અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દિલીપ ઝવેરી/કવિતા વિશે કવિતા (૪)
Revision as of 05:00, 19 July 2021 by MeghaBhavsar (talk | contribs)
કવિતા વિશે કવિતા (૪)
દિલીપ ઝવેરી
કુલડીમાં ઢાંકેલા દેવતાની જેમ
શબ્દોમાં જે હોય
એને ટેરવાંથી ફંફોસતાં દાઝી જવાય અને વીજળીવેગે ચીસ થઈને ઊછળે
તે કવિતા
કે પછી પોષમાં
કોઈ ઠૂંઠા થડની બખોલમાં સંતાડવા જતાં
આખા વનની સૂકી ડાળીઓ પર પાંદડાં જેવી લપેટો થઈને ઝગમગે
કે પછી દુઃખતા સાંધા પર હળવેકથી ફેરવતાં
ઘોડારમાંથી છોડ્યા ઊના લોહીની જેમ હડબડે
કે પછી ચૂલાના ગરભમાં સરી
આંધણની જેમ ખદબદે
કે પછી પગને અંગૂઠે વળગી
આ સકળને સાચ કરી
વળામણે ભેળી લઈને જાય તે.