મિથ્યાભિમાન/વૈદ્ય આવે છે

From Ekatra Foundation
Revision as of 03:13, 29 October 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
વૈદ્ય આવે છે

અંક ૮ મો/પ્રવેશ ૨
વૈદ્ય આવે છે
પ્રવેશ ૨ જો.

(સોમનાથ વૈદ્યને તેડી લાવે છે.)
રઘના૰—આવો વૈદ્યરાજ! વૈદ્યને બેસવાને પાટલો લાવો, પાટલો.
રંગલો૰—(બે પાટલા લઈને)લોને, કહો તો આ એક પાટલો વૈદ્યને બેસવા, અને આ બીજો વૈદ્યના માથા પર મૂકું.
વૈદ્ય૰—(નાડ તથા શરીર તપાસે છે.)
રઘના૰—નાડ જોવાથી પીડાની ખબર પડતી હશે કે?
વૈદ્ય૰—અરે! અમારા બાપ પેશવા સરકારના વૈદ્ય કહેવાતા હતા, એ નાડ જોઈને ખાધેલું ધાન્ય વરતી આપતા હતા.
રઘના૰— કોઈવાર ખાધેલું વરતીને કહેલું ખરૂં?
વૈદ્ય૰—એક વાર શેલુકરે અમારા બાપની પરીક્ષા જોવા સારૂ બોલાવીને કહ્યું કે અમારી સ્ત્રી માંદી થઈ છે; પણ તે હોઝલમાં રહે છે, તેથી કોઈ પુરુષનું મોંઢું કે હાથ દેખાડવાની ના કહે છે. માટે કેમ કરવું?
રઘના૰—પછી વૈદ્યે શું કહ્યું?
વૈદ્ય—કહ્યું કે બાઈને હાથે દોરી બાંધીને તે દોરી બાંધીને તે દોરી મારા હાથમાં આપો.
રઘના૰—પછી?
વૈદ્ય—પછી એક બિલાડીના પગે દોરી બાંધીને વૈદ્યના હાથમાં આપી.
રઘના૰—વૈદ્યે શું કહ્યું?
વૈદ્ય—દોરી જોઈ ને નાડીની પરીક્ષા કરી ને તરત કહ્યું કે આજ બાઈએ ઉંદરનું માંસ ખાધું છે.
રંગલો૰—ગપ્પીને ઘેર ગપ્પી આવ્યા, આવો ગપ્પીજી, બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી.
દેવબા૰—વૈદ્યરાજ , જીવરામભટ્ટને ભોંયરસો હળદર ભરીશું કે આવળ બાંધીશું?
રંગલો૰—વાહ તમેજ ઓષડ જાણતાં હતાં ત્યારે વળી વૈદ્યનું શું કામ હતું?
વૈદ્ય—બહુ અમૂઢ માર વાગેલો છે, માટે નગરશેઠને [1] ત્યાંથી મુમઈ લાવીને ઠોડીક પાઓ તો ઠીક.
સોમના૰—મુમઈ શેની થતી હશે?
વૈદ્ય—એવું સાંભળ્યું છે કે શરીરે સાજો અને તાજો માણસ હોય તેને પકડી જઈને અથવા વેચાતો લઈને, એક બે મહિના સુધી ખૂબ મિષ્ટાન્ન તથ મશાલા ખવરાવીને શરીરે પુષ્ટ કરીને, પછી તેને મધની ભરેલી કોઠીમાં નાખે છે; અને બે ત્રણ મહિના રહેવા દઈને, તેનું માંસ અને મધ કાલવે છે તેની મુમઈ [2] થાય છે. તે બહુ પુષ્ટિકારક હોય છે, માટે મોટા મોટા સાહુકારો ઘરમાં રાખે છે.
રંગલો—ત્યારે આ વૈદ્યરાજને પકડીને લઈ જાય તો તેની સાત આઠ મણ મુમાઈ થાય, કેમકે તે શરીરે બહુ જાડા છે.
દેવબા૰—વૈદરાજ એમન ગ્રહ કેવા છે? તે જુઓને.
વૈદ્ય— (ટીપણું કાઢે છે.)
રઘના૰—વળી ટીપણું પણ રાખો છો કે?
વૈદ્ય—વૈદ્યને બધુંય જોઈએ; અને ખરેખરી તો ઈષ્ટ ઉપાસના જોઈએ. તે હોય તો ચુલામાંની રાખનું પડીકું બાંધીને આપે પણ ગમે તેવો રોગ હોય તો મટી જાય છે.
દેવબા૰—તમારે કયા ઈષ્ટની સાધના છે?
રંગલો—પૈસા દેવની.
વૈદ્ય—આજ કળિજુગમાં જેમ જ્યોતિષ અને વૈદક સ્થૂળ પડી ગયાં છે, તેમ મંત્રશાસ્ત્ર પણ સ્થૂળ પડી ગયાં છે; અને જેમ વૈદકમાં રેચ અને જ્યોતિષમાં ગ્રહણ, એ બેજ આજ સાચાં પડે છે, તે શિવાય વૈદકનું કે જ્યોતિષનું કળિજુગમાં કશું સાચું પડતું નથી; તેમજ कलौ चंडी विनायकौ કળિજુગમાં ચંડી કે ગણપતિ, એ બે જ ઈષ્ટ ફળે છે. બીજા દેવોમાં હવે જીવ રહ્યો નથી, માટે અમારે ચંડીની ઉપાસના છે. તેના પ્રતાપથી રળી ખાઈએ છીએ. અને કોયલાની કાળી રાખ, લાકડાની ધોળી રાખ તથા છાણની રાખ, તે ત્રણેને અજમો વાટી લુગડે ચાળીને જુદી જુદી ડાબડીઓ ભરી મૂકીએ છીએ, અથવા ગોળીઓ કરીએ છીએ તેનાં નામ मदन स्तंभनी. वज्रपाचनी, ज्वरांकुश એવાં એવાં પાડીએ છીએ. તેથી રોગી સાજા થાય છે અને આપણને જશ અંબાના પ્રતાપથી મળે છે.
રંગલો—ત્યારે વૈદકશાસ્ત્ર તો બધું જૂઠું કે?
વૈદ્ય—એ સાચું પડતું હોય તો વૈધકમાં તો સોનું બનાવવાની ક્રિયા પણ લખેલી છે.
રંગલો—સોનું બનતું હોય ત્યારે તો વૈદ્યનાં ઘર સોનાનાં થાય જ તો? પછી શું કરવા કોઈની નાડ ઝાલવા જાય?
દેવબા૰—હવે જુવોને, આને કેટલા દહાડાની કઠણ દશા છે.
વૈદ્ય—(મેખ, વરણ, ગણીને) ચૌદશ, અમાસ ને પડવો ત્રણ દહાડા જાય તો પછી કાંઈ ફીકર નથી.
રંગલો—એ તો સઉ જાણે છે કે આ ત્રણ દહાડા જીવનાર નથી.
દેવબા૰—તમે કાંઈ ઓષડ આપોને?
વૈદ્ય— આજ બુધવાર છે. બુધે બેવડાય, માટે આજ ઓષડ અપાય નહિ.
દેવબા૰—હવે એટલું કહોને કે આખર રૂપાનો રૂપૈયો છે કે તાંબાનો!
જીવ૰—(આંખ થરડાય છે.)
વૈદ્ય૰—ખરેખરૂં કહેતાં મારી જીભ કેમ ઉપડે?
દેવબા૰—હવે શું? જે થવા કાળ હતું તે થયું. તેમાં તમે શું કરો? ને અમે પણ શું કરીએ?
વૈદ્ય— શ્વાસ થયો છે અને આંખો થરડાય છે. હવે તો બાઈની ચુંદડીએ સત હોય તો બચે. અંબાજીની બાધા રાખો; અને જ્યાંસુધી લગારે જવાબ દઈ શકે ત્યાં સુધીમાં કાંઈ પૂછવું ગાછવું હોય તે પૂછી લો; અને દાન પુણ્ય કરવું હોય તે કરો. હવે ઓષડની વાત જવા દો.
રઘના૰—વૈદ્યરાજ ખરૂં કહે છે. હવે તો એજ કરવું.
દેવબા૰— જો જીવરામભટ્ટ સાજા થશે, તો હું અણવાણે પગે ચાલીને અંબાજીની જાત્રા કરીશ, અને આજથી ત્યાં સુધી કાંચળી નહિ પહેરૂં.
રંગલો— પણ મને જમાડજો.
દેવબા૰—વૈદ્યરાજ જુઓને આજ શી તથ છે?
વૈદ્ય— (ટીપણું જોઈને) જીવરામભટ્ટ પુણ્યશાળી તો ખરા.
દેવબા૰—કેમ વારૂ?
રંગલો—તે વિના કેદનું સુખ ક્યાંથી મળે?
વૈદ્ય—આજ एकादशीनो પવિત્ર દહાડો છે. આજ વૈકુંઠના દરવાજા ઉઘડા રહે છે માટે આજ જે મરે તે પાંશરો વૈકુંઠમાં જાય.
રંગલો—આવા મિથ્યાભિમાની અને ઠગ વૈકુંઠમાં ન જાય તો પછી બીજા કોણ જશે?
વૈદ્ય—પણ એક કહેવાનું છે.
દેવબા૰—વળી શું કહેવાનું છે?
વૈદ્ય—આજ પંચક છે. માટે જો પંચકમાં એક મરે તો, તે મહિનામાં બીજાં ચાર જરૂર મરે. તેમાં પહેલું धनिका ઘરપંચક કહેવાય, તેમાં કોઈ મરે , તો તેના ઘરમાંથીજ બીજાં ચાર મરે; અને બીજું शतभिषा મહોલ્લા પંચક, ત્રીજું पूर्वाभाद्रपद સગાપંચક, ચોથું उत्तराभाद्रपद નાતપંચક; અને પાંચમું रेवती ગામ પંચક કહેવાય.
દેવબા૰—ત્યારે આજ કેટલામું પંચક?
વૈદ્ય—આજે ચોથું નાત પંચક છે, માટે તમારી નાતમાંથી બીજાં ચાર મરશે.
રંગલો—ઠીક થયું. એકેકા પછવાડે ત્રણ ત્રણ દહાડા જમવાનું ઠરશે, તો પણ મારા જેવાને પંદર દહાડા સુધી મિષ્ટાન ચાલશે.
દેવબા૰—(ગુસ્સાથી) તને વારે વારે જમવાનું બહુ સાંભરે છે. ન્હાની બાળક છોડીને રંડાપો આવશે, તેનો તો વિચાર કરતો નથી.
રંગલો—મને તો જમવાનું કાંઈ સાંભરતું નથી; પણ નાતની બાઈડીઓ પાણી ભરવા જતાં વાતો કરતી હતી, તેમાં એક જણીએ કહ્યું કે અરે! હમણાં તો નાતમાં જમવાનું ક્યાંઈ ઠરતું નથી. ત્યારે બીજીએ કહ્યું કે હવે જમવાના ઠરશે; કેમકે જીવરામભટ્ટ મરવા પડ્યા છે.
દેવબા૰—વૈદ્યરાજ, પંચકમાં મરે તેની કાંઈ ક્રિયા કરવી પડે કે?
વૈદ્ય—હા, દર્ભના પૂતળાં પાંચ કરીને તે માડદા સાથે બાળવા જોઈએ; ને કેટલીએક નાતોમાં તો પાંચ હાંલા ફોડવાનો ચાલ છે. એટલી શાંતિ કરે તો બીજાં ચાર મરે નહિ.
દેવબા૰— (રઘનાથભટ્ટને) તે બધું થતું હોય, તેમ સંભારીને કરજો, હો! નહિ તો એ તો આપને માથે ભાર.
રઘના૰—એ તો શુક્લ આવશે, તે સાંભરીને બધી ક્રિયા કરાવશે.
વૈદ્ય— હવે મને રજા આપો; કેમકે કદાપિ મરી જાય, તો મારા લુગડાં અભડાય.
રઘના૰—પધારોજી, તસ્દી માફ કરજો. (વૈદ્ય જાય છે.)
સોમના૰—જીવરામભટ્ટા હવે કાંઈ કહો છો?
જીવ૰—મારા બેહજાર રૂપૈયા વ્રજભુષણ દામોદરની [3]દોકાને જમે છે.
રંગલો’—વ્રજભૂષણ દામોદરનો કોઈ ગુમાસ્તો આટલામાં છે કે? કેમ આ ખરી વાત છે કે? હા, કે ના, કહેવી હોય તે અત્યારે કહેજો. નહિ તો જીવરામભટ્ટ મસાણમાં જશે, પછી કાલે સવારમાં રૂપૈયા બે હજાર રોકડા ગણી આપવા પડશે.
જીવ૰—સો રૂપૈઆનાં પુસ્તકો માર ઘરમાં છે. તમારી બહેન ન્હાની ઉમ્મરની છે, માટે તેને હંમેશા તમારે ઘેર રાખજો.
રંગલો—પુનર્વિવાહ કરશો તો શી ફીકર છે?
જીવ૰—મારૂં ઘર તથા સામાન વેચીને, તે રૂપૈયા તમારી બહેનના નામના સારે ઠેકાણે જેમ કરાવજો. તેના વ્યાજમાં તેનું ગુજરાન ચાલશે.
દેવબા૰—તમારો જીવ કશામાં રાખશો નહિ. તમારી પાછળ ગોદાન, પદ, ઉમામહેશ્વર, વગેરે આપીશ. તમારા જીવને સદગતિ કરજો.
રઘના૰—તમારી ઉત્તરક્રિયામાં ચોળખું તેડીને જમાડીશું, દક્ષણા આપીશું, એમાં પાંચસેં કે સાતસેં રૂપિયા વાવરીશું.
રંગલો—આટલું કમાઈને બિચરો મૂકી જાય છે ત્યારે તેના નિમિત્ત ધર્માદાખાતામાં કાંઈ આપવાનું કહોને?
રઘના૰—આ નાતો જમાડીશું તે ધર્માદા કે શું કહોને?
રંગલો—(મશાલચીને) મરો બાપ મરે ત્યારે હું તને જમાડીશ, અને તારો બાપ મરે ત્યારે તું મને જમાડજે, એવા ઠરાવથી એક બીજાને જમાડીએ તે ધર્માદા કહેવાય કે?
દેવબા૰—(જીવરામભટ્ટને) તમારી કેડે સજ્યાનું દાન કરીશું, તે તમે ધર્મરાજા પાસેથી માગી લેજો.
રંગલો—અને તમારી કેડે ખાંસડાનું દાન કરશે માટે જમરાજા પાસેથી ખાસડાં પણ માંગી લેજો. માગ્યા વિના આપે કે ન જ આપે.
જીવ૰—ચોખળું જમવાને બદલે હું કહું તે કરો, તો મારો જીવ ગતે જાય.
રઘના૰— તમે કહો તે કરીશું.
જીવ૰—જે ઠેકાણે મારા શરીરનો અગ્નિદાહ કરો, તે ઠેકાણે મારો મરણ સ્તંભ ચણાવવો, તેમાં એક આરસના પથરામાં હું કહું તે બાર દોહરા કોતરાવવા, તથા કાગળો છપાવીને ગામેગામ પહોંચાડવા, કે જેથી સઉના જાણવામાં આવે કે જીવરામભટ્ટનો જીવ મિથ્યાભિમાનથી ગયો છે.
રઘના૰—વારૂ, તે દોહરા લખાવો, તમારા કહ્યા પ્રમાણે કરીશું.
જીવ૰—દોહરાં લખાવે છે. રઘનાથભટ્ટ લખે છે. પછી વાંચી સંભળાવે છે (તે આગળના પ્રકરણમાં છે)


  1. જ્યાં આ નાટક થતું હોય ત્યાંના નગર શેઠનું નામ લેવું.
  2. એ તો ગપ છે, મુંબાઈ શહેરમાં પણ મુમઈ થાય છે, તે રાળ, ભીલામા, માણસના માથાના વાળ, કસ્તુરી અને અંબર વગેરેને તેલમાં રાંધે છે, માર વાગ્યા ઉપર, મુમઈ વાલ બે ઘીમાં કકડાવીને લૂગડે ગળીને પાય છે, તે ઘીમાં ઓગળી જાય છે. અમદાવાદમાં પણ થાય છે.
  3. જ્યાં આ નાટક થતું હોય ત્યાંના શાહુકારનું, કે સભામાં બેઠા હોય તે શાહુકારનું નામ લેવું.

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.