બે હજાર ચોવીસ સમક્ષ/મારા જીવનઘડતરના ઘાટ – રાઘવ કનેરિયા

Revision as of 02:15, 9 October 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

સંસ્મરણો

‘મારા જીવનઘડતરના ઘાટ’ : રાઘવ કનેરિયા

નિસર્ગ આહીર

કલાસાધનાનો સૌંદર્યસિક્ત શબ્દલોક

ગુજરાતી ભાષામાં કલાવિષયક લખાણો જૂજ છે. એમાં પણ, કલાકારે સ્વયં પોતાની કલાસાધના વિશે વાત કરી હોય એવું તો નહિવત્‌! કલાગુરુ રવિશંકર રાવળનાં કલાકેન્દ્રી સંસ્મરણો ‘ગુજરાતમાં કલાનાં પગરણ’ની શ્રેણીમાં આવી શકે એવો કલાસમૃદ્ધ શબ્દલોક એટલે રાઘવ કનેરિયા દ્વારા લિખિત ‘મારા જીવનઘડતરના ઘાટ’ ગ્રંથ. આ ગ્રંથ ગુજરાતી કલાજગતની અનોખી સંપદા છે. ‘મારા જીવનઘડતરના ઘાટ’ વિશિષ્ટ ગ્રંથ છે. એમાં સ્મૃતિવૈભવ છે, પ્રવાસવર્ણન છે અને જીવનના અનુભવો છે. ન એ આત્મકથા છે, ન તો ચરિત્ર છે. સ્મરણોનાં છૂટક અને તૂટક સંયોજનો છે. એક પ્રકારનું સ્મૃતિપરક કૉલાજ છે, સંચિત્રણા છે. એક કલાકારના ઘડતરમાં પરિવેશ, શિક્ષણ, શિક્ષકો, મિત્રો, પ્રવાસ ઇત્યાદિનો સમગ્રતામાં જે પ્રભાવ પડે છે તેને રસિક રીતે અભિવ્યક્ત કરવાનો લેખકનો પ્રમુખ આશય રહ્યો છે. ધગશ, શ્રમ, નિષ્ઠા, કલારુચિ, વિદ્યાનિસબત, શીખવાની તાલાવેલી, નિરીક્ષણ કરવાની શક્તિ, અભાવમાંથી માર્ગ કાઢી લેવાની આવડત, સંબંધો સાચવી લેવાની મથામણ, મૈત્રીનું માધુર્ય એ બધું આછા લસરકાથી વ્યક્ત થયું છે, જેના વડે અર્ધમૂર્ત કે સેમીઍબ્સ્ટ્રેક્ટ કૉલાજ રચાય છે. આ સંચિત્રણા, ભાવસંયોજન કે કૉલાજ વિગતપ્રચુર નથી, કિન્તુ અલ્પાંકિત સ્મરણાવલિ છે, જે મનભાવન અને હૃદ્ય છે. રાઘવ કનેરિયા ગુજરાતનું વિશ્વકક્ષાએ પોંખાયેલું સમ્માનિત નામ છે. સૌરાષ્ટ્રના અનિડા ગામે, એક ખેડૂત કુટુંબમાં એમનો જન્મ. કલાના સંસ્કાર પોતાની માતા પાસેથી મેળવ્યા. કલામાં ખૂબ રુચિ એટલે વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑફ ફાઇન આટ્‌ર્સમાં જોડાયા. ૧૯પ૯માં શિલ્પમાં ડિપ્લોમાની ડીગ્રી પ્રાપ્ત કરી. એમની પ્રતિભાને આધારે જ તેઓ લંડનની રૉયલ કૉલેજ ઑફ આટર્‌સમાં જોડાયા અને ત્યાંથી આર્ટ્‌સમાં એમ.એ.ની ઉપાધિ ૧૯૬૮માં પ્રાપ્ત કરી. ત્યાં ફૅકલ્ટી મૅમ્બર તરીકે જોડાયા, પરંતુ માતૃભૂમિ પરત્વેના પ્રેમને કારણે લંડનની ઉચ્ચ પગારની પ્રતિષ્ઠિત નોકરી છોડીને ભારત આવ્યા. ૧૯૭૦થી ૧૯૯૬ સુધી તેમણે શિલ્પના શિક્ષક, પ્રોફેસર તરીકે સેવાઓ આપીને અનેક વિદ્યાર્થીઓ, કલાકારોનું ઘડતર કર્યું. કુલ અઢાર પ્રકરણોમાં કલાકાર રાઘવ કનેરિયાની જીવનસામગ્રી સમાવિષ્ટ છે. એકથી ચૌદ પ્રકરણોમાં કલાકારે પોતાના અસ્તિત્વના નોંધનીય પડાવો વિશે કહ્યું છે. પંદરમા પ્રકરણરૂપે જ્યોતિ ભટ્ટે પોતાના મિત્ર રાઘવ કનેરિયા વિશે ‘રાઘવ કનેરિયા : ચાક્ષુષ ઊર્જાને બહુવિધ રીતે રૂપાંકિત કરતા શિલ્પી’ એવો દીર્ઘ લેખ આપ્યો છે. સોળમા પ્રકરણ તરીકે નિસર્ગ આહીરે રાઘવ કનેરિયાના કલાકીય આયામો ચર્ચીને ‘રાઘવ કનેરિયાની કલાસૃષ્ટિ : જીવનરસનું સૌંદર્યગાન’ નામે કલાયાત્રા પ્રસ્તુત કરી છે. પ્રકરણ સત્તરમાં કલાકાર રાઘવ કનેરિયાની કલાપરક વિવિધા દર્શાવતી તસવીરો છે, જે ગ્રંથનો મોટો ભાગ રોકે છે. અઢારમું પ્રકરણ રાઘવ કનેરિયાના જીવનક્રમની વિગતો દર્શાવે છે. આધુનિક પ્રવાહો કલામાં આત્મસાત્‌ કરનાર રાઘવ કનોરિયા ભારતીય પરંપરિત કલાના પ્રાણને પણ પિછાણીને એનું નૂતન રૂપ આકારિત કરે છે. એમની અનેક કલાકૃતિઓમાં લોકકલાની ચેતના અનુભવાય છે. શ્રી જ્યોતિ ભટ્ટની જેમ ભારતીય પરંપરાને એમણે કૅમેરા દ્વારા પણ અંકે કરી છે. જેમ ચિત્ર અને શિલ્પકલામાં આ કલાકારની પ્રતિભા આસમાનને સ્પર્શે છે તેમ તેમની તસવીરકલા પણ ઉત્તુંગ શૃંગ ધરાવે છે. તેઓ કલાના તમામ પ્રકારોમાં પ્રયોગશીલ રહ્યા છે, શિલ્પ, ચિત્ર, તસવીરકલાનાં એમણે પ્રાપ્ત કરેલી સિદ્ધિ પણ ધ્યાનપાત્ર છે. ‘મારા જીવનઘડતરના ઘાટ’ કોઈ સાહિત્યકૃતિ નથી. એ તો છે તળપદને સાંગોપાંગ જીવીને સ્વાભાવિક રીતે પોતાના જીવનનાં સંસ્મરણો વહેતાં મૂકનાર વાતડાહ્યા કલાકારની વાત. એ સંસ્મરણોમાં સહજતયા ભાષિક સૌંદર્ય રસિત થયું છે એ હકીકત છે. કોઈ પ્રયાસ વિના, વિશેષ પ્રયુક્તિ વિના કે અલંકરણની સભાનતા વિના જ ભાવનક્ષમ ગદ્ય રચાયું એ છે સ્તુત્ય ઉપલબ્ધિ. સાદી-સરળ ભાષામાં હૃદયસ્પર્શી તાજગી છે. ગતકાલીન જીવનવ્યાપ્તિના ‘સ્નેપશોટ્‌સ’ છે તે કલાકૃતિ જેટલા જ રમ્ય છે. રાઘવ કનેરિયા મુખ્યતઃ શિલ્પી. સાથેસાથે ચિત્રકાર અને તસવીરકાર. આ તસવીરકાર તરીકેની એક ખાસિયત એમના લેખનમાં આવી છે. તેઓ મનભાવન અને પ્રભાવક શબ્દચિત્રો રચી શકે છે. કોઈ પ્રસંગ, અનુભવ, કોઈ સમયમુદ્રાનું તેઓ તાદૃશ્ય, હૂબહૂ, પ્રભાવક વર્ણન કરી શકે છે. ગદ્યની આ શક્તિને લીધે જ ગુજરાતી ભાષામાં એ વિશિષ્ટ સ્મરણકથા તરીકે સ્મરણીય રહેશે. જ્યોતિ ભટ્ટ રાઘવ કનેરિયાના ગાઢ મિત્ર. આખું પંદરમું પ્રકરણ જ્યોતિ ભટ્ટે લખ્યું છે, જેમાં પોતાના મિત્રના જીવન વિશેની અગત્યની, ગુણલક્ષી વિગતો આપીને રાઘવ કનેરિયાની કલાશક્તિની પીઠિકા વ્યક્ત કરી છે. એક કલાકાર તરીકે રાઘવ કનેરિયા કેવી ક્ષમતા અને સજ્જતા ધરાવે છે તે એમાંથી સુપેરે પ્રગટ થાય છે. સમગ્ર ગ્રંથ જાણે કે જ્યોતિ ભટ્ટનાં નિરીક્ષણોનો શબ્દમય વિસ્તાર છે. ‘મારા જીવનઘડતરના ઘાટ’ પુસ્તક કલાકેન્દ્રી, કલાકારની સર્જનયાત્રાકેન્દ્રી છે. એમાં આપણે નાનકડા ગામડાના અભણ ખેડૂતના સામાન્ય પુત્રને અસામાન્ય કલાકારમાં પરિવર્તિત થતો જોઈએ છીએ. એમની સૂઝ, ધગશ, સખત પરિશ્રમ, નવુંનવું શીખવાની તાલાવેલી – આ બધાંનો આલેખ મળે છે. જ્યોતિ ભટ્ટ એમની તસવીરકલા વિશે કહે છે : ‘અમારા અભ્યાસકાળ દરમિયાન મને છબિકળાનો ચસ્કો લાગી ગયેલો અને રાઘવભાઈ પણ તેમાં પૂરેપૂરો રસ લેતા હતા. ઇંગ્લૅન્ડ-નિવાસ દરમિયાન સારો કૅમેરા વસાવી શક્યા અને પછી પૂરાં વીસ વર્ષ અમે બંને ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ તથા આંધ્રપ્રદેશનાં ગ્રામમાં, આદિવાસી વિસ્તારોમાં લુપ્ત લોકકળા-પ્રકારોનું કૅમેરા વડે દસ્તાવેજીકરણ કરતા રહ્યા.’ (પૃ. ૧૪૮) રાઘવ કનેરિયાની ભાષા સાદગીને વરેલી છે. સાહિત્યના અભ્યાસને કારણે આવેલી સાયાસ સૌંદર્યગત માવજત વિનાનું તાટસ્થ્ય, સોંસરાપણું અને સારલ્ય છે એમાં. છતાં, એમાં બળકટતા છે, પ્રવાહિતાનું સૌંદર્ય છે. ગત્યાત્મકતા અને રસાળતાને કારણે ગદ્ય મનભાવન બન્યું છે. રોજિંદા વપરાશના શબ્દો, બોલચાલનાં સાહજિક વાક્યોથી એક પ્રકારની કુમાશ આવે છે. ટૂંકાં વાક્યો આકર્ષક બને છે. આછા શબ્દલસરકાથી જે સુરેખ ભાત ઊપસે એ ભાવકને જકડી રાખે છે. સમગ્ર લેખનમાં કલા અને સંસ્કૃતિ કેન્દ્રમાં છે. ગ્રામચેતનાને સાવયવ લઈને ઊછરેલા રાઘવ કનેરિયાને સંસ્કૃતિનાં પ્રબળતમ અંગ એવાં કલા અને કસબ માટે વિશેષ લગાવ છે. સંસ્કૃતિ-સંદર્ભે લોકચેતના અંકે કરવાની સંવેદનશીલ દૃષ્ટિ છે, જે સમગ્ર ગ્રંથના અર્કરૂપ છે. પરંપરાના પુટથી સમૃદ્ધ થયેલી સાંસ્કૃતિક ધારાઓ એમનું જીવનબિંદુ છે જાણે. રાઘવ કનેરિયા પંચેન્દ્રિયથી જગતને એની ઉત્તમતામાં પામવાની શક્તિ ધરાવે છે. વાતાવરણ અને પરિવેશનો અર્ક સ્વતઃ એમનામાં કોઈ ભાવપિંડ બનીને રૂપનિર્મિતિ સાધે છે. એમની નિરીક્ષણશક્તિ પણ વિસ્મયકારક હતી. તેઓ પોતાની આ શક્તિને પિછાણતા, એટલે જ અનેકવાર તેનો ઉલ્લેખ પણ કરતા. જેમ કે, ‘નિરીક્ષણ કરવાની ટેવ અને તેમાંથી કંઈ ને કંઈ શીખી લેવાની કલા જાણે મને ગળથૂથીમાં જ મળી હતી. નાનામાં નાની ચીજમાંથી કંઈ ને કંઈ શીખી લેવાની વૃત્તિએ મને ઘણું શીખવ્યું.’ (પૃ. ૩ર) શૈલી સાદી, પણ કથારસથી ભરપૂર. પ્રસંગોની માંડણી અને વર્ણન વાચકને જકડી રાખે. એમાં ગાંભીર્ય ઓછું ને હળવાશ વધારે. ક્રમશઃ જીવનયાત્રાના પડાવોને રસાળતાથી ખોલતા જાય અને રસપાન કરાવે. આ કંઈ આત્મનિવેદન નથી, તેમ કલાની કથાયે નથી, પરંતુ જીવન અને કલાની સમાંતર યાત્રાથી ઘડાતા જીવનના ઘાટનું રસપ્રદ બયાન છે. સમગ્ર રીતે તો આ પુસ્તક જીવન જે રીતે ઘાટ પામતું ગયું તેના પ્રભાવક આલેખોનું સંચયન છે. સાહજિક, પ્રભાવક, આકર્ષક, તાદૃશ અને ચિત્રાત્મક વર્ણનો થકી કલાકારના ભાવવિશ્વના આછા આલેખોનો સાક્ષાત્કાર થયા કરે છે. એમાં ભાષિક ચમકારા પણ ક્વચિત્‌ મળી આવે, જે ભાવકને નાવીન્ય અર્પે. જેમ કે, ખોટા આક્ષેપોથી બચીને પોલીસ ચોકીમાંથી માંડમાંડ છટકી શકેલા કલાકાર નોંધે છે : ‘મેં પોલીસ ચૉકીની દીવાલ પર લટકતી હાથકડી જોઈ. જાણે હાથમાં આવેલો શિકાર જતો રહેતો હોય તેમ અમને જતા જોઈને નિરાશ થઈ ગયેલી.’ (પૃ. ૧ર૦) ‘મારા જીવનઘડતરના ઘાટ’ ગ્રંથમાંના સોળમું પ્રકરણ નિસર્ગ આહીરે રાઘવ કનેરિયાની લીધેલી સુદીર્ઘ મુલાકાતનું છે. એમાં રાઘવ કનેરિયાની કલાગત અનેકવિધ લાક્ષણિકતાઓ અને કલાયાત્રાના વળાંકો સુપેરે પ્રગટ થયાં છે. નિસર્ગ આહીર રાઘવ કનેરિયાની શિલ્પગત લાક્ષણિકતાઓ વિશે કહે છે : ‘રાઘવ કનેરિયાના વિષયો પણ આકર્ષક છે. તેઓ મૂર્ત, અમૂર્ત અને અર્ધમૂર્ત આકારોની જે સૃષ્ટિ રચે છે તેમાં ખાસ્સું વૈવિધ્ય છે. વાસ્તવપરક કલાના નિર્માણ કરતાં તેઓ સંકેતાત્મક, પ્રતીકાત્મક કે વ્યંજનાગર્ભ રૂપવિશેષને આકારિત કરે છે. એમાં કોઈ સ્પષ્ટ આકાર હોય કે ન પણ હોય, પરંતુ એની દૃશ્યાનુભૂતિ તો આકારની પાર જઈને ભાવકના ચિત્તમાં અનેક પ્રકારનાં આંદોલનો જગવે છે. કૂદતું વાછરડું, શક્તિથી ફાટફાટ થતો બળદ, ડોકને વળાંક આપી ઊભેલી બતક, બેઠેલા કે ઊભેલા માણસ એ બધી કલાકૃતિના આકારો કે અમૂર્ત કલામાં રાઘવ કનેરિયા એકાધિક સ્તરે કલાકીય સૌંદર્ય રચીને કૃતિનું ભાવજગત બહુગામી કરી શકે છે. જુસ્સો, શક્તિ, બળ, ગતિ, વેદના, નિરાશા, છિન્નભિન્નતા ઇત્યાદિ એમાં ખૂબ પ્રભાવક રીતે પ્રગટ થાય છે. શિલ્પની સપાટી રચે એમાં પણ તેઓ ભાવવલયો રચે છે. ન્યૂડમાં તેઓ ખરબચડી અને તૂટક સપાટી પ્રયોજે છે ત્યારે માનવીય વેદના, એનું ખંડિતપણું અને ત્રસ્તતા વ્યક્ત થાય છે. વાછરડાને સ્ટીલના માધ્યમમાં વ્યક્ત કરે ત્યારે એનાં અંગોને જોડ્યાં હોય એમાં ગતિનું એક જુદું જ સ્તર આપણી સામે આવે છે. આ રીતે, જીવનરસની અપરિમિત ચારુતાને સુપેરે અભિવ્યક્ત કરવા માટે આ કલાકાર પાસે વિશેષ સર્જનપરક શક્તિ છે, પ્રતિભા છે.’ (પૃ. ૧પ૩) સમગ્ર પુસ્તક તસવીરોથી ભરપૂર છે. એમાં કલાકારના જીવનની સમગ્રતા વિવિધ સમયમુદ્રા સાથે અંકિત થયેલી છે. અનિડા ગામ, પરિવાર, અભ્યાસકાળ, એમ. એસ. યુનિવર્સિટીનો કલાવિભાગ, મિત્રો, પરિભ્રમણની તસવીરોથી કલાકારના જીવનના અનેક તબક્કાઓ દૃષ્ટિગત થાય છે. વિશેષતઃ આકર્ષક છે લોકસંસ્કૃતિ અને લોકકલાનું દસ્તાવેજીકરણ. સાથેસાથે કલાકારની શિલ્પકૃતિઓ અને ચિત્રકૃતિઓનો માતબર ફાલ તસવીરોરૂપે પ્રકાશિત થયેલો હોઈ, કલાકારની કલાગત સમૃદ્ધિનો, વૈવિધ્યનો સુપેરે પરિચય થાય છે. ગુજરાતના એક ખ્યાત કલાકારની ભાવાત્મક મુદ્રાઓને શબ્દ અને છબિ થકી પામવાનો રમ્ય ઉપક્રમ એટલે ‘મારા જીવનઘડતરના ઘાટ’. રાઘવ કનેરિયા જીવનરંગમાં સહજ રીતે પ્રતિબિંબિત થતા કલાગત અનુબંધને સરળ છતાં રસાળ ભાષામાં નિજી નીતિ-રીતિએ વ્યક્ત કરે છે તે ભાવનક્ષમ છે. કલાસિદ્ધિ અને જીવનસાધના – ઉભય રીતે આ કલાગ્રંથ વિશિષ્ટ છે. કલાકાર થવા માટેની આવશ્યક એવી ભાવસ્થિતિ, સાધના, લગન, ધગશ, પરિશ્રમ, નિરીક્ષણશક્તિ, પરિભ્રમણ, અનુભૂતિ, અવરોધો, સિદ્ધિ ઇત્યાદિનાં અનેકસ્તરીય અને બહુગામી પરિમાણોને સુપેરે પ્રગટ કરતો આ કલાગ્રંથ ગુજરાતી ભાષામાં સ્વકીય મુદ્રા ઉપસાવનારો હોઈ, વિશેષ સ્થાનનો અધિકારી છે.

[કલાતીર્થ ટ્રસ્ટ પ્રકાશન, સુરત]