અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભીખુ કપોડિયા/તમે ટહુક્યાં ને…

Revision as of 07:21, 20 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તમે ટહુક્યાં ને… |ભીખુ કપોડિયા}} <poem> તમે ટહુક્યાં ને આભ મને...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


તમે ટહુક્યાં ને…

ભીખુ કપોડિયા

તમે ટહુક્યાં ને આભ મને ઓછું પડ્યું….
ટહુકારે એક એક ફૂટી પાંખો ને હવે
આખું ગગન મારું ઝોલે ચડ્યું…
લીલી તે કુંજમાંથી આવ્યા બે બોલ
જેમ ઊજળી કો સારસની જોડ,
પાંખનો હેલાર લઈ પાંપણિયે, ઉર મારું
વાંસળીને જોડ માંડે હોડ...
તરસ્યાં હરણાંની તમે પરખી આરત
ગીત છોડ્યું કે કુંજમાંથી ઝરણું દડ્યું…
મોરનાં તે પીંછાંમાં વગડાની આંખ લઈ
નીરખું નીરખું ન કોઈ ક્યાંય,
એવી વનરાઈ હવે ફાલી સોનલ ક્યાંય
તડકાની લાય નહીં ઝાંય.
રમતીલી લ્હેરખીને મારગ ન ક્યાં…ય
વન આખું રે લીલેરા બોલે મઢ્યું…
(અને ભૌમિતિકા, ૧૯૮૯, પૃ. ૧)