અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દિલીપ ઝવેરી/ભાષા

From Ekatra Wiki
Revision as of 05:28, 19 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ભાષા|દિલીપ ઝવેરી}} <poem> ભાષા મારાં હાડમાંસ ને હું ભાષાનો ગરા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ભાષા

દિલીપ ઝવેરી

ભાષા મારાં હાડમાંસ
ને હું ભાષાનો ગરાસ
મન-માટીને ખેતર ખાતે
ભાષા પાડે ચાસ
બીજ વેરતી જાય હેરતી
લણતી ઊભા મોલ.
ઢગલે ઢગલા શબદ ખળામાં
હું ભાષાનો ફોલ.

ભાષા થઈને જંગલ
ઝરણા જેમ મને દોડાવે
એકાદું તૃણ અડકું
અટકું ઝાકળઝીણું ઝબકું
ભાષા તડકો થઈ ચોંકાવે
ભાષા પળમાં મને ઉરાડે
રમતા રહે ઘાસમાં શબદ.

ગુલામ હું માલિક ભાષા
બેરહમ પરોણો ઝાલી
ખેંચી રાશ હાંકતી
કોશ કોશ ઉચલાવે.

મારાં તળિયે પોગ્યાં રગત
પિલાવે સવાસ ઘાણી વચ્ચે
ને રેલાવે તેલી શબદ.
કચરી મારી જીભ દોડતાં
ભાષાનાં હયદળ હું ધડકું
એ જીતે પોલા પડઘામાં
પ્હોળા હોઠે અવશ અચાનક
ઉપને શબદ અપાર.

ભાષા મારી મિલકત
મારી આખર ફૂટી કોડી
ખેલ ખતમ ચગડોળ થીર
મેળો નિર્જન પથ સૂના
નિમાણું એકલ ભમતાં
ભાષા શબદ સંગ દે જોડી.
‘એતદ્’, ઑક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૬