‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/પુસ્તક રદ કરવા અંગે : ડંકેશ ઓઝા

From Ekatra Foundation
Revision as of 03:28, 16 October 2025 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search

ડંકેશ ઓઝા

[પુસ્તક રદ કરવા અંગે]

ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત ‘ગુજરાતી લેખિકાસૂચિ’ (૨૦૦૯) વિશે હરિકૃષ્ણ પાઠક, પૂર્વઉપપ્રમુખ, ગુ.સા.પ. દ્વારા પરિષદના મુખપત્ર ‘પરબ’ના જૂન, ૨૦૦૯ના અંકમાં સમીક્ષા કરવામાં આવેલી. એમનું તીર જોકે સંકલનકારનું નામ સૂચવનાર ‘ગુરુ દ્રોણની પ્રતિષ્ઠા’ અને તેમની ‘નૈતિક જવાબદારી’ બાબતે તકાયેલું હતું! હવે, ‘પ્રત્યક્ષ’ એપ્રિલ-જૂન, ૨૦૦૯ના અંક ૭૦માં દિલ્હી યુનિ.ના ગુજરાતી વિભાગના પ્રા. રાજેન્દ્ર મહેતા તેની સમીક્ષા કરતાં તેને ‘ઉપયોગિતાશૂન્ય ઉપક્રમ’ ગણાવે છે અને આ સંપાદનને ‘ક્રિયાકાંડ’ અને ‘નાણાંના દુર્વ્યય’ સમાન ગણાવે છે! આમ છતાં, પરિષદના પેટનું (એના કાર્યવાહકોનું જ સ્તો!) પાણી હલતું નથી. પરિષદ શતાયુ ભલે બની હોય પણ પારદર્શક બની શકવાની શક્તિ તેનામાં નથી! હમણાં સુરતના સરકારી મ્યુનિસિપલ કમિશનરે પ્રજાજનો પ્રત્યે થોડું ઉશ્કેરાટભર્યું બોલાઈ ગયું તે બદલ, બે દિવસ પછી, દિલગીરી વ્યક્ત કરી. સરકારી બાબુ જેટલી અપેક્ષા પણ પરિષદ પાસે રાખવી તે અસ્થાને છે? સાહિત્યની સંસ્થા તરીકે તેણે આવી પારદર્શકતા દર્શાવ્યાના દાખલા છે જ નહીં! કે. કા. શાસ્ત્રીના ‘ગુજરાતના સારસ્વતો’ પુસ્તકમાંની આવી જ ગરબડો જોઈને જયંત કોઠારીએ ૧૯૭૮માં લખેલું કે ‘સાચી વાત નિખાલસપણે કહું તો આ ગ્રંથ રદ કરવો જોઈએ.... બીજા કોઈ ગ્રંથમાં થોડી ભૂલચૂક નભી જાય, સંદર્ભગ્રંથમાં નહીં.’ (પૃ. ૧૨૪) ‘વાંકદેખાં વિવેચનો’ (૧૯૯૩)માં જોરાવરસિંહ જાદવના સંદર્ભગ્રંથ વિશે પણ આવી જ આકરી સમીક્ષા એમણે કરેલી. આપણા સમકાલીન સારસ્વતોમાંથી કોઈને આ પ્રશ્ને પરિષદનો કાન આમળવાની ઇચ્છા થાય છે ખરી કે? સરકારી અકાદમીના પુરસ્કારો સ્વીકારવા તેઓ નમી પડે છે, પછી એમની કેડ ટટ્ટાર રહેવાનું જ ભૂલી ગઈ હોય છે! ‘પ્રત્યક્ષ’ના તંત્રી-મહોદયને પણ આવું કંઈક કરવાની ઇચ્છા થઈ હોત તો ‘પ્રત્યક્ષીય’ લખાયું હોત. આવા કપરા સમયમાં સુ. જો. કે જ. કો.ની ગેરહાજરી સાલે છે. આપણી પાસે આવાં વ્યક્તિત્વોની ખોટ જ રહેવાની કે? પછી આપણે નિરાશામાં સબડતા રહીએ છીએ. પરંતુ જમાનાને ખરાબ કહેનારા, પોતાને ખરાબ કહેશે ખરા કે? આપણી સંસ્થાઓ આવો અવાજ ન ઉઠાવે, પ્રતિસાદ ન પાડે તો તેમના અસ્તિત્વથી સમાજને - કે સાહિત્યને કોઈ ફાયદો ખરો? વડીલો, મિત્રો, વિચારો અને થોડીક નિરાશાને ખંખેરો તો સારું જ છે, તમારા માટે અને બીજાં બધાં માટે.

વડોદરા
ઑગસ્ટ ૨૦૦૯

– ડંકેશ ઓઝા


* તમે જાણો છો કે ‘પ્રત્યક્ષ’માં થોડાંક વર્ષ પહેલાં (ઑક્ટો.-ડિસે. ૨૦૦૫માં) ‘પરિષદની આરપાર’ નામે ‘પ્રત્યક્ષીય’ લખેલું એમાં વહીવટ-પ્રકાશન-નવીયોજનાઓ આદિ વિશે અનેક પ્રશ્નો કરતી આકરી ચિકિત્સા કરેલી અને, હવે સો વર્ષે આ ‘મંદયુગ’માંથી પરિષદ બહાર આવે એવી શુભેચ્છા વ્યક્ત કરેલી એ પછીના (જાન્યુ.-માર્ચ ૨૦૦૬ના) અંકમાં એને અભૂતપૂર્વ પ્રતિસાદ મળેલો. આપણા ૨૦ જેટલા સાહિત્યકારોએ વિચારણીય ચર્ચાપત્રો દ્વારા એ ચિકિત્સામાં સૂર પુરાવેલો ને પૂર્તિરૂપ સૂચનો પણ કરેલાં. પણ એની કોઈ વિધાયક અસર ‘સંસ્થા’ પર થઈ? એટલે હવે એવી કોઈ ઇચ્છા જ નથી થતી પરિષદ વિશે કશું લખવાની, કેમ કે એનો કોઈ જ અર્થ નથી. તમે પુસ્તક રદ કરવા વિશેના સંકેત પણ કર્યા છે. તો બીજું યાદ કરાવું - એપ્રિલ-જૂન ૧૯૯૮ના અંકનું ‘પ્રત્યક્ષીય ‘પુસ્તક રદ કરવાની વાચકનિષ્ઠા.’ એમાં ‘રઢિયાળી રાત’ (ઝવેરચંદ મેઘાણી)ની, ૧૯૯૩ની ભૂલોવાળી આવૃત્તિ રદ કરીને, એના પ્રકાશક પ્રસારે, ૧૯૯૮ની નવી, સુધરેલી આવૃત્તિ તે ગ્રાહકોને બદલામાં આપવાની ઉદાહરણીય જાહેરાત કરેલી. એના સંદર્ભમાં મેં એમાં, સુરેશ જોષીએ ‘એટલી બધી છાપભૂલો રહી ગઈ છે કે શુદ્ધિપત્રક મૂક્યું નથી. એમ કહીને પણ એમનું પુસ્તક ‘અહો બત કિમ્‌ આશ્ચર્યમ્‌’ પ્રગટ થવા દીધેલું એ અંગે આશ્ચર્ય વ્યક્ત કરેલું ને ‘ગુજરાતના સારસ્વતો’ અંગે જયંત કોઠારીનો સ્પષ્ટ મત પણ યાદ કરાવેલો. એટલે, જરૂર લાગી ત્યાં કહેવાનું રાખ્યું જ છે. સ્પષ્ટ. પણ હવે, હમણાં તો, આ ‘સંસ્થા’ઓ વિશે કશું કહેવાનું મન નથી.

– સંપાદક. [જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૦૯, પૃ. ૪૩]