અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દિલીપ ઝવેરી/કવિતા વિશે કવિતા (૫)
Revision as of 05:02, 19 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કવિતા વિશે કવિતા (૫)|દિલીપ ઝવેરી}} <poem> <center>(૫)</center> કવિતા ખરા ખપન...")
કવિતા વિશે કવિતા (૫)
દિલીપ ઝવેરી
કવિતા ખરા ખપનો લય ગોતે
સુથારની કરવતના કંપારવમાં
લુહારકોઢના એરણઘણ ઢણકારમાં
ડૂંટીએ લોંદો થાપી ઘમરતા કુંભારચાકડાના ઘઘરાટમાં
ઘાંચીની ઘસાયલી ઘાણીની ફરતી ખખડખોંડગાતા ખૂંધાળાની ખરી હેઠળ
કચડાતા કાંકરામાં
કચૂડતા કોસની લટકેલી ગરગડીને ગળે ઠેબાં ખાતી ડોલના છલકાટમાં
લૂખી સાઇકલનાં પૈડાનાં અલપઝલપ કટાયલા સળિયાના ઝગઝગાટમાં
આખો દિવસ કામ ગોતવા રખડી
લથડતા પગે ભૂખ્યા ઝૂંપડે પાછા આવી રોટલાને ઠેકાણે માગેલ ખાલી
પવાલુંભર પાણી
એ પાણીમાં તરવરે ગટકગટક તે કવિતા.