નર્મદ-દર્શન/સ્ત્રીઓ વિશે નર્મદ

From Ekatra Foundation
Revision as of 02:59, 3 November 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
સ્ત્રીઓ વિશે નર્મદ


સ્ત્રી કવિતા ગાયન વિના,
મને ન ભાવે કાંઈ;
આ જગમાં ત્રણ મોહિની
અનુપમ રત્ન સુહાઈ.
—નર્મદ

આ પંક્તિઓમાં જે દક્ષિણ નાયક નર્મદનો અણસાર મળે છે તે ઓછો મોહક ન હતો. કવિના નિકટના મિત્રે આલેખેલું તેનું આ શબ્દચિત્ર જુઓ : ‘કસુંબાની લાલચોળ પાઘડી, કસવાળું-કલ્લી ચડાવવાનું ડાઘ વિનાનું સફેદ અંગરખું, ત્રણ આંગળ પહોળી રેશમી કિનારનું ધોતિયું, સુગંધથી બહેકતું શરીર, પાનના સુવાસિત મુખવાસથી લાલચોળ ઓષ્ઠ. એક ફાંકડો રસિક નાગરિક તે નર્મદ.’ દયારામની યાદ આપતો આ ફક્કડ નાગર નર, સુરતી લાલો સહેલાણી, ‘પ્રેમઅંશી’ તો હતો જ; તેના બાંકાપણામાં રણબંકો પણ સમાયો હતો. તે શૌર્યમૂર્તિ પણ હતો. સુવાસિત મુખવાસથી લાલ અધરોષ્ઠ જેમ તેના હૃદયનો રાગ પ્રગટ કરતા, ચિંતનગંભીર મુખમુદ્રા તેનામાં રહેલા વિચારકનો અણસાર આપતી, તેમ મરોડદાર અને તીક્ષ્ણ નાસિકા અને આંખની તરલતા તેનું મહત્ત્વાકાંક્ષીપણું અને અંગરખામાંથી ઊપસી આવતો સીનો તેના નિશ્ચયની નિશ્ચલતા અને મગદૂર અછતી રહેવા દેતાં ન હતાં. આ નમણા દેખાતા નરમાં મર્દનો અર્ક હતો, જે તેના શરીરમાંથી ફોરતી સુગંધ સાથે તેના પ્રત્યેક કાર્યમાં મહેકતો હતો. ‘ત્રણ ત્રણ ડાહી કુળવંતી’ રમણીઓનાં દિલ ચોરતી, બબ્બે વિધવાઓને તેના આશ્રયમાં રહેવા અવશ કરતી છબીલાઈ સાથે સામા પ્રવાહે તરવા તેના સીનામાં હામ અને બાવડાંમાં બળ હતાં. તેની પાઘડીનો કસુંબી રંગ જ્યાં જ્યાં અન્યાય અને અસત્ય, અજ્ઞાન અને વહેમ, દાસપણું અને દારિદ્ર્ય હોય ત્યાં ત્યાં સર્વત્ર જુદ્ધે ચડવાના, ઘૂંટાયેલા પાકા કસુંબી ઉત્સાહનો પણ દ્યોતક હતો. એથી જૂનાગઢના શાસ્ત્રી હરદત્ત કરુણાશંકરે સંસ્કૃતમાં એક પ્રશસ્તિ રચી તેને આ રીતે અભિનંદ્યો હતો :

‘સ્વદેશીયહિતાર્થં યઃ સ્વશિરોઽપિ ત્યજેદ્‌ બુધઃ ।
કવિતાકામિનીકાન્તં નર્મદં તં પ્રણામ્યહમ્‌ ॥’

આ શ્લોકમાં કહ્યું છે તેમ નર્મદ ‘કવિતાકામિનીકાન્ત’ હતો – કર્મધારય સમાસ અનુસાર કવિતારૂપી કામિનીનો અને દ્વંદ્વ સમાસ અનુસાર કવિતા અને કામિનીનો કાન્ત હતો. કોઈ પણ જમાનાની સ્ત્રી ઝંખે તેવું આકર્ષક વ્યક્તિત્વ અને ખુમારી ધરાવતો આ નર્મદ તેના જમાનામાં અનેક સ્ત્રીઓનો ધ્યાનાર્હ અને સ્નેહભાગ હતો. તેનાં કાવ્ય અને કાર્ય બંનેનું પ્રેરકબળ અને કેન્દ્રબિન્દુ સ્ત્રી હતી એમ કહીશું તો તે દુઃસાહસ નહિ ગણાય. તે દક્ષ પ્રેમી, લોકસંગ્રાહક સમાજપુરુષ અને અર્વાચીન કવિતાના આદ્ય દૃષ્ટા તરીકે પ્રગટ થયો તેમાં પ્રેરણા અને નિમિત્ત એક અથવા બીજી રીતે સ્ત્રી હતી. સુરતની વડનગરા નાગર જ્ઞાતિમાં એવો રિવાજ કે જ્ઞાતિભોજન સમયે ગૃહસ્થ વર્ગની સ્ત્રીઓ જ કાંચળી પહેરી શકે અને વૈદિક-ભિક્ષુક વર્ગની સ્ત્રીઓને કાંચળી વિના પંગતમાં બેસવું પડતું. નર્મદે દોલતરામ વકીલ અને ગુલાબનારાયણના સહકારથી હાટકેશ્વરના ઓચ્છવમાં (સન ૧૮૫૯) આ ચાલ તોડાવ્યો. તે સમયે તો માત્ર પાંચ જ સ્ત્રીઓ સામેલ થઈ; ગૃહસ્થની સ્ત્રીઓ જમતાં જમતાં ઊઠી ગઈ. વૈદિક નાગરો પણ ચિડાયા. પરંતુ કોઈ વિરોધ કરી શક્યું નહિ. તેની સક્રિય સુધારાપ્રવૃત્તિની આ પહેલી સફળતા. ‘એક વાણિયા શેઠની મોટી ઉમ્મરની પુખ્ત ડાહી, ભણેલી ને સુધરેલા વિચારની દીકરીથી તેના ઘરના વડીલોનો જુલમ ખમાતો નહિ, ને તે મનમાંની મનમાં બળી જતી.’ – એ સ્ત્રી સાથે નર્મદને ‘પ્રસંગ પડ્યો હતો’. તેણે પોતાનું દુઃખ રડી તે બાબત કવિતા કરવા સૂચવ્યું. એ ઉપરથી ‘ગંગી સ્ત્રીઓને છૂટ આપવા વિષે’ કાવ્ય રચાયું. (જૂન ૧૮૫૭). કરુણ છાયાવાળા લલિત છંદમાં રચેલું આ કાવ્ય સ્ત્રીપુરુષ સમાનતાનું જાણે Magna Charta – હકપત્ર છે :

અબળ જાતિને યોગ્ય છૂટ રે, ક્યમ નથી તમે આપતા અરે;
સજન સંગતી કાં થવા ન દો, ગુણિ પુરુષ સંગે જવા ન દો.
મનુષ દેહમાં સ્ત્રીપુરૂષ રે, સર ધર્મમાં સારખાં ખરે;
પશુ ગુલામ ના જાણશો તમે, ઘણિ ખરી રિતે શ્રેષ્ઠ તો હમે.
તનદુરસ્તી સારૂ હવા ખપે, કદિ જ તે મળે શેઠ ઓ છુપે;
નફટ ચાલ જે લાજ ઘૂંમટી, અતિસ ગૂંગળાવે અરે વટી.
પગરખાં અમે કાં ન પ્હેરિયે, છતરિયો હમે કાં ન અ્‌હોડિયે;
સમજતાં થયે લગ્ન કાં નહીં, લગન કેમ રાંડેલિને નહીં?
ગરિબ સૂધરેલા બહૂ ખરે, ધન વિના સુધારો શું તે કરે;
ધનથકી થતૂં કાજ જે હશે, અવરથી નહીં થાયું તે જશે.
લઈ સલામ શેઠો સુણો બહૂ, પ્રતિનિધિ થઈ સ્ત્રીની સહૂ;
પ્રથમ પ્હેલ તો શેઠજી કરો, ગરિબ દુઃખડાં ભારિ તે હરો.
સહુ સમારનાં મૂળ તો હમે, કરિ ગુમાન ના ફૂલશો તમે;
સુધરિ જ્યાં નહીં સ્ત્રી બકી બદી, બ્હડતિ ના થશે દેશની કદી.

નર્મદ ખૂબ નિખાલસ અને પારદર્શી વ્યક્તિત્વ ધરાવતો હતો તેથી ઊર્મિશીલ હતો. તેણે ક્યારેય ઊર્મિઓને ઔપચારિકતાના કે ભદ્રાચારના દંભના અંચળામાં ઢબૂરી નથી. હવે બહાર આવેલી મણિલાલ નભુભાઈની આત્મકથામાં છે તેવી નિર્દંભ નિખાલસતાથી નર્મદે પોતાનાં દામ્પત્ય અને મુક્તવિહારના નિર્દેશો આપ્યા છે. તેના જીવનની આ ઘટનાઓમાં પ્રારંભમાં જુવાનીનો જુસ્સો અને પછીથી સુધારાનો ઉત્સાહ પ્રતીત થાય છે. બાળલગ્નોનો આ જમાનો. અગિયાર વર્ષની વયના નર્મદાશંકરનું લગ્ન મુંબઈની સદર અદાલતના શાસ્ત્રી સૂરજરામની છ-સાત વર્ષની દીકરી ગુલાબ સાથે (સં. ૧૮૪૪) થયું. ગુલાબ સાસરે રહેતી થાય તે પહેલાં નર્મદમાં ‘જુવાનીના જોસ્સાએ બહાર પડવા માંડ્યું હતું.’ હવે તેને ‘બૈરાંની ગંધ આવવા માંડી હતી.’ કોઈ સ્ત્રી સામેથી પરિચય કરવા આવે તેવી ઇચ્છા સેવતો નર્મદ શરમાળ પ્રકૃતિનો તેમ ‘ઇશ્કબાજીથી વાકેફ એવા દોસ્તો નહીં’ તેથી આ તબક્કે તો તે વિપથગામી ન બન્યો. તેમ છતાં તે સુરત રહેતી ગુલાબવહુ વિશે ઇંતેજારી ન રોકી શક્યો. સુરતના એક સંબંધીએ તેને ગુલાબ વિશે માહિતી લખી. સાસરાને સરનામે આવેલો પત્ર સસરાએ ફોડ્યો. આ મુદ્દા પર સસરા-જમાઈને જે અંટસ પડી ગયો તેની અસર પછીથી આરંભાયેલા ગૃહસ્થાશ્રમ પર પણ પડી. ગુલાબ નાની વયની ને કાચી બુદ્ધિની. નર્મદને અપેક્ષા હતી તેવી રસિકતા, કુશળતા અને ચતુરાઈનો તેનામાં અભાવ. અતિ ભોળી તેથી કાચા કાનની. સાળીઓ નર્મદ વિશે, તેના ચારિત્ર્ય વિશે ભંભેરણી કરતી તેથી તેના તરફ નર્મદનો ‘પ્રેમનો જોસ્સો નરમ’ હતો. એના જ પરિણામરૂપે તેણે ઉલ્લેખ કર્યો છે તે ‘કુળવંતી ડાહી સ્ત્રીનો સહવાસ’ તેને થયો. સંસાર માંડ્યાને બે વર્ષમાં બે નિષ્ફળ પ્રસૂતિ પછી ગુલાબ મૃત્યુ પામી ત્યારે નર્મદને પશ્ચાત્તાપ પણ થયો; વૈરાગ્યનાય વિચારો આવ્યા. સુરતમાં ‘રાખેલી કેટલીક વર્તણૂક’ને તે હવે અનીતિ સમજતો થયો હતો તેથી પિતાને મોઘમ રીતે આ પાપનું પ્રાયશ્ચિત્ત પણ તેણે પૂછ્યું. આ સમયના વૈરાગ્યના વિચારોને કારણે ને પિતાને કહે છે કે તમે વિધુર, હું પણ વિધુર, હવે માયામાં શા માટે પડવું? પિતાએ એક સ્થળે ગોઠવેલો તેનો વિવાહ પણ તેણે તોડી નાખ્યો. આ ઘટનાથી પિતાને લાગેલા આઘાતથી પશ્ચાત્તાપ અનુભવતા નર્મદે પંડ્યા ત્રિપુરાનંદની પુત્રી ડાહીગૌરી સાથેનો વિવાહ કબૂલી ૧૮૫૬માં લગ્ન કર્યું. ગુલાબનું અવસાન થયું અને ડાહીગૌરી સાસરે આવવા જોગ થઈ તે વચ્ચેના, ૧૮૫૩થી ૧૮૬૦નાં સાતેક વર્ષના ગાળામાં વીસથી સત્તાવીસના ગધ્ધાપચીશીનાં વર્ષોમાં ગૃહિણી વિનાના નર્મદે ઠીક ઠીક લોકાપવાદ નોતર્યો હતો અને તેણે પોતાનાં કેટલાંક કાવ્યોની રચનાના સંદર્ભમાં જે નોંધો કરી છે તેનાથી તેને સમર્થન પણ મળે છે. ‘ગંગી સ્ત્રીઓને છૂટ આપવા વિષે’ કાવ્યની ભૂમિકા તો ઉપર ઉલ્લેખાઈ છે. બીજાં બે એક કાવ્યો વિશેની આ પાદટીપ વાંચોઃ ‘વૈધવ્યચિત્ર’ (૧૮૫૯માં ‘નર્મકવિતા’ના અંક ૫/૬માં પ્રકાશિત) કાવ્યની પાદટીપ :

‘માહારી પહેલી વારની પ્રિયાના મરણ પછી તે માહારી બીજી વારની પ્રિયા મારે ઘેર રહેતી થઈ ત્યાંહા સુધીનાં દરમિયાનમાં હું વિષયવાસનાના જોસ્સાથી અને તેમાં પછી અનીતિ તો ન કરવી એવી રીતે મન મારયાથી ઘણો ઘણો રીબાતો હતો, અને તેમાં પાછી માહારી પ્રિયા સાંભરી આવતી, તેથી મને કહી ન શકાય તેટલું દુઃખ થતું; ... એ હાલતમાં મારું વલણ શૃંગાર રસ લખવા તરફ પ્રેરાયું.... માહારી સગી કેટલીએક બાળવિધવાનાં અસહ્ય દુઃખો માહારા જોવામાં આવ્યાં તે ઉપરથી મને ઉપલી કવિતા લખવાનું ઉત્તેજન મળ્યું – બે મતલબ કે વિધવાનું દુઃખ દરશાવું ને તેમાં મારું દુઃખ રડું...’

‘ઋતુવર્ણન’ (૧૮૬૧, મે થી સપ્ટેમ્બર સુધી લેખન, ઑક્ટોબરમાં પ્રકાશન) કાવ્યની પાદટીપ :

‘એક દહાડો હું ને મારી પ્રિયા પરસ્પર વાત કરતાં હતાં, એવામાં એકાએક મારાં મનમાં એવો તુરંગ ઉઠ્યો કે મારો ને તેનો વિયોગ થાય, તો તે બિચારીને કેટલું ખમવું પડે? એ તુરંગથી મારૂં મ્હો ઊતરી ગયું જોઈને પેલીએ પરાણે મારી પાસથી મારાં મનની વાત કહડાવી, ને પછી તે પણ દલગીર થઈ. એ વાત ઉપરથી મને વિયોગ સંબંધી કંઈ લખવાનું મન થયું; અને ઘણા દહાડાનો ઋતુસંબંધી લખવાનો મારો વિચાર તો હતો જ – એ બે કારણોથી મને આ ગ્રંથ લખવો સૂઝ્યો...’

‘વજેસિંગ અને ચાંદબા’ (૧૮૬૩ એપ્રિલ)ની પાદટીપ :

‘તા. ૬ ઠી એપરેલ ૧૮૬૧ ને દીને માત્ર પેહેલા પાંચ દોહરા એક ચોપડીમાં લખી મેહેલ્યા હતા; તે ચોપડી પાછી તા. ૨૦ મી એપરેલ ૧૮૬૩ ને દીને હાથમાં આવેથી મેં એ વાત પાછી લખવા માંડી ને ૩૦મી એપરેલે પુરી કીધી. મારી પ્રિયા જે ઘણી પ્રેમાળ છે તેને વિજોગમાં દિલાસો મળે એવે ઉદ્‌દેશે એ વાત લખી છે, તો પણ દેશી રાજાઓને અને વીર પુરુષોને સારી શિક્ષારૂપ છે...’

આ ત્રણે પાદટીપો અને ‘ગંગી સ્ત્રીઓને...’ એ કાવ્યની પાદટીપ તેના પ્રેમસંબંધો વિશે તો સૂચન કરે જ છે, સાથે નર્મદની મહત્ત્વની કવિતાનું પ્રેરકબળ તેની આ પ્રિયા(ઓ) હતી એ પણ સૂચવે છે. આ પ્રિયા(ઓ) ગુલાબ કે ડાહીગૌરી તો ન જ હતી. ‘મારી હકીકત’માં ૧૮૬૧ની નોંધમાં તે લખે છે : ‘એપરેલની શરૂઆતમાં મારે બે કુળવંતી સ્ત્રી સાથે સ્નેહ બંધાયો હતો.’ ૧૮૬૩ની નોંધમાં તે લખે છે : ‘એ વરસમાં નાણાંની તાણ, પ્રીતિવિયોગ, મિત્રોનું બેદરકારીપણું વગેરે વાતોથી મારા મનમાં બહુ ગભરાટ હતો....હું મારા મનને રમાડવાને શૃંગાર રસ, દુઃખમાં ધીરજ આપવાને શાંતરસ અને પ્રપંચી સંસાર સાથે ધર્મજુદ્ધ કરવાને વીરરસ લખતો...’ આ નોંધમાં ઉલ્લેખ છે તે પ્રીતિવિયોગ ગુલાબનો કે ડાહીગૌરીનો તો નથી જ તે સ્પષ્ટ છે. આ સમયે ડાહીગૌરી એટલી નાની વયની અને અપક્વ હતી કે કાવ્યસંબંધી વિચાર તેને આવે તે શક્ય ન હતું. નર્મદની કાવ્યપ્રવૃત્તિ અને સુધારાવૃત્તિ પરકીયાથી જ પ્રેરાયેલી હતી. નર્મદ કેવળ કાવ્ય લખીને કે નિબંધ વાંચીને કે ભાષણ કરીને પુનર્લગ્નનો પ્રચાર કરનારો ઔપચારિક સુધારક ન હતો. સુરતના સૈયદપરાના એક મોઢ બ્રાહ્મણ દયાશંકરની વિધવા પુત્રી દિવાળીનું મન પુનર્લગ્ન તરફ ઢળતું હોવાનું, તેના વણિક યજમાનને જણાતાં નર્મદાશંકરની સહાય માગી. નર્મદાશંકરે અને તેના મિત્રોએ બાઈની જ્ઞાતિનો, નડિયાદ તરફનો પરંતુ નોકરીની શોધમાં મુંબઈ આવેલો અને વગર ભણેલો મુરતિયો નામે ગણપતરામ શોધી કાઢ્યો. તે પૈસા માટે પુનર્લગ્ન નથી કરતો એની બાંયધરી મેળવી નર્મદાશંકરે પરમહંસ સભાના અને બુદ્ધિવર્ધક સભાના સભ્યોની હાજરીમાં ગુજરાતનું આ પહેલું પુનર્લગ્ન વૈદિક વિધિથી કરાવી આપ્યું. સનાતનીઓએ આ લગ્ન ફોક કરાવવા આકાશપાતાળ એક કર્યાં, તેમણે ગણપતરામ અને દિવાળીની ઉશ્કેરણી કરી નર્મદાશંકરને અને તેના મિત્રોને હેરાનપરેશાન કરાવવા માંડ્યા. આમ છતાં આ લગ્ન નિષ્ફળ ગયું એમ નર્મદાશંકરનો મત ન હતો. આ પછી કપોળ જ્ઞાતિના શેઠ માધવદાસ અને તે જ જ્ઞાતિના નગરશેઠની દીકરી ધનકોરનું પુનર્લગ્ન થયું, તે પણ નર્મદે પહેલ કરી કરાવેલા પહેલા પુનર્લગ્ન પછી બંધાયેલી એક અનુકૂળ હવાને કારણે શક્ય બન્યું હતું. ૧૮૬૫માં નર્મદાશંકરે સુરત રહેવાનું શરૂ કર્યું. તે દરમિયાન તેની જ્ઞાતિના પરંતુ પાલિતાણાના તે સમયના દીવાન છોટાલાલ દુર્ગારામ જાનીની બાળવિધવા બહેન સવિતાગૌરી સાથે તેને પરિચય થયો. તે વિશે સમાજમાં ભારે ચકચાર ફેલાઈ. સવિતાગૌરી માટે કુટુંબમાં રહેવું અશક્ય બની જતાં નર્મદાશંકરે તેને જાહેર રીતે પડોશના પોતાની માલિકીના ઘરમાં આશ્રય આપ્યો. જ્ઞાતિજનોએ રોષે ભરાઈ તેને કુટુંબ સાથે જ્ઞાતિબહાર મૂક્યો. આ મામલો માંડ થાળે પડ્યો ત્યાં—સવિતાગૌરીને આશ્રય આપ્યા પછી ચોથે-પાંચમે વર્ષે – તેણે નર્મદાગૌરી (સુભદ્રાગૌરી) નામની તેની જ પોતાની જ્ઞાતિની એક બીજી વિધવા સાથે, સુરતના રૂઘનાથપરામાં ખાનગીમાં પુનર્લગ્ન કરી પોતાના જ ઘરમાં રાખી. નર્મદાગૌરી સુરતના લાલશંકર દવે(ભારતીય વિદ્યાભવના ભૂતપૂર્વ નિયામક શ્રી જયન્તકૃષ્ણ દવેના પિતામહ)ની પુત્રી હતી. તેણે પુનર્લગ્નની ઇચ્છા નર્મદ આગળ વ્યક્ત કરી હશે. નર્મદના પુનર્લગ્ન વિશેના વિચારોથી તે તેને તારણહાર લાગ્યો હશે. આ માટે ખાનગી મુલાકાતો પણ ગોઠવાઈ હશે અને બંને વચ્ચે કૂણી લાગણી જન્મી હશે. નર્મદે પોતે નહિ તો બીજાની સાથે પુનર્લગ્ન ગોઠવી આપવાની આશા આપી હશે. વાત ફૂટી જતાં નર્મદાગૌરીએ કવિને ત્યાં આશ્રય લીધો હશે, તેને સમજાવી ઘેર લઈ જવાના પ્રયાસો પણ થયા હશે, છેવટે યોગ્ય મુરતિયો ન મળતાં નર્મદ જ તેને પરણી ગયો હશે એમ અનુમાનો કરવામાં આવ્યાં છે. આ લગ્ન તેણે ડાહીગૌરીની સંમતિથી કર્યું હતું એમ કહેવાય છે, પરંતુ તે કેવી રીતે મેળવાઈ હશે અને આ લગ્ન એક દિવસનો ખેલ ન હતો પરંતુ પૂર્વયોજનાથી થયું હતું એમ આ સંબંધી નર્મદની એક નોંધ પરથી જણાય છે. તા. ૯મી સપ્ટે.ને રોજ નર્મદે નોંધ્યું છે : ‘કહી દીધું ડાહીગવરીને કે તે પોતાની મેળે વિચાર કર્યા કરે. કાલના તારા બોલવાથી જણાયું કે મુંબઈમાં ગોઠતું નથી ને ગોઠે તેમ નથી, ને બીજાં પણ કારણ છે. તો તારે ત્રણ વાતના વિચાર કરી મૂકવા : (૧) સ્વતંત્ર રહેવું, આપણા ઘરમાં નહીં. જુદાં ભાડાંના ઘરમાં કોટડીઓ રાખીને, મુંબઈ, સુરત કે ઇચ્છામાં આવે ત્યાં, ને હાલમાં મારી સ્થિતિ સારી થાય ત્યાં સુધી હું મહીને ૫ કે ૭ રૂપીઆ મોકલ્યાં કરીશ.... (૨) કોઈના આશ્રયમાં જઈ રહેવું ને રૂ. ૫ કે ૭ મહીને મોકલ્યાં કરીશ. (૩) મારાં ખૂંદ્યાં ખમવાં ને દુઃખ પામતાં પણ મારી સાથે જ રહેવું.[1] આ વિષયની ચર્ચા તારીખ ૯ થી ૧૪ સુધી, પૂરા છ દિવસ ચાલી હતી. ડાહીગૌરીએ ખૂદ્યાં ખમવાની સ્થિતિ એક વર્ષની મુદત સુધી અજમાવી જોવાની શરત મૂકી જે નર્મદને માન્ય ન હતી. સ્વતંત્ર રહેવા ડાહીગૌરી તૈયાર ન હતી. મન સાથે વૈરાગ્ય રાખવા બાબત, એટલે કે સાથે રહેવા છતાં પતિ-પત્નીનો વ્યવહાર ન રાખવાના સૂચન સાથે પણ નર્મદ સંમત નથી, કારણ ખૂંદ્યાં ખમવાની શરતમાં તે આવતું ન હતું. વ્રત વગેરે પણ તેને પૂછ્યા વિના ડાહીગવરી ન કરી શકે. પોતે કેટલો નીતિમાન છે તેનો વિચાર કર્યા વિના તે આ સતીને આખરીનામું આપી દે છે કે એક વાર સ્વતંત્ર રહ્યા પછી, ખૂંદ્યાં ખમવાનો વિકલ્પ પણ બંધ થઈ જશે, કારણ કે તે પછી ‘અતિનષ્ટા’ હશે. છેવટે ડાહીગૌરીએ ‘ખૂંદ્યાં ખમવા’નો વિકલ્પ સ્વીકારી લીધો. નર્મદાશંકરે તેની પાસે પ્રતિજ્ઞા લેવડાવી કે તે પોતે પતિ તરીકેની ફરજ ચૂકે તોયે તેણે તેની આજ્ઞા અનુસાર તેને અનુકૂળ થઈને વર્તવું; અર્થ, સ્નેહ અને ધર્મ એ ત્રણેમાં અર્થને ગૌણ ગણી, મારો કે ઉગારો એ જ સ્નેહની નીતિને પરવડે કે ન પરવડે, ધર્મ તરીકે સ્વીકારી ભોગ આપવા તત્પર રહેશે. પતિનાં ખૂંદ્યાં ખમવામાં જ સ્નેહ અને ધર્મનો સમન્વય છે એમ સમજી ડાહીગૌરીએ પતિને માર્ગ મોકળો કરી આપ્યો. સવિતાગૌરી અને નર્મદાગૌરીના કિસ્સાઓમાં ભારે ઊહાપોહ થયો હતો. વર્ષો પછી કનૈયાલાલ મુનશી અને લીલાવતી શેઠે પુનર્લગ્ન કર્યાં ત્યારે પણ ક્યાં થયો ન હતો? સવિતાગૌરીને આશ્રય આપવા બાબત નર્મદના મિત્ર નંદશંકરના પુત્ર વિનાયક મહેતાએ નોંધ્યું છે કે જે ઉત્તમ માર્ગ હતો તે જ તેણે સ્વીકાર્યો હતો. તેણે સવિતાગૌરીને ‘દાનવો’ના ત્રાસમાંથી બચાવી હતી. નર્મદાગૌરી સાથેનાં પુનર્લગ્ન સંબંધમાં નવલરામ પંડ્યાએ જે નોંધ્યું છે તે પરિસ્થિતિનો સાચો ખ્યાલ આપે છે. તેઓ કહે છે :

‘‘...એ ખરું છે કે જાહેરમાં કવિએ લગ્ન કર્યું હોત, તો લોકો તો એથી પણ સોગણા વધારે ગુસ્સે થાત. તેમને તો કવિએ આ વિધવાનો છોકરો જીવાડ્યો એ જ ખરેખરું જોઈએ તો પરવડતું નહોતું. ઘણાએ પોતાની કે પરજ્ઞાતિની રાંડીરાડો સાથે ખુલ્લો આડકતરો સંબંધ રાખે છે. પણ તેનું કોઈ નામ લેતું નથી – કેમ કે તે શઠ પુરુષો કાંઈ પુનર્લગ્ન કરતા નથી, અને જ્યારે ગર્ભ રહે છે ત્યારે તે અભાગિણી વિધવાને તેણે સરજેલાં ઘોર કર્મો કરવાને રખડતી મૂકી દે છે અથવા પોતે જ તે કામમાં મદદ કરે છે. આ શો અજાયબ જેવો ધર્મને નામે અધર્મ!’

નવલરામનું તે પ્રસંગના સંજોગોનું આ અવલોકન ખૂબ સ્પષ્ટ અને વિશેષ પ્રકાશ આપનારું છે. ‘આ વિધવાનો છોકરો જીવાડ્યો’ તે નર્મદાગૌરીનો પુત્ર જયશંકર તે કવિનો જ પુત્ર હતો. લગ્ન કરવાં જ પડે એ પરિસ્થિતિ માટે નર્મદ સિવાય બીજું કોઈ જવાબદાર હોત તો પારકી પળોજણ કરે એેવો દુઃસાહસી અથવા ભક્ત મૂળદાસ જેવો તે મહાત્મા ન હતો. આમ છતાં આ ‘વિધવા-વર્તણૂકો’ને સુધારાનાં કાર્ય તરીકે ખપાવી ન શકાય. પુનર્લગ્નના હિમાયતીઓને પણ આમાં ટીકાપાત્ર અને પાછા પડવા જેવું થયું હતું. તો બીજી તરફ વિધુર છતાં, એક વિધવા પુનર્લગ્ન માટે તૈયાર છતાં, માશીના વારસાના લોભે પારોઠનાં પગલાં ભરનાર, સુધારાના માર્ટિન લ્યૂથરની પ્રતિષ્ઠા જેણે મેળવી હતી તે, નર્મદના એક સમયના શિક્ષક દુર્ગારામને નર્મદે પોતાના પુનર્લગ્નથી લપડાક મારી હતી એ પણ સ્વીકારવું જોઈએ. આ ઘટનામાં નર્મદના સ્વભાવની વિલક્ષણતા અને સુધારક તરીકેની તેની પ્રતિષ્ઠા પાછળની પુરુષસહજ નબળાઈ પણ છતી થાય છે. ‘ગંગી સ્ત્રીઓને છૂટ આપવા વિષે’ કાવ્યમાં સ્ત્રીઓને પુરુષોના જેટલા જ હકો આપવાની કવિની હિમાયત કેટલી પોકળ હતી તે ડાહીગૌરીના વિષયમાં તેણે બતાવેલી જોહુકમી ખુલ્લી કરી આપે છે. એક માનબાઈ નર્મદની પ્રશંસક હતી. તેને તેના પતિએ કેટલી છૂટ આપી હતી તે સંબંધના તેના પત્રના ઉત્તરમાં કવિએ લખ્યું હતું :

‘જે દાસપણું આપણા લોકોએ સ્ત્રીએાને આપ્યું છે, તેમાંથી તેઓને છોડવવાને હાલમાં વિદ્વાનો વાણીથી અને લખાણથી મહેનત કરે છે, પણ જ્યાં સુધી પુરુષો પોતાના સંબંધવાળી સ્ત્રીઓને વ્યવહારમાં યોગ્ય છૂટ નહીં આપે અને... સ્ત્રીઓ પોતાની મેળે યોગ્ય છૂટ નહીં લે ત્યાં સુધી આપણા દેશની સ્ત્રીઓની સ્થિતિ સુધરવાની નથી. એ વિચાર તમારા પ્રાણપ્રિયનો છે ને એથી જ તમે છૂટનું સુખ ભોગવો છો એ જોઈ બહુ સંતોષ પામું છું.’

પુનર્લગ્નના વિષયમાં વિચાર અને આચારની એકવાક્યતા દાખવનાર નર્મદ પોતાના ધણીપણામાં બાંધછોડ કરવા તત્પર નથી એમાં તેની સનાતન પુરુષની ગ્રંથિ કામ કરી રહી છે. ડાહીગૌરીએ તો ખૂંદ્યાં ખમવાનો વિકલ્પ સ્વીકારી ભારે સમત્વબુદ્ધિ દાખવી હતી. તેના તિતિક્ષામય જીવનની અને પતિ પ્રત્યે નિર્વ્યાજ સમર્પણભાવની નર્મદના માનસ પર ઊંડી અસર થઈ હતી. કવિને ટેક છોડવાનો અને નોકરી કરવાનો કપરો સમય આવ્યો. પોતે કવિરાજ મટી કવિદાસ થવાનો, એ વિચારે નર્મદને ભારે આઘાત લાગ્યો હતો. તેના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા આવેલા મિત્રો સમક્ષ ડાહીગૌરીએ છંછેડાયેલી સિંહણની જેમ ગર્જના કરી કહ્યું : ‘મારા ઘરની દીનતા કેાણે જાણી અને કેાણે માની લીધી? મારો રાજા કોઈનો દાસ છે નહીં ને થશે પણ નહીં! ને જો કદાપિ કાળચક્ર એમ જ ફરી ગયું તો તે ક્ષણથી, હું તો એ દૈવી પુરુષની સેવા માત્ર કરવાને જીવન ટકાવી રાખીશ, પણ નિષ્ઠુર સંસારથી વિરક્ત સાધ્વી થઈ તપશ્ચર્યા માત્ર જ મારો ધર્મ સ્વીકારીશ, એ મારી સિદ્ધાંતરૂપ પ્રતિજ્ઞા છે.’ પોતે ડાહીગૌરી જેવી દેવીને જીવનભર દુઃખી કરી તેનો પશ્ચાત્તાપ જીવનના અંતકાળે નર્મદને કોરતો હતો. અંતિમ પળે પોતાના અપરાધોની ક્ષમા યાચતાં તેણે ડાહીગૌરીને કહ્યું હતું : ‘મારી સ્વચ્છંદી ચેષ્ટાથી, ડાહી! તારા સિવાય બીજા કોઈને મેં ઝાઝું નુકસાન કર્યું નથી. તેં બહુ સહન કર્યું; સ્ત્રી સ્વભાવ પ્રકૃતિએ સહનશીલ છે, પણ તેને શોભાવે એવું ધૈર્ય ને શાંતિ તેં અસ્ખલિત જાળવી રાખ્યાં ને ઈશ્વરભાવે મારી નિરંતર સેવા કરી એ તારું ભીષ્મ ગૌરવ સ્વર્ગની દેવીઓને પણ લજ્જિત કરે એવું હોવાથી જ હું ઘણી વાર તને દેવીને નામે બોલાવું છું. તારો ઘોર અપરાધ કર્યો છતાં તારી શુદ્ધ ભક્તિમાં તેં રજમાત્ર ન્યૂનતા રાખી નથી, એ તારો ઉજ્જ્વળ યશ અને મહિમા તારા મુખપટ પર સ્પષ્ટ છબિથી ચિતરાઈ રહ્યાં છે....’ નર્મદાગૌરીને પણ તે ડાહીગૌરીની સેવા કરવાની સૂચના કરતાં કહે છે કે ‘તે તો તારી તથા મારા સમસ્ત સંબંધી જનની ઇષ્ટ દેવી છે.’ ડાહીગૌરીની જીવનતપશ્ચર્યાને આ વચનોથી વિશેષ બીજી કઈ અંજલિ હોઈ શકે? નર્મદાશંકરનું દામ્પત્ય એટલે તેનો સ્વેચ્છાચાર અને ડાહીગૌરીનો તપસ્યાચાર. એમાં વિજયી નીવડ્યો ડાહીગૌરીનો તપસ્યાચાર! ડાહીગૌરીએ પણ નર્મદાગૌરી અને તેના પુત્ર જયશંકરને પાંખમાં લીધાં. નર્મદાગૌરી અને જયશંકરે પણ તેની સેવામાં ગૌરવ ગણ્યું.

નર્મદનાં કાવ્યોમાં સમાજસુધારો એક અગત્યનો વિષય છે. આ સમાજસુધારો મુખ્યત્વે વિધવાઓની વિષમ સ્થિતિના નિવારણ અને પુનર્લગ્નના સમર્થનરૂપ છે. આ વિષયનું મહત્ત્વનું કાવ્ય છે ‘વૈધવ્યચિત્ર’. આ કાવ્યમાં વર્ણવેલી ઘટનાઓ કાલ્પનિક નથી, વાસ્તવિક છે. ‘પુનર્વિવાહ’ના નિબંધના ઉત્તરાર્ધમાં કવિએ વિધવાનાં જે દુઃખો વર્ણવ્યાં છે તેવી જ ઘટનાઓ તત્કાલીન સમાજમાં બનતી. ‘તુલજી-વૈધવ્યચિત્ર-સંવાદ’માં તેમ આ લાંબી રચનામાં આ જ સમાજચિત્રોની એક વિધવા પાત્ર બની છે. બાળલગ્ન અને પછી વૈધવ્યની દ્રાવક કરુણતાનું ચિત્ર કેટલું વેધક છે તે તપાસો :

સમજિ હું નહીં કોણ તે વર, સમજિ ના દીધો કૂમળો કર;
વર અને વહૂ લગ્નથી મળ્યાં, વગર અર્થના શબ્દ તે બળ્યા.

સહિયરોને વરની અને ઘરની વાત કરતી સાંભળી આ નાયિકાને પણ સાસરવાસની હોંશ થઈ ત્યારે માતાએ તેના વૈધવ્યનો ખરખરો કરી, વૈધવ્યધર્મનો બોધ આપ્યો.

ઘરની બહાર તૂં ના જઈશ રે, પુરુષ શું કદી ના વદીશ રે,
ઘરખુણો અરે પાળવો રિતે, ભણવિ નીતિની વાત ને નિતે;
સખિપણાં કદી ના કંઈ કર, સહનશીલતા ધરી છાંડજે છા.

ઘરની ગાય કરતાંય તેની દશા બૂરી હતી. ગાયને તો ચરવા પણ છૂટી મૂકવામાં આવતી હતી, આ બાળા તે સદાની કેદી હતી. યુવાનીએ એનું કામ કર્યું. ફૂટડા પુરુષો જોતાં અને સખીઓ પાસે રતિરહસ્ય જાણતાં તેનો પગ બેચાર વાર આડો પડી ગયો. માતાએ ઓસડિયાં આપી આબરૂ બચાવી લીધી. ધર્મમાર્ગે વાળવા તેને ગુરુ પાસે ભણવા બેસાડી તો ગુરુ ચળ્યો. આ વખતે ઓસડિયાં કામ ન લાગ્યાં એથી મા દીકરીને લઈ ‘જાતરા’એ ગઈ. માતાએ ભ્રૂણહત્યા કરી તેનું વર્ણન નાયિકા આ રીતે આપે છે :

તરત ઓરથી મુખ ઢાંકતી, જણતી ભૂંડિ જે સોડમાં હતી;
‘ન ન ન’ મેં કહ્યું હાથને ધરી, પણ તરછોડી તે મૂકતી છરી.

અનેક વાર આ પ્રકારનાં સ્ખલનોનો ભોગ બનતી, આત્મહત્યાનો પ્રયાસ કરતી આ બાળાની વ્યથા સાંભળી પરધર્મી કોટવાળ પણ હિન્દુ સમાજને સંબોધી શિખામણ આપે છે :

કંઈક રીતથી મંનમાં ધરો, ફરિથિ રાંડિનાં લગ્ન રે કરો;
નફટ હિન્દુની ચાલ છે અરે, શરમ રે હિણા હિન્દુઓ ખરે.

આ પ્રકારનાં અનેક ચિત્રો દ્વારા કવિએ મનુષ્યસ્વભાવની સ્ખલનશીલતા વર્ણવી, તેમાં વિધવા પણ અપવાદરૂપ નથી તે ચીંધી, પુનર્લગ્ન એ જ કલ્યાણ છે એ વિચાર પુરસ્કાર્યો. આ કાવ્યમાં એક વિધવાને અનેક વાર સ્ખલનો અને બળાત્કારનો ભોગ બનતી બતાવી છે. કેટલાંક વર્ણનો અતિ સ્થૂળ અને કલાક્ષતિ કરનારાં છે. છતાં મનનો આવેગ અને દેહની માગ યોગ્ય માવજતને અભાવે કેવાં વકરી જાય છે તે દર્શાવવામાં, જુગુપ્સા નિષ્પન્ન કરી સમાજમાં આ પ્રશ્ને અરેરાટી જન્માવી તેની તરફેણમાં લોકમત કેળવવામાં આ પ્રકારનાં અનેક કાવ્યોએ મહત્ત્વનો ફાળો આપ્યો છે. નવલરામ પંડયાએ નોંધ્યું છે તેમ, ‘આ વૈધવ્યચિત્રે દેશમાં હોહા કરી મૂકી, સુધારાપક્ષ બહુ જોર પર આવ્યો અને જૂના પક્ષને લાગ્યું કે આ કોઈ સમર્થ પુરુષ સામો આવ્યો છે...’ આ જ કાવ્યના અનુસંધાનમાં કવિએ વિધવાની દશા અને વ્યથા રૂપક દ્વારા કેટલાંક બીજાં કાવ્યોમાં વર્ણવી છે અને તે કાવ્યોના સંકલનને પણ ‘વૈધવ્યચિત્ર-બીજો ભાગ’ તરીકે ઓળખાવ્યું છે. એક પદમાં વિધવા નાયિકા પોતાની વ્યથા કઢાઈમાંના તેલના રૂપકથી આ રીતે વર્ણવે છે :

ચૂલે ચ્હડ્યું તેલ ખૂબ તપે, સાહેલી રે,
ધૂમાડો ગોટે ગોટ બની બહુ ઘેલી રે,
છણકો જળ તેમાં પડે, સાહેલી રે,
છણ છણ થાયે મોર, કર સુખ હેલી રે.
તે જ સમે ભડ ભડકો જ, સાહેલી રે,
સળગી ઉભરાયે તેલ, બની બહુ ઘેલી રે;
તેવી હું કઢાઈ તેલ છું, સાહેલી રે,
બળી સહૂ બાળૂં સ્હેલ, કર સુખ હેલી રે.

એ જ કાવ્યમાં પતિસુખને પોપટનું રૂપક આપીને તે કહે છે :

પોપટ બેઠો બારીએ, સાહેલી રે,
દેખી હું દોડી ઝટ્ટ બની બહુ ઘેલી રે;
ઝડપતાં હું ચૂકી ખરે, સાહેલી રે,
ભાંયે પડી હું ભટ્ટ કર સુખ હેલી રે.
પોપટ તો ઊડી ગયો, સાહેલી રે,
દીઠો રંગીલો કામ, બની બહુ ઘેલી રે;
જોતાં જોતાંમાં ગયો સાહેલી રે,
હાથ ઘસી રહી આપ કર, સાહેલી રે.

સંસારસુધારાનાં કાવ્યોમાં પ્રચાર જ છે, કાવ્યત્વ નથી એ આળને આ બે દૃષ્ટાંતો મિથ્યા ઠેરવે છે.

નર્મદાશંકરે ૧૮૬૦ના ઑક્ટો.ની તા. ૫મીએ ‘બુદ્ધિવર્ધક સભા’ના ઉપક્રમે મુંબઈના ટાઉનહૉલમાં દોઢ હજારથી વધારે શ્રોતાઓ સમક્ષ ‘પુનર્વિવાહ’ વિશે ભાષણ આપી ‘વૈધવ્યચિત્ર’ કાવ્યથી કેળવાયેલા લોકમતને વિશેષ દૃઢ કર્યો. પોતાના આ ભાષણની જે લોકવ્યાપી અસર થઈ છે તે વિશે નર્મદે પણ નોંધ લીધી છે :

‘ઉપલું ભાષણ કર્યું ત્યારથી, એ વિષય આખા ગુજરાતમાં ચર્ચાઈ રહ્યો છે. આજકાલ પુરુષ અને સ્ત્રી, મોટાં અને નાહાનાં, પંડીત અને મૂરખ, સર્વેજણ ખાત્રી મળેથી કહે છે કે પુનર્‌-વિવાહ થાય તો સારૂં.’

આ વ્યાખ્યાન-નિબંધના પ્રથમ ખંડમાં પુરાણકાળમાં પણ પુનર્લગ્નનો ચાલ હતો તે દૃષ્ટાંતો દ્વારા દર્શાવી, બીજા ખંડમાં તે પુનર્લગ્ન શાસ્ત્રસમંત છે એમ અનેક સ્મૃતિવચનો ટાંકીને સિદ્ધ કરે છે. ત્રીજો ખંડ વ્યવહારપક્ષનો છે જેમાં તે ‘વૈધવ્યચિત્ર’ કાવ્યમાં અને બીજી અનેક રચનાઓમાં વર્ણવેલાં વિધવાનાં દુઃખોનું વિશેષ વાસ્તવિક અને દારુણ ચિત્ર આલેખે છે. આ ચિત્ર જુઓ :

‘અરે કોઈ બાળક વિધવાને તેના એકાંતમાં નિસાસા મૂકતી જોવી... તેહેને ચારમાં બેઠી છતે પોતાની જ દલગીરીમાં કણકણો ખાતી જોવી... તેહેને વેશ ઉતારતી વખત ટટળતી અને આરડતી જોવી...., એ સઘળું શું માણસજાતની કુમળી છાતી વીંધી નાખીને એકદમ દયાનો ઝોલો આણવાને બસ નથી?’

લોકોના સંવેદનતંત્રને હલબલાવી મૂકતી ભાષણશૈલીમાં તે ઉમેરે છે :

‘રે ભાઈઓ! વિધવા કુકર્મ કરે છે તે જોવાં, તેઓને ગર્ભ રહે તે જોવાં, તેઓ ગર્ભપાત કરે તે જોવા—આવી આવી રીતે કે ધગધગતા અંગારા બચ્ચાંઓનાં મોઢામાં મૂકે છે; કુમળું ડોકું મરડી નાખે છે, રઝળતું રસ્તામાં ફેંકી દે છે, તેના પર છરી મૂકે છે, તેના પર તરતની ઓર કાઢીને ગૂંગળાવે છે એ જોવા એ સૌ શું માણસજાતની કુમળી છાતીને ફાડી નાખનાર તોપના ધણધણતા ગોળા અને તરવારના તીખા ઝાટકા નથી?... વિધવાને ફરીથી ન પરણાવવાથી જે પાપો થાય છે તેટલાં જ પાપો.... પૃથ્વી ઉપર પ્રલય વહેલો આણવાને અને બ્રહ્માંડમાં અંધારૂં કરવાને બસ છે, પણ હિંદુઓમાં જ એ પાપો થાય છે અને બીજા લોકોમાં નથી માટે જ વાર લાગે છે.... ઓ ગૃહસ્થો, વિધવાની દશા જોઈને તેઓની લહાય હોલવવાને અને બંધ છોડવવાને આપણને ઘટે છે કે નહીં ? જો દયાળુ ધર્મી બ્રાહ્મણ વાણિયા છીએ તો એમ કરવું જ, ને કસાઈ હોઈએ તો ન કરવું...’

નર્મદ પ્રથમ કરુણા જાગ્રત કરે છે, તે પછી લોકોની ધર્મભીરુતાને જાગ્રત કરે છે, ભ્રૂણહત્યાના કારણે પ્રલય આવશે એવો ભય દર્શાવે છે, આવાં કર્મો કસાઈનાં છે એમ કહી પોતાની જાત પર તિરસ્કાર આવે એવી સ્થિતિમાં મૂકી, યુક્તિપૂર્વક લોકોને માનસિક રીતે તૈયાર કરી છેવટે ભાવિ પેઢી તો આ ચાલ શરૂ કરશે જ એવી પણ આગાહી કરી, આ સુધારામાં માનવતા છે, કરુણા છે, પુણ્ય છે, દુનિયાદારીનું ડહાપણ છે અને શાસ્ત્રાજ્ઞાનું પાલન પણ છે એમ જડબેસલાક રીતે ઠસાવી દે છે. વૈષ્ણવ મહારાજ જદુનાથ સાથે શાસ્ત્રાર્થને બહાને જે ઝઘડો થયો અને જેમાંથી વિખ્યાત ‘મહારાજ લાયબલ કેસ’ થયો તે મૂળ વિષય પણ ‘વિધવા પુનર્લગ્ન’નો હતો. ‘ગુરુ અને સ્ત્રી’, ‘વિષયી ગુરુ’ અને ‘ગુરુની સત્તા’ આ ત્રણ મહત્ત્વના લેખો સ્ત્રીઓની અને વ્યાપક સંદર્ભમાં સમાજની અંધશ્રદ્ધામાંથી જન્મેલા ભ્રષ્ટાચાર સામે લોકપ્રબોધ માટે લખાયેલા હતા. વલ્લભાચાર્ય માટે નર્મદાશંકરને માન હતું, તેમની નિઃસ્પૃહા, વિદ્યાનિષ્ઠા, ઉદ્યમશીલતા અને વિચક્ષણતાનો તે પ્રશંસક પણ હતો, પરંતુ તેના સમકાલીન કેટલાક વૈષ્ણવાચાર્યો આચાર્યપદને લાયક ન હતા. આ ગુરુઓને તો ‘સેવાનું નામ અને વિલાસનું કામ’ જેવું હતું. નર્મદ કહે છે કે ગુરુનું કાર્ય તો મુક્તિનો માર્ગ દેખાડવાનું છે, પરંતુ ‘યથા દેહે તથા દેવે’ જેવા શાસ્ત્રવચનનો અનર્થ કરી આ આચાર્યોએ કૃષ્ણને નામે સેવકોની સંપત્તિ અને તેમના ઘરની આબરૂ લૂંટવા માંડી. નવું ધાન્ય વગેરે જે કંઈ ઉત્પન્ન થયું હોય તે પ્રથમ દેવ બ્રાહ્મણને નૈવેદ્ય તરીકે ધરી પછી તેનો ઉપભોગ કરવો એ સમાજહિતબુદ્ધિથી યોજાયેલી સમર્પણભાવનાનો વિકૃત અર્થ કરી મહારાજોએ વૈષ્ણવ ભક્તોને ઠસાવ્યું કે તેમની નવી સ્ત્રીઓ પણ પહેલાં તેમને ધરવી. આ મહારાજોએ શબ્દ, રૂપ, સ્પર્શ આદિનાં અનેક આકર્ષણો ઊભાં કરી, ભક્તાણીઓને આકર્ષવા માંડી. મહારાજને ગમતી સ્ત્રીઓને મેળવી આપવા ખાસ માણસો–ખવાસો, ઝાપટિયાઓ અને દાસીઓ તૈયાર જ હોય. ભક્તાણીઓ પણ મહારાજને કૃષ્ણનો અવતાર માનતી. ‘મહારાજે બોલાવી એટલે શ્રીકૃષ્ણે બોલાવી અને પરમપદ પામી ચૂકી, એમ સમજી વે’લી વે’લી જઈને હરખભરી ગાભરી ગાભરી મહારાજનાં... દરશન કરી પ્રસાદી મેળવી ધન્યતા અનુભવતી.’ નર્મદે તો આ વેવલાઈ અને ઉન્માદનું વાસ્તવિક શબ્દચિત્ર આપ્યું છે. આ પ્રકારનું દુરાચરણ કરતા આચાર્યો ગુરુપદને તો શરમાવે જ છે, ઉપરાંત ગુરુતલ્પગનું મહાપાપ પણ કરે છે એમ નર્મદ સ્મૃતિઓના આધારો ટાંકીને પુરવાર કરે છે. શિષ્યની સ્ત્રીનો ભોગ કરવાના ગુરુતલ્પગ પાપનું પ્રાયશ્ચિત્ત તપાવેલા લોખંડની પૂતળીને ભેટી બળી મરવા સિવાય બીજું કાંઈ નથી એમ કહીને તે તેમનાં કર્મોની ભયંકરતા પણ શાસ્ત્રોને આધારે જ દાખવે છે. ગુરુઓનાં આ પાપાચરણની ગંભીરતા અને ભયંકરતા દર્શાવતાં નર્મદની ભાષામાં તેનો પુણ્યપ્રકોપ બરાબર ઊતરી આવ્યો છે. એની ભાષા પણ અંગારા જેવી દાહક બની છે અને દુરાચારી આચાર્યો માટે તે ‘નફકરાં સાંડો’ અને ‘પાડા’ જેવાં વિશેષણો વાપરે છે તો ક્યારેક તેમનાં છિનાળાં ઉઘાડાં પાડતાં અશિષ્ટ શબ્દોનો પણ ઉપયોગ કરી બેસે છે. મહારાજોને આ પ્રકારની પાખંડલીલા કરવાની પ્રેરણા મળી તે ભાગવતની સગુણ ઉપાસનામાંથી પરંતુ નર્મદ ભાગવતના દશમસ્કંધનો હવાલો આપી કહે છે કે ‘ત્યાં શૃંગારાદિક જે વર્ણન કર્યું છે અજ્ઞાન લોકને ભાગવતરસની મિઠાસ દેખાડવા સારુ, બાકી તેમાં મુક્તિ નથી.... કૃષ્ણે આગળથી ગોપીઓને ખૂબ રમાડી પણ પછવાડેથી કેવી રોવડાવી છે?... સાચી અને નિત્ય વાત તે નિર્ગુણ ભક્તિ છે.’ વૈષ્ણવ સ્ત્રીઓ ભાગવતના દશમસ્કંધમાંથી કૃષ્ણલીલાના મહારાજોએ કરેલા વિકૃત અર્થથી વિપથગામી બની હતી. તેથી તેમને સન્માર્ગે લાવવા માટે કૃષ્ણની જ વાણી સાર્થક નીવડે. તે ‘બ્રહ્મવૈવર્ત’ પુરાણમાં કૃષ્ણજન્મખંડમાંના નંદજીને થયેલા ઉપદેશમાંથી જ સ્ત્રીના ધર્મનો બોધ તારવી આપે છે :

‘...નારાયણના ધ્યાન સરીખું પોતાના સ્વામીનું ધ્યાન ધરવું. ઘણા રૂપવાળા અથવા ઘણા સારા વેશવાળા એવા પુરુષ સામું પ્રીતિથી જોવું નહીં.... સ્વામીનો સંગ ક્ષણ માત્ર પણ મૂકવો નહીં. ક્રોધથી સ્વામી ખીજાઈને તાડન કરે, તો પણ સ્ત્રીએ પોતે ક્રોધ કરવો નહીં... સ્વામીને કોઈ કામમાં આજ્ઞા કરવી નહીં. પુત્રના થકી સો ગણો સ્નેહ સ્વામી ઉપર રાખવો. પોતાનો બંધુ, સ્વર્ગની ગતિ આપનાર અને દૈવત તે પોતાનો સ્વામી જાણવો....’

લોઢું લોઢાને કાપે એ ન્યાયે કૃષ્ણવચન અને કર્મના વિકૃત અર્થની સામે અસંદિગ્ધ બોધનું કૃષ્ણવચન મૂકી નર્મદે સ્ત્રીઓને ચારિત્ર્યવાન બનવા, દુરાચારી મહારાજોથી છોડાવવા આ સમાજસ્વાસ્થ્યનું કાર્ય કર્યું છે. વૈષ્ણવ પુરુષોને પણ નર્મદે નીચે પ્રમાણે કેટલીક તાકીદ કરી હતી :

૧. તેમણે તેમની સ્ત્રીઓને અંકુશમાં રાખવી.
૨. શૃંગારનાં ગીતો ન ગાવા દેવાં.
૩. એક જ વાર દર્શન કરવા જવા દેવી.
૪. તેમાંય લોલુપતા દેખાડે તો તે પણ ન જવા દેવી.

{{hi|1em|૫. મહારાજનો ઓછાયો પણ ન પડવા દેવો.}

૬. મહારાજાને લાલ આંખ બતાવી સ્ત્રીવર્ગ તરફ નજર કરવાનું પરિણામ સારું નહિ આવે તેની ચેતવણી આપી દેવી.
૭. દુરાચારી મહારાજોનાં કરતૂતો વર્તમાનપત્રો દ્વારા બહાર લાવવાં અને કાયદાની અદાલતમાં કામ ચલાવવું.

નર્મદે મહારાજો માટે પણ એક આચારસંહિતા ઘડી હતી અને તેનું પાલન ન કરનાર દુષ્ટ મહારાજને બીજા મહારાજોએ ન્યાત બહાર મૂકવા એેવો આગ્રહ રાખ્યો હતો. આ આચારસંહિતામાં મહારાજોએ ભક્તો અને તેમની મા-બહેન-દીકરીઓ પ્રતિ પુત્ર-પુત્રીભાવથી જોવાનો મુદ્દો અગ્રસ્થાને હતો. સુધારક નર્મદ ચોક્કસ માને છે કે પતિવ્રતાપણું એ સ્ત્રીનો ધર્મ છે. લગ્ન પહેલાં જેટલી તજવીજ, ચોકસાઈ ઘટે તે કરવી જ પરંતુ એક વાર લગ્ન થઈ ગયા પછી ‘જેવો નીકળી આવે તેવો ધણી સ્ત્રીએ માન્ય રાખવો, તેના ઉપરથી પ્રીતિ ખસેડવી નહીં અને પારકા પુરુષ ઉપર કનજરે જોવું નહીં’–એ તેનો દૃઢ મત હતો. ‘ધણીની ગેરહાજરી જે સ્ત્રીથી (દેખાડવાને નહીં પણ દીલથી) સ્વાભાવીક રીતે લગાર પણ સંખાતી નથી, તેને ખરી સ્ત્રી કહેવી’ –એ તેની દામ્પત્યજીવનને સફળ બનાવનારી સ્ત્રીની વ્યાખ્યા હતી. નર્મદાશંકર તેના નિબંધોમાં અમુક અંશે સ્ત્રીસ્વાતંત્ર્યનો હિમાયતી જણાય છે. સ્ત્રી પુરુષની મિત્ર છે અને ‘તેઓ એકબીજાંને સુખી કરવાને તથા સૃષ્ટિ વધારવાને જન્મ્યાં છે’, એમ કહીને તે પરસ્પરની શિખામણ મિત્રોની જેમ માનવી, ધણીનો દોષ હોય તો તે પણ એક વાર કબૂલી તક આવ્યે તેને સ્ત્રીએ સુધારવો એવો આચાર રાખવા તે અનુરોધ કરે છે. સમાજમાં સ્ત્રીજાતિને યોગ્ય સ્થાન આપવા અને તેનો ઉત્કર્ષ સાધવા નર્મદે કેટલાંક ખૂબ અગત્યનાં સૂચનો કર્યાં છે, જેમાંથી કેટલાંક ત્યારે પ્રસ્તુત હતાં તેા કેટલાંક આજેય પ્રસ્તુત છે :

૧. માબાપે પોતાની છોકરીઓને પાંચથી માંડી બાર વરસ સુધી સારી રીતે વિદ્યાભ્યાસ કરાવી, પછી ઘરધંધો અને સંસાર ચલાવવાની રીત સમજાવવી.
૨. આ રીતે તૈયાર થયેલી છોકરીને માબાપે ઘટતી સલાહ આપી તેને પસંદ પડતો ગુણી વર જોઈ પરણાવવી કે આગળ તેઓનો સંસાર કુસંપથી વંઠે નહિ.
૩. સ્ત્રીઓમાં લાજ કાઢવાની રીત કાઢી નખાવવી અને સદ્‌ગુણી વિદ્વાન પુરુષો સાથે વાર્તાલાપ કરવાની છૂટ આપવી.
૪. દેશાટન કરાવી, કેવળ ધાર્મિક મહત્ત્વનાં નહિ, પરંતુ ઐતિહાસિક અને ઔદ્યોગિક મહત્ત્વનાં, તેની જિજ્ઞાસા વધે એવાં સ્થળો બતાવવાં.
૫. પરણ્યા પછી દીકરાઓએ માબાપથી જુદા રહેવું. હેત ઉતારવું એમ નહિ—હેત વધારવું. પણ ઘરમાં જેમ વધારે માણસ તેમ વિચાર પણ જુદા હેાય છે. તેથી સવાર પડે કે સાસુ-વહુ, નણંદ-ભોજાઈને લડાઈ ચાલે છે તે નહિ થાય.
૬. પતિએ પત્નીને પુસ્તક વાંચતી જોઈ ગુરુસે ન થવું. ઊલટું નીતિજ્ઞાન, હુન્નરનાં પુસ્તકો વાંચવા અને એ જ્ઞાનથી બાળકોને કેળવવા બાબત પ્રોત્સાહન આપવું.
૭. સ્ત્રીઓ વૈતરી છે એમ નહિ, પણ મદદનીશ પ્રધાન છે એમ તેઓના ધણીઓએ જાણવું.
૮. સ્ત્રીઓને બહાર રહેવાની છૂટ આપવી, જેથી રાત્રિદિવસ ઘરમાં રહેવાથી તેમની પ્રકૃતિમાં બગાડો ન થાય.
૯. વિદ્વાનોએ સ્ત્રી-સુધારા સંબંધી અને તેઓના ઉદ્યોગો સંબંધી પુસ્તકો રચવાં જોઈએ.
૧૦. બાળવિધવાઓનાં ફરી લગ્ન કરાવવાં.
૧૧. સ્ત્રી-સુધારા માટે ફંડ થવાં જોઈએ. ગરીબ સ્ત્રીઓને કામે લગાડવા માટે ન્યાતનાં આવાં ફંડોનો ઉપયોગ થવો જોઈએ.
૧૨. જે સ્ત્રીઓને પુરુષનાં કર્મો કરવાની હોંશ હેાય તેમની પાસે એવાં મરદાની કામો જરૂર કરાવવાં.

આ સૂચનો જોતાં નર્મદ સ્ત્રીશિક્ષણ અને સ્ત્રીસ્વાતંત્ર્યનો હિમાયતી અને તેના જમાના કરતાં સો વર્ષ આગળ હતો એની પ્રતીતિ થાય છે. તેનો કેટલોક મુક્તવિહાર છતાં, ઘરની સ્ત્રીઓને—વિશેષ તો ડાહીગૌરીને તેણે ખૂંદ્યાં ખમવાની ફરજ પાડી હતી છતાં તેણે સુધારા સંબંધી જે કાર્યો કર્યાં, કરાવ્યાં, તેને વિશે કાવ્યો લખ્યાં, નિબંધો લખ્યા, ભાષણો કર્યાં તેનાથી સ્ત્રીમુક્તિનું કેવળ વાતાવરણ જ પેદા ન થયું, તે કાર્યનું પ્રસ્થાન થયું, તેમાં વેગ પણ આવ્યો. પાછળથી ‘ધર્મવિચાર’માં તેના વિચારોમાં થોડું પરિવર્તન આવ્યું, તે નાનીમોટી વિગતમાં. ‘આત્મશક્તિનું જમણું અંગ તે પુરુષ અને ડાબું અંગ તે સ્ત્રી’ કહીને તે સ્વધર્મનિષ્ઠા, પરસ્પર સંતુષ્ટિ અને સત્ત્વશીલતા કેળવી ગૃહયજ્ઞ ઉજ્જ્વલ બનાવવાના અભિગ્રહમાંથી તો ચ્યુત થયો ન હતો. આજે ગુજરાતની સ્ત્રીઓ જે મુક્ત શ્વાસ લઈ શકે છે, પ્રવૃત્તિની જે મોકળાશ અનુભવે છે, પુરુષસમોવડ કાર્યોમાં ઉન્નતિ કરી શકે છે, સ્વમાન અને શીલથી પગભર બની શકે છે તે નર્મદને આભારી છે.


રાજકોટ : ૨૫-૭-૮૩
‘પ્રેમશૌર્યની પુણ્યસ્મૃતિ’ : અખિલ હિંદ મહિલા પરિષદ, સુરત શાખા દ્વારા પ્રકાશિત ‘ફોરમ’નો નર્મદ સાર્ધશતાબ્દી વિશેષાંક : ડિસે. ૧૯૮૩.


પાદટીપ

  1. ‘નર્મદનું મંદિર’ (ગદ્ય વિભાગ)માં પૃ. ૩૪૪ પ૨, સંપાદક વિશ્વનાથ ભટ્ટે આ ચર્ચાનું વર્ષ ‘સન ૧૮૮૧–૮૨’ નોંધ્યું છે. તે સુધારવાપાત્ર છે તે ‘૧૮૭૦’નું છે.

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.