અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સરૂપ ધ્રુવ/બાવનની બહાર

From Ekatra Wiki
Revision as of 06:46, 20 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બાવનની બહાર|સરૂપ ધ્રુવ}} <poem> :::::::(જૂન, ૨૦૦૦માં બાવનમું પૂરું...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


બાવનની બહાર

સરૂપ ધ્રુવ

(જૂન, ૨૦૦૦માં બાવનમું પૂરું કરી, ત્રેપનમા વર્ષમાં પ્રવેશ કર્યો તે નિમિત્તે)
છોને પળિયાં પાકિયાં,
વનમાં છોન્ પ્રવેશ;
રાચે થનગન માંહ્યલો,
સદાય બાળે વેશ.
ભાષા, વેશ ને કેશ તો બદલાવ્યે બદલાય
પણ ડરતું ડરતું કોક કહેઃ બદલ્યે બગડી જાય!
(પણ... આપણું તો તમે જાણો છો ને?...)
જેવી ઊઘડી આંખ તો મોતીભીંજ્યો ચૉક,
આજે વાળી ગાંઠ એ કે કાલ ગઈ... તે ફોક,
એમ નથી કે આજ લગ્ગ
કહ્યું — લહ્યું તે ફોક
પણ આજે ઊગ્યું મન વિશે
હવે જાણવું લોક.
પંથ ચાતર્યા, વાટ વછૂટી, ડાબે મેલી ભોમ,
છેટા મેલ્યા છાંયડા, માથે ધખતા ધોમ.
કવિતા-કેડી સંચર્યાં એકલપંથી નાર,
પોંખાયાં પ્હેલાંક્ તો પછી તગેડ્યાં બ્હાર,
એકલ કલમે બહુ દીઠા જગત તમાશા રોજ,
શું કરિયેં તો જીતિયેં, ચાલી એવી ખોજ.

એકલ લડવા નીસર્યાં
તો લખ્યે-શીખ્યે લાચાર,
જગસંગાથે ઝૂઝિયાં
તે દિ’ અક્ષર થ્યાં હથિયાર.
હાથે એ હથિયાર લઈ, થઈ ભેરુની સાથ,
હમકદમ નીકળી પડ્યાં, જગતને ભરવા બાથ.

શબદ લીધા’તા મ્યાનમાં
ન બખ્તર પ્હેર્યાં ગીત,
રંગ કસુંબલ નીતરે
(એવી) રણ મોઝારી પ્રીત.
અસલ જંગમાં ઊતર્યાં, ને લડતાં જોયાં લોક,
જણજણ બોલે જોરૂકાં ને મરતાંયે તે કોક,
ટપારિયા, ટ્હૌકા દીધા, ગુણીજન થોકેથોક,
મારગ ચીંધી વહી ગયા, (હવે) ઝળહળ આખો ચોક.
લાધ્યો’તો જે લોકથી
અડધી સદી અજવાશ,
પાછો વાળું પ્રેમથી
એ જ એક છે આશ.
ઇચ્છા નામે દેડકી, કુંવરી થઈ ફુલાય;
દીધો એને વનવટો, છોને એ અકળાય.
જનપ્રવેશ કરવા સમે
આંખફરક ને ટોક?
હડી કાઢતું મન કહેઃ
‘રોક સકે તો રોક!’
ઓ જાતું... ઓ જાય છે... બાવન બ્હારને દેશ,
ત્રેપ્પનમે તાક્યું હવે સઘળા બાળું વેશ.
કવિતા, ઑગસ્ટ-સપ્ટે., ૪૦-૪૧