અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/કસુંબીનો રંગ વિશે

From Ekatra Foundation
Revision as of 02:01, 22 October 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
કસુંબીનો રંગ વિશે

ચંદ્રકાન્ત શેઠ

કસુંબીનો રંગ
ઝવેરચંદ મેઘાણી

લાગ્યો કસુંબીનો રંગ

સર્વશ્રી બચુભાઈ રાવત, મકરન્દ દવે તથા મહેન્દ્ર મેઘાણીએ જ્યારે ઝવેરચંદ મેઘાણીની કવિતામાંથી કેટલીક કૃતિઓ પસંદ કરી તેનો ગ્રંથ સંપાદિત કર્યો ત્યારે તેમણે ઊંડી સમજણપૂર્વક એ સંપાદિત ગ્રંથનું શીર્ષક રાખ્યું : `કસુંબીનો રંગ’. શું જીવનમાં કે શું કવનમાં, રંગો તો જાતભાતના જોવા-અનુભવવા મળતા હોય છે; પણ એમાં કેટલાક રંગોનું વર્ચસ્ હોય છે, કેટલાક રંગોનો સવિશેષ પ્રભાવ હોય છે. એવો એક રંગ તે કસુંબલ રંગ – કસુંબીનો રંગ. એ રંગનું તેજ હોય છે, એનો કેફ હોય છે. એ રંગ સમર્પણ કે ન્યોછાવરીનો રંગ છે; એ રંગ પ્રેમ અને શૌર્યનો રંગ છે. આપણી પ્રણય અને વીરત્વની પરંપરામાં અનુક્રમે કેસરી ચૂંદડી અને કેસરી વાઘાનો કેવો મહિમા છે તે આપણે જાણીએ છીએ. કસુંબા-પાણીથી માંડીને રાજપૂતોના કેસરિયાં કરવાના રિવાજ સુધીના અનેક ભાવસંદર્ભો આ કસુંબીના રંગ સાથે વળગેલા છે. હોળી-ટાણે કસુંબલ રંગનો ઉત્સવ હોય છે, કેસૂડાનો રંગ છાંટવાનો અને એ રંગે છંટાવાનો રોમાંચ હોય છે. વળી, રણભૂમિમાં કેસરિયો રંગ બલિદાન ને શહાદતના રંગ તરીકે આપણને પ્રભાવિત કરે છે. લોહીના લાલ રંગનું જ જાણે કોઈ રીતનું અનુસંધાન કોઈ રૂપાંતર આ કેસરિયા રંગમાં – કસુંબલ રંગમાં ન હોય જાણે! એ રંગનું કોઈ અનોખું આકર્ષણ આપણે સૌ સતત અનુભવીએ છીએ તો પછી, હાડે જે કવિ, હૈયું જેનું કવિનું, એ તો કસુંબલ રંગ પર – કસુંબીના રંગ પર ઓળઘોળ ઓવારી જાય એમાં શું નવાઈ?

જેમ હરિનો તેમ લયલા-મજનૂ, શીરીં-ફરહાદ, હીર-રાંઝા કે શેણી-વિજાણંદ જેવાં પ્રેમીજનોનો માર્ગ પણ શૂરાનો છે. જેમ કેસરભીના રજપૂતોનો તેમ સ્વાતંત્ર્યવીરોનો માર્ગ પણ અનિવાર્યતયા શૂરાનો હોય – વીરત્વનો હોય એ કહેવાની જરૂર નથી. ભક્તિ, શક્તિ અને મુક્તિના બળ અને મિજાજ વિના જીવન અને કવન બેય સાવ ફિક્કાં જ લાગે. ધરતીનાં ધાવણ ધાવેલા, સૌરાષ્ટ્રની રસધારે ઊછરેલા, સિંધુડાની ગર્જના કરનારા, રાષ્ટ્રીયતાના રંગે ભીના આપણા હૂંફાળા હૈયાના કવિ મેઘાણીને તો આનો પાકો અંદાજ હોય જ ને? મેઘાણી ઊંચા માથાળા માનવીના આશક કવિ છે. એ મડદાલોના નહીં, પણ મરજીવાઓના કવિ છે. માયકાંગલા માણસો માટે એમનું કાળજું કરુણાથી દૂઝે છે; પણ માયકાંગલી માણસાઈ એમને માન્ય નથી. તેઓ હેત અને હીરના ગાયક છે. તેથી જ સંતોના શ્વેત રંગને બિરદાવનારા આ કવિ એ શ્વેત રંગ જેમાંથી પ્રભવે છે એ જીવનના અવનવા રંગોના અનુભવી અને ગાયક કવિ છે. આમ છતાં આ `યુગવંદના’ના કવિ જેમ જીવનના મહત્ત્વના રંગોને પરખે છે તેમ એમના યુગનાયે રંગનેય પરખે છે અને ઊલટથી કસુંબલ રંગનું ગાન કરે છે. કસુંબલ રંગ એમના માટે, એમના યુગનો તો રંગ છે જ; એ ઉપરાંત એ ભક્તિ, શક્તિ અને મુક્તિનોયે રંગ છે, એ જવાંમર્દી અને મર્દાનગીનો-ઝિંદાદિલીનો રંગ છે. એ રંગ મેઘાણીએ બરોબર જાણ્યો-માણ્યો છે. અને તેથી જ એ પ્રિય રંગનું ગાન કરતાં એમના બત્રીસે કોઠા ઝળહળી ઊઠે છે.

મેઘાણીએ કસુંબીના રંગને જ એમના કાવ્યગીતનો વિષય કર્યો છે. એ કાવ્યનું કેન્દ્ર છે ને ધ્રુવપદ પણ! ગીતનો ઉપાડ થાય છે `કસુંબીનો રંગ લાગ્યા’થી અને ગીતની પ્રત્યેક પંક્તિ બંધાતી ને પરસ્પર ગંઠાતી જાય છે `કસુંબીનો રંગ’ – એ ધ્રુવપદથી. કસુંબીનો રંગ કવિસંવેદને – કવિકર્મે અવનવા વિવર્તો પામતો કેવો ઉઘાડ, કેવો વિસ્તાર પામે છે તે અહીં મેઘાણી રસાત્મક રીતે – કાવ્યાત્મક રીતે આપણને અનુભવાવીને રહે છે.

અહીં નિરૂપિત `કસુંબીનો રંગ’ માત્ર આંખથી જ પકડીને પામી શકાય એળો – દૃશ્ય વિષય જ નથી; એ ભાવાત્મક વિષય છે. એ રંગને ચક્ષુ સિવાયની ઇન્દ્રિયો દ્વારા, સમગ્ર તન-મન ને જીવન દ્વારા ઝીલવાનો ને જીરવવાનો છે – જાણવાનો ને માણવાનો છે. એ રંગનું ચલણ-વલણ અનેક સ્તરે, અનેક રૂપે પ્રત્યક્ષ થતું રહે છે. એ રંગ જીવનથી મરણ સુધીની પરિધિમાં અનેક ભૂમિકામાં અનેક રીતે વળી વળીને અનુભવાતો રંગ છે. એ રંગ મેઘાણીને માનવજીવનમાં અને એ સાથે પ્રકૃતિ સમસ્તમાં ઊઘડતો-ઊભરતો વરતાય છે. મેઘાણીએ એ કસુંબીના રંગને માટે જે જે ક્રિયાપદો પ્રયોજ્યાં છે અને એ માટે જે જે અર્થસંદર્ભો – ભાવસંદર્ભો રચ્યા છે તે સર્વ એ રંગની જીવનલીલાની અભિવ્યંજક સંચાર-લીલાને નિરૂપી રહે છે.

આ કસુંબલ રંગ, જનેતા પોતાના સંતાન માટે થઈને જે મૂક સમર્પણ કરતી રહે છે એનો રંગ છે. એ રંગ માતાના ખોળામાં અને એ રીતે માતાના હૈયામાં નિરાંતે પોઢતાં, એના ધાવણનું પાન કરતાં પમાય છે. માનવતાનાં મૂળમાં, એના ઉછેર અને વિકાસમાં જ આ સ્નેહ અને સમર્પણનો કસુંબલ રંગ રહ્યો હોવાની કવિની પ્રતીતિ છે. કવિની નજર માતાના ધાવણના ધોળા રંગમાંયે કસુંબીનો રંગ રહ્યો હોવાનું પકડી શકે છે.

આ રંગ ભગિની-પ્રેમમાંથીયે પામી શકાય છે. બહેન જ્યારે ભાઈને પોઢાડતાં હલકભર્યા કંઠે હાલરડાં ગાય છે ત્યારે એમાંયે કવિ કસુંબલ રંગને જ ઘૂંટાતો પ્રતીત કરે છે. એ રંગ એ રીતે નિ:સ્વાર્થ પ્રેમનો – શુદ્ધ સ્નેહનો રંગ છે. એ રંગમાં જો ભગિની પ્રેમની પુષ્પમય કોમળતા છે તો રાત્રિના ભયાનક અંધકારમાંયે ગર્જના કરતા કેસરીના નીડર અને હિંમતભર્યા હૈયાની કઠોરતાયે છે. કસુંબીનો રંગ નિર્ભયતાનો રંગ છે. રાત્રિના અંધકારો પરાસ્ત નહીં થતી હિંમતભરી છાતીમાં ઘૂંટાતો એ રંગ છે. એ રંગને કેસરભીના કવિનાં શ્રવણ દ્વારા રોમેરોમમાં પડઘાતો અનુભવી શકાય એમ છે.

કવિ મેઘાણી કસુંબીના રંગને વીરત્વનો રંગ કહે છે. મીંઢળબંધાઓએ જે જુસ્સાએ લીલાં નાળિયેર જેવાં માથાં વધેર્યાં જે જુસ્સાનો એ રંગ છે. એ રંગમાં તરુણોની શહાદતનું ઓજસ ભળેલું છે અને તેથી જ એ રંગમાં ભભક અને તીક્ષ્ણતા છે. એ રંગ સ્વમાન અને સ્વાધીનતાનો – સ્વાયત્તતા ને સ્વતંત્રતાનો રંગ છે. આ રંગ કોઈ એક રાષ્ટ્રનો નહીં, વિશ્વ સમસ્તની વીર-સાહસિક બિરાદરીનો રંગ છે. આ રંગની સુવાસ વિશ્વવ્યાપી છે. આ રંગની રમણીયાતાને સૌ કોઈ પોતાના શ્વાસ દ્વારા – પ્રાણ દ્વારા, પ્રીથી-પામી શકે એમ છે.

આ રંગ ભક્તિનો છે. કવિ એની સરસ રીતે રજૂઆત કરે છે : `ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર્રચાખ્યો કસુંબીનો રંગ’. આ કવિ સંતવાણીમાં-ભજનવાણીમાં ભગવો કરતાંયે કસુંબીનો રંગ જુએ-ઝીલે છે એ ધ્યાનપાત્ર બાબત છે. કદાચ મીરાં જેવી ભક્ત કવયિત્રીની `કસુંબી સાડી’ એમની નજરમાં હોય! કવિ કસુંબીના રંગ સાથે `ચાખ્યો’ ક્રિયાપદ યોજી તેને સ્વાદેન્દ્રિયનો વિષય બનાવે છે. એ કસુંબીના રંગનો સ્વાદ અમૃતોપમ જ હોય એ કહેવાની જરૂર ખરી?

કવિ આ રંગ વહાલી દિલદારાના કોમળ ચરણ પર લગાવાયેલી મેંદીમાંયે જુએ છે અને કદમબોસી દ્વારા એનો આસ્વાદ પણ માણે છે. પ્રણયની નજાકતમાં – એના રમણીય આચારમાં કવિ કસુંબીના રંગનો ભાવમર્મ પામે છે. કદાચ વહાલી દિલદારાના ચરણની મેંદીમાં કવિ પોતાના હૃદયનો કસુંબલ રંગ પણ ભેળવીને ચડાવતા હોય! ન જાને!

આ કસુંબીનો રંગ એ ઉન્નત ભાવ અને ભાવનાઓનો રંગ પણ ખરો જ. એ રંગ તો ક્ષણે ક્ષણે નવું જોનારા ને સ્વપ્નોમાં સહલનારા તેમ જ દુનિયાદારીની પારનુંયે પેખનારા કવિઓનો-કલાકારોનો મનગમતો રંગ. એ રંગનું ગાન કરતાં જગતભરના કવિઓ આજ દિન સુધી થાક્યા નથી. કવિતાને વીર અને શૃંગારની છોળછાલક વિના ઊછળવાનું ને ભાવકોને ભીંજવવાનું ફાવ્યું નથી. કવિઓના તો પ્રિય વિષય જ કસુંબલ રંગના – પ્રેમ અને શૌર્ય જેવા. આ રંગ મુક્તિના ક્યારાઓમાંયે જોવા મળે છે. મુક્તિની વેલ દ્રાક્ષની વેલ જેવી છે. એ માનવના પસીના ને રક્તથી સિંચાય છે. મીરાંએ આંસુ સીંચીને પ્રેમવેલ ઉછેરેલી; આપણા નરવીરોએ હૃદયનાં રુધિર સીંચીને મુક્તિની વેલને ઉછેરી છે ને સાચવી છે. કવિને એ મુક્તિના ક્યારામાં, મુક્તિના ફળમાંયે કસુંબીનો રંગ લહેરાતો જણાય તો એમાં શી નવાઈ?

આ રંગ ઉલ્લાસનો તો છે જ છે, પણ ક્યારેક વેદના ને કરુણાનોયે રંગ હોવાની આ કવિની પોતાની આગવી પ્રતીતિ છે. આ રંગ પીડિતો ને દલિતોની યાતના-વેદનાનાં આંસુમાંયે રેલાતો કવિ નિહાળે છે. આ રંગની આગ-ઝાળ શહીદોના ધગધગતા નિ:શ્વાસોમાં, એમની યાતનામાં સળગતી કવિ જુએ છે અને એનો ધખારો તેઓ નિરૂપે છે.

આ રંગ દીનહીનોના ચહેરામાંથીયે પામી શકાય છે. આ રંગમાં એ રીતે વેદનાનો રાતો રંગ ઊતરેલો કવિને દેખાય છે. આ રંગ સત્યાગ્રહ જેવી લડતો – સંઘર્ષોમાં ઝૂઝતા ને ઘવાતા જવાંમર્દ સપૂતોની વીર માતાઓમાં કવિ જુએ છે. એ માતાઓને પોતાનાં સંતાનો ઘવાયાનું દુઃખ હોય છે પણ છતાંય એ દુઃખ દૃઢતાથી સહીને ચહેરા પર તો સ્મિત જ રાખે છે. આવી તેજસ્વી મતાના ચહેરામાં કવિને કસુંબલ રંગની ઝાંયનું દર્શન જ થાય ને?

આ એવો રંગ છે, જે વળી વળીને પીવા જેવો ને માણવા જેવો લાગે છે. આ કસુંબલ રંગ સત્ત્વ અને સત્યનો, શીલ અને શાનનો રંગ છે. એ માનવતાને માટે સૌથી વધુ પથ્યકર ને પ્રસન્નકર છે. આ રંગ તો `વીર સત્ય ને રસિક ટેકીપણું’ દાખવનારા શિવસંકલ્પબદ્ધ જીવનસાધકોનો રંગ છે. આ રંગ હરહંમેશ ઝીલવા જેવો ને માણવા જેવો છે. નરવા ને ગરવા જીવનના સાચા નિષ્કર્ષનો આ રંગ છે. આ રંગથી તો સર્વદા ને સર્વથા ઉત્કર્ષ જ હોય. આ રંગથી ભાગવાપણું ન હોય, આ રંગ તો ભોગવવા જેવો ને લોહીમાં ભેળવવા જેવો રંગ છે. આ રંગ ઢીલા-પોચા કે કાયર માણશોને જચે-પચે એવો રંગ નથી; આ રંગ તો મસ્તરંગી જીવનવીરોનો – વીર કવિઓનો – કવિવરોનો રંગ છે. એ રંગનું જેમને આકર્ષણ થાય, એ રંગથી પોતાના જીવને તરબોળ કરી દેવાનો ભાવ જેમને જાગે ને એ માટે જેઓ સક્રિય થાય એ જ ખરા અર્થમાં `રંગીલા’ – નેકીલા ને ટેકીલા લેખાય. આ કસુંબીનો રંગ, સચ્ચાઈનો રંગ છે; એ દેખાવનો નહીં અંતરની અસલિયતનો રંગ છે. આ રંગ જેને લાગે છે એ જ જીવનનો સ્વાદ અને એની શક્તિનો ભરપૂર અનુભવ કરી શકે છે; એ જ ખરી મુક્તિનો મર્મર જાણી-માણી શકે છે. કવિ મેઘાણી એવા રંગની વાત કરતાં પ્રસન્નતા ને ધન્યતા અનુભવે છે. જીવનને એવા રંગે રંગવા મળ્યું એમાં એમને સાર્થકતા ને સદ્ભાગ્ય લાગ્યાં છે. એમની એ લાગણી ઊલટ અહીં પરંપરાગત ગેય-ઢાળની બાનીમાંથી સહૃદયોને તો બરોબર રીતે પામી શકાય છે. આ કાવ્ય હલકભેર ગાતાં-સાંભળતાંયે સહૃદયોને તો કસુંબલ રંગ લાગી જ જશે!!

(આપણાં કાવ્યરત્નોઃ ઉઘાડ અને ઉજાશ)