બે હજાર ચોવીસ સમક્ષ/ઢોલકીવાળા અનબનજી(બાળવાર્તા) – ગિરા ભટ્ટ
બાળવાર્તા
કોમલ ઠાકર
વાર્તાઓ સારી, અભિવ્યક્તિ મધ્યમ
ગિરા ભટ્ટ જાણીતાં પીઢ બાળવાર્તાકાર છે. બાળવાર્તાઓનાં એમનાં ઘણાં પુસ્તકો પ્રગટ થયેલાં છે. આ સંગ્રહમાં એમની, કુલ ૬૦ પાનાંમાં સમાયેલી નાનીનાની ૧૪ વાર્તાઓ છે. વળી, દરેક વાર્તાની સાથે, આખા પાનાનું બાળક-ભોગ્ય ચિત્ર- રેખાંકન પણ મૂકેલું છે. મુખપૃષ્ઠ પરનું રંગીન ચિત્ર પણ બાળકોને આકર્ષે એવું છે. વાર્તાઓનાં પાત્રો પણ પશુ-પંખીઓ જ છે. સિંહ, સસલું, કબૂતર, હંસ ને હંસલી, શઠું શિયાળ, કજિયાળો કાગડો, ને જે અનબન ઢોલકીવાળો એ પણ દેડકો! ‘ઢોલકીવાળા અનબનજી’ એ વાર્તાથી જ શરૂ કરીએ? શરૂઆત રસ પડે એવી છે : ‘ધન ધન નામે એક જંગલ. એમાં વહે તન તન નદી. કાચ જેવું એનું પાણી. કિનારે સોનેરી રેતી...’ એમાં એક દેડકાભાઈ જેમનું નામ અનબન છે, તે ઢોલકી લઈ વર્ષારાણીનાં વધામણાં કરવા ગામેગામ ફરે છે. જ્યાં રાજાના મહેલમાં ભૂલા પડે છે. ફરતાફરતા એ ખજાનાના ઓરડામાં પહોંચી ગયા. હીરા-મોતીના ખજાના સાથે એક પુસ્તક પડ્યું હતું. ખજાનો છોડી એમણે તો પુસ્તકની પસંદગી કરી ને એમના દેડકા સમાજમાં જઈને કહે છે કે, બધા ખજાનામાં સૌથી અમૂલ્ય વસ્તુ તે આ પુસ્તક છે. દેડકાભાઈની પુસ્તકની પસંદગી દ્વારા બાળકો માટે એક સંદેશ છે કે, જ્ઞાનથી મોટો કોઈ ખજાનો નથી. ખૂબ રસપ્રદ રીતે લખાયેલી વાર્તામાં વચ્ચેવચ્ચે વાર્તાનો તાલ ન તૂટે એવી રીતે જોડકણાં પણ આપેલાં છે, જે સરળતાથી યાદ રહી જાય એવાં છે. ‘કોણે ઘડી કુહાડી’ બે ભાગમાં કહેવાયેલી વાર્તા છે. જ્યાં વનરાજા મોરની મદદથી કુહાડીના ઘડનારની શોધ કરવા નીકળે છે. મોરના સૌંદર્યથી મંત્રમુગ્ધ થયેલા વનરાજાનું વર્ણન પણ ખૂબ સુંદર છે. તો વળી, કબૂતરને ‘કબુ’નું સંબોધન – સરસ! વનરાજા ને મોર જંગલનાં બધાં જ પ્રાણીઓ – પક્ષીઓને કુહાડી બનાવનાર વિશે પૂછે છે. જ્યારે કબૂતરને પૂછે છે ત્યારે એ ભોળિયું કબૂતર ‘મેં નથી ઘડી કુહાડી’ કહેતાં તો રડી પડે છે. ને એની સાથે બિચારા વનરાજા પણ લાગણીમય થઈ જાય છે. આવા બારીક મનોભાવ એવા સરળતાથી વર્ણવ્યા છે કે વાચક બાળકો પણ એ લાગણીમાં સરી પડે. આ વાર્તામાં પણ માર્મિક સંદેશો આપ્યો છે, કે માણસ કુદરતની કમબખ્તી કરીને પોતાને અને કુદરતને નુકસાન પહોંચાડે છે. છતાં ચમકતી તકલાદી સૃષ્ટિનું સર્જન કરવામાં વ્યસ્ત છે. આખરે વનરાજા પણ નિસાસો નાંખીને પાછા વળી જાય છે કે માણસ પોતાની રીતે સમજે તો ઠીક છે નહીં તો બધું નાશ થવાને આરે જ છે. ‘બારે માસ દિવાળી’ વાર્તામાં, આખા જંગલમાં ફર્યા કરે અને બધી ખબર રાખે, તે વાંદરાઓ દિવાળીની તૈયારીઓ માટે બધાં પ્રાણીઓને જાણ કરે છે. બધાં જ દિવાળીની સાફસફાઈમાં લાગી જાય છે. પરંતુ, કબૂતર ગંદકીમાં જ પડ્યું રહે છે. આ વાર્તામાં ઘર અને આસપાસના પરિવેશને સ્વચ્છ રાખવાનો સારો સંદેશ છે. તો વળી, કબૂતરથી ફેલાતી ગંદકીને કારણે થતા રોગ વિશે પણ આડકતરી રીતે જાણકારી આપી છે. ‘આવો ને કાગડાભાઈ’ વાર્તામાં શ્રાદ્ધ પક્ષમાં અગાશી પર કાગડાઓને દૂધપાક અને રોટલી કેમ ખવડાવવામાં આવે એની સુંદર વાર્તા છે. જેમાં અંધશ્રદ્ધાને દૂર કરે એવા વૈજ્ઞાનિક કારણની સમજ મળે છે. જો કે, ‘લાલ પતંગની વાત’ એક અસ્પષ્ટ વિચાર સાથે શરૂ થયેલી વાર્તા લાગે છે, જે એના અંત સુધી કોઈ સ્પષ્ટતા નથી આપી શકી. તો વળી, ‘કજિયાળો કાગડો’ વાર્તામાં એક બાબત થોડી અપ્રિય લાગી. કાગડો ગાયને સતત ચાંચ મારે છે એવું વર્ણન હિંસક લાગે છે. તો વળી, કાગડા દ્વારા ગાયને માટે બોલાયેલું ‘તું મરી જાય તો મને શાંતિ’ જેવાં વાક્યો બાળમાનસ પર ખોટી અસર છોડી શકે છે. વળી, વાર્તામાં એક જ વાતનું પુનરાવર્તન થયા કરે છે, જેથી વાર્તા અકારણ લાંબી થતી જાય છે. વાર્તાઓ સારી છે, પણ એમાં જે જોડકણાં મૂક્યાં છે એ બધાં એટલાં સરસ નથી બન્યાં. લગભગ દરેક વાર્તામાં જોડકણાં છે. એમાંથી બે ત્રણ લઈને વાત કરું.
૧) ‘સોનેરી કપડાં ને રૂપેરી ગાલ,
મોતીની માળા ને ચમકતું ભાલ’. (‘લાલ લાલ પતંગની વાત’)
૨) ‘કાળા કાળા ડગલા પહેરી,
આવોને કાગભાઈ
પીપળાના બી ને,
ફેલાવો કાગભાઈ.
(‘આવોને કાગભાઈ’)
૩) ‘સદી એકવીસમી જ્ઞાન-વિજ્ઞાનની,
ભાઈ, સદી છે આ વિકાસની.
એના સહારે આગળ વધવું,
બંધ બારી કરો વિનાશની.’
(ઢોલકીવાળા અનબનજી)’
જુઓ, કે અહીં જોડકણું (૧) સરસ છે, લય એવો છે કે બાળક તલ્લીન થઈ જાય. પણ જોડકણા (૨)માં, બીજી કડીમાં, લય સચવાયો નથી, એ ગાવામાં નડે છે. આવો લયનો ભંગ બીજાં કેટલાંક જોડકણાંમાં પણ જોવા મળે છે. જોડકણું (૩) સીધા ઉપદેશવાળું છે. એમાં કવિતાની મજા નથી. સાવ માહિતીવાળું ગદ્ય, પ્રાસમાં ગોઠવી દીધું હોય એવું લાગે છે. બાળવાર્તાના સર્જકમાં એક કવિ પણ હોય તો એની વાર્તા ઉત્તમ થાય. એકંદરે આ પુસ્તકની બાળવાર્તાઓ, બાળકોને અને મોટેરાંઓને પણ વાંચવી ગમે એવી છે.
[દર્શિતા પ્રકાશન, મહેસાણા]