અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શુક્લ/મારી ક્ષમા— बख्श दो गर खता करे कोई - गालिब

From Ekatra Wiki
Revision as of 04:32, 19 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મારી ક્ષમા— बख्श दो गर खता करे कोई - गालिब|રાજેન્દ્ર શુક્લ}...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મારી ક્ષમા— बख्श दो गर खता करे कोई - गालिब

રાજેન્દ્ર શુક્લ

હર કોઈને આધાર કૈં આવી મળો,
ક્યારેક તો એકાંત સહુનું ઝળહળો.

ઊંડાણ કારાગાર, ઝરણાં ખળખળો,
પાષાણ, રણ ને અંતરાયો ઓગળો.

કોઈ કિરણ, કોઈ લહર ના ટળવળો,
ઉદ્યાનનાં સપનાં સકળ ફૂલો, ફળો!

જડતા-જકડતા સેંકડો પડ-સોંસરો,
એકાદ કોઈ શબ્દ સાચો સળવળો.

ખંડેરમાં ક્યારેક ઊગો ચન્દ્ર પણ,
કે સાત સાગર આભા અડક્યું ઊછળો.

એકેક ફૂલ હો પાંખડી, ઝાકળભીની,
આકાશ કૈં એવું ઢળો, અઢળક ઢળો!

અપરાધ કોઈનો કશે અડકો નહીં,
મારી ક્ષમા એને તરત વીંટી વળો.
(૨૭-૨૮ નવે. ૧૯૭૬)