ગુજરાતી બાળવાર્તા સંપદા/સુપડકના રાજાની વાર્તા
ગિજુભાઈ બધેકા
એક હતો રાજા. તે એક વાર શિકારે ગયો. શિકાર પાછળ બહુ દૂર નીકળી ગયો પણ શિકાર હાથ લાગ્યો નહિ. સાંજ પડી જવા આવી અને ભૂખ પણ બહુ લાગી. રાજા રસ્તો ભૂલ્યો હતો એટલે ગામમાં જઈ શકાય એવું ન હતું, તેથી એક વડલા નીચે ભૂખનો વિચાર કરતો બેઠો. એટલામાં વડલા ઉપર તેણે એક ચકી ને એક ચકો જોયાં. ભૂખ બહુ લાગી હતી. એટલે તેણે તેને મારીને ખાઈ જવાનો વિચાર કર્યો. ચકલાંઓ બિચારાં માળામાં શાંતિથી બેઠાં હતાં, ત્યાંથી તેમને પકડી ગળાં મરડી નાખી શેકીને રાજા તો ખાઈ ગયો. રાજાને તો આથી મોટું પાપ લાગ્યું, અને તેથી તરત જ રાજાના કાન સૂપડા જેવા થઈ ગયા. રાજા તો વિચારમાં પડ્યો કે હવે તે કરવું શું ? એ તો રાત્રે ગુપચુપ રાજમહેલમાં પેસી ગયો અને પ્રધાનને બોલાવીને બધી વાત કહી : ‘જાઓ, પ્રધાનજી ! તમે કોઈને આ વાત કહેશો નહિ. અને કોઈને અહીં સાતમે માળે આવવાય દેશો નહિ.’ પ્રધાન કહે : ‘ઠીક.’ પ્રધાને કોઈને વાત કહી નહિ. એટલામાં રાજાને હજામત કરાવવાનો દિવસ આવ્યો એટલે રાજાએ કહ્યું : ‘માત્ર હજામને આવવા દ્યો.’ માત્ર હજામ એકલો જ સાતમે માળ પહોંચ્યો. હજામ તો રાજાના સૂપડા જેવા કાન જોઈ વિચારમાં પડી ગયો ! રાજા કહે : ‘એલા ધનિયા ! જો કોઈને મારા કાનની વાત કરી છે તો ઘાણીએ ઘાલીને તેલ કાઢીશ ! જીવતો નહિ જવા દઉં, સમજ્યો ?’ હજામ હાથ જોડીને કહે : ‘હો, બાપુ ! હું તે કોઈને કહું ?’ પણ હજામની જાત કહેવાય ના ? એટલે વાત પેટમાં ખદબદવા લાગી. ધનિયો આઘો જાય, પાછો જાય અને કોઈને વાત કરવાનો વિચાર કરે. પછી એ તો દિશાએ જવા ગયો. વાત તો પેટમાં ઉછાળા મારે અને મોઢેથી નીકળું નીકળું થાય. છેવટે હજામે જંગલમાં એક લાકડું પડ્યું હતું તેને વાત કહી.
‘રાજા સુપડકન્નો,
રાજા સુપડકન્નો.’
લાકડું આ વાત સાંભળી ગયું એટલે તે બોલવા લાગ્યું,
‘રાજા સુપડકન્નો,
રાજા સુપડકન્નો.’
ત્યાં એક સુતાર આવ્યો. સુતાર લાકડાને આમ બોલતું જોઈને વિચારમાં પડ્યો. તેણે વિચાર કર્યો : ‘લાવ ને આ લાકડાનાં વાજિંત્રો બનાવું અને રાજાને ભેટ ધરું. એટલે રાજા ખુશી તો થાય.’ પછી સુતારે તો એ લાકડાંમાંથી એક તબલું, એક સારંગી અને એક ઢોલકી બનાવ્યાં. સુતાર રાજાને એ નવાં વાજિંત્રો ભેટ દેવા ગયો ત્યારે રાજાએ કહેવરાવ્યું, ‘મહેલમાં નીચે બેઠાં બેઠાં સંભળાવો.’ સુતારે વાજિંત્રો મૂક્યાં એટલે તબલું વાગવા લાગ્યું :--
‘રાજા સુપડકન્નો,
રાજા સુપડકન્નો.’
ત્યાં તો સારંગી ઝીણે સૂરે લલકારવા લાગી :
‘તને કોણે કીધું ?
તને કોણે કીધું ?’
એટલે ઢોલકી ઊંચીનીચી થઈ ઢબક ઢબક બોલવા લાગી,
‘ધનિયા હજામે !
ધનિયા હજામે !’
રાજા આ વાત સમજી ગયો. એટલે સુતારને ઇનામ આપી વાજિંત્રો રાખી લઈ ભરમ ખુલ્લો ન પડે તેમ તેને રવાના કર્યો. પછી ધનિયા હજામને બોલાવ્યો ને પૂછ્યું : ‘બોલ ધનિયા ! તેં કોઈને વાત કહી છે ?’ ધનિયો કહે : ‘શા’બ ! કોઈને નથી કહી. પણ વાત પેટમાં બહુ ખદબદતી હતી એટલે એક લાકડાને કહી છે.’ પછી રાજાએ ધનિયાને કાઢી મૂક્યો ને વાળંદ જેવી જાતને આ વાતની ખબર પડવા દીધી તે માટે પોતે પસ્તાવો કરવા લાગ્યો.