અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મણિલાલ હ. પટેલ/ગામ જવાની હઠ છોડી દે

Revision as of 09:19, 20 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ગામ જવાની હઠ છોડી દે|મણિલાલ હ. પટેલ}} <poem> બા-ની સાથે ગયું બાળપ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ગામ જવાની હઠ છોડી દે

મણિલાલ હ. પટેલ

બા-ની સાથે ગયું બાળપણ ગામ જવાની હઠ છોડી દે
વસતિ વચ્ચે વિસ્તરતું રણ ગામ જવાની હઠ છોડી દે
બન્યો ડેમ ને નદી સુકાઈ ગામ જવાની હઠ છોડી દે
ખેતર વૃક્ષો ગયાં કપાઈ ગામ જવાની હઠ છોડી દે
ચોરો તૂટ્યો ગયા પાળિયા ગામ જવાની હઠ છોડી દે
નથી ગોખલા બચ્ચા આળિયા ગામ જવાની હઠ છોડી દે
લોહી ખરું પણ નથી સગાઈ ગામ જવાની હઠ છોડી દે
નથી ઓટલે ભીંતે ઓકળી ગામ જવાની હઠ છોડી દે
સગપણ ભૂલી પ્રજા મોકળી ગામ જવાની હઠ છોડી દે
પાદર રસ્તા નામ પૂછશે ગામ જવાની હઠ છોડી દે
‘કૌનું છે ભૈ કામ?’ પૂછશે ગામ જવાની હઠ છોડી દે
સગા અને સગપણ સૌ છૂટ્યાં ગામ જવાની હઠ છોડી દે
ખેતર સાથે અંજળ ખૂટ્યાં ગામ જવાની હઠ છોડી દે
તને કોકનાં વેણ વાગશે ગામ જવાની હઠ છોડી દે
વાતવાતમાં દુઃખ લાગશે ગામ જવાની હઠ છોડી દે
આંબા રાયણ મહુડા ક્યાં છે? ગામ જવાની હઠ છોડી દે
નોંધારી ટેકરીઓ ત્યાં છે ગામ જવાની હઠ છોડી દે
ગયા સોબતી ના રહી શાળા ગામ જવાની હઠ છોડી દે
બધા લોક શીખ્યા સરવાળા ગામ જવાની હઠ છોડી દે
નથી નેળિયાં સડકો થૈ ગૈ ગામ જવાની હઠ છોડી દે
એક સીમ પણ ધોખો દૈ ગૈ ગામ જવાની હઠ છોડી દે
છાશ રોટલો ગયાં વસૂકી ગામ જવાની હઠ છોડી દે
માટીએ પણ માયા મૂકી ગામ જવાની હઠ છોડી દે.