ગુજરાતી બાળવાર્તા સંપદા/મેનાની દિવાળી
નવનીત સેવક
એક નાની નાની છોકરી. નામ મેના. મેના સરકસમાં કામ કરે. ઘણીઘણી કસરતો કરેલી. શરીર તો રબ્બરનું હોય તેવું બની ગયેલું. મેનાને બધા રબ્બરની છોકરી જ કહે! એની અંગકસરતો જોઈને લોકો તડાતડ તાળીઓ પાડે. મેનાના બાપુજી સરકસના માલિક હતા. સરકસ આખા દેશમાં ફર્યા કરતું હતું. તેથી મેનાની દરેક દિવાળી જુદાંજુદાં શહેરોમાં થતી હતી. આમ કોઈ વખત મેના દિવાળી ઊજવી શકતી નહોતી. આ વરસે સરકસ અમદાવાદમાં હતું. આ વખતે મેનાને થયું કે આપણે કંઈ દિવાળી ઊજવ્યા વિના રહેવું નથી. નાનાં બાળકો સાથે આપણે પણ ફટાકડા ફોડીએ અને બધાની સાથે બેસીને મીઠાઈ ખાઈએ તો મજા પડી જાય! નવા વરસને દિવસે મેના સવારમાં સરકસમાંથી નીકળી ગઈ અને ચાલવા લાગી. નદીના પુલ ઓળંગીને મેના ઝપાટાબંધ બીજી બાજુએ પહોંચી ગઈ. અહીંથી થોડેક આઘે મેના ગઈ એટલે તો બંગલા શરૂ થયા. બાળકો ચારેબાજુ ફટાકડા ફોડતા હતા. મેના કોઈકોઈ જગ્યાએ ઊભી પણ રહેતી છતાં તેને કોઈએ બોલાવી નહિ. આમ મેના એક બંગલા પાસેથી પસાર થતી હતી તેવામાં જ બારણું ખૂલ્યું. એક નોકરડી જેવી બાઈએ મેનાને કહ્યું : “પાર્ટી આ બંગલામાં છે, બહેન! આગળ ક્યાં જાઓ છો?” મેના કંઈ બોલી નહિ. નોકરડીએ તેનો હાથ પકડી લીધો. નોકરડી કહે : “ચલો, બધાં ઉપર છે.” મેના મૂંગી થઈ ગઈ. શું બોલવું તેની તેને કંઈ ખબર પડી નહિ. નોકરડી મેનાને ઉપરના ખંડમાં લઈ ગઈ. એક જગ્યાએ કેટલાંય બાળકો ભેગાં થયેલાં હતાં અને એક મોટા ટેબલની આજુબાજુ ખુરશીઓ મૂકેલી હતી તેમાં બેઠાં હતાં. મેનાને પણ નોકરડીએ એક ખુરશીમાં બેસાડી દીધી. થોડી વારમાં બે નોકરો મીઠાઈની નાનીનાની બે થાળીઓ મૂકી ગયા. બાળકોએ મીઠાઈ ખાધી. પછી આઇસક્રીમ આવ્યો. તે પણ બધાંએ ઝાપટ્યો. પછી બધાં બાળકો બંગલાની પાછળ બાગમાં ગયાં. બાગમાં તો જબરી રંગત હતી. અહીં ઝૂલા હતા ને લપસણી પણ હતી. નાનાંનાનાં બે ચગડોળ પણ હતાં. મેનાએ બીજાં બાળકોની સાથે હીંચકા ખાધા. ચકડોળ ઉપર તે બેઠી પણ ખરી. બડી મોજ પડી. ખરેખરી ગમ્મત આવી. બાળકો પછી આંધળો પાટો રમ્યા ને સંતાકૂકડી પણ રમ્યા. એવો આનંદ મેનાને કોઈ દિવસ નહોતો આવ્યો. તેને તો ઘણી નવીનવી બહેનપણીઓ થઈ ને નવાનવા ભાઈબંધો પણ થયા. મેના રમતી હતી તેવામાં જ એક બાઈ ત્યાં આવી. બાઈ બધાં બાળકોને જોતી ઊભી રહી. પછી ઇશારો કરીને તેણે મેનાને કહ્યું : “આમ આવ.” મેના ગભરાઈ ગઈ. મેનાને થયું કે હવે આપણે જરૂર પકડાઈ જઈશું. બોલાવ્યા વગર આપણે અહીં ઘૂસી ગયાં છીએ. તેની ખબર પડી જશે એટલે આપણને અહીંથી કાઢી મૂકશે. મેના આમ વિચારીને ગભરાતી-ગભરાતી એ બહેન પાસે ગઈ. બહેન કહે : ‘દીકરી, ચાલ મારી સાથે.’ આમ કહીને બહેન મેનાને બીજા ખંડમાં લઈ ગયાં. એક સરસ મજાની ખુરશી ઉપર બેસાડી. બહેન બોલ્યાં : “આજે નવું વરસ છે અને વળી મારા દીકરાની વરસગાંઠ પણ છે. મારો દીકરો ઘણો હઠીલો છે. તેને સરકસના રંગલાના ખેલ જોવાનો ઘણો શોખ છે તેથી મેં સરકસવાળા સાહેબને ફોન કરીને એક રંગલાને મોકલવાની વિનંતી કરી હતી પણ તેમણે ના પાડી છે.” “શા માટે ના પાડી છે?” “સાહેબે કહ્યું કે તે અંગત પાર્ટીમાં કોઈને મોકલતા નથી. મેં મારા આદિતને વચન આપ્યું છે અને તે ખૂબ નિરાશ થઈ જશે.” “આન્ટી, હું એ સરકસના સાહેબની જ દીકરી છું. તમે કહો તો હું કંઈક કરી બતાવું.” બહેન બોલ્યા : “તેનાથી રૂડું શું દીકરી?” મેનાને તો મજા પડી ગઈ. તેણે તો તરત જ બગીચામાં જઈને અંગકસરતના દાવ શરૂ કરી દીધા. ઘડીમાં આમ વળે અને ઘડીમાં તેમ. ઝૂલાની પાઈપ પકડીને મેનાએ એવા તો દાવ કર્યા કે નાની ઊર્વિનું મોં ફાટી ગયું. બધાં બાળકો ખૂબ ખુશ થઈ ગયાં. આદિત તો તાળીઓ પાડવાનું બંધ જ નહોતો કરતો. આમ મેનાએ તો રંગ જમાવી દીધો. બાળકો ખુશખુશ થઈ ગયાં. આદિતની મમ્મી તો સહુથી વધારે ખુશ હતી. છેલ્લે બધાં જમ્યાં અને બહુ બધા ફટાકડા ફોડ્યા. આદિતનો તો વટ પડી ગયો. પાર્ટી પતી પછી મેના પાછી સરકસમાં જવા નીકળી ત્યારે આદિતનાં મમ્મીએ કહ્યું : “મેના, ઊભી રહે. તેં અમને ખૂબ મજા કરાવી છે એટલે અમારા સહુ તરફથી આ નાનકડી ભેટ લે.” મેનાએ ભેટ ખોલીને જોયું તો તેમાં બહુ બધા ફટાકડા અને મીઠાઈઓ હતાં. આદિતની મમ્મીએ આગળ કહ્યું, “અને જ્યાં સુધી તમારું સરકસ શહેરમાં રહે ત્યાં સુધી તારે રોજ અમારે ત્યાં આવવાનું છે અને ફટાકડા ફોડવાના છે…” મેના ખુશ ખુશ થઈ ગઈ. આખરે મેનાની દિવાળી સરસ ઊજવાઈ હતી.