બે હજાર ચોવીસ સમક્ષ/આસપાસ – દક્ષા પટેલ

From Ekatra Foundation
Revision as of 02:34, 9 October 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કવિતા

‘આસપાસ’ : દક્ષા પટેલ

સંધ્યા ભટ્ટ

કાવ્યોમાં ઝિલાયેલું આસપાસનું જગત

‘ઘરવખરી’ નામે પ્રથમ કાવ્યસંગ્રહમાં દક્ષા પટેલે આપણા રોજિંદા જીવનમાં આકાર લેતી બાબતોને કાવ્યરૂપ આપીને સૌનું ધ્યાન ખેંચ્યું. હવે તેઓ ‘આસપાસ’ સંગ્રહ સાથે ફરી એક વાર અછાંદસ કાવ્યો લઈને આવ્યાં છે. આ કવિ આસપાસની ઘટનાઓ, પાત્રો અને આકાર લેતી બાબતો પ્રત્યે સંવેદનશીલ છે. તેમને કવિતા માટે કોઈ બૃહદ્‌ પટ કે ગહન ચિંતનની જરૂર નથી. રોજબરોજ આપણી આસપાસ કેટકેટલાં પાત્રો પોતપોતાની રીતે જીવન જીવે છે અને તેમનાં કામો સાથે આપણે સીધેસીધાં જોડાયેલાં હોઈએ છીએ જેને જોવાની દૃષ્ટિ આ કાવ્યો આપે છે. ત્રણ ખંડ – પાત્રો, વૃદ્ધો અને અન્ય –માં વહેંચાયેલાં આ કાવ્યોના પહેલા ભાગમાં મજૂરણ, વીણનારાં, કાછિયણ, મોચી વગેરે પાત્રોની કવિતા છે. ભગવદ્‌ગીતાની બાનીનો અધ્યાસ ધરાવતી આ પંક્તિઓ ‘વીણનારાં-૨’માં જુઓ. ‘તડકો બાળે છે તેમની ચામડી/ ઠંડી ધ્રુજાવે છે તેમની કાયા/ વરસાદ પલાળે છે આખેઆખા/છતાં/ તડકો નથી બાળી શકતો/ ઠંડી નથી થીજવી શકતી/ વરસાદ નથી વહાવી શકતો/ તેમની હઠીલી જિજીવિષાને.’ (પૃ. ૧૩) ધસમસતા ટ્રાફિક અને હૉર્નના મોટા અવાજોની વચ્ચે મોચીની ટાંકા લેવાની એકધ્યાને થતી કામગીરીને તેઓ અર્જુનની એકાગ્રતા સાથે સરખાવે છે. શેરીમાં સરાણિયા દ્વારા પડાતી બૂમનો લહેકો ચાક્ષુષ કરતી કવિતામાં ચપ્પુની ધારનું ધારદારપણું અને બુઠ્ઠાપણું કાવ્યસાધ્ય બને છે! કાછિયણના સંસારની વ્યથા-કથા અહીં કાવ્યરૂપે વ્યક્ત કરતાં કવિને અછાંદસની ફાવટ બરાબર સાથ આપે છે. જુઓ – દારૂએ પી નાખ્યો છે તેનો ધણી/ એકલપંડે છોકરાં ઝાડવાં પેઠે મોટાં કર્યાં. (પૃ. ૧૫) બીજા ખંડમાં વૃદ્ધવિષયક છવ્વીસ કાવ્યો છે. કવિએ વૃદ્ધોની સ્થિતિના કારુણ્યને જુદાંજુદાં કલ્પનો વડે સહજ રીતે ઉપસાવ્યું છે. ‘વીતેલાં વર્ષોની યાદો જેવો ભરચક ટ્રાફિક’-માં શહેરની અરાજકતા અને વૃદ્ધના જીવનની દશાને એકસાથે મૂકીને કાવ્યત્વ સધાયું છે. હાથમાં લાકડી અને માથે ટોપી પહેરેલા વૃદ્ધને સ્વભાવોક્તિ દ્વારા કવિ તાદૃશ કરે છે. વૃદ્ધ ‘જાહેર બગીચાના બાંકડા જેવો’ અને ‘ભૂલા પડેલા પ્રવાસી જેવો’ છે; ક્યારેક તેની કૂવા જેવી આંખો અપલક તાક્યા કરે છે તો ક્યારેક ધસમસતા વિચારો જેવાં વાહનો હડફેટમાં લઈ ન લે તે ચિંતામાં એ ઊભો રહી જાય છે. વીતેલી જિંદગીના દરેક દિવસની વિઘ્નદોડ જેવો રસ્તો માંડમાંડ ઓળંગતો વૃદ્ધ અને અમાસ જેવી છેવાડાની ઓરડીમાં સ્થિર થયેલો વૃદ્ધ કવયિત્રીનાં સંવેદનનું ભાજન બને છે. ‘વૃદ્ધ અને વૃક્ષ’નાં ઉચ્ચારસામ્ય સાથે તેમનું સ્થિતિસામ્ય કાવ્યમાં બરાબર અંકે કરી શકાયું છે. વૃક્ષ પરથી પ્રયાણ કરી જતાં પંખીઓ સાથે વૃદ્ધાવસ્થાનું એકાકીપણું અને અંધારાને વિસામો આપતાં વૃક્ષોની સંવેદના ભાવકને સ્પર્શી જાય છે. આસપાસના જગતને ઊંડે ઊતરીને જોઈને તેની કાવ્યાભિવ્યક્તિ કરવી એ દક્ષા પટેલનો વિશેષ છે. ત્રીજા ખંડમાં શબ્દ વિશે ત્રણ કાવ્યો થયાં છે. બે કાવ્યોમાં તેઓ શબ્દને બા સાથે સરખાવે છે. એક કાવ્ય આખું જોઈએ – ‘શબ્દ/ અસલ બા જેવો/ હેતથી ઝુલાવે/વહાલથી ગળે વળગાડે/ ક્યારેક કાંટાની જેમ ભોંકાય/ ને સોટીના સોળ ઉઠાડે/ પસ્તાવાનાં આંસુ ય પાડે./ તોય/ બા વગર ના ચાલે/ શબ્દ વગર ના જ ચાલે.’ (પૃ. ૪૪) આ કાવ્યમાં શબ્દની ભાવક પર થતી અસર અને બાની વિવિધ હિતેચ્છુ ભૂમિકાને પાસપાસે મૂકીને કવિતા થઈ છે જે સરેરાશ ભાવક પણ માણી શકે. અન્ય શબ્દકાવ્યમાં નોટબુકમાં ઝીણા અક્ષરે રામ રામ લખતાં બા જાણે હથેળીમાં મેંદી કરતાં હોય એમ કવયિત્રીને લાગે છે. નાનીનાની ચેષ્ટામાં સૌન્દર્ય જોઈ શકવું એ પણ કવિનું એક લક્ષણ છે. કપડાં છબછબાવતી વખતે બાનું મન હળવું થવું, કપડાં નિચોવતી વખતે બાની રાગ-દ્વેષ નિચોવી નાખવાની વાત હૃદયંગમ છે. ‘કાળપંજો’માં સાંપ્રત શુષ્ક પરિસ્થિતિનું કારુણ્ય અસરકારક રીતે વ્યક્ત થયું છે. બે ગાય-કાવ્યો, છ ગોદડી-કાવ્યો ફરીફરીને કવયિત્રીની ઊંડી સંવેદનશીલતા બતાવે છે. બે ઉદાહરણ આપી મારી વાતને વિરામ આપું. – ‘ટ્રાફિક મધ્યે બંધ પડેલી જૂની મોટરકારની જેમ ઊભી છે એક ગાય’ (પૃ. ૬૫) – ‘સ્વજનોનું હેત પામવા ફરી ફરી ઉકેલું છું એકની એક જૂની ગોદડી’ (પૃ. ૭૫)

[ઝેન ઓપસ, અમદાવાદ]