અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ગોપાલ શાસ્ત્રી/સાગરની જેમ

Revision as of 09:55, 19 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સાગરની જેમ| ગોપાલ શાસ્ત્રી}} <poem> સાગરની જેમ કોઈ ઘૂઘવતું નથી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સાગરની જેમ

ગોપાલ શાસ્ત્રી

સાગરની જેમ કોઈ ઘૂઘવતું નથી હવે,
ભીતરથી એક મોજું ઊછળતું નથી હવે.

વેરાન રણમાં જઈને નદી લુપ્ત થઈ ગઈ,
કાંઠા ઉપરથી કોઈ વિહરતું નથી હવે.

ઘેરી ઉદાસી લઈ પવન પાછો ફરી ગયો,
વૃક્ષોના ચહેરે સ્મિત ફરકતું નથી હવે.

સોગાત સાંજની ધરીને સૂર્ય આથમ્યો,
આશાનું કિરણ ક્યાંય નીસરતું નથી હવે.

બેસી રહ્યો છું આજ સજાવીને મૌનઘર,
શબ્દોનું રૂપ ક્યાંય ઊભરતું નથી હવે.
(મૌનઘર, ૧૯૯૨, પૃ. ૧૧)