બે હજાર ચોવીસ સમક્ષ/મીરાંનું મહાભિનિષ્ક્રમણ – અવનિ દેસાઈ જરીવાલા
નવલકથા
કીર્તિદા શાહ
નંદવાયેલી પ્રેમકથા અને એના પ્રતિકારથી પરોઢ
ગુજરાતી કથાત્મક સાહિત્યમાં લઘુનવલનો ઇતિહાસ ઊજળો છે. સુરેશ જોષી, શ્રીકાંત શાહ, મધુ રાય, ધીરેન્દ્ર મહેતા, ધીરુબેન પટેલ, વીનેશ અંતાણી એમ ઘણાં સર્જકોનાં નામ સ્મરણમાં આવે છે. વર્તમાન સમયમાં નવી પેઢીની કલમોને પણ આ સ્વરૂપમાં રસ પડ્યો છે.
નવી પેઢીનાં એ સર્જકોમાં અવની દેસાઈ જરીવાલાની લઘુનવલ ‘મીરાંનું મહાભિનિષ્ક્રમણ’ વિશે થોડાં નિરીક્ષણ અહીં મૂકવાં છે. મૂળ રચનામાં પ્રવેશીએ તે પહેલાં એક વાત નોંધવી છે કે સામાન્ય રીતે કથાસાહિત્ય હોય કે કવિતા હોય પણ પ્રેમ-સ્નેહનો સંદર્ભ રચનામાં કોઈને કોઈ રીતે ગૂંથાયેલો, વણાયેલો હોય છે. એમાંય જો પ્રણયત્રિકોણ હોય તો સર્જક અને વાચક બંનેને વધારે રસ પડે છે. એટલે આ વિષય સંખ્યાબંધ કૃતિઓમાં આવ્યો છે અને આવતો રહેશે. પરંતુ મને હંમેશાં એમ લાગ્યું છે કે સર્જકે પસંદ કરેલો વિષય એટલો મહત્ત્વનો નથી જેટલી એની કલાત્મક રજૂઆત. એટલે કે સર્જક વિષયનું શું અને કેવું ગૂંફન કરે છે ને એ કરવામાં એ કઈ પ્રયુક્તિઓનો ઉપયોગ કરીને ભાવકને રસની અનુભૂતિ કરાવે છે એનો મહિમા વધારે છે.
કળાત્મક અભિવ્યક્તિનો સંદર્ભ સાથે રાખીને આ લઘુનવલકથાનાં રસસ્થાનો જોઈએ. કૃતિમાં મુખ્ય ત્રણ પાત્રો છે. કથાનાયિકા મીરાં જે અત્યંત પ્રેમાળ, સરળ સ્વભાવની સાથે સ્વમાની અને વિચારશીલ છે. સાથે બે પુરુષપાત્રો છે. એક, કથાના મધ્યભાગ સુધી કેન્દ્રમાં રહેતો આકર્ષક પણ જિદ્દી, અડિયલ, સ્વકેન્દ્રી મીરાંનો પ્રથમ પ્રેમી અભિષેક. બીજો સ્ત્રીઓને માનસન્માન આપનારો, સ્વસ્થ વિચારસરણી અને નૈતિકતા ધરાવતો દેખાવે સામાન્ય પણ બુદ્ધિશાળી પુરુષ છે. આ ત્રણ પાત્રોના પ્રેમસંબંધની આસપાસ કથાગૂંથણી થઈ છે. એટલેકે કથામાં પ્રણયત્રિકોણ રચાયો છે. મીરાં એના પ્રથમ પ્રેમી અભિષેકને એના વિચિત્ર સ્વભાવને કારણે એના હૃદયમાંથી કાઢવા સતત મથે છે ને એને સ્થાને અર્જુનને પોતાની અંદર સમાવી લેવા હિંમત કરે છે એટલે કે નંદવાયેલા પ્રેમનો પ્રતિકાર કરવાની મથામણ અને એમાં સફળતા, કથાનાયિકા મીરાંનો આ માનસસંઘર્ષ કૃતિમાં આલેખાયો છે. કથાના આરંભમાં લેખિકા ‘વર્તમાન’ શીર્ષક હેઠળ એકદમ લાઘવથી કથાનાયિકાના વર્તમાનની જાણકારી આપે છે. વાચકને માહિતી મળે છે કે કથાનાયિકા મીરાં દવાખાનામાં દાખલ થયેલી છે પણ શા માટે? એનું કુતૂહલ અકબંધ રાખીને લેખિકા તરત મીરાંના ભૂતકાળ તરફ વાચકને લઈ જાય છે. આ ભૂતકાળમાં બનેલી ઘટનાઓનું આલેખન રચનાનાં કુલ ૧૨૫ પૃષ્ઠોમાંથી ૧૦૦ પૃષ્ઠો સુધી વિસ્તરે છે. જેમાં મીરાંનો કૉલેજકાળ, કૉલેજમાં અભ્યાસ દરમિયાન અભિષેક સાથેની મૈત્રી, મૈત્રીસંબંધનું પ્રેમસંબંધમાં પરિવર્તન, વારંવાર અભિષેક સાથે થતી મુલાકાત, મુલાકાત દરમિયાન મીરાંને અભિષેકની સાચી ઓળખ થવી, એને કારણે એના પ્રત્યેનું આકર્ષણ ઘટવું, કૉલેજમાં સાથે અભ્યાસ કરતા યુવક અર્જુનનું મીરાંને અચાનક મળવું, મીરાં પર અર્જુનના ઉમદા વ્યક્તિત્વનો પ્રભાવ પડવો વગેરે ઘટનાઓ આલેખાઈ છે. વારંવાર યોજાતી પાત્રોની મુલાકાતમાં એમની ભાષાભિવ્યક્તિની વિવિધ તરેહો અને એમના વર્તનની રજૂઆત દ્વારા લેખક પાત્રોનો જીવન પ્રત્યેનો અભિગમ રજૂ કરે છે. જીવનમાં લક્ષ્મી કરતાં પ્રેમ અને નૈતિકતાની હિમાયત કરનારી સ્ત્રી મીરાં દૃઢપણે માને છે કે માત્ર શારીરિક સંબંધ જ પ્રેમમાં સર્વસ્વ નથી. મીરાંની આ વિચારસરણી અભિષેકને સહેજપણ સ્વીકાર્ય નથી. મીરાં અભિષેકનો ગુસ્સો, જિદ્દીપણું વગેરે બધું સ્વીકારી લે છે પરંતુ લગ્નપૂર્વેના શરીરસંબંધનો વિરોધ કરે છે ને અભિષેક એના વિના રહી શકતો નથી. અભિષેક માને છે કે શારીરિક સંબંધ પણ પ્રેમનો જ એક ભાગ છે. આમ નૈતિકતા અને પ્રેમ આ રચનાના સંઘર્ષનું કેન્દ્ર છે જે મીરાંનું મહાભિનિષ્ક્રમણ છે. પોતાની શરતો સાથે અભિષેક મીરાંને ચાહતો હતો પણ અભિષેકનાં અનૈતિક વર્તન-વ્યવહાર મીરાંને એનાથી વિમુખ કરતાં રહે છે. મીરાં એનાથી છૂટવા સતત પ્રયત્ન કરે છે. એને શોભાની પૂતળી બની રહેવું નથી. પ્રથમ પ્રેમ અને નૈતિકતા વચ્ચે ઘમરોળાતી મીરાંની આ મનઃસ્થિતિનું આલેખન કરવા માટે લેખકે મીરાંની સ્વગતોક્તિઓ અને મીરાંની ડાયરી (પૃ. ૫૨, ૯૨, ૧૦૬)નો ઉપયોગ કર્યો છે. એ જ રીતે અર્જુનનું માનસ પણ એની ડાયરી (પૃ. ૭૬) દ્વારા રજૂ કર્યું છે. એ જ રીતે અભિષેક અને અર્જુનના વ્યક્તિત્વ વચ્ચેનો વિરોધાભાસ અહીં ઊપસ્યો છે. નિદર્શન રૂપે અર્જુનની પરિપક્વતા દર્શાવતાં આ વાક્યો જુઓ. “પ્રેમ એટલે એક એવી અનુભૂતિ જેની કોઈ ચોક્કસ વ્યાખ્યા છે જ નહીં. સમજદારી, સન્માન અને સ્વીકાર આ ત્રણે પ્રેમમાં ખૂબ જરૂરી છે.” (પૃ. ૫૮) પાત્રોના વિરોધાભાસના આલેખનમાં ઉપયોગમાં લેવાયેલી ભાષા સરળ છે. એ જ રીતે મીરાંની માનસિકતાને જે વાચા મળી છે એ પણ ધ્યાનપાત્ર છે. (પૃ. ૫૯) અભિષેક સાથે લગ્નની તારીખ નક્કી થઈ જાય છે. ત્યાં સુધી લેખકેે મીરાંના સંઘર્ષનો દોર લંબાવ્યો છે. હવે એનાથી સહન ન થતાં એ ઘરમાંથી ભાગી નીકળે છે ને એને અકસ્માત થાય છે. એને દવાખાનામાં દાખલ કરવામાં આવે છે. જ્યાં અર્જુન વારંવાર મીરાંને મળે છે. મીરાં અને અર્જુનના સંવાદોમાં મીરાં એની દ્વિધામાંથી મુક્ત થઈ જાય છે ને સ્વસ્થતાથી અર્જુન સાથે લગ્ન કરે છે. એમ કથાનો અંત સુખદ આવે છે. આ રચનામાં પ્રેમ વિશેનું તત્ત્વચિંતન પણ મળે છે. જેમકે, “સંવાદ કોઈ પણ સંબંધમાં અગત્યનો ભાગ ભજવે છે. એક જો ધરતી હોય તો બીજો તેને આકાશ બની ઓઢી લે એવી ક્ષમતા પ્રેમ ધરાવતો હોવો જોઈએ.” લઘુનવલકથામાં સર્જક મોટેભાગે એક પાત્રને લક્ષ્ય કરે છે. કોઈક વિશિષ્ટ ક્ષણને તીવ્ર રીતે ઉપસાવી આપે છે. અહીં મીરાંનું પાત્ર એવું છે. અભિષેકને છોડવાની ને અર્જુનને અપનાવવાની ક્ષણ વિશિષ્ટ બની છે. લેખકે પસંદ કરેલો વિષય અત્યંત નાજુક પણ ગંભીર છે એમણે એની રજૂઆત કરવામાં મહેનત કરી છે પરંતુ એમાં હજુ વધારે સજ્જતા કેળવવી જરૂરી બને છે.
[આર. આર. શેઠ, અમદાવાદ]