મિથ્યાભિમાન/જીવરામભટ્ટને ચોર લઈ જાય છે

Revision as of 02:58, 29 October 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
જીવરામભટ્ટને ચોર લઈ જાય છે

અંક ૬ઠ્ઠો/”चौर्यप्रसंग”
જીવરામભટ્ટને ચોર લઈ જાય છે
चौर्य प्रसंग

જીવ૰—(જાગીને) અરે પ્રભુ! લઘુશંકા કરવા ખાળે જવાની જરૂર છે. હવે ખાળ શી રીતે જડશે? કદાપિ ખાળે જઈ પહોંચીએ, પણ પાછા આવતાં આ ખાટલો નહિ જડે, અને કોઈક બીજાની પથારીએ જઈ ચડીએ, તો મોટી ફજેતી થાય. હવે શું કરવું? હે ઈષ્ઠ દેવ, હવે તું મારી લાજ રાખજે. વારૂં, આ પાઘડીનો છેડો ખાટલાના પાયા સાથે બાંધીએ, અને બીજો છેડો હાથમાં રાખીને ખાળે જઈએ. (તેમ [1] કરે છે.) (વચમાં પાડી આવીને પાઘડી ચાવીને બે કટકા કરે છે.)
જીવ૰—અરે પ્રભુ! હવે શું કરીશું? ખાટલો શી રીતે જડશે? હવે પૂરી ફજેતી થવાની! (ફાંફાં મારતો સાસુના ઉપર જઈને પડે છે. મશાલ બુઝાઈ જાય છે.)
દેવબા૰—(બુમ પાડીને) અરે! ચોર છે! જાગો! જાગો! (એમ કહીને નાસે છે.)
સોમના૰—મારો! મારો! મારો! માજી દીવો કરો, દીવો કરો! (ઝાપટે મારે છે.)
રઘના૰—પોલીસના સિપાઈઓ આવી પહોંચ્યા પહેલાં ખૂબ હાથરસ લઈ લો. એના શરીરનું એકે હાડકું સાજું રાખશો નહિ. (ઝાપટે તથા લાકડીએ મારે છે.)
રંગલો૰—મારો! મારો! મારો! (તે પણ મારે છે.)
જીવ૰—અરે હું છું! એ તો હું છું! મેં સાસુજીને લાત મારી હતી, માટે માફી માગવા આવ્યો છું. (તે કોઈ સાંભળતું નથી.)
રઘના૰—ચોરીની માફી હોય નહિ, મારો! મારો! મારો!
દેવબા૰—દોડજો! દોડજો! ચોર છે! ચોર છે!
પોલિસના બે સિપાઈઓ૰—(બારણાં ઠોકે છે[2]) બારણાં ખોલો, બારણાં ખોલો.
દેવબા૰—(બારણાં ઉઘાડે છે.)
સિપાઈ૰—(આવીને) કીધર હે ચોર? કીધર હે ચોર?
સોમના૰—આ રહ્યો સાહેબ! આ રહ્યો સાહેબ!
રઘના૰—પકડી જાઓ, પકડી જાઓ.
સિપાઈ૰—(પકડીને હાથ બાંધે છે, અને બીજાં સઉ કલબકાટ કરે છે.)
દેવબા૰—અરે મારા પગમાંથી કલ્લાં કાઢતો હતો.
સોમના૰—હું ઊઠ્યો તેવો મેં તરત નજરે દીઠો.
એક સિપાઈ૰—(બાંધીને લઈ જાય છે. બીજા ઉભા રહે છે.)
રઘના૰—અરે દીવો કરીને ઘરમાં તપાસ કરો. શું શું ગયું?
સોમના૰—મને ધબકારા જણાતા હતા તેથી હું જાણું છું કે સાત કે આઠ ચોર ઘરમાં પેઠા હતા. પણ બીજા નાસી ગયા, અને એ એકજ પકડાયો.
રઘના૰—પગીને બોલાવો, પગેરૂં કહાડવું પડશે.
સોમના૰—અરે! એક હજામને બોલાવો, મશાલ કરવી પડશે.
રઘના૰—રસોઈ કરવાના વાસણ તપાસો, છે કે ચોર લઈ ગયા.
દેવબા૰—(પડદામાં જઈ આવીને) વાસણ તો બધાં રહ્યાં છે. મેં ગણી વાળ્યાં.
સોમના૰—અરે! મારી ભણવાની પોથી પણે હતી તે છે કે નહિ?
દેવબા૰—પોથી તો આ રહી.
રઘના૰—પેલા હાંલ્લામાં જનોઈના જોટા ૩ હતા તે છે કે ગયા? તપાસ કરો.
દેવબા૰—જનોઈના જોટા તો રહ્યા છે.
સોમના૰—અરે! વિભૂતિના ગોળા દેવપૂજાની ઓરડીમાં હતા તે તપાસો છે કે ચોર લઈ ગયા!
રઘના૰—વિભૂતિના ગોળા તો રહ્યા છે રહ્યા પણ સાથે ગોમુખી ને આસનિયું પણ રહ્યું છે!
દેવબા૰—અરે! આ ખાટલામાં જીવરામભટ્ટ સૂતા હતા, તે ક્યાં ગયા?
રઘના૰—ચોરની બીકથી નાશીને ખાટલા હેઠે કે બીજે ક્યાંઈ સંતાઈ રહ્યા હશે.
સોમના૰—ઓ જીવરામભટ્ટ! ઓ જીવરામભટ્ટ! આટલામાં તો ક્યાંઈ જણાતા નથી.
રંગલો૰—જીવરામભટ્ટ ગયા જમરાજાને ઘેર. હવે એને ત્યાં એને મિથ્યાભિમાનનું ફળ સારી પેઠે મળશે.
રઘના૰—આ ખાટલાને પાયે પાઘડીનો અડધો કડકો બાંધેલો છે, આનું કારણ શું હશે?
સોમના૰—જરૂર પેલા કોળી લોકો જીવરામભટ્ટને ચોરીને લઈ ગયા. આ ખાટલાને પાયે પાઘડીના કડકા બાંધીને ખાટલો ઊંચકી જવાનો વિચાર કર્યો હશે પણ તેમ બની શક્યું નહિ હોય તેથી તેમને ઉંચકીને ગયા.
દેવબા૰—અરે! હાય! હાય! બે હજાર રૂપૈયા ખરચતાં પણ હવે એ જમાઈ હવે આપણને ક્યાંથી મળે.
રંગલો૰—ખરી વાત છે. એના જેવો મિથ્યાભિમાની જગતમાં મળવાનો નહિ.
રઘના૰—હવે એને વેગળા દેશમાં લઈ જઈને વેચશે એટલે તે ચોર લોકોને બે હજાર રૂપૈયા મળશે.
દેવબા૰—(છેડો વાળીને) પરૂણારે તારું મોઢું હવે હું ક્યાં દેખીશ! ઉં હું હું હું!
રઘના૰—છાની રહે છાની રહે; મુઆ પહેલી મોંકણ શી?
રંગલો૰—અરે કરવા દોને આગળથી કરી મુકી એટલે પછીથી કરવી મટી.
સિપાઈ૰—તુમેરી કુછ માલમતા ગઈ હોયસો અબી કહો કીતને રૂપૈએકી મતા ચોરાઈ?
દેવબા૰—અરે ભાઈ, અમારી એવી ચીજ લઈ ગયા કે બે હજાર રૂપૈઆ ખરચતાં પણ મળે નહિ.
સિપાઈ૰—અચ્છા મેં જમાદારકું કઉંગા.
દેવબા૰—તે ચોરને પકડીને ક્યાં લઈ ગયા?
સિપાઈ૰—ઉસકું અબ કાચી કેદમેં રખેગા ઓર ખુબ માર મારેગા, તબ ચોરીકા માલ કબુલ કરેગા, નહિ તો ઓ સાલા કબી માનનેવાલા નહિ.
રઘના૰—સરકારનો એવો હુકમ હશે કે?
સિપાઈ૰—સરકારકા કાયદા તો બડા ખરાબ હે, ચોરકું મારનેકા હુકમ નહિ. ગાયકવાડી રાજમેં એસા હે કે ચોર લોકકું પકડકે પાંઉમેં મેખાં મારતે હે. ઓર ગરમ તેલ છીટતા હે, તબ ચોરલોક તુરત ચોરીકા માલ નીકાલ દેતા હે.
રંગલો૰—ઠીક છે. આ ચોરને પણ એમ કરજો. તે એજ લાગનો છે.
સિપાઈ૰—સામલાજીકા થાણદારને ચોર પકડાથા. ઓ ચોરીકી બાત બીલકુલ ઈનકાર કરતા થા. પીછે થાણદારને જબ ખુબ માર મરાયા તબ દો હજાર રૂપૈએકા માલ નીકાલ દીયા. દુસરા રાજા હોવે તો એસા થાણદારકું બડા ઈનામ દેવે. લેકીન સાદરાકા સાહેબ કે આગે ચોરલોકને જાહેર કીઆ, હમકું માર મારકે ચોરી કબુલ કરવાઈ.
રઘના૰—પછી સાહેબે શો હુકમ કર્યો.
સિપાઈ૰—સાહેબ ઓ થાણદારકું છે મહિનેકી સખ્ત મજુરી સાથ કેદકી સજા કીની, ઓર નોકરીસે બરતરફ કીયા.
રઘના૰—એ તો બહુ ખોટું કર્યું.
સિપાઈ૰—જોધપુરકા મહારાજકા એસા કાયદા હે કે-એસા કોઈ ચોર પકડાયા કે તુરત વો ચોરકું લીલે કાંટેમેં જલાઈ દેના; બસ, દુસરા કુચ પૂછનાઈ નહિ. જબ ઓ મુલકમેં કોઈ ચોરી કરતા નહિ. અંગ્રેજ સરકારકા રાજમેં બડા અંધેર હે. કહેતા હે કે ચોરને ચોરી કીયા ઈસકા સાહેદી લાઓ, સો ચોરકા સાહેદી કહાંસે મીલે? કુછ ચોર લોક સાહેદી પુરનેવાલેકું ભેલી લેતા આતા હે ક્યા?
સોમના૰—હવે આ ચોરીનો મુકદમો ક્યારે ચાલશે?
સિપાઈ૰—કલ દસ બજે ફોજદાર સાહેબકી કચેરીમેં હાજર હોના.
સોમના૰—ઠીક છે, આવીશું. (સિપાઈ જાય છે.)
રંગલો૰—સોમનાથભટ્ટ તમે બડી બહાદુરીથી ચોરને પકડ્યો છે હો! અને આ ઠેકાણે તેનો વાંસો પણ ઠીક હળવો થયો છે.
રગના૰—તેના નસીબથી મારા હાથમાં તે સમે લાકડી સારી આવી ગઈ.
સોમના૰—અરે મેં તો એવો એને માર્યો છે કે સો વસા તો તે જીવશે નહિ પણ કદાપિ જીવતો રહેશે તો આપણા ઘર સામું ફરીથી કોઈ દહાડે જોશે નહિ.

(પડદો પડ્યો)

ગાનારા ગાય છે.


  1. માથે ચાદર ઓઢીને જાય.
  2. પડદા પાછળ રહીને બોલે.

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.