બે હજાર ચોવીસ સમક્ષ/મધ્યકાલીન...સંવાદકાવ્યો – અભ્યાસ-સંપા. કીર્તિદા શાહ

From Ekatra Foundation
Revision as of 01:26, 10 October 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

સંપાદન-અભ્યાસ

‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સંવાદકાવ્યો’ : કીર્તિદા શાહ

અભય દોશી

અગત્યના મધ્યકાલીન સાહિત્યપ્રકારનું અધ્યયનસંપાદન

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં અનેક સાહિત્યપ્રકારો તે સમયની લોકરુચિ, વિધિ-વિધાન, ક્રિયાક્રાંડ આદિની આવશ્યકતાને ધ્યાનમાં લઈ વિકસ્યા. રાસ, ફાગુ, આખ્યાન, પ્રબંધ વગેરે પ્રકારોનાં લક્ષણ તારવવાનો તેમજ તેના વિકાસક્રમને સ્પષ્ટ કરવાનો ઉપક્રમ આપણા વિદ્વાન સંશોધકોએ કર્યો છે. એ જ શૃંખલામાં એવો ઉપક્રમ મધ્યકાળનાં અભ્યાસી કીર્તિદા શાહે ‘સંવાદ’ના સાહિત્યપ્રકારને કેન્દ્રમાં રાખી કર્યો છે. મુંબઈ વિદ્યાપીઠ દ્વારા યોજાતી ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા-નિમિત્તે તેમણે આ અભ્યાસ કર્યો છે. કુલ ૬૦ જેટલાં સંવાદકાવ્યો મધ્યકાળમાં ઉપલબ્ધ થાય છે. તેમાંથી ૩૦ જેટલાં પ્રકાશિત છે, તેનો અભ્યાસ સંશોધકે આ નિમિત્તે કર્યો છે. કીર્તિદાબેને હસ્તપ્રત-ગ્રંથભંડારોમાંથી પણ બે-ત્રણ અપ્રકાશિત સંવાદકાવ્યોને પ્રકાશમાં લાવવાનું કાર્ય કર્યું હોત, તો આ કામ વિશેષ મહત્ત્વનું થાત. એમ છતાં, જે કાર્ય થયું છે, તે પણ મૂલ્યવાન છે, અને તેનો આનંદ અવશ્ય છે. કીર્તિદાબેને એમના પુસ્તકની પ્રસ્તાવનામાં આ સંવાદકાવ્યોના વર્ગીકરણની પદ્ધતિ અને વિષયમર્યાદાનો નિર્દેશ કર્યો છે. બીજા પ્રકરણમાં સંવાદ-કાવ્યના સ્વરૂપનાં લક્ષણો તારવવાનો, વ્યાખ્યા બાંધવાનો પ્રયાસ કર્યો છે. તેમણે વેદોમાં પ્રાપ્ત થતા સંવાદો તેમ જ જૈન-આગમપરંપરામાં પ્રાપ્ત થતા સંવાદોનો નિર્દેશ કર્યો છે. જૈનપરંપરામાં મહાવીરસ્વામીની પ્રથમ દેશના તેમના અગિયાર ગણધરો સાથેના સંવાદને રજૂ કરતી હોવાથી ‘ગણધરવાદ’ને નામે સુપ્રસિદ્ધ છે, તેનો ઉલ્લેખ પણ અહીં સાંકળી શકાયો હોત. દાર્શનિક સંવાદોમાં બે વિવિધ દર્શનના અનુયાયીઓ વચ્ચે પોતપોતાના વિચારોની પ્રસ્તુતિ અને અંતે એક સમન્વયની મુદ્રા જોવા મળતી હોય છે. તેમણે ત્રીજા પ્રકરણમાં પૌરાણિક પાત્રોને કેન્દ્રમાં રાખીને લખાયેલી સંવાદકૃતિઓનો અભ્યાસ રજૂ કર્યો છે. જૈન-જૈનેતર-પરંપરા જેવા વિભાજનને સ્થાને વિષય-વસ્તુને કેન્દ્રમાં રાખી કરાયેલો આ અભ્યાસ તેની આયોજનપદ્ધતિથી થોડોક વિશિષ્ટ બને છે. સર્વપ્રથમ તેમણે પોતાના અભ્યાસવિષય અખા ભગતની ‘કૃષ્ણ-ઉદ્ધવસંવાદ’ નામની રચનાને તપાસી છે. અહીં ઉદ્ધવને શ્રીકૃષ્ણ સંતોનાં લક્ષણો ગણાવે છે. તેથી આ સંવાદ પ્રમાણમાં એકપાત્રી કહી શકાય એવો છે. બીજો સંવાદ ભાલણ દ્વારા રચાયેલો ‘કૃષ્ણ-નંદ સંવાદ’ છે જેમાં નંદ, ગોપબાળ અને જશોદાની કૃષ્ણ પ્રત્યેની ભાવસંવેદના છે, અને કૃષ્ણને પુનઃ ગોકુળ પધારવાની વિનંતી છે. સામે શ્રીકૃષ્ણ પણ પ્રેમભર્યો પ્રત્યુત્તર આપે છે. વિરહભાવથી તરબતર આ સંવાદકાવ્ય માનુષી સ્નેહભાવની છટાથી તરબતર છે. ભાલણકવિએ રચેલો ગોપી-ગોવિંદ સંવાદ પણ સાત પદોમાં ગોપીની કૃષ્ણ માટેની પ્રીતિને આલેખે છે. ત્યાર પછી નરસિંહના પ્રસિદ્ધ પદ ‘નાગદમન’નું સંવાદકાવ્ય તરીકે મૂલ્યાંકન કર્યું છે. સંશોધકે સર્જકોને ઐતિહાસિક ક્રમમાં ગોઠવ્યા હોત, તો ક્રમિક-વિકાસ પણ સ્હેજે ઉપલબ્ધ થાત. ત્યારબાદ રઘુનાથદાસના ‘રાધા-કૃષ્ણ સંવાદ’ કાવ્યનો અભ્યાસ પ્રસ્તુત કર્યો છે. આ શૃંખલામાં મધ્યકાળમાં પ્રમાણમાં અલ્પ, એવાં નારી-સર્જકોમાંનાં એક કૃષ્ણાબાઈનો અપૂર્ણ ‘રામ-સીતા સંવાદ’ પ્રસ્તુત કરાયો છે. આ કાવ્યકૃતિ પૂર્ણ ઉપલબ્ધ થાય, તો આ નારીસર્જકની ક્ષમતાનો વિશેષ પરિચય પ્રાપ્ત થાય. આ પ્રકરણના ઉત્તરાર્ધમાં જૈન કવિ લાવણ્યસમયકૃત ‘રાવણ-મંદોદરી સંવાદ’ અને કવિ શામળકૃત ‘રાવણ-મંદોદરી સંવાદ’ મૂક્યા છે. પ્રથમ સંવાદમાં શીલનો મહિમા કરવાનું સર્જકનું લક્ષ્ય છે. અને તે કવિ શક્ય તેટલી ચમત્કૃતિથી કરે છે. બીજી કૃતિમાં શામળ રાવણ પ્રજાનો મત માંગતો હોય તેવી યોજના કરી વિવિધ સમાજોની કહેવાની લઢણો રજૂ કરી સમાજશાસ્ત્રીય-નૃવંશશાસ્ત્રીય સમકાલીન સમાજની છબી રજૂ કરે છે. કૃષ્ણાબાઈનો ‘લક્ષ્મણ-સીતા સંવાદ’ એ વાસ્તવમાં પૂર્વે ઉલ્લેખાયેલા ‘રામ-સીતા સંવાદ’નો ઉત્તરાર્ધ છે. બંને રચનાઓનો અભ્યાસ વાસ્તવમાં સાથે જ કરવો જોઈતો હતો. કવિ ભાઈશંકરની ‘લક્ષ્મી-પાર્વતી સંવાદ’ રચનામાં સમાજનું ચિત્ર સારું જોવા મળે છે. એ જ રીતે અજરામરનું ‘શંકર અને ભીલડીનું’ પદ પૌરાણિક પ્રસંગને પ્રસન્ન-મધુર રીતે રજૂ કરે છે. આ જ વિષયનું ભાલણનું પદ પાર્વતીને આ વિશ્વમાં વ્યાપ્ત પરમશક્તિરૂપે તેમ જ શિવ સાથે ઐક્યભાવની રીતે દર્શાવે છે ‘હનુમાન-ગરુડસંવાદ’માં પણ પરમાત્માના ઐક્યનો જ મહિમા કરાયો છે. અંતિમ ઋષભસાગરકૃત ‘સ્થૂલિભદ્ર-કોશા સંવાદ’ના સંવતની નોંધમાં કંઈક સરતચૂક થઈ હોય તેવું લાગે છે. કોશમાં ઉલ્લેખાયેલા ઋષભસાગરજી ૧૮મી-૧૯મી સદીના છે, તેમજ કાવ્યની ભાષા પણ ૧૫મી સદી જેટલી પ્રાચીન લાગતી નથી. ચોથા પ્રકરણમાં કીર્તિદાબેને ઇન્દ્રિયને વિષય બનાવતી કાવ્યરચનાઓ સમાવી છે. અહીં સર્વપ્રથમ લાવણ્યસમયકૃત ‘કરસંવાદ’ ધ્યાન ખેંચે છે. પ્રથમ કોણ યાચના કરે, એ બાબતે બંને હાથ લડે છે, પરંતુ જીવનની અંદર બે નયન, બે ધુરા એમ બંને હાથ મૂલ્યવાન છે, એવા આદીશ્વર ભગવાનનાં વચન સાંભળી બંને હાથો સંપે છે, અને ઈક્ષુરસથી પારણું થાય છે. સંશોધકે યથાર્થ નોંધ લીધી છે કે, સંપથી સર્વ કાર્યો ફળે એવા સનાતન સત્યની રજૂઆત આ કાવ્યમાં થઈ છે. બીજા કાવ્ય તરીકે તેમના મહાશોધનિબંધનો વિષય ‘ચિત્તવિચારસંવાદ’ની રજૂઆત કરી છે. ત્રીજા કાવ્યમાં જયવંતસૂરિના ‘લોચન-કાજલસંવાદ’ની રસમય પ્રસ્તુતિ કરી છે. ચોથામાં દયારામનું પ્રસિદ્ધ કાવ્ય ‘લોચન-મનનો ઝઘડો’ના મધુર સંવાદની વાત કરી છે. આ તેમ જ ‘જલકમલ’(નાગદમન) રચના તેમના નામમાં ‘સંવાદ’ એવી ઓળખાણ ધરાવતાં કાવ્યો નથી. પ્રાણીઓને વિષય બનાવતી રચનાઓ સમાવી છે. એમાં પ્રથમ પાંચમા પ્રકરણમાં ‘કપોત-કપોતી સંવાદ’ છે, જે ઈશ્વર પર દૃઢ આસ્થા રાખવાનું પ્રતિપાદન કરે છે, જે ઉપદેશ કદાચ આજના આધુનિક મનુષ્યોને યોગ્ય પણ ન લાગે. આવા જ ભાવવાળું ભોજાનું ‘કાચબા-કાચબીનો પ્રસંગ’ કવિની રજૂઆતને લીધે વધુ પ્રતીતિકર બન્યું છે. પશુ-પક્ષીઓના આંતરિક સંવાદોની યોજના રસપ્રદ છે, તેમજ મધ્યકાલીન સાહિત્યનું ‘પંચતંત્ર’ અને આ પ્રકારની પ્રાણી-કથાઓનું અનુસંધાન દર્શાવે છે. અંતિમ પ્રકરણમાં જે આગળ સમાવેશ ન પામી હોય તેવી આઠ રચનાઓ સમાવી છે. જેમાં શામળકૃત ‘ઉદ્યમકર્મસંવાદ’ પુરુષાર્થ અને ભાગ્ય વચ્ચેનો સંવાદ રજૂ કર્યો છે. સર્જકે મનુષ્યને માટે આ બંનેની આવશ્યકતા સુંદર રીતે દર્શાવી છે. અખા ભગતની ‘ગુરુ-શિષ્ય સંવાદ’ રચના દાર્શનિક વિષયની સુંદર રજૂઆત કરે છે. દયારામની રચનામાં ભક્તિતત્ત્વનો મહિમા અંકિત થયો છે. શ્રીસારનો ‘મોતી-કપાસિયા સંવાદ’ શોભા કરતાં મૂળભૂત આવશ્યકતાનું જીવનમાં કેટલું મહત્ત્વ હોય છે, તેનું નિદર્શન કરાવે છે. આ રચના હિન્દી કવિની ‘તાજમહાલ–આગાખાન મહાલ’ના સંવાદોની યાદ અપાવે તેવી રચના લે છે ‘સમુદ્ર-વહાણસંવાદ’માં સંશોધક ઉપાધ્યાય યશોવિજયજીની કવિપ્રતિભાનો સુંદર પરિચય કરાવે છે. સાથે જ આ વિષયમાં ‘ઉપાધ્યાય યશોવિજયજી અધ્યયનગ્રંથમાં’ રમણ સોનીના વિસ્તૃત લેખનું સ્મરણ થાય. અંતિમ ‘સુકડિ-ઓરસિયા સંવાદ’ ભાવપ્રભ-સૂરિની એક કાવ્યાત્મક રચના છે. સંશોધકે તેનાં રસસ્થાનોનો સુંદર પરિચય કરાવ્યો છે. અંતિમ પરિશિષ્ટમાં ‘યમ-યમી સંવાદ’નો અનુવાદ તેમ જ એક ચારણી રચનાનો આસ્વાદ આપ્યો છે. સંશોધકે અંતે કૃતિઓની યાદી આપી છે, તેની સાથે મુદ્રણ સ્થાનોનો નિર્દેશ કર્યો હોત, તો ભાવકો માટે મુદ્રિતકૃતિ સુધી પહોંચવું વધુ સુગમ થયું હોત. કીર્તિદા શાહનો ૩૦ જેટલાં સંવાદકાવ્યોનો તેમજ સંવાદ-સ્વરૂપનો આ સંશોધનાત્મક અભ્યાસ મધ્યકાલીન સાહિત્યાભ્યાસમાં એક વિશેષ ઉમેરારૂપ છે.

[ગૂર્જર સાહિત્યભવન, અમદાવાદ]