નર્મદ-દર્શન/‘દશમસ્કંધ’નાં સંપાદનો અને નર્મદની પાઠનિર્ણયપદ્ધતિ

From Ekatra Foundation
Revision as of 02:41, 3 November 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
‘દશમસ્કંધ’નાં સંપાદનો અને નર્મદની પાઠનિર્ણયપદ્ધતિ

નર્મદ સર્વગ્રાહી અને સર્વક્ષેત્રીય પ્રતિભાનો વિદ્યાપુરુષ હતો. તેનાં કવિકર્મની અને ગદ્યપ્રસ્થાનની થઈ છે તેવી સમીક્ષા તેનાં શાસ્ત્રીય દૃષ્ટિએ થયેલાં વિદ્યાકાર્યોની થઈ નથી. વિશ્વનાથ ભટ્ટે ‘નર્મકોશ’ને કાવ્યની કક્ષાનો કહીને તેની યોગ્ય પ્રશંસા તો કરી છે, પરંતુ તેમાંની શાસ્ત્રીય દૃષ્ટિની સમીક્ષા યોગ્ય પરિપ્રેક્ષ્યમાં કરી નથી. રામનારાયણ પાઠકે સમગ્ર નર્મદને મૂલવતાં તેના આ પાસાને ઉવેખ્યું નથી, અને તેની વસ્તુલક્ષી પરંતુ સંક્ષિપ્ત પરીક્ષા અવશ્ય કરી છે. જયંત કોઠારીએ નર્મદના કોશ અને વ્યાકરણના શાસ્ત્ર-ગ્રંથોની રસપૂર્ણ છતાં શાસ્ત્રીય સમીક્ષા તાજેતરમાં કરીને નર્મદના આ સુપેરે મૂલવ્યા વિનાના પાસાને યોગ્ય ન્યાય આપ્યો છે.[1] પરંતુ નર્મદનાં સંપાદનોમાં, આ પ્રકારનાં સંપાદનો માટેની અનિવાર્ય એવી, પ્રથમ વાર વિનિયોગ પામેલી શાસ્ત્રીય દૃષ્ટિ અને પદ્ધતિની ચર્ચા થવી બાકી છે. ‘નર્મકોશ’, ‘નર્મકથાકોશ’ અને ‘નર્મવ્યાકરણ’માં જોવા મળેલી શુદ્ધ સંશોધનદૃષ્ટિ અને પદ્ધતિ પ્રેમાનંદની બે કૃતિઓનાં તેનાં સંપાદનોમાં પણ છે. કવિ, ગદ્યકાર, વિચારક, સુધારક એમ અનેકવિધ કક્ષાએ અને ક્ષેત્રે વિચરનાર નર્મદ લોકસાહિત્યનો અને મધ્યકાલીન ગુજરાતી કવિતાનોય સંશોધક હતો. તેણે લોકસાહિત્યનો અને જૂના કવિઓની રચનાઓનો અભ્યાસ ‘ઊંચો રસાનંદ’ મેળવવા ઉપરાંત ભાષા-સંશોધનની દૃષ્ટિએ પણ મહત્ત્વનો માન્યો હતો. ‘સૂરતની નાગર સ્ત્રીઓનો અમૂલો ગરથ–ઊંચો રસાનંદ’ને જ્ઞાતિગત લોકગીતો રૂપે સંપાદિત કરતાં તે એકત્ર કરવામાં પડેલી મુશ્કેલીઓ વર્ણવ્યા પછી, જે સંગૃહીત થયું છે તે જ સીધેસીધું મૂકી દેવાને બદલે પાઠફેર તપાસી મૂળ રચના તારવવાનો તેણે સ્વીકારેલો અભિગમ લોકસાહિત્યના શાસ્ત્રીય સંપાદનની દિશામાંનું પ્રથમ પ્રસ્થાન હતું, તેમ મધ્યકાલીન સાહિત્યના સંપાદનમાં પણ હસ્તપ્રત ઉપરથી તે વાચના છાપી ન નાખતાં, અનેક હસ્તપ્રતો મૂલવી, તુલવીને શ્રદ્વેય વાચના તૈયાર કરવી જોઈએ તેવી તેની કેળવાઈ રહેલી દૃષ્ટિનો પણ પ્રથમ ઉન્મેષ હતો. આ ગીતોના પાઠ પોતે તપાસવાને બદલે તેણે તે વિષયની જાણકાર વિદ્યાભ્યાસી સ્ત્રી પાસે નક્કી કરાવ્યો હતો. અધિકારી અને જાણકાર સિવાય આ પ્રકારનાં શાસ્ત્રીય પદ્ધતિનાં સંપાદનનાં કામો ન જ કરાવવાનો તેનો આગ્રહ પણ ‘અનધિકારી’ સંપાદકોનો છેદ ઉડાડવાનું સૂચવે છે. આ ગીતોમાંના કેટલાક પાઠ સંદિગ્ધ છે. છતાં, આ પછી મહીપતરામ, રણજિતરામ આદિ દ્વારા થનાર કાર્ય માટેની ભોંય ભાંગવાનું કામ તો તેણે કર્યું જ હતું. આ ઉપરાંત તેણે ‘મુઆં પછવાડે રોવા કુટવાની ઘેલાઈ’ (૧૮૫૬) વિશેના નિબંધમાં, અને ‘તુળજી-વૈધવ્યચિત્ર’ (૧૮૫૯-૬૩) સંવાદમાં જે રાજિયા, મરશિયા નોંધ્યા છે તેમાં પણ તેની લોકસાહિત્યના સંપાદન-સંશોધનની દૃષ્ટિનો વિકાસ જોઈ શકાય છે. આ રાજિયા-મરશિયા ગાવાના ‘ચાલની ઉત્પત્તિ’, તે ગાવાની રીત, તેમાં રહેલું સામાજિક અનિષ્ટ વગેરેની ચર્ચામાં તેની કેવળ સુધારક તરીકેની નહિ, લોકસંસ્કૃતિના અભ્યાસકની દૃષ્ટિનો પણ પરિચય થાય છે. નર્મદ ઇતિહાસ અને ગણિત બંને વિષયોમાં કુશળ હતો. તેથી અતીત સાથેનું અનુસંધાન, તેનું સંશોધન, તેમ તેમાં વિગતની ચોકસાઈ, શુદ્ધિનો આગ્રહ અને તારણની તર્કબદ્ધતા તેના બધા જ વાઙ્‌મયવિહારોમાં જોઈ શકાય છે. આ વિષયમાં સ્વકાલીન હિન્દી વિદ્વાનોની ઉદાસીનતાનો તે અફસોસ કરતો હતો તો પાશ્ચાત્ય વિદ્વાનોની વિદ્યાનિષ્ઠા અને સંશોધનદૃષ્ટિનો આદર કરતો હતો. એથી કર્નલ ટૉડની પ્રેરણાથી ફાર્બસે તૈયાર કરેલા ‘રાસમાળા’ના સંપાદનને તેણે દિલચોરી વિના અભિનંદ્યું હતું. આ ભૂમિકામાં તેના પ્રેમાનંદકૃત ‘દશમસ્કંધ’ (૧૮૭૨) અને ‘નળાખ્યાન’ (૧૮૭૫)નાં સંપાદનો પરીક્ષવાનાં છે. જૂની કવિતાની શોધ કરવાનો સંકલ્પ તો કાવ્ય રચવાનો આરંભ કર્યો ત્યારથી તેણે દૃઢાવ્યો હતો. તેની પ્રથમ રચના ધીરા ભગતના પદના અનુકરણમાં હતી, તેથી મધ્યકાલીન સાહિત્યના પ્રગટ-અપ્રગટ સંસ્કારે જ તેને આ દિશામાં પ્રારંભથી પ્રેર્યો હતો. આ વિષયનું ક્ષેત્રીય કાર્ય તો ગુજરાતમાં રહીને જ થઈ શકે તેનો તેને ખ્યાલ હતો, તોય મુંબઈમાં રહ્યાં રહ્યાં તેણે હસ્તપ્રતો એકત્ર કરવાનો ઉદ્યોગ તો ૧૮૫૬થી આરંભ્યો હતો. આ ઉદ્યોગના સુફલરૂપે તેણે ‘કવિ અને કવિતા’-અંક ૧, ૨, ૩ ક્રમશઃ પ્રગટ કર્યા હતા. તે નોંધે છે : ‘સને ૧૮૬૧માં “કવિ અને કવિતા” કાહાડી મેં એમ દેખાડ્યું કે મારે જુના કવિઓ સંબંધી લખવાનો વિચાર છે. પણ આસરો ન મળવાથી ચોથો અંક બહાર ન પડ્યો.”[2] આ દરમ્યાન ‘મિ. હાર્વર્ડની ઇચ્છા ઉપરથી’, તે મહીપતરામ નીલકંઠ સાથે તેમને મળ્યો હતો. હાર્વર્ડે તેમને જૂની કવિતાનો સંગ્રહ કરવા સૂચવ્યું. તે પછી હોપની ભલામણથી તે કામ હાર્વર્ડે દલપતરામને સોંપ્યું. તેથી નર્મદે પોતાનો ઉદ્યોગ મંદ પાડ્યો. પોતે જે કાવ્યો એકત્ર કર્યાં હતાં, તેનું સંકલન, સંપાદન ‘કાવ્યોત્તમાંશ’ શીર્ષકથી પ્રકાશિત કરવાની પણ યોજના તેણે ઘડવા માંડી હતી. ઝવેરીલાલ ઉમિયાશંકર સાથે મળીને ‘સઘળા કવિઓનાં સંપૂર્ણ કાવ્યો છપાવવાને’ રૂ. ૨,૫૦,૦૦૦નું ભંડોળ ભેગું કરવા માટે તે માટેનો ‘પ્રાસપેકટસ’ પણ તેણે છપાવ્યો હતો. આગોતરા ગ્રાહકો નોંધવાનું પણ વિચારાયું હતું. શેરબજારની પડતીના કારણે આ યોજના ખોરંભે પડી. આના સંદર્ભમાં તેણે જે જે કવિઓને આવરી લેવા ધાર્યા હતા, અને તેમના ‘જન્મચરિત્ર’ વિશે જે સામગ્રી ભેગી કરી હતી તે ‘કાગળિયાં ખોવાઈ ન જાય માટે’, છપાવી નાખી હતી. આ લખાણ તે જ ‘નર્મગદ્ય’માં સંપાદિત લેખમાળા ‘કવિચરિત્ર’. પ્રગટ કરવા ધારેલા બધા કાવ્યગ્રંથો છપાઈ ન જાય ત્યાં સુધી જે તે કવિઓ વિશે છેવટનું મૂલ્યાંકન ન થઈ શકે એવા અભિગમથી, બાકીનું ‘આગળ થઈ રહેશે’–એવા સંકલ્પથી, તાત્કાલિક જે મળ્યું, સાંભળ્યું, વાંચ્યું, સૂઝ્યું, તે ઉપરથી જે લખાયું તે જ માત્ર આ ‘કવિચરિત્ર’માં છે, તેમાંનાં તારણોને છેવટનાં ન ગણવા તેણે આપણને ચેતવ્યા પણ છે. આ દરમ્યાન સરકારી સહાયથી દલપતરામે ‘કાવ્યદોહન’નું સંપાદન પ્રગટ કર્યું. તેમાંના કાવ્યચયનમાં વિવેકદૃષ્ટિનો અને શાસ્ત્રીયતાનો અભાવ જોઈને કવિનો પુણ્યપ્રકોપ પ્રજ્વળી ઊઠ્યો અને તે ‘ડાંડિયો’નાં પાનાંઓ ઉપર ધગધગતી વ્યંગપૂર્ણ વાણીના લાવારૂપે વહ્યો. આ લેખમાં હોપ અને બીજા ખુશામતપ્રિય અંગ્રેજ અમલદારોને પણ વરુણીમાં લઈ, અંતે તેણે જાહેર કર્યું : ‘કાવ્યદોહન સરખો ગ્રંથ જેવો છે તેવો ન જોઈએ પણ જુદી રીતથી લખાવો જોઈએ અને એવા ગ્રંથને રચનાર કવીશ્વર દલપતરામ જેવા ન જોઈએ.’[3] ‘કાવ્યદોહન’માં આપેલા નમૂનાઓને જો સારી કવિતા લેખે ખપાવવાના હોય તો ‘ગુજરાતી ભાષાની ઘણી ખરી કવિતા પટારામાં પાછી બંધ પડી રહી ઊંધાઈથી ખવાઈ જાય તો સારું અથવા સરૈયા ગાંધીની દુકાને વેચાઈ જાય તો સારું...’[4] એમ કહેનારની ઉત્તમ નમૂનારૂપ સંપાદન આપવાની જવાબદારી વધી ગઈ હતી. નર્મદે આ પડકાર ઝીલી લીધો હતો. પ્રેમાનંદકૃત ‘દશમસ્કંધ’ (૧૮૭૨) અને ‘નળાખ્યાન’ (૧૮૭૫)નાં સંપાદનોનું તેણે પ્રકાશન કર્યું. આ સંપાદનો તેણે શાસ્ત્રીય પદ્ધતિએ કર્યાં હતાં. હકીકતમાં વિવિધ હસ્તપ્રતો ઉપરથી શ્રદ્ધેય પાઠ તારવવાની પદ્ધતિ આપનાર પહેલા ગુજરાતી સંપાદકનું માન પણ તે આ રીતે રળ્યો હતો. ‘દશમસ્કંધ’ની અંગ્રેજી અને ગુજરાતી પ્રસ્તાવનાઓ આની શાખ પૂરશે. ‘દશમસ્કંધ’ના આ પ્રકાશનની વિગતો પણ ખૂબ રસિક, માહિતીપ્રદ અને તત્કાલીન સંપાદનોની અશાસ્ત્રીયતા પર પ્રકાશ પાડનારી છે. આ અગાઉ એવી પદ્ધતિ હતી કે સંપાદકના હાથમાં જે એકાદ હસ્તપ્રત આવી જાય તે યદૃચ્છાએ મઠારી, સુધારી છાપી નાખવામાં આવતી. આ વાચના મૂળના વસ્તુ અને ભાષાથી ઘણી જુદી પડતી. નર્મદે ‘દશમસ્કંધ’નું પ્રકાશન કર્યું તેના આગલા વર્ષે પ્રેમાનંદના ‘મામેરું’નું પ્રકાશન થયું હતું, જેની વાચના પણ આમ અશાસ્ત્રીય રીતે તૈયાર થઈ હતી એમ, નર્મદે ‘દશમસ્કંધ’ની અંગ્રેજી પ્રસ્તાવનાના આરંભમાં નોંધ્યું છે. સુરતના નગીનદાસ ડાહ્યાભાઈએ ‘દશમસ્કંધ’નું સંપાદન કરાવી, તેમના પિતાના ‘સુરત સોદાગર છાપખાના’માં છપાવી માસિક અંકોરૂપે પ્રકાશિત કરવા માંડ્યું હતું તે પણ આવી રડીખડી એક હસ્તપ્રત ઉપરથી. આવા ત્રણ અંકો બહાર પડ્યા હતા. તેમણે તેના પ્રકાશન માટે ‘ડિરેક્ટર ઑફ પબ્લિક ઇન્સ્ટ્રકશન’ મિ. પીલ સમક્ષ આર્થિક સહાયની માગણી કરી ત્યારે ગુજરાતના ‘એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર’ ડૉ. બ્યૂલરની ભલામણથી તેમને જણાવવામાં આવ્યું કે તેમણે કોઈ ગુજરાતી વિદ્વાન દ્વારા તેનું શાસ્ત્રીય પદ્ધતિએ સંપાદન કરાવવું. આ રીતે શુદ્ધ થયેલી વાચના છપાવાશે તો સરકાર પ્રતના રૂ. ૭ના દરે ૩૦૦ પ્રત ખરીદશે એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું. આથી નગીનદાસે પ્રકાશિત થઈ ગયેલા અંકો રદ કરી નવી હસ્તપ્રતોની શોધ આરંભી. તેને મોટા ભાગની હસ્તપ્રતો સુરતમાંથી મળી અને એક નંદરબારથી મળી. આ બંને પ્રેમાનંદના વ્યવસાયનાં સ્થળો હતાં. પરંતુ તેના જન્મના સ્થળ વડોદરામાંથી નગીનદાસને એકેય હસ્તપ્રત ન મળી. આ હસ્તપ્રતો ઉપરથી શ્રદ્વેય વાચના સંપાદિત કરી આપવા માટે તેમણે નર્મદાશંકરને વિનંતી કરી. ડૉ. બ્યૂલરની સૂચના હતી કે સંપાદક પાઠનિર્ણયનાં જે ‘ધારા-ધોરણો’ નક્કી કરે તે તેમને બતાવવાં. એથી નર્મદાશંકરે સંપાદનની પાઠનિર્ણયપદ્ધતિ વિચારી, નક્કી કરી, મળેલી હસ્તપ્રતોની વિગતો સાથે ડૉ. બ્યૂલરને બતાવી તેમની સંમતિની મહોર મેળવી. નર્મદે પાઠનિર્ણય અંગે જે પદ્ધતિ (methodology) નક્કી કરી હતી તેના મુદ્દાઓ અંગ્રેજી અને ગુજરાતી બંને પ્રસ્તાવનાઓમાં છે. આ બંને પ્રસ્તાવનાઓ નર્મદની જ લખેલી છે છતાં, ગુજરાતીમાં તે સારગ્રાહી છે ત્યારે અંગ્રેજીમાં તે technical પરિભાષામાં છે. તેણે વિચારેલી પદ્ધતિની શાસ્ત્રીયતા સમજવા માટે બંને ઉપયોગી છે. આ પદ્ધતિ નીચે પ્રમાણે છે : ... Rules to be observed in editing the work :

I. Of all the copies at hand, the one from the birth-town of the author or from the place he had visited or resided in should be made
II. If the oldest should turn out to be unintelli-gible in most passages or corrupt, then it should be set aside. Help then should be looked for them form the next oldest and next best copies.
III. A close and attentive study of the style and language of the poet should be used to correct passage, which might remain unintelligible in spite of a collation of all the MSS, copies.
IV. The principle of the ‘Lectio Doctior’ was to be adhered to very strictly. It was settled that apparently difficult readings of the old MSS. were to be preferred in every case to the more easy corrections of younger copies. Hence verses metrically too long or too short which might be kept found in all the copies should be kept, in case, they could not be reduced to proper length by slight alterations.
V. Words used as expletives in recitation to be omitted.

આ નિયમોને નર્મદાશંકરે ગુજરાતીમાં આ રીતે અર્થવિસ્તારપૂર્વક સમજાવ્યા છે :

૧. “જૂદાં જૂદાં ઠેકાણાંની પ્રતોમાં ગ્રંથકારના સ્વદેશમાંની અથવા જ્યાં તે રહ્યો હોય ત્યાંની પ્રત ભરોસા રાખવા જોગ તેમ સૌથી જૂની પ્રત હોય તે વધારે ભરોસા જોગ જાણવી.
સૌથી જૂની પ્રત છેક ન સમજાય તેવી અથવા ગ્રંથકારની લખવાની શૈલીથી છેક જૂદી પડતી હોય તો તેને અળગી જ રાખવી.”
૨. “સઘળી પ્રતોમાં જે ઘણી જૂની ને શબ્દાર્થ જેમ તેમ કરતાં પણ સમજાય તેવી હોય તો તેને મૂળ ગ્રંથના સરખી માનવી ને તેમાં પછી બીજી પ્રતો જોઈ તોલના કરી જે ઘટતો ફેરફાર કરવો હોય તે કરવો. પણ જે ફેરફાર કરવો તે બહુ વિચાર કરીને અને ગ્રંથકારની શૈલીને મળતો આવે એવો હોય તે જ કરવો. એક જૂની પ્રતનું મુખ્ય ધોરણ રાખ્યાથી તે કાળની ગ્રંથ કરનારની પાસેના કાળની ભાષા સાચવી રખાશે. બીજી પ્રતોને સહાયકારી ને સાક્ષીરૂપ જાણવી.”
“ગ્રંથકારે આમ જ લખ્યું હશે અથવા એક પાઠ ન સમજાયાથી તે ખોટો છે ને બીજો સમજાય તેવો હોય તે ખરો છે એમ નક્કી માનીને જૂદી જૂદી પ્રતોમાંથી જે જે પોતાને શુદ્ધ અને સારૂં જણાય તે તે લઈને શુદ્ધ કરનારાયે પાઠ રચવો નહીં; તેમ અક્કેકમાંથી કકડા લેઈ નવી રચના કરવી નહીં. એમ કરેથી મૂળ પાઠથી કેવળ જુદો ને અર્થવાણીમાં સંકર – ભ્રષ્ટ એવો પાઠ ઘડાય.”
“એકથી વધારે પ્રતમાં તેની તે જ લીટી કવિતાના બંધારણ પ્રમાણે ન હોય તે પણ અતિ ટૂંકી અથવા અતિ લાંબી હોય ને તે થોડોક ફેરફાર કરવાથી પણ સમરે તેવી ન હોય તો તે તેમની તેમ જ રાખવી. કેમ કે ફેરફાર કરતાં મૂળ ભાષા બગડે ને વખતે કોઈ બીજી પ્રતમાંથી શુદ્ધ લીટી મળી આવે.”
૩. “દેશીયોમાં લખાયેલી કવિતાની ભાષા ઘણું કરીને વ્યવહારમાં બોલાતી સરળ ગદ્યભાષાના જેવી હોય છે. માત્ર પ્રાસ, પદ-ન્યાસ ને રાગ એથી જ થોડીક બદલાય છે તો તે ઉપર કવિની નિત્યભાષા ઉપર અને તે કાળની ભાષા ઉપર લક્ષ રાખીને વાક્યોની તોલના કરવી.”
“માત્ર કવિતાના માપની તપાસની પેઠે સર્વત્ર ગુરુ-લઘુ અક્ષર ઉપર ને તાલ ઉપર વિશેષે દૃષ્ટિ ન રાખવી પણ અર્થાન્વય, ભાષારૂઢિ ને જૂદી જૂદી દેશીઓ ગાવાનો થડકો એ ઉપર અવશ્યે દૃષ્ટિ રાખવી.”
૪. “શબ્દવૃદ્ધિને માટે જૂની જ રીત રખાય તેમ કરવું તે પણ જ્યાં થોડોક ફેરફાર કીધાથી શબ્દનું રૂપ ઘણું બદલાઈ જતું હોય ત્યાં તે કરવો.”
૫. “બોલવામાં અને ગાવામાં આંચણીરૂપ વધારે હોય છે તેવું જે પ્રતમાં હોય તો તે કહાડી નાંખવું.”

આ પછી નગીનદાસ પાસેથી મળેલી અને પોતે મેળવેલી હસ્તપ્રતો સરખાવી, વર્ગીકૃત કરી, સૌથી શ્રદ્ધેય, પાયાની હસ્તપ્રત તારવી તે અંગેના નિર્ણયો પણ આ પ્રસ્તાવિત યોજનામાં દર્શાવવામાં આવ્યા છે. On comparing and examining the eight copies summarily, it was found that the oldest copy bearing the date sanivat ૧૮૫૧ was mutilated throughout and was therefore rejected. The copies written in the years ૧૮૮૫, ૧૮૯૪, ૧૯૦૭, ૧૯૧૦ and the one without date were also partly incor-rect and partly defective. Still they each supported in certain places either the copy of ૧૮૫૩ or that of ૧૮૭૨. The Nandarbar Balabodh copy of ૧૮૫૩ and Gujarati copy of ૧૮૭૨, mostly agreed with each other and in passages where they differed, it was not difficult to determine which of the two gave the proper reading. These two copies were defective in a few passages but what was left out by one was supplied by the other. The copy of ૧૮૭૨ had a better orthography than all others with the exception of that of ૧૮૫૩, which though written in the Deva Nagari characters was not free from faults as might have been expected. It horribly mis-spells Sanskrit words, a few pro-vincialisms occur and there is little uniformity in the spelling of pure Gujarati words. Upon the whole, it was settled that, Nandarbar copy of ૧૮૫૩ conjointly with that of ૧૮૭૨ should be the principal guide and authority for the restitution of the text. આ જ વાત ગુજરાતી પ્રસ્તાવનામાં પણ કહેવામાં આવી છે. તેમાં હસ્તપ્રતો કયે કયે સ્થળેથી મળી તે વિગત વધારે છે. નગીનદાસ તરફથી કુલ છ હસ્તપ્રતો મળી હતી, જેની વિગત નીચે પ્રમાણે છેઃ

૧. સં. ૧૮૫૧ : ‘ઓરપાડ’માંથી.
૨. સં. ૧૮૫૩ : નંદરબાર પાસેના રણિયાળ ગામની.
૩. સં. ૧૮૮૯ : ‘ચોરાસી પ્રગણાંના’ એક ગામમાંથી.
૪. સં. ૧૯૦૭ : ઉંબરમીઠ બંદરની,
૫. સં. ૧૯૧૦ : ,, ,,
૬. સં. ઠામ અને સંવત ન લખેલી.

આ ઉપરાંત નર્મદાશંકરની પોતાની પાસે એક હસ્તપ્રત હતી જે સં. ૧૮૭૨માં લખાયેલી હતી. બીજી એક પ્રત તેને સુરતની એન્ડ્રૂઝ લાઇબ્રેરીમાંથી મળી હતી જે સં. ૧૮૯૪માં લખાયેલી હતી. નર્મદાશંકરે હાલ પણ પ્રચલિત શાસ્ત્રીય પાઠનિર્ણયની પદ્ધતિ પ્રમાણે જે બે સૌથી વધુ શ્રદ્ધેય પ્રતો તારવી તે સં. ૧૮૫૩ની અને સં. ૧૮૭૨ની. શેષ પ્રતોમાંથી બે પ્રતો વધતેઓછે અંશે સં. ૧૮૫૩ની પ્રતને અને બાકીની ૧૮૭૨ની પ્રતને મળતી આવતી હતી. ૧૮૫૩ અને ૧૮૭૨ની પ્રતોને પરસ્પર સરખાવતાં તેને એવું જણાયું કે તે બંને એક સમાન પ્રત ઉપરથી ઉતારાઈ છે અને તે પ્રમાણે ઘણી ખરી મળતી આવે છે. ૧૮૫૩ના જે પાઠો ૧૮૭૨થી જુદા પડે છે તે અશુદ્ધ છે. જ્યારે ૧૮૭૨ની પ્રત ‘વિશેષ શુદ્ધ તથા રસભરી વાણીવાળી’ છે. કેટલાક પાઠોમાં ૧૮૫૩ની પ્રત પણ શુદ્ધ જણાઈ છે. બંનેમાં ‘કહીં કહીં પાઠ ગળત છે’, ત્યાં પણ એકની ખોટ બીજીથી પુરાય એવી છે. ૧૮૭૨ની પ્રતમાં શબ્દશુદ્ધિ નથી તો, ૧૮૫૩ની બાળબોધમાં લખાયેલી પ્રત પણ ‘ઘણી સારી નથી’ છતાં ગુજરાતી પ્રત કરતાં તો તે વિષયમાં ‘ઘણી સારી’ છે. તેમાં ‘કહીં કહીં ખાનદેશી શબ્દસ્વરૂપ’ છે. સમગ્ર રીતે વિચારતાં નર્મદને ૧૮૫૩ અને ૧૮૭૨ની પ્રતો ‘ભરોસો રાખવા જોગ’ જણાઈ હતી. ૧૮૫૧ની પ્રત સૌથી જૂની છતાં ત્રુટક અને અશુદ્ધ હોવાથી તેને તે સર્વથા અમાન્ય ગણે છે. ૧૮૫૩ની પ્રતને સૌથી જૂની લેખે ગણી, પાઠફેરમાં તેમાંનો અને ૧૮૭૨માંનો જે યોગ્ય જણાય તે પાઠ સ્વીકારવો; બંનેમાં પાઠ ‘ગલત’ જણાય અને ન સમજાય તેવો હોય ત્યાં બીજી પ્રતોમાંથી લેવો; પાદટીપમાં તે સર્વનો ઉલ્લેખ કરવો એ પ્રમાણે તેણે ‘ગ્રંથનું સંશોધન’ કરવાની પરિયોજના (project) તૈયાર કરી. આ પ્રમાણે પાઠનિર્ણય કરવાથી ‘પ્રેમાનંદના મૂળ ગ્રંથની ભાષા ઓછામાં ઓછી સોમાં સિત્તેર વસા તો જાળવી રખાશે જ’ એવો અભિપ્રાય તેણે આપ્યો હતો. આ scheme તેણે ડૉ. બ્યૂલર સમક્ષ રજૂ કરી. તે મંજૂર થતાં તેણે તે પ્રમાણે વાચના તૈયાર કરી. પ્રતોનું વર્ગીકરણ કરી કાલ્પનિક આદર્શ પ્રત તૈયાર કરી મૂળ પાઠની પુનઃપ્રતિષ્ઠા કરવા જે methodology, તેણે તૈયાર કરી તે જ વધતેઓછે અંશે આજેય અનુસરાય છે. વર્ગીકરણ કરી નર્મદે જે કાલ્પનિક આદર્શ પ્રત તારવી, તેને આ રીતે દર્શાવી શકાય :

Narmad-Darshan Pic 1.jpg

ડૉ. બ્યૂલરે આ પરિયોજના મંજૂર કર્યા પછી નર્મદાશંકરે છેવટની વાચના તૈયાર કરી, જેની પ્રક્રિયા તેણે અંગ્રેજી પ્રસ્તાવનામાં વિગતવાર સદૃષ્ટાંત, અને ગુજરાતીમાં સંક્ષેપમાં સમજાવી છે. બંનેનો સમન્વય કરીને તે પ્રક્રિયા આ રીતે તારવી શકાય છેઃ

૧. મુખ્ય (standard) પ્રતની મુદ્રણ પ્રત તરીકે શુદ્ધ નકલ કરવામાં આવી.
(અ) સળંગ લખાયેલી કડીઓને જુદી પાડવામાં આવી.
(બ) અવાચ્ય અને ન સમજાતા શબ્દોને યથાવત્‌ રાખી બીજા શબ્દો જુદા પાડ્યા.
(ક) અસંખ્ય સંસ્કૃત અને પ્રાકૃત શબ્દોની જોડણી લહિયાએ પોતાના પ્રાદેશિક ખાનદેશી ઉચ્ચાર પ્રમાણે બગાડી હતી તે સુધારી. દા. ત.
(૧) પ્રતમાં સર્વત્ર શ્‌, ષ્‌ ને સ્થાને સ્‌ લખ્યો હતો તે દૂર કરી યથાસ્થાને શ્‌ કે ષ્‌ લખ્યો.
(૨) લ્‌ અને ળ્‌ ને સ્થાને સર્વત્ર ળ્‌ હતો તે સુધાર્યો.
(૩) અનુસ્વારનો બિનજરૂરી બેસુમાર પ્રયોગ હતો તે સુધાર્યો.
(૪) સંસ્કૃત અને પ્રાકૃત શબ્દોની સ્થળે સ્થળે એકબીજાથી અલગ અલગ જોડણી હતી તેમાં એકવાક્યતા આણી.

દા. ત.
સ્રવ – સર્વ.
સ્ત્રોવણ, સોવ્રણ – સુવર્ણ.
રૂધય, રૂદય – હૃદય.
સઢળ – શિથિલ.
કૃત્યંમ યે કૃત્યમ – કર્તૂમકર્તું,
કૃત્રિમ-અકૃત્રિમ (સંદર્ભ અનુસાર)
સ્થાનુ સેસ્ત્ર સીરસા - સ્થાણુ સહસ્રશીર્ષા.
માયા કંપ - માયા પંક.
સંકરક્ષેણ – સંકર્ષણ.
અસ્વસ્થ — અશ્વત્થ.
આરદ્રે — આર્દ્ર.
સગ્રહ – સંઘાર, સંહાર
નિતનિત, નેતનેત – નેતિ નેતિ.
ઉત્પક્ત – ઉત્પત્તિ
મુખક ગ્રામી – મુખકગામી
મરકપ – મરકત (મણિ), મર્કટ (સંદર્ભ અનુસાર)
ઠેવણી – થમણી
બાટુવાં – બાડુવાં
સુક – સુખ.
સકે – સુખે, શકે (સંદર્ભ અનુસાર)
ઘરણા – ઘરનાં
કલ્યાન – કલ્યાણ.
યે કુંવરી—એ કુંવરી.
વો વાજે છે – ઓ વાજે છે. —વગેરે વગેરે.

૨. આ રીતે તૈયાર થયેલી વાચના નર્મદે જૂના ગ્રંથો વાંચી, સમજી શકે તેવી બે વ્યક્તિઓ સમક્ષ વાંચી. તેઓ તે જુદી જુદી હસ્તપ્રતોના પાઠ સાથે તેને સરખાવતા ગયા, શબ્દાન્તર અને પાઠાન્તરોની ચર્ચા કરતા ગયા અને છેવટનો શુદ્ધ પાઠ તે પછી તૈયાર થયો.
(અ) આદર્શ (standard) પ્રતની વાચના અન્ય પ્રતો સાથે મળતી આવી તેમાં માત્ર દેશીઓનાં વિરામચિહ્નનો અને આવશ્યક શબ્દશુદ્ધિ પૂરતો સુધારો કર્યો.
(બ) આદર્શ પ્રતની વાચના અન્ય કેટલીક અથવા બધી પ્રતોથી જુદી પડતી જણાઈ ત્યાં, છેવટનો પાઠ નક્કી કરતાં પહેલાં સહુ પ્રથમ સંદર્ભ નક્કી કરાયો, પ્રત્યેક પાઠના રસ અને અર્થનો વિચાર થયો, તેમ લય અને પ્રાસ પણ ધ્યાનમાં લેવાયા. ઉપર પ્રમાણે નક્કી કરવામાં આવેલા નિયમો અનુસાર પાઠ નિશ્ચિત કરવાનું કાર્ય મુશ્કેલ તબક્કામાં પહોંચ્યું હતું. એ સંજોગોમાં જે રીતે નિર્ણયો લેવામાં આવ્યા એનાં કેટલાંક દષ્ટાંતો આ પ્રમાણે છે :
(૧) આદર્શ પ્રત (૧૮૫૩)નો પાઠ : ‘હલવેલીધા ઊંચલીરે જેમ, રજવી રાંસે સાંપ.’
બીજી બધી પ્રતોનો પાઠ : ‘હલવે લીધા ઊંચલી રે, જેમ મેડક ગ્રેહે સ્યાપ.’
‘રજવી રાંસે સાંપ’નો અર્થ પ્રથમ સંદિગ્ધ જણાયો. સંપાદકે આખી કડીના સંદર્ભમાં તેનો અર્થ બેસાડવાનો પ્રયાસ કર્યો, પણ તેમાં સફળતા ન મળી.
આ પછી તે પાઠ ‘રજ વીરાસે સાપ’ એ પ્રમાણે ગોઠવ્યો. ‘વરાસે’ અથવા ‘વીરાસે’ શબ્દની માહિતી હતી તેથી ‘રજ’ શબ્દને ‘રજ્જુ’ તરીકે સુધાર્યો. આમ આ ચરણનો અર્થ તો સ્પષ્ટ થયો. પરંતુ સંદર્ભ સ્પષ્ટ થતો ન હતો તેથી, બીજા પાઠને ભોગે તેને વાચનામાં સામેલ કરતાં તેને સંશય થયો. વિશેષ સ્પષ્ટતા માટે તેણે મૂળ સંસ્કૃત સંદર્ભ જોયો. તેમાં ‘રજ્જુબુધ્યા’ શબ્દ વાંચી સંપાદકને પોતાના પાઠનિર્માણ વિશે સંતોષ થયો, અને ‘મેડક ગ્રેહે સ્યાપ’ દૂષિત પાઠ તરીકે પડતો મૂક્યો (અધ્યાય ૭, કડવું ૨૩, કડી ૭).
(૨) આદર્શ પ્રતનો પાઠ : ‘જેમ ગુપ્ત રવડ કોશમધ્યે’
બીજી પ્રતોનો પાઠ : ‘ગુપ્ત વડ કોશ મધ્યે’
‘રવડ’ અને ‘વડ’ એ બે શબ્દોએ સમસ્યા ઊભી કરી. પરંતુ સંદર્ભ સ્પષ્ટ થતાં સંપાદકે ‘ખડ્‌ગ’ અથવા ‘ખડગ’ શબ્દ ત્યાં હોવાનું અનુમાન કર્યું (અધ્યાય ૬, કડવું ૨૨, કડી ૨૧).
(૩) આદર્શ પ્રતનો પાઠ : ‘અળભદ્રસંધ ગોપી ન સહેલો’
૧૮૭૨ની પ્રતનો પાઠ : બળવંત સાથ ગોપીને સેહેલો
અન્ય પ્રતોનો પાઠ : અવાચ્ય અથવા ન સમજાય તેવો. આ દાખલામાં સંદર્ભ અને અક્ષરોનો મરોડ તપાસતાં, સાચો પાઠ સત્વરે સ્પષ્ટ થયો : ‘અલભ્ય દુઃસાધ્ય ગોપીને સહેલો’ (અધ્યાય ૩૩, કડવું ૯૪, કડી ૮).
(૪) આદર્શ પ્રતનો પાઠ : ‘તેને અમો જનેતા કેહેશું, એકાદશ વર્ષ પુત્ર થઈ રેહેશું’.
બીજી પ્રતોનો પાઠ : ‘...એકાદશ વર્ષ ગોકુળમાં રેહેશું’. ‘જનેતા કેહેશું’માં જ ‘પુત્ર થઈ રહેશું’નો અર્થ સમાયેલો છે, તેથી તે પાઠ નિરર્થક દ્વિરુક્તિ જણાતાં સંપાદકે ‘...એકાદશ વર્ષ ગોકુળમાં રેહેશું’ એ પાઠ સ્વીકાર્યો (અધ્યાય ૨, કડવું ૯, કડી ૫).
(૫) આદર્શ પ્રતનો પાઠ : ‘ચેદીરાજને માન જ દીધું’
૧૮૭૨ની પ્રતનો પાઠ : ‘પરમ દહાડાનું લગ્ન લીધું’
સંદર્ભ ઉપરથી ‘પરમ દહાડાનું લગ્ન લીધું’ એ પાઠ સ્વીકાર્યો (અધ્યાય પર, કડવું ૧૪૯, કડી ૨).
(૬) આદર્શ પ્રતનો પાઠ : ‘જેથી ભાગવત ગંગા પ્રગટ થયાં જેહેમાં.’
૧૮૭૨ની પ્રતનો પાઠ : ‘જેથી શ્રી ભાગવત ગંગા પ્રગટ્યાં જેમાં’.
દેશીઓના માપ અનુસાર તો બંને પાઠ લાંબા છે. ‘શ્રી’ ચરણમાં અનિવાર્ય છે, તેમ તેને લઘુ શ્રુતિમાં પણ વાંચી શકાય છે. ‘પ્રગટ થયાં’ પાઠ ‘પ્રગટ્યાં’ કરતાં લાંબો છે. આથી ગુજરાતી પ્રતનો પાઠ સ્વીકાર્યો (અધ્યાય ૧, કડવું ૧, કડી ૭).
(૭) અધ્યાય ૧, કડવું ૭, કડી ૮માં બીજું ચરણ, બધી પ્રતોમાં ‘લાગે પુત્ર લાવતાં વાર તો હણું પરિવાર’ એ પ્રમાણે હતું. ‘પુત્ર લાવતાં’ એ બે શબ્દો આગળની કડીઓના સંદર્ભમાં અહીં નિરર્થક છે, તેમ દેશીના માપ પ્રમાણે આખી પંક્તિને અતિ દીર્ઘ બનાવે છે. એથી તે શબ્દો પડતા મૂકી, ‘લાગે વાર તો હણું પરિવાર’ એ રીતે પાઠ સુધારાયો.
(ક) ૧૮૫૩ અને ૧૮૭૨ની પ્રતો પછીની પ્રતોના જુદા જુદા અગત્યના પાઠો, – વિશેષતઃ જ્યાં આદર્શ પ્રતના શંકાસ્પદ જણાયેલા સુધારાઓ, આદર્શ પ્રતમાં સામેલ ન હોય તેવી કડીઓ, અવ્યવસ્થિત કડીઓની ફેરગોઠવણી વગેરે – પાદટીપમાં નોંધવામાં આવ્યાં છે.
(ડ) સુંદરે લખેલા ભાગની બધી હસ્તપ્રતોમાં નોંધપાત્ર પાઠાંતરો નથી.
૩. મુદ્રણ દરમ્યાન પ્રૂફ પણ નર્મદે વાંચ્યાં હતાં. આ તબક્કે પણ હસ્તપ્રતો ફરી સરખાવવામાં આવી હતી અને કેટલાક શંકાસ્પદ પાઠો સુધારાયા હતા.
૪. છેવટે ‘શુદ્ધિપત્રક’ તૈયાર કરતી વેળા પણ આદર્શ પ્રત ચોથી વાર સરખાવી જોવામાં આવી હતી અને કેટલાક વધારાના સુધારા કરવામાં આવ્યા હતા,

આ રીતે છેવટની વાચના તૈયાર કરતાં, નર્મદ સંતોષપૂર્વક નોંધે છે :

‘...એ પ્રમાણે ત્રણ મહિના રાતદહાડો એ જ કામમાં મચ્યા રહી ગ્રંથ શુદ્ધ કર્યો છે. હજી મને કેટલાક શબ્દો માટે શક છે જ પણ હાલ માટે તેમ કરવાને સાધન ને કાળ નથી. ૧૮૫૩ની જૂની પ્રતથી પહેલાંની પ્રત મળે તો આ ગ્રંથ હજી વધારે શુદ્ધ થાય પણ તેવી પ્રત મળવી મુશ્કેલ છે; ને તેવી કોઈ નથી મળી ત્યાં સુધી આ શુદ્ધ કરેલો ગ્રંથ પ્રેમાનંદના હાથથી લખાયેલા ગ્રંથની પહેલી જ પ્રત છે એમ માનવું એ અન્યાય નથી.’[5]

નર્મદે આદર્શ પ્રત તરીકે સ્વીકારેલી સં. ૧૮૫૩ની દેવનાગરીમાં લખાયેલી હસ્તપ્રતમાંથી અને તેને સમર્થક પ્રત તરીકે સ્વીકારેલી સં. ૧૮૭૨ની ગુજરાતી હસ્તપ્રતમાંથી નમૂનારૂપે કેટલોક ભાગ આ સંપાદનમાં છાપ્યો છે, જેને આધારે બંને હસ્તપ્રતોની પ્રકૃતિ વિશે અનુગામી સંશોધકોને અને અભ્યાસીઓને પણ ખ્યાલ આવી શકે છે. નર્મદના આ સંપાદન પછી સં. ૧૯૫૪ (સને ૧૮૮૯)માં ઇચ્છારામ સૂર્યરામ દેસાઈએ ‘દશમસ્કંધ’નુ સંપાદન કરી તેનું વલ્લભ ભટ્ટના ‘ભાગવત’ સાથે પ્રકાશન કર્યું’. ‘દશમસ્કંધ’ના સંપાદન અંગેની તેમની નોંધ ધ્યાનાર્હ છે :

‘ઈ. સ. ૧૮૭૦માં પ્રેમાનંદકૃત દશમસ્કંધ છપાવવાને મેં જાહેરખબર પ્રસિદ્ધ કીધી હતી ને સંશોધનનું કામ પણ થોડુંક આરંભ્યું હતું, પણ તેટલામાં સુરતના એક છાપખાનાવાળીએ ગ્રંથ તડામાર છપાવવો શરૂ કીધેલો જોયો ને તે કામ કવિ નર્મદાશંકરે હાલમાં લીધું છે એમ મેં જાણ્યું એટલે તે વેળાએ મેં તે વાત પડતી મૂકી હતી.’[6]

ઇચ્છારામને મળેલી હસ્તપ્રતોની વિગતો ઘણી મોઘમ છે. તેમને સુરતમાંથી ત્રણ હસ્તપ્રતો મળી હતી, પરંતુ ‘તે ઘણી સારી નહોતી’. વડોદરામાંથી તેમને બે હસ્તપ્રતો મળી હતી તે તો ‘સુરતવાળીના મોઢામાં થુંકે એવી અશુદ્ધ’ હતી. જેમની પાસેથી વડોદરાની હસ્તપ્રતો મળી હતી તેમને વિશે ઇચ્છારામ નોંધે છે : ‘...તે છતાં તે પ્રતવાળાઓ ઘણું ગુમાન રાખે છે કે એના જેવી શુદ્ધ પ્રત બીજે સ્થળેથી મળવાની નથી.’ આ પાંચમાંથી કોઈ પ્રત સંતોષકારક ન લાગતાં તેમણે નંદરબારથી ‘કેટલીક’ પ્રતો મેળવી. તેમાં તેમને ‘એક વજા શાહ નામના વાણીયાની પ્રત’ ઘણી જ શુદ્ધ જણાઈ. આ ઉપરાંત તેમને કડોદમાંથી પણ એક પ્રત મળી જે નંદરબારની પ્રતને મળતી આવતી હતી. નંદરબારની હસ્તપ્રતનું લખ્યા વર્ષ ૧૮૬૪નું તેઓ આપે છે. આ પ્રતને આદર્શ હસ્તપ્રત ગણી, બીજી પ્રતોને સહાયક ગણી તેમણે ‘દશમસ્કંધ’નું સંપાદન કર્યું. તેમને મળેલી નંદરબારની હસ્તપ્રત, જેને તેઓ આદર્શ હસ્તપ્રત ગણે છે તે નર્મદને મળેલી અને તેણે આદર્શ હસ્તપ્રત ગણી હતી તે કરતાં પછીની છે. વળી તેઓ સુરતની ત્રણ અશુદ્ધ અને વડોદરાની બે તેથીય અશુદ્ધ પ્રતોને સહાયક ગણે છે. તેઓ પાઠનિર્ણયની પદ્ધતિ કે ધેારણો આપતા નથી. આ બધી જ પ્રતો તેમણે ૧૮૭૦માં મેળવી નથી. ૧૮૭૦માં તો તેમણે ઇરાદો જાહેર કર્યો. તે પછી પ્રતો મેળવવાનું આરંભ્યું. સ્પષ્ટ છે કે તેમને મળી તે પ્રતો નર્મદને મળી નથી; નર્મદને મળી હતી તે તેમને મળી નથી. પરંતુ ઇચ્છારામને નર્મદના પાઠનિર્ણયનાં ધોરણોનો અને સંપાદનનો પણ લાભ મળ્યો છે. નર્મદે પોતે પાઠનિર્ણયની પ્રક્રિયાનાં જે દૃષ્ટાંતો આપ્યાં છે તેની સાથે ઇચ્છારામની તૈયાર કરેલી વાચનાના સમાંતર પાઠો સરખાવી જોતાં, તે એક સિવાય નર્મદ દ્વારા નિશ્ચિત થયેલા પાઠથી જુદા નથી એમ જણાય છે. નર્મદના દૃષ્ટાંત (૫)નો પાઠ આ વાચનામાં ‘પરમ દહાડાનું મેં લગ્ન લીધું’ એ પ્રમાણે છે. અન્યથા પણ બંને પ્રગટ થયેલી વાચનામાં ફેર ઝાઝો નથી. પરિણામ એ આવ્યું કે તેમના પ્રકાશનથી નર્મદનું સંપાદન પુનર્મુદ્રણ ન પામ્યું અને ‘ગુજરાતી’એ ઇચ્છારામના સંપાદનની અનેક આવૃત્તિઓ કરી.[7] ઉમાશંકર જોશી અને હરિવલ્લભ ભાયાણી દ્વારા સંપાદિત ‘દશમસ્કંધ’માં કુલ અગિયાર હસ્તપ્રતોનો ઉપયોગ થયો છે. તેમાંથી સાત હસ્તપ્રતો તેમને વિશેષ ઉપયોગી લાગી હતી અને ચાર કેવળ તુલના માટે જ પ્રસ્તુત જણાઈ હતી. તેની વિગત નીચે પ્રમાણે છે :

મુખ્ય સાત હસ્તપ્રતો

૧. અ. ગુજરાતી પ્રેસ  : સં. ૧૮૭૯
૨. ક. પ્રાચ્ય વિદ્યામંદિર, વડોદરા  : સં. ૧૯૩૮
૩. ખ. ખાનગી માલિકી  : સં. ૧૯૩૧
૪. ગ. ,, ,,  : સં. ૧૮૮૧
૫. ઘ. ,, ,,  : સં. ૧૯૩૩
૬. ચ. ,, ,,  : સં. ૧૯૩૫
૭. છ. નગીનદાસ પારેખ  : સં. ૧૮૯૨

ગૌણ ચાર હસ્તપ્રતો

૧. ગુજરાત વિદ્યાસભા  : સં. ૧૮૯૮
૨. ,, ,,  : સં. ૧૮૯૮
૩. ,, ,,  : સં. –નથી
૪. ,, ,,  : સં. ૧૯૦૫

આ હસ્તપ્રતોમાં ઇચ્છારામ અને નર્મદે ઉપયેાગમાં લીધેલી સૌથી જૂની હસ્તપ્રતો નથી. નર્મદે આદર્શ ગણેલી હસ્તપ્રત (૧૮૫૩)થી જૂની તો તેના પછીના કોઈ સંપાદકને મળી નથી. વાસ્તવમાં તેણે ઉપયોગમાં લીધેલી કોઈ હસ્તપ્રત નથી મળી ઇચ્છારામને કે નથી મળી ઉમાશંકરને. ઇચ્છારામે જે પ્રતો ઉપયોગમાં લીધી તેમાં તેમના ‘ગુજરાતી પ્રેસ’માંની ઉમાશંકરને મળેલી સં. ૧૮૭૯ની પણ હતી કે કેમ તે, તેમણે એક સિવાય કોઈની લખ્યાસંવત આપી નથી તેથી, કહી શકાતું નથી. નર્મદના પાઠફેરનાં ઉપર આપેલાં દૃષ્ટાંતો સાથે ઉમાશંકરે તૈયાર કરેલી વાચનાના સમાંતર પાઠો સરખાવતાં નીચે પ્રમાણે સામ્ય અને તફાવત જણાયાં છે :

નર્મદનો પાઠ ઉમાશંકરની વાચના
(૧) ૨. બ (૧) ન. પ્રમાણે
(૨) ૨. બ (૨) ન. પ્રમાણે
(૩) ૨. બ (૩) કડવું ૯૩ : ન. પ્રમાણે.
(૪) ૨. બ (૪)
એકાદશ વર્ષ ગોકુળમાં રહેશું. એકાદશ વરસ પુત્ર થઈ રહેશું.

નર્મદે અને ઉમાશંકરે પોતપોતાની વાચનાનાં પાઠાન્તરો નોંધ્યાં છે તેમાં આ બંને પાઠો છે. નર્મદે સમગ્ર સંદર્ભને અનુલક્ષી, દ્વિરુક્તિ ટાળવા ‘પુત્ર થઈ’ એ શબ્દોને સ્થાને, ‘ગોકુળમાં’–એ પાઠ સ્વીકાર્યો છે. ઉમાશંકરના સંપાદનમાં સંપાદકોએ નર્મદનું સંપાદન જોયું હોવાનો નિર્દેશ નથી. તેથી નર્મદના પાઠથી નિરપેક્ષ રીતે, તેમણે પાઠનિર્ણય કર્યો છે એમ સમજાય છે.

(૫) ૨. બ (૫)
પરમ દહાડાનું લગ્ન લીધું.
(ઇ. સૂ.ના પાઠ સાથે મળે છે.)
(૬) ૨. બ. (૬)
જેથી શ્રી ભાગવત ગંગા પ્રગટ્યાં. જે સ્થકી ભાગવત ગંગા પ્રગટ્યાં.

ઉમાશંકરે ‘શ્રી’વાળું પાઠાન્તર નોંધ્યું નથી. તેમને મળેલી કોઈ હસ્તપ્રતમાં તે નહિ હોય. તેમણે ‘જેથી’ અને ‘તેથી’ આ બંને પાઠાન્તરો નોંધ્યાં છે, ‘સ્થકી’ આમેય અશુદ્ધ રૂપ છે. તે સુધારીને ‘થકી’ કરવાનું તેમણે અનુચિત લેખ્યું છે. નર્મદે વધુ શુદ્ધ પાઠ સ્વીકાર્યો છે.

(૭) ૨. બા (૭) ન. પ્રમાણે

‘પ્રેમાનંદની કાવ્યકૃતિઓ’માં ‘દશમસ્કંધ’નું સંપાદન કરતાં, કે. કા. શાસ્ત્રી અને શિવલાલ જેસલપરાએ ઉમાશંકરના સંપાદનની વાચનાના પાઠભેદોની નોંધ લીધી છે પરંતુ તેમણે નર્મદની કે ઇ. સૂ.ની વાચનાની નોંધ લીધી નથી. (ગ્રંથને અંતે મૂકેલી પ્રકાશ વેગડે તૈયાર કરેલી સંદર્ભસૂચિમાં બંનેનો ઉલ્લેખ છે.) આ સંપાદકોએ નીચે પ્રમાણે ત્રણ હસ્તપ્રતો જોઈ છે :

અ. ગુજરાત વિદ્યાસભા સં. ૧૮૭૯
બ. ફાર્બસ ગુજ. સભા સં. ૧૯૧૬
ક. ફાર્બસ ગુજ. સભા. સં. ૧૯૩૫

ગુજરાત વિદ્યાસભાવાળી પ્રત (ક્રમાંક ૧૨૧૫) ઉમાશંકરે પણ જોઈ હતી અને તે તેમને ઓછી ઉપયોગી જણાઈ હતી. આ સંપાદકોએ તેને મહત્ત્વની ગણી છે. નર્મદે જે પ્રતો જોઈ તે ઇચ્છારામને જોવા મળી નથી. તે બંનેને જે જોવા મળી છે તે ઉમાશંકરને મળી નથી. તે ત્રણેને જોવા મળી છે તેમાંથી માત્ર ઇચ્છારામને મળેલી પ્રતોમાંથી એક જ આ સંપાદકોને જોવા મળી છે. આમ આગળની પ્રતો પછીના સંપાદકો જોતા નથી/તેમને જોવા મળી નથી/તે પ્રતો સચવાઈ નથી. નર્મદ અને ઉમાશંકરની વાચનાનાં ઉપરનાં પાઠાન્તરોની તુલના કરતાં નીચેનાં તારણો નીકળે છેઃ

૧. પાઠાંક ૧ થી ૩, ૭ ત્રણેના એકસરખા છે.
૨. પાઠાંક ૪, ૫ નર્મદ અને શાસ્ત્રીના સરખા છે.
૩. પાઠાંક ૬ ઉમાશંકર અને શાસ્ત્રીના સરખા છે.

આ માત્ર નમૂનારૂપ સર્વેક્ષણ છે. તેનો હેતુ મર્યાદિત છે. ત્રણે વાચનાને વિગતે સરખાવતાં વધુ શ્રદ્ધેય વાચનાનો નિર્ણય કરવાનું મુશ્કેલ છતાં રસપ્રદ બને એમ છે. પરંતુ આ મર્યાદિત સર્વેક્ષણથી એટલું તો પ્રતીત થાય છે કે નર્મદની વાચનાના આ પાઠોમાંથી મોટા ભાગનાને પછીના આ સંપાદકોનું સમર્થન મળ્યું છે અને નર્મદના પાઠનિર્ણયના અભિગમને તેનાથી પુષ્ટિ મળે છે. ચારેય સંપાદકોને અલગ અલગ હસ્તપ્રતો મળી છે, એથી કડવાંની સંખ્યામાં ફેર હેાય તે સ્વાભાવિક છે. પ્રેમાનંદે રચેલા ૫૩ અધ્યાયનાં કડવાંની સંખ્યા સંપાદનવાર આ પ્રમાણે છે : ન ૧૬૫; ઈ સૂ ૧૬૫; ઉ ૧૬૯; શા ૧૭૦. આ જ પ્રમાણે કડીસંખ્યાફેર, કડીક્રમફેર, પણ છે. અહીં બધા પ્રકારનાં, બધાં પાઠાન્તરોની તુલના અપ્રસ્તુત છે. જે પ્રસ્તુત છે તે આ કે પાઠનિર્ણયની પદ્ધતિની શાસ્ત્રીય વિચારણા સૌ પહેલી કરી નર્મદે, તેનો વિનિયોગ કરી શ્રદ્ધેય વાચના સૌ પહેલી આપી નર્મદે; અને તેણે જે પદ્ધતિ અને વાચના તૈયાર કરી, તેની નોંધ ભલે કશે ન લેવાઈ હોય, તેણે નક્કી કરેલા પાઠને સ્વતંત્ર રીતેય, વધુ હસ્તપ્રતો અને તાલીમથી સજ્જ અનુગામી સંપાદકોની સ્વીકૃત વાચનાનું સમર્થન મળે છે. આ ઘટનાનો સ્વીકાર કરીને, નર્મદને તેના આ શાસ્ત્રીય પ્રસ્થાન માટે સલામ કરીએ.


રાજકોટ : ૩૦-૧૧-૮૩

ભાષાવિમર્શ : જાન્યુઆરી-માર્ચ ૧૯૮૫

પાદટીપ :

  1. ‘પરબ’ : વિશેષાંક – નર્મદ, આજના સંદર્ભમાં : ‘નર્મદના નામનો સિક્કો ધરાવતા શાસ્ત્રગ્રંથો’.
  2. ‘કવિચરિત્ર’ : ‘જૂનું નર્મગદ્ય’ (૧૯૧૨), પૃ. ૪૫૧, પાદટીપ.
  3. ‘ગુજરાતી કવિતા’ : ‘જૂનું નર્મગદ્ય’ (૧૯૧૨), પૃ. ૪૦૬.
  4. એજન. ‘કાવ્યદોહન’ પુસ્તક બીજું પ્રગટ કરતાં દલપતરામે સ્પષ્ટતા કરી હતી અને વધારે સારું સંપાદન કરવા ઇચ્છનારને ‘કા. દો.’નો ત્રીજો ભાગ તૈયાર કરવા નિમંત્રણ આપ્યું હતું.
  5. પ્રસ્તાવના લખ્યાનાં સ્થળ, તારીખ : ‘સુરત-આમલીરાન, તા. ૧ લી ઑગસ્ટ ૧૮૭૨’.
  6. ભટ વલ્લભ તથા ભટ પ્રેમાનંદ અને સુંદર મેવાડાકૃત ‘પદબંધ શ્રીમદ્‌ ભાગવત’ અને કવિ દયારામ કૃત ‘ભાગવતાનુક્રમણિકા’ : પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવના.
  7. આ લખતી વેળા ચોથી આવૃત્તિ (ઈ. સ. ૧૯૨૭) તપાસી છે.

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.