બે હજાર ચોવીસ સમક્ષ/અસ્તિત્વનો અહેસાસ(સાયંસ ફિક્શન) – જિગર સાગર
નવલકથા (સાયન્સ ફિક્શન)
સુશ્રુત પટેલ
પ્રકૃતિ સાથે છેડછાડનાં પરિણામ સામે લાલબત્તી ધરતી વિજ્ઞાનકથા
ગુજરાત યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રમાં અનુસ્નાતક થયેલા અને હાલમાં સચિવાલય, ગાંધીનગર ખાતે સેક્શન અધિકારી તરીકે ફરજ બજાવતા જિગર સાગર દ્વારા વિજ્ઞાન વિષયક લેખોના સંકલનરૂપી પુસ્તક ‘સ્પેસટાઇમ’ ઉપરાંત અસ્તિત્વનો અહેસાસ’(માર્ચ, ૨૦૨૪) એમ કુલ ત્રણ વિજ્ઞાનકથા અત્યાર સુધીમાં મળી છે. ગુજરાતી સાહિત્યમાં મૌલિક વિજ્ઞાનવાર્તા ક્ષેત્રે ઝાઝું ખેડાણ થયું નથી, અને મૌલિક વિજ્ઞાન-નવલકથા જેવી વિધામાં તો રમણલાલ વ. દેસાઈની ‘પ્રલય’(૧૯૫૦), યશવન્ત મહેતાની ‘યુગયાત્રા’(૧૯૮૪) કે પછી ધ્રુવ ભટ્ટ કૃત ‘ન ઇતિ...!’(૨૦૧૮) જેવા જૂજ અપવાદને બાદ કરતાં હાલત એથી પણ વધુ ખરાબ છે. આ કંગાળ પરિસ્થિતિ વચ્ચે બહુ ઓછા સમયગાળામાં ત્રણ-ત્રણ મૌલિક વિજ્ઞાનપ્રધાન નવલકથાઓ આપનાર જિગર સાગર કદાચ પહેલા છે. આજકાલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (કૃત્રિમ બુદ્ધિમત્તા) અંગે ઘણું બધું તેની તરફેણમાં તેમજ વિરુદ્ધમાં ચર્ચાય છે. કેટલાક સંશોધકોનું તો એવું માનવું છે કે આ શોધ ભવિષ્યમાં માનવજાત માટે ખતરો બની શકે તેમ છે. આ વિષયને આધારે આર્થર સી. ક્લાર્ક નામના દીર્ઘદર્શી વિજ્ઞાની-કમ-વિજ્ઞાનકથાલેખકે ‘૨૦૦૧ : A Space Odyssey’ નામની એક વિજ્ઞાન-નવલકથા લખી હતી જેના પરથી સન ૧૯૬૮માં એક ફિલ્મ પણ બની. આ કથામાં માનવીની જેમ વિચારી શકતા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ધરાવતા ‘HAL ૯૦૦૦’ નામના એક કોમ્પ્યુટરની કલ્પના કરવામાં આવી હતી. આ કોમ્પ્યુટર અંતરિક્ષની સફરે ઉપડેલા યાનનું સંચાલન કરતું હતું, પણ પછી એક તબક્કે તેણે બંડ પોકારવાનું શરૂ કર્યું અને તેમાંના યાત્રીઓને એક પછી એક મોતને ઘાટ ઉતારવા માંડ્યા! શું આવું ખરેખર બની શકે? આવા સંભવિત ખતરાઓથી ડરીને યુરોપ અને અમેરિકાની સરકારોએ તે કાળે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર થતાં તમામ સંશોધનો પર બ્રેક મારી દીધી અને તેમને આપવામાં આવતાં દરેક પ્રકારનાં ભંડોળો પર પણ ૧૯૭૪થી ૧૯૮૫ સુધી પ્રતિબંધ ફરમાવી દીધો! આજે હવે આટલાં વર્ષો પછી આર્થર ક્લાર્કની કલ્પનામાં વજૂદ લાગે છે. હોલિવૂડની કેટલીક સાયન્સ ફિક્શન ફિલ્મોમાં પણ આવી કથા જોવા મળે છે. આવા વિચારબિંદુને પૃષ્ઠભૂમિમાં સંગોપીને જિગર સાગરે આ કથાનું નિર્માણ કર્યું છે, પણ આટલેથી ન અટકતાં, આવું કેમ થયું, મશીનમાં બંડ પોકારવાની ક્ષમતા કેમ કરી આવી તેનું વિજ્ઞાનને આધારે રસમય આલેખન કર્યું છે. લેખકે આ પુસ્તક જેને અર્પણ કર્યું છે તે બહુ સૂચક છે : ‘ભૌતિકવિજ્ઞાનના તમામ અચળાંકો શ્રેષ્ઠતમ રીતે સંતુલિત થયેલાં છે તેવી આ ભવ્ય સમષ્ટિને–’ સૂચક એટલા માટે કે જો આ અચળાંકો(Fixed bars) અસંતુલિત થાય તો પૃથ્વી સહિત સમગ્ર સૃષ્ટિનું શું થાય એની આ લઘુનવલ લાંબી કથા માંડે છે. કથાનો આરંભ અને કથાની માંડણી બહુ સુંદર અને રસમય રીતે થઈ છે. વાત છે વર્ષ ૨૦૭૫ની. કથાનો મુખ્ય નાયક અમેરિકાનો નાગરિક મ છે, જેના દ્વારા આ કથા કહેવાઈ છે, તે વર્ચ્યુઅલ રિઆલિટી(VR) જેવી આભાસી વાસ્તવિકતા – બનાવટી દુનિયા – જેવી આધુનિક ટૅક્નિકથી જુદા જુદા ક્રમાંકના વીડિયો દ્વારા તેની પત્ની સાથે સંકળાયેલી ભૂતકાળની ઘટનાઓની સફર કરાવે છે. આ આધુનિક ટૅક્નિક, લેખકની પોતીકી વિજ્ઞાન-આધારિત સરસ કલ્પના છે. આની પાછળ રહેલું વિજ્ઞાન લેખક આમ સમજાવે છે : ‘કોઈ પણ કૅમેરા દ્વારા રેકોર્ડેડ ફોર-ડી વીડિયોને ફાઇવ-ડી વર્ચ્યુઅલ રિઆલિટીમાં ફેરવીને એને તાદૃશ અનુભવવાની ટૅકનોલૉજી.’ સમગ્ર કથામાં વિજ્ઞાન-આધારિત આવી તો ઘણી બધી કલ્પના જોવા મળે છે, જે આ કથાને બળુકી વિજ્ઞાનકથા પુરવાર કરે છે. પુસ્તક અંગે એક-બે વાત નોંધવી જોઈએ. આવી એક તે છેક છેલ્લે પાને આપેલું ‘Notes’ માટેનું પૃષ્ઠ. જાગૃત વાચક માટે પુસ્તક વાંચતાં આવતા વિચારો કે કશુંક ગમી ગયેલું લખાણ અને એવું ઘણું બધું નોંધવું હોય તો ડાયરી જેવું આવું કોરું પાનું બહુ ઉપયોગી થઈ પડે. બીજું પાસું તે પાછળ ‘અઘરા વૈજ્ઞાનિક શબ્દોની સમજૂતી’ શીર્ષક હેઠળ આપેલી શબ્દાવલિ. સામાન્ય સાહિત્યિક કૃતિમાં આવી શબ્દાવલિની જરૂર નથી હોતી, કારણ કે કથામાં આવતાં ઉપકરણો, યાતાયાતનાં વાહનો, વગેરે રોજિંદા વપરાશનાં જ લગભગ તો હોય છે, જેનાથી વાચક પરિચિત હોય છે. જેમ કે, કથામાં તલવારનો ઉલ્લેખ આવે તો ‘તલવાર’ એટલે શું તે વાચકને સમજાવવાની જરૂર નથી. પણ વિજ્ઞાનકથામાં આવું ન ચાલે. તેમાં આવતા નવા જ પ્રકારના વાહન કે એવા જ કશાક વિજ્ઞાનના સિદ્ધાંત-આધારિત અજાણ્યા ઉપકરણનું નામ આવે, જેમ કે, ‘લેસર-ગન’ શબ્દ કે પછી જિગરભાઈની કથામાં આવે છે તે ‘હોવર કાર’ જેવા સાવ અજાણ્યા વાહનનો ઉલ્લેખ આવે તો એ શું છે, કેવી રીતે કામ કરે છે, તેની પાછળ રહેલો વૈજ્ઞાનિક સિદ્ધાંત, વગેરે જેવી બાબતો સમજાવવી પડે. એટલે જ વિજ્ઞાનકથામાં આવી શબ્દાવલિ કે વિજ્ઞાનની પરિભાષા જરૂરી છે. તેનાથી વિજ્ઞાનના જાણકાર કે નહિ જાણકાર વાચકને પણ રસ પડે. વળી આવી રીતે તૈયાર થયેલા પુસ્તકનું વાચન સામાન્ય વાચકને વિજ્ઞાનમાં રસ લેતો તો કરે જ, પ્રબુદ્ધ પણ બનાવે! આવી દૃષ્ટિથી તૈયાર થયેલાં પુસ્તકો લેખકની વિજ્ઞાન-સજ્જતા અને વિજ્ઞાનનિષ્ઠા પુરવાર કરે છે. આમ પણ, ગુજરાતીમાં આવી સમજ ધરાવનાર વિજ્ઞાન-લેખકો અલ્પ છે, અને આ કક્ષાના વિજ્ઞાનકથા-લેખકો તો કદાચ શોધવા જવા પડે! કથાનો આરંભ થાય છે સન ૨૦૦૯થી. ગુજરાત સરકારના કર્મચારી મિ. ચૌહાણને ત્યાં દીકરી જેનિસાના જન્મથી – પછી વાર્તા આગળ વધે છે. સન ૨૦૧૦ જેનિસાનો પ્રથમ જન્મ દિવસ, ૨૦૨૪ શાળા જીવન, ૨૦૩૦- સ્કૉલરશિપ મળી ...AIમાં રસ – અમેરિકા પ્રયાણ... અને એમ વાર્તા આગળ વધે છે. ૨૦૨૫ – કૅલિફૉર્નિયા... સાન ફ્રાન્સિસ્કો –સ્ટેનફૉર્ડ યુનિવર્સિટી-પદવીદાન સમારંભ... ‘ઓરેન્જ’ કંપનીના માલિક અબજોપતિ રોબર્ટની ઓળખાણ – એને ત્યાં જૉબ.., તેના દીકરા સૅમ સાથે ઓળખાણ અને લગ્ન... હવે જેનિસા બને છે ‘જેન’. સન ૨૦૫૦માં ન્યૂયૉર્કમાં વિશ્વભરના પ્રબુદ્ધ વિજ્ઞાનીઓનો સેમિનાર, તેમાં વિજ્ઞાનની દુનિયા આશ્ચર્ય પામી જાય તેવું જેનનું પોતાની અદ્ભુત શોધને આવરી લેતું પ્રભાવકારી મનનીય પ્રવચન... પ્રવચનના અંતિમ તબક્કામાં જેનની લથડેલી તબિયત... અને વીડિયો નં. ૧૦, વર્ષ ૨૦૫૩માં ન્યૂરોએન્ડોક્રાઇન કૅન્સર રોગથી ૪૬ વર્ષની વયે જેનનું દેહાવસાન (આ બીમારી અંગે પાછળ અલગથી સમજૂતી આપી છે) ...પણ તે પછી પણ બાકીની કથામાં ‘અસીમ બુદ્ધિપ્રતિભા ધરાવતી’, ‘કામણગારી છતાં અત્યંત કામગરી યુવતી’ એવી જેનની હાજરી સતત વર્તાયા કરે છે... અને પછી કથાના બીજા તબક્કે આવે છે પેલો ઐતિહાસિક પ્રયોગ, જેમાં જેનને પુનઃજીવિત કરવા માટે પ્રકૃતિના સંતુલનમાં પતિ સૅમના અંગત સ્વાર્થને કારણે ખલેલ સર્જાય છે, જેથી સૅમ તો અવસાન પામીને જન્મ-મરણના ચક્રમાંથી છૂટકારો મેળવે છે, પણ જેન, જેણે મશીની સિસ્ટમ કાયમ માટે મનુષ્યજાતિના નિયંત્રણમાં રહે તે માટેની અસરકારક થિયરી આપી છે, તે પોતે જ અનંતકાળ માટે મશીનો દ્વારા ગિરફતાર થઈ જાય છે! મમળાવવાં ગમે તેવાં કેટલાંક વાક્યો લેખકે વચ્ચેવચ્ચે મૂક્યાં છે, તેમાંનાં કેટલાક : – ભારત તો મારા માટે સર્વોપરિ છે. ભારત મારું દિલ છે. છતાં જ્યાં સુધી વિજ્ઞાનની વાત છે ત્યાં સુધી અહીં એ વાતાવરણ નથી. નવા વૈજ્ઞાનિકો ઊછરી શકે એ માટેની જમીન અહીં નથી... છતાં થોડાં વર્ષો ત્યાં વિતાવી મારા તમામ અનુભવોનો લાભ આપવા હું ભારત પરત ફરીશ... – ગાણિતિક રીતે અત્યંત જટિલ માહિતીને ઉકેલવાની આપણી અસમર્થતાને આપણે ગૂઢ બાબતો અને રહસ્યવાદના વાઘા પહેરાવી દઈએ છીએ. – દરેક અબજપતિની પૃથ્વી પ્રત્યે કેટલીક જવાબદારીઓ હોય છે. એણે બિઝનેસમાં ઉઠાવેલા દરેક કદમની અસર એના કે કંપની પૂરતી સીમિત રહેતી નથી. એની અસર સમગ્ર દુનિયા પર, સમગ્ર માનવજાતિ પર પડતી હોય છે. એ રીતે દરેક અબજપતિએ અત્યંત હોશિયાર હોવું આવશ્યક છે. – જીવનની સંખ્યારેખા પર આગળની દિશામાં ઓછાં આંકડા વધ્યા હોય ત્યારે કદાચ પાછળના આંકડાઓ પર ધ્યાન કેન્દ્રિત થતું હશે! જીવનની આ ફિલસૂફી પણ કદાચ મશીનોની સમજ બહાર જ હશે! – જેનના પાર્થિવ દેહની સાથે જ સેમનો જિંદગીમાં રહેલો રસ પણ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો. – વિજ્ઞાન એટલે આ બ્રહ્માંડના નિયમોની ચોપડી. એટલે આપણે એવું સમજી શકીએ કે વિજ્ઞાનથી પર કંઈ જ નથી. બધું વિજ્ઞાનના દાયરામાં જ છે. પરંતુ કેટલીક વસ્તુઓ એવી પણ છે જેને હજી વિજ્ઞાન જાણી શક્યું નથી. કદાચ ભવિષ્યમાં જાણી લેશે... આપણાંમાંના ઘણાં એવું માનતા હોય છે કે વિજ્ઞાનકથામાં અવકાશયાત્રા, વિચિત્ર અંગ-ઉપાંગ ધરાવતા પરગ્રહવાસીઓ સાથે યુદ્ધ કે પછી વિજ્ઞાનને નામે મોંમાથા વગરના પાયાવિહોણા નિયમો/પ્રયોગો સાથે તાલમેલ વગરના વાર્તાના પ્લોટ, ભાષાવૈભવ, પ્રેમલા-પ્રેમલીની લાગણીઓની આપ-લેના ઇલુઇલુ સંવાદો અને પછી તેમાં ઉપર-ઉપરથી વિજ્ઞાનનો મરીમસાલો ભભરાવ્યો એટલે વિજ્ઞાનકથા તૈયાર! પણ આ ખ્યાલમાંથી બહાર નીકળી જવું હિતાવહ છે. આ સંદર્ભે પ્રસ્તુત વિજ્ઞાનકથા જરા હટકે છે. હા, મૂળ વિષય બહુ જૂનો છે એ ખરું. પ્રાચીન સાહિત્યમાં, પુરાણકથાઓમાં, વગેરેમાં પણ મૃત વ્યક્તિને પુનઃજીવિત કરવાનાં અને અમરત્વની ઘેલછાના ઘણાં કથાનકો જોવા મળે છે. જેમ કે, સત્યવાન સાવિત્રીની વાર્તામાં સાવિત્રી પતિ સત્યવાનના મૃત્યુ પછી એને પોતાના સતીત્વના બળે પુનઃજીવિત કરે છે. આવું બહુ જાણીતું બીજું ઉદાહરણ લોકસ્મૃતિમાં ઘર કરી ગયેલી અશ્વત્થામાને મળેલા અમરત્વના વરદાનની કથાનું છે. પણ આ બધા કથાનકોમાં વિજ્ઞાનનો આધાર લેવાયો નથી હોતો. સન ૧૮૧૮માં પ્રસિદ્ધ થયેલી અંગ્રેજી લેખિકા મૅરી શેલીની ‘ફ્રેંકસ્ટાઇન’ નામની કથામાં પણ વિષય તો આ જ છે, પણ તેની માવજત વિજ્ઞાન આધારિત છે. અને એટલે જ આ કથાને વિજ્ઞાનકથાનો પાયો નાખનાર પ્રથમ વિજ્ઞાનકથાનું સંમાન મળ્યું છે. ‘અસ્તિત્વનો અહેસાસ’ કથામાં પણ કથાનું મુખ્ય પાત્ર, સૅમ પોતાની પત્ની જેનને ખૂબ ચાહતો હોય છે અને અચાનક એની સામે મૃત પત્નીને પુનઃજીવિત કરવાની ઑફર આવી પડે છે. વાર્તાના આ તબક્કે લેખકે ધાર્યું હોત તો મૃત પાત્રને જીવિત કરવા મંત્રતંત્ર, જાપ, ભૂત-પ્રેત, ભૂવાના ધૂણવાના, આત્માને આમંત્રણ આપવાના અંધારા ઓરડામાં કરાતા ‘સેયાન્સ’ વગેરે જેવા અવૈજ્ઞાનિક નુસખાઓ અજમાવ્યા હોત, પણ આવું ન કરતા વિજ્ઞાનને કેન્દ્રમાં રાખ્યું છે, પરિણામે જૂનો વિષય હોવા છતાં કથા સંપૂર્ણ વિજ્ઞાન આધારિત બની છે. આવું વિસ્મયકારક કથાવસ્તુ ધરાવતી આ કથા રસપ્રદ વાચન આપવા સાથે આધુનિક વિજ્ઞાનની ક્વૉન્ટમ ફિઝિક્સ, ક્વૉન્ટમ કૉમ્પ્યુટર્સ, ક્વૉન્ટમ કોડ્સ, સાપેક્ષવાદ, હૉકિંગ રેડિયેશન, બ્લૅકહોલ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સ્પેસટાઇમ, વગેરે જેવા વૈજ્ઞાનિક શબ્દો/પરિભાષાનો પરિચય આપે છે. સન ૨૦૫૦માં ન્યૂયૉર્કમાં વિશ્વભરના પ્રબુદ્ધ વિજ્ઞાનીઓ સમક્ષ પેલા ઔતિહાસિક પ્રવચનમાં જેને કહેલું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્યારેય મનુષ્યો પર આધિપત્ય નહીં સ્થાપી શકે. કારણ કે મનુષ્યમાં કુદરતનિર્મિત કંઈક એવી જીવનઊર્જા છે, જે મશીનમાં આવતાં કદાચ લાખો વર્ષ લાગશે. લગભગ તો મશીનો એ ઊર્જાથી વણસ્પર્શ્યા જ રહેવાનાં છે. એટલે એ.આઇ. હંમેશા આપણી ગુલામ રહેશે. પણ એ માત્ર ત્યાં સુધી જ્યાં સુધી એમની પાસે અસ્તિત્વનો અહેસાસ નથી. અસ્તિત્વનો અહેસાસ એટલે મારા હોવાનો અનુભવ. પોતાનામાં કેવીક શક્તિ ભરી પડી છે એનો અહેસાસ. પણ જે દિવસે કૃત્રિમ બુદ્ધિમત્તા ધરાવતાં યંત્રોમાં આ સમજ આવશે ત્યારે એ માનવજાતથી બધી રીતે આગળ નીકળી જશે અને કાળે કરીને માનવજાત તેની ગુલામ થઈ જશે! એ યાદગાર પ્રવચનમાં જેને ભવિષ્ય ભાખ્યું હતું કે જો આમ થાય તો મશીનોના આધિપત્યમાંથી દુનિયાને કોઈ બચાવી શકશે નહીં. અને કથાના છેલ્લા પ્રકરણ ‘ભવિષ્ય’-માં લેખક દુનિયાને જે રીતે તારાજ થતી બતાવે છે, તે ખૂબ રસપ્રદ અને સાથેસાથે આપણા સૌ માટે ચેતવણીરૂપ પણ છે. આ વિચારધારા સાથે, જરા જુદા સંદર્ભે વિશ્વવિખ્યાત વિજ્ઞાનકથા-લેખક અને વિજ્ઞાનનાં ઠગલાબંધ પુસ્તકો લખનાર આઇઝેક આસિમૉ યાદ આવે. આસિમૉએ ઘડેલા રોબોટે પાળવાના ત્રણ નિયમોનું ઉલ્લંઘન (જરા જુદી રીતે) અહીં જોવા મળે છે. આવા વિષયને લઈને આવેલી આ વિજ્ઞાનકથા આપણને વિચારતા કરી મૂકે છે. પુસ્તકનું નામ ‘અસ્તિત્વનો અહેસાસ’ યથોચિત છે. અહીં યંત્ર અને માનવ બંનેના સંદર્ભે ‘અસ્તિત્વ’ શબ્દ નોંધવાલાયક છે. આનાથી વધારે સારું નામ કદાચ મળી શકત નહિ.
[નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ]