અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રીતિ શાહ-સેનગુપ્તા/થાક

From Ekatra Wiki
Revision as of 09:38, 19 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|થાક|પ્રીતિ શાહ-સેનગુપ્તા}} <poem> ચાલતાં ચાલતાં ખૂબ દૂર નીકળી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


થાક

પ્રીતિ શાહ-સેનગુપ્તા

ચાલતાં ચાલતાં
ખૂબ દૂર નીકળી આવી છું.
કોઈ એક કિનારે
પહોંચી ગઈ છું
આ જમુના હોત તો કદાચ
વાંસળી સંભળાતી હોત.
ગંગા હોત તો કદાચ
એક પ્રદીપ પ્રજ્વલિત
વહેતો જતો હોત પ્રવાહમાં
સાબરમતીનો સૂકો પટ પણ હોત આ
તો સંભવ છે
હું ફરી ઘેર પહોંચી શકત.
પરંતુ હે નદી,
તું તો કોઈ અન્ય છે.
તું હડસન છે અથવા તો ઓહાયો છે,
અથવા મિસિસિપી કે કોલોરાડો છે.
પણ હવે તું જ છે મારી મા.
ઓળખ — જાણ મને,
હવે તું જ અહીં ક્યાંક વસાવી લે મને.
ઉપાડી લે મારો ભાર —
મારો બચેલો થોડો સામાન.
મારાં નાનાં નાનાં પોટલાં.
નહીં તો ડુબાડી જ દે બધુંયે.
થાકેલી થાકેલી છું ક્યારથી.
બસ, હવે ફક્ત
બચી જવા માગું છું.
નવનીત સમર્પણ, મે, ૨૦૧૦