સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જયંત પાઠક/થોડો વગડાનો શ્વાસ

From Ekatra Foundation
Revision as of 12:10, 29 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<Poem> થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં, પ્હાડોનાં હાડ મારા પિંડમાં ને...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં,
પ્હાડોનાં હાડ મારા પિંડમાં ને
નાડીમાં નાનેરી નદીઓનાં નીર;
છાતીમાં બુલબુલનો માળો ને
આંગળીમાં આદિવાસીનું તીણું તીર;
રોમ મારાં ફરકે છે ઘાસમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.
સૂરજનો રંગ મારાં પાંદડાં પિયે ને
પિયે માટીની ગંધ મારાં મૂળ,
અર્ધું તે અંગ મારું પીળાં પતંગિયાં ને
અર્ધું તે તમરાંનું કુળ;
થોડો અંધારે, થોડો ઉજાસમાં,
થોડો ધરતીમાં, થોડો આકાશમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.