથી કાંઈ તે પવનમાં રૂપાંતરિત તરત તો ન બની શક્યો. છતાં,રણ, રેતી, પવન, સૂર્ય બધાં તેની વિનમ્ર-પ્રેમાળ ભાષાથી પ્રભાવિત થયાં. એ બધાંએ સાથે મળીને રણમાં નાટ્યાત્મક પવનનું સર્જન કર્યું અને એ અસાધારણ ક્ષણે સેન્ટીયાગો ખરેખર એક રસાયણશાસ્ત્રી બની ગયો.

થા તું જ તારો ભાગ્યનિર્માતા.
આપણા ઘડવૈયા બાંધવ આપણે.
તારા પોતાના શૌર્ય ને સાહસથી જ તારે તારું
ભાવિ ઘડવાનું ને જીતવાનું છે.

આપણો રસાયણશાસ્ત્રી ભાગ્ય અને પસંદગી વચ્ચેના અદમ્ય સંઘર્ષમાં ફસાયો છે તેથી એનું ટેન્શન દરેક પાને પ્રસરે છે. કથાનાયકનો આ ફીલોસોફીકલ સંગ્રામ છે-માનવજાતનો મહાપ્રશ્ન છે કે જો આપણો જીવનમાર્ગ બ્રહ્માંડે કે બ્રહ્માજીએ, ભાગ્યે કે નસીબે જ પહેલેથી દોરી રાખેલો હોય તો આપણે તેના ધ્યેય સુધી પહોંચવા, શા માટે આટલાં બધાં હવાતિયાં મારવાં ને હાથપગ પછાડવાં? અને તેમ કરતાં પણ જો નિષ્ફળતાને વરીએ તો તેનો દોષનો ટોપલો ભાગ્ય-નસીબને માથે જ ઢોળવો જોઈએ ને? આપણે માથે શું કામ લેવો? આવી અસમંજસ ને ગડમથલમાં ઘસડાતો સેન્ટીયાગો તેની સાહસયાત્રામાં આગળ ચાલે છે. એને કંઈક દિશાસૂચક દર્શન થાય તે પૂર્વે, ચાલો આપણે નવલકથાના બીજા એક મહત્ત્વપૂર્ણ વિષયવસ્તુને જોઈ લઈએ. તે છે - Omens...શુકન! આ નવલકથામાં, Omens - શુકન એ બ્રહ્માંડીય રોડ સાઈન જેવાં છે, જે આપણું ધ્યાન ખેંચે છે. એને તમે વૈશ્વિક ગુંજારવ પણ કહી શકો, જેમાં ઊંડો અર્થ છૂપાયેલો હોય અને જે આપણને ભાવિની ઝાંખી કરાવી શકે, આપણે માટે નિર્માયેલા માર્ગનું દર્શન-માર્ગદર્શન કરાવી શકે. આ વાર્તાના વસ્ત્રમાં શુકનના તાણાવાણા ગૂંથાયેલા છે. સેન્ટીયાગોની સાહસયાત્રાના પ્રારંભે, રાજા મેલ્ચીઝેડેક એને બે જાદુઈ પત્થર આપે છે. જે એને શુકનનાં અર્થઘટનની ક્ષમતા બક્ષે છે. જયારે સેન્ટીયાગો અંતે પિરામીડ પાસે પહોંચે છે ત્યારે એક સ્કાર્બ બીટલ(ભમરો) એને ગુંજારવ કરતો કરતો રસ્તો બતાવતો ખજાના સુધી દોરી જાય છે. આ ઉપરાંત, બીજું એક અગત્યનું શુકન એને બે બાજ પક્ષીઓના રૂપમાં દેખાય છે, તેઓ હવામાં લડતાં લડતાં લૉંક થઈ ગયાં છે. આ એક આવનારી વિકટ પરિસ્થિતિનું સૂચક રૂપક છે. ખરેખર, સેન્ટીયાગો અને તેનો કારવાઁ જ્યાં રોકવાનો છે ત્યાં રણની જનજાતિ ક્રોધપૂર્ણ હુમલો કરશે. એમની વચ્ચે તુમુલ સંઘર્ષ થશે, પેલાં બે લડતાં બાજપક્ષીની જેમ. અને સાચે જ આવું થાય પણ છે. આવાં રૂપકસમાં શુકનો અથવા ભાવિનાં દર્શનો, જાણે સેન્ટીયાગો સામે કંઈક કાવતરાં કરી રહ્યાં હોય, એને એના ભાગ્ય તરફ ધકેલી રહ્યાં હોય તેવું લાગે છે. આ ઉપરાંત, સેન્ટીયાગોની યાત્રાની મહત્ત્વપૂર્ણ ક્ષણોએ maktub....maktub આવો શબ્દપ્રયોગ અવારનવાર થતો રહ્યો છે, જેનો અર્થ છે... ‘એ તો લખાયેલું છે.’ એટલે કે ‘ભવિષ્યમાં આવું તો થવાનું છે.’ છતાં, જો આપણું ભાગ્ય પૂર્વનિર્ધારિત જ હોય તો પછી આપણે આપણાં સ્વપ્ન સાકાર કરવા, આંતરિક ક્ષમતા વિકસાવવા, શા માટે આટલી બધી હાયવોય કે મહેનત મથામણ કરવી જોઈએ? શા માટે ઘણા બધા માણસો તેમની આવી મથામણમાં નિષ્ફળ પણ જાય છે? તો શું એનો અર્થ એમ માનવો કે માનવે હાથ જોડીને ભાગ્યને ભરોસે બેસી જ રહેવું? કાંઈ કરવાનું નથી, જે થવાનું છે - લખાયેલું છે તે જ થવાનું છે. આવું વલણ રાખવું જોઈએ કે કેમ? ચાલો, હવે આપણે ઊંટચાલક પાસે પાછા ફરીએ. બાજ પક્ષીનાં શુકન જોયા પછી સેન્ટીયાગોએ તેની વાત ઊંટસવારને કરી. એ તો રણનો અનુભવી ઊંટવાળો હતો. એણે પોતાની વાત રજૂ કરતાં આવા ઘણા રણવીરોને જોયા હતા. છતાં, આની પાસેથી એને શાશ્વત સત્ય જાણવા મળ્યું :- ‘માત્ર ભગવાન જ આપણું ભાગ્ય જાણે છે. બાકી ભવિષ્યવેત્તા કે જ્યોતિષો, અનુમાનકારો તો ચાલાક ધારણાઓ દ્વારા આપણા ભાગ્યના, અમુક તમુક અંશો જ રજૂ કરતા હોય છે.’ આવા પ્રગટીકરણમાં સેન્ટીયાગોને ઊંડું રહસ્ય જણાયું. ‘આપણી આસપાસ જોવા મળતાં આવાં શુકનો કે ભાવલક્ષણો તરફ સારું ધ્યાન આપીએ તો તે આપણને આપણું વર્તમાન સુધારવા અને ભાવિ ઘડવાની શક્તિ આપે છે.’ આનો સાર એટલો જ કે, આપણા નિર્ધારિત ભાવિમાર્ગને ખોલવાની ચાવી, વર્તમાનને સતર્ક સજાગતાથી ભેટવામાં રહેલી છે.’

ઉપસંહાર :

The Alchemist, આ નવલકથામાં સાહસ, આધ્યાત્મિકતા, સ્વની ખોજની સાથેસાથે જીવનયાત્રાનાં માર્ગદર્શક તાત્ત્વિક સૂત્રો સરસ રીતે ગૂંથાયેલાં છે. સેન્ટીયાગોની સાહસયાત્રા એ તો ‘માનવીની જીવન-હેતુ અને સાર્થકતાની સંતોષપ્રદ શોધ’નું રૂપક માત્ર છે. એના વિવિધ અનુભવો અને પાત્રોમાંથી વાચકોને પોતાના જીવન તરફ જોવાની, વિચારવાની અને પોતાનાં સ્વપ્નોને અનુસરવાની પ્રેરણા અને ઉત્સાહ સાંપડે છે.

અવતરણક્ષમ વિધાનો :

૧. ‘જયારે તમે કંઈક ખરા દિલથી પ્રાપ્ત કરવા માગો છો, ત્યારે પૂરું બ્રહ્માંડ તમને મદદ કરવા તત્પર હોય છે.’
૨. ‘તમારા કોઈક સ્વપ્નને સાકાર કરવાની સંભાવના જ તમારા જીવનને રસિક બનાવે છે.’
૩. ‘તમારા દિલને કહેતા રહો કે યાતના, વેદના કે દુઃખનો ડર, વાસ્તવિક દુઃખ કરતાં વધુ ખરાબ હોય છે.’ (માટે જ ડર કે આગે જીત હૈ.)
૪. ‘જીવનનાં સાદાં સત્યો અને સરળ વસ્તુઓ જ ઘણી અસાધારણ હોય છે અને શાણા માણસો જ તેને જોઈ, સમજી શકતા હોય છે.’

આવાં અવતરણોમાં આ પુસ્તકનું હાર્દ રહેલું છે, જે સ્વપ્નની શક્તિ, ડરને જીતવાનું મહત્ત્વ અને સાદગીમાં રહેલું સૌંદર્ય વાચકને સમજાવે છે.