અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સલિલ/લગન આયાં ઢૂંકડાં

From Ekatra Wiki
Revision as of 06:31, 20 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|લગન આયાં ઢૂંકડાં|સલિલ}} <poem> લગન આયાં ઢૂંકડાં  : મૂવા મોરલા ધ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


લગન આયાં ઢૂંકડાં

સલિલ

લગન આયાં ઢૂંકડાં  : મૂવા મોરલા ધગે બઉ
આંખમાં ખટક પૈણનું કુંવળ  : ઘાંઘી પાંઘી થઉં!
પાણિયારે હું પગ મૂકું ને હેલને ફૂટે પાંખ,
પગનું રૂપું ખરતું એવું  : દનને વળે ઝાંખ,
વા’ણ ભરેલા ઢોલિયે ઢળું  : કેફમાં ઝૂરે આંખ.
ખડકી ઠાલી ખખડે તોયે ભીંતમાં ગરી જઉં,
લગન આયાં ઢૂંકડાં મૂવા મોરલા ધગે બઉ!
ઝૂલ કટોરી પોલકાં, મેરઈ વાયદા કરો નૈ,
સાથવો ખાધો બૌ દી હવે લાપસી ખાશું ભૈ,
પારકું માણહ કેમ પોતીકું કરશું મારી બૈ!
રાંઢવું ખૂલે રડશે, કડબ છાંડશે ગાયું સઉ,
આંખમાં ખટક પૈણનું કુંવળ  : ઘાંઘી પાંઘી થઉં!
હાલ્યને ઊજમ રમીએ કૂકા, રમીએ પીપળપાન
ફેર ફુદેડી ફરીએ, ડાળે લટકે કોરું ભાન,
સાત પાંચીકા રાખશું પાંહે, ફાંટમાં ભરી ગાન  :
તોરણ આવી ઊભશે કાલે  : આજ ગોઠીંબાં ખઉં,
લગન આયાં ઢૂંકડાં  : મૂવા મોરલા ધગે બઉ!
કાલ્ય સવારે વેરશે ઢોલી, વેરશે મીઠાં ફૂલ
ફળિયે પછી ઊગશે રાતા ચંદરવાની ઝૂલ
હીબકાં ખાતી વલખી ર્હેશે બાળપણાની ધૂળ
ઈમના જેવો વાયરો ભાળી ઘૂમટો તાણી લઉં!
આંખમાં ખટક પૈણનું કુંવળ  : ઘાંઘી પાંઘી થઉં!
લગન આયાં ઢૂંકડાં મૂવા મોરલા ધગે બઉ,
આંખમાં ખટક પૈણનું કુંવળ; ઘાંઘી પાંઘી થઉં!
(આંખ લગોલગ  : કંઠ લગોલગ, ૧૯૮૨, પૃ. ૬)