અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કિશોરસિંહ સોલંકી/અંદર
Revision as of 07:23, 20 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અંદર| કિશોરસિંહ સોલંકી}} <poem> આ અંદર શું છે? અંદર પડી છે તિરાડ...")
અંદર
કિશોરસિંહ સોલંકી
આ અંદર શું છે?
અંદર પડી છે તિરાડો
અણીદાર તડકાની શૂળ
ભોંકાઈ રહી છે અંદર ને અંદર
અંદરના ઉપાય માટે
કોઈ હકીમ બોલાવો
અંદર નસ્તર મુકાવો
અંદરના તળિયેથી
ઝમતો શિયાળો
અંદર ઊંજણ ઉજાવો
અંદર દીવેલ પૂરાવો
અંદર વગડો વાગે
તડકો વાગે
હરતાં-ફરતાં અંદર અંદર
એરું આભડે!
અંદર ઊભો વાગે દાભ
અંદર ગગડે આખું આભ
અંદર ચોમાસું તરસે મરે
અંદર વીરડા ગળાવો
અંદર પાણી છકલાવો
અંદર દરિયો બેઠો છે ચૂપ!
તેથી પૂછું છું તમને:
આ અંદર અંદર શું છે?